Author: samachardairyx7

  • ‘અહીં કેમેરા તમારી ઉપર છે’: સમય રૈનાએ આલિયા ભટ્ટને રોસ્ટ કરી, લેટેન્ટ-2નો પહેલો એપિસોડ વાયરલ

    લેટેન્ટ-2 સાથે સમય રૈનાની વાપસી

    ગયા વર્ષે વિવાદોમાં સપડાયેલા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો હવે નવા સીઝન સાથે પરત ફર્યો છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ના પહેલા એપિસોડમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ મહેમાન તરીકે પહોંચ્યા હતા. એપિસોડ દરમિયાન સમય રૈના અને આલિયા ભટ્ટ વચ્ચે થયેલી રોસ્ટિંગ અને મજાક-મસ્તી સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

    ‘મને અહીં આવીને પસ્તાવો થાય છે’

    શો દરમિયાન સમય રૈનાએ આલિયા ભટ્ટનું સ્વાગત કરતાં કહ્યું કે તેને વિશ્વાસ નથી થતો કે આલિયા શોના પહેલા એપિસોડમાં આવી છે. જવાબમાં આલિયાએ મજાકીય અંદાજમાં કહ્યું, “મને હવે થોડો પસ્તાવો થઈ રહ્યો છે.” આ સાંભળીને સમય રૈનાએ તરત જ કટાક્ષ કર્યો, “મને પણ ‘જિગરા’ જોઈને પસ્તાવો થયો હતો.” સમયની આ ટિપ્પણી સાંભળીને આલિયા અને શર્વરી બંને હસી પડ્યા હતા.

    આલિયાએ પણ આપ્યો ચપળ જવાબ

    સમયની ટિપ્પણી બાદ આલિયાએ પણ તરત જવાબ આપતાં કહ્યું, “ઓછામાં ઓછું તમે ફિલ્મ તો જોઈ.” આ જવાબ બાદ સ્ટેજ પર હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા.

    ‘ક્યાં કાન, ક્યાં લેટેન્ટ’

    સમય રૈનાએ આગળ આલિયાને કહ્યું કે, “તમારી ફિલ્મોએ હજારો કરોડની કમાણી કરી છે, તમારી પાસે ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ છે, તો પછી તમે અહીં શા માટે આવ્યા છો? ક્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ અને ક્યાં લેટેન્ટ. અને અહીં કેમેરા તમારી ઉપર છે.” સમયનો આ કટાક્ષ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોને લઈને હતો, જેમાં કેટલાક કેમેરામેન આલિયાને અવગણતા દેખાયા હતા.

    કપિલ શર્માનો ઉલ્લેખ કરી આલિયાએ લીધો જવાબ

    સમયના કટાક્ષ બાદ આલિયા ભટ્ટે કહ્યું, “અમે બધા લોકોને હસાવવા માટે કપિલ શર્માના ખૂબ આભારી છીએ.” આ સાંભળીને સમય રૈનાએ ફરી મજાક કરતાં કહ્યું, “આલિયા જી, અહીં તમે ફની થઈ ગયા. ઝાકિર ભાઈ સાથે શું થઈ ગયું હતું?” તાજેતરમાં એક એવોર્ડ શોમાં આલિયા ભટ્ટ અને કોમેડિયન ઝાકિર ખાને સાથે હોસ્ટિંગ કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી.

    શર્વરી વાઘને પણ બનાવી મજાકનો વિષય

    એપિસોડમાં હાજર શર્વરી વાઘને સમય રૈનાએ મજાકમાં ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે શર્વરીને પૂછવામાં આવ્યું કે તેણે લેટેન્ટના અગાઉના એપિસોડ જોયા છે કે નહીં, ત્યારે તેણે જવાબ આપ્યો કે તેણે શોના વીડિયો ન્યૂઝ ચેનલો પર જોયા છે. આ જવાબ સાંભળીને સમય સહિત સમગ્ર પેનલ હસી પડી હતી.

    ટ્રમ્પ બની આવેલા સ્પર્ધકે રણબીરની ઉડાવી મજાક

    એપિસોડનો સૌથી ચર્ચાસ્પદ ભાગ ત્યારે આવ્યો જ્યારે એક સ્પર્ધક અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગેટઅપમાં સ્ટેજ પર આવ્યો. તેણે મજાકમાં કહ્યું, “હું ખુશ છું કે આ એક્ટ્રેસ રણબીર બર્બાદિયા સાથે નથી, કારણ કે તે મને ખૂબ ડરાવે છે.” આ વાત સાંભળીને આલિયા થોડા સમય માટે ચોંકી ગઈ હતી. પછી સ્પર્ધકે સ્પષ્ટતા કરી કે તે અભિનેતા રણબીર કપૂરની નહીં પરંતુ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદમાં ચર્ચામાં આવેલા રણવીર અલાહાબાદિયાની વાત કરી રહ્યો હતો. ત્યારબાદ આલિયાએ રાહતનો શ્વાસ લીધો.

    ‘એક્ટ્રેસને સ્ક્રિપ્ટ અને ડિરેક્ટર આપો’

    બાદમાં આલિયાને ટ્રમ્પ બનેલા સ્પર્ધકને પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી હતી. જોકે આલિયા તરત કોઈ પ્રશ્ન વિચારી શકી નહીં. આ જોઈને સ્પર્ધકે કહ્યું,”એક્ટ્રેસને સ્ક્રિપ્ટ અને ડિરેક્ટર આપો.” આ ટિપ્પણી બાદ સ્ટેજ પર હાજર લોકો જોરદાર હસી પડ્યા હતા અને સ્પર્ધકને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું.

    વિવાદ બાદ ફરી ચર્ચામાં લેટેન્ટ

    નોંધનીય છે કે ગયા વર્ષે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો વિવાદોમાં સપડાયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે નવા સીઝનના પહેલા જ એપિસોડે ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે અને સમય રૈનાની રોસ્ટિંગ સ્ટાઈલ ફરી એકવાર દર્શકોને પસંદ આવી રહી છે.

     

  • ભારતીય નેવીમાં સામેલ થયા 3 ઘાતક યુદ્ધ જહાજો: INS દૂનાગીરી, અગ્રય અને સંશોધકથી ચીન-પાકિસ્તાનની વધશે ચિંતા

    ભારતીય નૌકાદળને મળી નવી તાકાત

    ભારતીય નૌકાદળમાં ત્રણ નવા સ્વદેશી યુદ્ધ જહાજો INS દૂનાગીરી, INS સંશોધક અને INS અગ્રયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ત્રણેય જહાજો સત્તાવાર રીતે નેવીમાં સામેલ થયા હતા. દેશમાં ડિઝાઇન અને નિર્માણ કરાયેલા આ યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો કરશે.

    પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો

    કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત હવે માત્ર સંરક્ષણ સાધનો ખરીદનાર દેશ બની રહેવા માંગતું નથી. તેમણે કહ્યું કે આ જહાજો ભારતીય ઇજનેરોની કુશળતા અને આત્મનિર્ભર ભારતની શક્તિનું પ્રતિક છે. ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદક અને વૈશ્વિક સ્તરે નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે આગળ વધી રહ્યું છે.

    INS દૂનાગીરી: બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ સ્ટીલ્થ ફ્રિગેટ

    INS દૂનાગીરી પ્રોજેક્ટ-17Aનું પાંચમું સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધ જહાજ છે.

    આ જહાજની મુખ્ય વિશેષતાઓ:

    • 8 બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલોથી સજ્જ
    • દુશ્મનના રડારથી બચી શકે તેવી સ્ટીલ્થ ટેક્નોલોજી
    • હેલિકોપ્ટર ઓપરેશન ક્ષમતા
    • પૂર્વીય નૌકા કમાન્ડમાં તહેનાત કરાશે

    INS દૂનાગીરી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક તાકાત વધારશે.

    INS સંશોધક: સમુદ્રનો નકશો તૈયાર કરનાર જહાજ

    INS સંશોધકનું મુખ્ય કાર્ય યુદ્ધ નહીં પરંતુ સમુદ્રનો સર્વે અને સંશોધન કરવાનું છે.

    આ જહાજ:

    • 12,000 કિલોમીટર સુધી સતત સફર કરી શકે છે
    • દરિયાઈ નકશા (Nautical Charts) તૈયાર કરે છે
    • સમુદ્રની ઊંડાઈ અને ભૂગર્ભ માહિતી એકત્ર કરે છે
    • Autonomous Underwater Vehicle અને Remote Operated Vehicle જેવી સિસ્ટમથી સજ્જ છે

    આ જહાજ બંદરો, દરિયાઈ માર્ગો અને સુરક્ષા કામગીરી માટે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે.

    INS અગ્રય: દુશ્મન સબમરીન માટે કાળ

    INS અગ્રય અર્નાલા ક્લાસનું એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે.

    તેની મુખ્ય ક્ષમતાઓ:

    • દુશ્મન સબમરીન શોધી નષ્ટ કરી શકે
    • હળવા ટોર્પિડો અને રોકેટ લોન્ચરથી સજ્જ
    • અત્યાધુનિક સોનાર સિસ્ટમ
    • સાયલન્ટ મોડ ટેક્નોલોજીથી દુશ્મનના રડારથી બચી શકે

    ભારતીય કિનારાની સુરક્ષા માટે INS અગ્રય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    ભારતીય નૌકાદળ પાસે કેટલા યુદ્ધ જહાજો છે?

    હાલ ભારતીય નૌકાદળ પાસે અંદાજે 140થી 145 સક્રિય યુદ્ધ જહાજો છે.

    ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં:

    • 150થી 160 યુદ્ધ જહાજોનો કાફલો તૈયાર કરવાનો
    • હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક પ્રભુત્વ વધારવાનો
    • ચીન અને પાકિસ્તાનની દરિયાઈ ગતિવિધિઓ પર વધુ અસરકારક નજર રાખવાનો

    ચીન અને પાકિસ્તાન માટે કેમ મહત્વપૂર્ણ?

    પૂર્વીય નૌકા કમાન્ડમાં તહેનાત INS દૂનાગીરી જેવા જહાજો બંગાળની ખાડી અને મલક્કા સ્ટ્રેટ વિસ્તારમાં ચીનની દરિયાઈ હલચલ પર નજર રાખશે. જ્યારે પશ્ચિમ કમાન્ડના જહાજો અરબ સાગરમાં પાકિસ્તાનની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. નવી ક્ષમતાઓ સાથે ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનશે..

  • મોરબીમાં ખેડૂતોનો અનોખો વિરોધ: માથું મુંડાવી ‘અદાણીની માનવતા’નું બેસણું, વળતર મુદ્દે આંદોલન ઉગ્ર

    જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ તેજ

    મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં ઉભા કરાતા વીજપોલ અને તેના વળતરને લઈને ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા આપવામાં આવતું વળતર ખૂબ જ ઓછું છે અને ખેતરોને થતા નુકસાનની કોઈ યોગ્ય ભરપાઈ કરવામાં આવી રહી નથી. આંદોલનના ભાગરૂપે ખેડૂતો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

    મુંડન કરાવી વિરોધ, ઉપવાસી છાવણીમાં બેસણું યોજાયું

    શનિવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે ખેડૂતો દ્વારા પ્રતિકાત્મક બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોનું કહેવું હતું કે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની “માનવતા મરી પરવારી છે”, જેના વિરોધ સ્વરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પહેલા પણ 15થી વધુ ખેડૂતો મુંડન કરાવી ચૂક્યા છે. શનિવારે વધુ ખેડૂતો આ વિરોધમાં જોડાતા આંદોલનને નવી ગતિ મળી હતી.

    ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ લખેલા પોસ્ટરો સાથે વિરોધ

    વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક ખેડૂતો ગળામાં રાજકીય સૂત્રો લખેલા પોસ્ટરો પહેરીને દેખાયા હતા. જેના કારણે સમગ્ર વિરોધ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓ સાંભળવામાં આવતી નથી અને યોગ્ય વળતર વિના જ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

    ત્રણ મહિલાઓ સહિત નવ લોકો આમરણાંત ઉપવાસ પર

    ગામમાં ગુરુવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ લોકો ઉપવાસ પર બેઠા હોવાનું ખેડૂત આગેવાનોનું કહેવું છે. ખેડૂતોનો દાવો છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અંગે નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

    ‘પહેલા વળતર, પછી વીજપોલ’ની માંગ

    આંદોલનકારીઓની મુખ્ય માંગ છે કે ખેતરોમાં વીજપોલ ઉભા કરતા પહેલાં ખેડૂતોને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે. તેમનું કહેવું છે કે વીજપોલના કારણે ખેતીલાયક જમીનને નુકસાન થઈ રહ્યું છે અને કેટલીક જગ્યાએ વાવણી પણ શક્ય નથી રહી.

    મોરબી જિલ્લાના ખેડૂતોનું સમર્થન

    શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી તાલુકા ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોએ આ લડતને તન, મન અને ધનથી ટેકો આપવાની જાહેરાત કરી હતી. વિવિધ સામાજિક સંગઠનો અને ખેડૂત આગેવાનોએ પણ આંદોલનને સમર્થન આપ્યું હતું.

    ધવલ પટેલનો આક્ષેપ

    વિરોધ દરમિયાન મુંડન કરાવનાર ધવલ પટેલે જણાવ્યું હતું કે કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી. તેમણે કહ્યું કે શરૂઆતમાં 11 લોકો મુંડન કરવાના હતા, પરંતુ ખેડૂતોમાં રોષ એટલો વધુ હતો કે 17થી વધુ લોકો સ્વયંસ્ફૂર્ત રીતે વિરોધમાં જોડાયા.

    રાકેશ અમૃતિયાએ આપી ચીમકી

    આંદોલનમાં જોડાયેલા રાકેશ અમૃતિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈને યોગ્ય વળતર મળ્યું નથી. તેમણે કહ્યું કે હાલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે, પરંતુ જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક કાર્યક્રમો પણ આપવામાં આવી શકે છે.

    ખેડૂતો માગ પર અડગ

    ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર વીજપોલની કામગીરી સ્વીકારવામાં નહીં આવે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત યથાવત્ રહેશે.

  • અમદાવાદમાં Re-NEET દરમિયાન હિજાબ મુદ્દે હોબાળો: વાલીઓનો સવાલ- હિજાબ મંજૂર તો રૂમાલ અને કંઠી કેમ નહીં?

    ગુજરાતમાં Re-NEET પરીક્ષા વચ્ચે અમદાવાદમાં હિજાબ મુદ્દે વિવાદ

    NEET-UG પેપર લીક બાદ રદ કરાયેલી પરીક્ષાનું આજે રાજ્યભરમાં પુનઃ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના એક પરીક્ષા કેન્દ્ર પર હિજાબ મુદ્દે વિવાદ ઉભો થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદની આર.જે. ટીબ્રવાલ કોલેજ ખાતે કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો કે હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે અગાઉ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી ધાર્મિક ચિહ્નો દૂર કરાવવામાં આવ્યા હતા.

    વાલીઓએ ઉઠાવ્યા ભેદભાવના સવાલો

    વિદ્યાર્થીનીના વાલી ખુશ્બુ મહેશ્વરીએ જણાવ્યું કે તેમની દીકરી તમામ ગાઈડલાઈનનું પાલન કરીને પરીક્ષા આપવા આવી હતી. હાથના દોરા, કંઠી સહિતની તમામ વસ્તુઓ કાઢી રાખી હતી. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની કંઠી અને દોરા ઉતરાવવામાં આવ્યા હતા, જ્યારે હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીને અંતે પરીક્ષા આપવા દેવામાં આવી હતી. આથી વાલીઓમાં પ્રશ્નો ઊભા થયા કે નિયમો દરેક માટે સમાન કેમ નથી.

    કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે કડક ચેકિંગ

    Re-NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત રાજ્યભરના કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોજાં ઉતરાવીને તપાસ, ડબલ લેયર ચેકિંગ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને પ્રતિબંધિત વસ્તુઓ અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કેન્દ્રોની બહાર NTAની ગાઈડલાઈન અને પ્રતિબંધિત વસ્તુઓની યાદી પણ લગાવવામાં આવી હતી.

    અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ

    અમદાવાદ શહેરમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન સર્વેલન્સ, CCTV મોનિટરિંગ અને સાયબર ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી હતી.

    પેપર લીક બાદ વિદ્યાર્થીઓમાં તણાવ

    અગાઉ પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વધારાના એક મહિનાના સમય દરમિયાન તૈયારી માટે વધુ તક મળી હતી, પરંતુ ફરી કોઈ ગેરરીતિ ન થાય અને પેપર લીક ન થાય તેવી ચિંતા હજુ પણ યથાવત્ હતી.

    વાલીઓએ જવાબદારી નક્કી કરવાની માગ કરી

    કેટલાક વાલીઓએ NEET પેપર લીક જેવી ઘટનાઓ માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે વારંવાર ચેડાં ન થવા જોઈએ અને પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક તથા વિશ્વસનીય બનાવવી જોઈએ.

  • ગંગા ઘાટ પર ગોદડી પાથરી સૂતા જોવા મળ્યા સુનીલ ગ્રોવર: ઋષિકેશમાં સાધુઓ સાથે વિતાવી રાત

    ઋષિકેશના ગંગા ઘાટ પર દેખાઈ સુનીલ ગ્રોવરની અનોખી અંદાજ

    કોમેડી અને મિમિક્રીથી કરોડો લોકોના દિલ જીતનાર જાણીતા કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સુનીલ ગ્રોવર યોગનગરી ઋષિકેશના ત્રિવેણી ઘાટ પર સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગોદડી પાથરીને સૂતા જોવા મળે છે. તેમનો આ સરળ અને સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

    ‘તારે જમીન પર’ લખીને શેર કર્યો વીડિયો

    સુનીલ ગ્રોવરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોને શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું – “તારે જમીન પર”. વીડિયોમાં સુનીલ ઓલિવ ગ્રીન ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળે છે. કોઈ ખાસ સુરક્ષા કે લક્ઝરી વિના તેઓ નાનકડી ગોદડી પર હાથને ઓશીકું બનાવી આરામ કરતા નજરે પડે છે. આસપાસ સાધુ-સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ પણ સૂતા જોવા મળે છે, જેનાથી આ દ્રશ્ય વધુ આધ્યાત્મિક લાગે છે.

    ચાહકોએ કર્યા સાદગીના વખાણ

    વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્રિટીઓએ સુનીલ ગ્રોવરની સાદગીની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે લખ્યું કે કરોડોની સંપત્તિ હોવા છતાં સુનીલ પોતાના મૂળિયાં સાથે જોડાયેલા છે. કેટલાકે તેમને સૌથી ડાઉન ટુ અર્થ અભિનેતા ગણાવ્યા, જ્યારે અન્યોએ તેમની જીવનશૈલીને પ્રેરણાદાયક ગણાવી.

    મિમિક્રીથી ફરી જીત્યા હતા ચાહકોના દિલ

    તાજેતરમાં સુનીલ ગ્રોવરે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આમિર ખાનની મિમિક્રી કરીને ભારે પ્રશંસા મેળવી હતી. આમિર ખાને પણ તેમની મિમિક્રી જોઈને કહ્યું હતું કે, “મને લાગ્યું કે હું પોતાને જ જોઈ રહ્યો છું.” તે ઉપરાંત જાવેદ અખ્તરની હાજરીમાં તેમની મિમિક્રી કરીને પણ સુનીલે દર્શકોને હસાવ્યા હતા.

    કરોડોની નેટવર્થ છતાં સાદગીભર્યું જીવન

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનીલ ગ્રોવર એક ફિલ્મ માટે અંદાજે 50 થી 60 લાખ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે ટીવી શોના એક એપિસોડ માટે 10 થી 15 લાખ રૂપિયા સુધી ફી લે છે. કરોડોની નેટવર્થ હોવા છતાં ગંગા ઘાટ પર સામાન્ય શ્રદ્ધાળુઓ વચ્ચે રાત વિતાવતો તેમનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

  • ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવનની ચેતવણી: 25 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    ગુજરાતમાં વરસાદી માહોલ, દરિયાકાંઠે એલર્ટ જાહેર

    રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ (ICR-ER) દ્વારા માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરિપત્ર મુજબ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠે ખરાબ હવામાન અને તોફાની પવનની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે દરિયામાં જનારાઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

    20 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી

    હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાતાવરણ અસ્થિર રહેવાની સંભાવના છે.

    દરિયામાં 60 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20થી 21 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.  કેટલાક સમયે તેની ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ત્યારબાદ 23થી 24 જૂન દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ગુજરાત અને કોંકણ કાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે વરસાદી ઝાપટાં દરમિયાન તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

    24થી 25 જૂન સુધી ખરાબ હવામાન યથાવત્ રહેશે

    હવામાન વિભાગે જણાવ્યું છે કે 24થી 25 જૂન દરમિયાન પણ ગુજરાત તથા ઉત્તર કોંકણના દરિયાકાંઠે તોફાની પવન અને ખરાબ હવામાનની સ્થિતિ યથાવત્ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં ઊંચા મોજા અને જોખમી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના હોવાથી માછીમારોને વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે.

    માછીમારોને ઊંડા દરિયામાં ન જવા સૂચના

    ગુજરાતમાં અંદાજે 36 હજારથી વધુ માછીમારી બોટ કાર્યરત છે અને રાજ્યની માછીમાર વસ્તી લગભગ 5.86 લાખ જેટલી છે. રાજ્ય દર વર્ષે 7થી 8.7 લાખ મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન કરે છે. આ વિશાળ માછીમારી વ્યવસાયને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને ઊંડા સમુદ્રમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

    અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ એલર્ટ

    ગુજરાત ઉપરાંત અરબી સમુદ્રના અનેક વિસ્તારો અને બંગાળની ખાડીમાં પણ ભારે પવન અને ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે. તંત્રે તમામ બંદરો, ફિશિંગ હાર્બર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ કર્યું છે.

    તંત્રની અપીલ

    હવામાન વિભાગ અને રાજ્ય તંત્ર દ્વારા માછીમારો, બોટ સંચાલકો અને દરિયાકાંઠાના રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા, હવામાન અપડેટ પર નજર રાખવા અને જોખમી હવામાન દરમિયાન દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.

  • દેશનો સૌથી મોટો IPO લાવશે Jio: ₹37,700 કરોડ એકત્ર કરવાની તૈયારી, મુકેશ અંબાણીએ AGMમાં કરી મોટી જાહેરાત

    Jio IPOથી ઇતિહાસ રચવાની તૈયારી

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ચેરમેન મુકેશ અંબાણીએ Jio Platformsના IPOની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ IPO માટે SEBI સમક્ષ Draft Red Herring Prospectus (DRHP) ફાઇલ કર્યું છે. આ IPO દ્વારા કંપની આશરે 27 કરોડ નવા શેર જારી કરીને લગભગ 4 બિલિયન ડોલર એટલે કે ₹37,700 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPO સફળ રહ્યો તો તે ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO બની શકે છે.

    2થી 3 મહિનામાં IPOને મળી શકે મંજૂરી

    SEBI દ્વારા દસ્તાવેજોની ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ IPO બજારમાં લાવવામાં આવશે. નિષ્ણાતોના મતે બજારની સ્થિતિ અનુકૂળ રહી તો IPO વર્ષના અંત સુધી અથવા આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. શેરની ઇશ્યૂ પ્રાઇસ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    Jio Platforms શું કરે છે?

    Jio Platforms રિલાયન્સ ગ્રુપની ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓ સાથે જોડાયેલી કંપની છે. ભારતમાં સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક ચલાવવા ઉપરાંત કંપની 5G, AI, ક્લાઉડ અને ડિજિટલ સોલ્યુશન્સ ક્ષેત્રે પણ કાર્યરત છે. કંપની વિશ્વભરની ટેલિકોમ કંપનીઓને 5G નેટવર્ક, AI ટૂલ્સ અને એડવાન્સ્ડ સોફ્ટવેર સોલ્યુશન્સ પૂરા પાડે છે.

    મુંબઈમાં મેડિકલ સિટી અને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી

    AGM દરમિયાન મુકેશ અંબાણીએ મુંબઈ માટે અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા “Coastal Garden” નામનો વિશાળ અર્બન ગ્રીન પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. ઉપરાંત મુંબઈમાં 410 એકરમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપવાની યોજનાને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.

    Vanatara Universityની પણ શરૂઆત થશે

    અનંત અંબાણીના વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ Vanataraને આગળ વધારતા હવે Vanatara Universityની શરૂઆત કરવામાં આવશે. આ યુનિવર્સિટીમાં Wildlife Conservation, Veterinary Science અને પ્રાણી સારવાર ક્ષેત્રે વિશ્વસ્તરીય શિક્ષણ અને સંશોધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    AI અને સેટેલાઇટ ટેક્નોલોજીમાં મોટું રોકાણ

    Jio Platformsના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું કે કંપની પોતાનું Low Earth Orbit (LEO) Satellite Network વિકસાવવા માટે કામ કરી રહી છે. જામનગરમાં Reliance Intelligence દ્વારા 120 મેગાવોટ ક્ષમતાવાળું AI Backbone તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે 2026ના અંત સુધી શરૂ થવાની સંભાવના છે. કંપની NVIDIA GB300 GPUનો ઉપયોગ કરીને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહી છે.

    ભારતીય ભાષાઓ માટે AI બનાવશે Jio

    આકાશ અંબાણીએ જણાવ્યું કે Jio ભારતીય ભાષાઓ માટે ખાસ AI પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે. કંપનીનો હેતુ AIને દરેક ભારતીય સુધી પહોંચાડવાનો છે, જેથી ટેક્નોલોજીનો લાભ માત્ર અંગ્રેજી જાણતા લોકો સુધી સીમિત ન રહે.

    Jio Call Agent: AI Voice Assistant લોન્ચ થશે

    Jio ટૂંક સમયમાં “Jio Call Agent” નામનો AI Voice Assistant લોન્ચ કરશે. આ સર્વિસ સીધી Jio નેટવર્ક સાથે જોડાયેલી હશે અને કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર માત્ર “Hey Jio” બોલીને AI Assistantને એક્ટિવ કરી શકશે. આ AI Assistant કોલની સમરી બનાવી શકશે, રિમાઇન્ડર સેટ કરી શકશે, કેબ બુક કરી શકશે, ફૂડ ઓર્ડર કરી શકશે અને મીટિંગ પણ શેડ્યૂલ કરી શકશે.

    Jioના 52.4 કરોડ યુઝર્સ

    કંપનીએ જણાવ્યું કે Jioનો ગ્રાહક આધાર હવે 52.4 કરોડને પાર કરી ગયો છે. જ્યારે 1.3 કરોડથી વધુ ઘરો Jio AirFiber સાથે જોડાઈ ચૂક્યા છે. Jio હાલમાં ચીન સિવાયના વિશ્વના સૌથી મોટા 5G યુઝર બેઝ ધરાવતું ટેલિકોમ નેટવર્ક બની ગયું છે.

    Reliance Retailનો પણ મજબૂત વિકાસ

    ઈશા અંબાણીએ જણાવ્યું કે Reliance Retailના નોંધાયેલા ગ્રાહકોની સંખ્યા 38.7 કરોડ સુધી પહોંચી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 દરમિયાન 1.93 અબજ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યા છે. JioMart હવે 3,100થી વધુ સ્ટોર્સ સાથે દેશનું સૌથી મોટું Quick Commerce નેટવર્ક બની ગયું છે.

    ચોથા ક્વાર્ટરમાં નફામાં ઘટાડો

    નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં Reliance Industriesનો નફો 13 ટકા ઘટીને ₹16,971 કરોડ રહ્યો હતો. જોકે કંપનીની કુલ આવકમાં 13 ટકાનો વધારો નોંધાયો હતો અને આવક ₹2.98 લાખ કરોડ સુધી પહોંચી હતી.

  • રાજકોટમાં 2.47 કરોડની સનસનાટીભરી લૂંટ: વૃદ્ધને બંધક બનાવી રોકડ-સોનું અને રાયફલ લૂંટી ફરાર

    રાજકોટમાં મધરાતે 2.47 કરોડની ધાડથી ચકચાર

    રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં મધરાતે કરોડોની સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં ઘૂસેલા બુકાનીધારી લૂંટારાઓએ તેમને બંધક બનાવી રૂ.2.47 કરોડની રોકડ, સોનાના દાગીના, રાયફલ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી.

    મોઢે ડૂચો દઈ વૃદ્ધને બનાવ્યા બંધક

    માહિતી મુજબ ગત રાત્રે આશરે દોઢ વાગ્યે 4થી 5 બુકાનીધારી શખ્સો દરવાજો તોડીને ઘરમાં ઘૂસ્યા હતા. અવાજ થતાં જાગી ગયેલા જીતેન્દ્રસિંહ જાડેજાને એક લૂંટારાએ લોખંડની પાઇપ સાથે કાબૂમાં લઈ મોઢું દબાવી દીધું હતું. ત્યારબાદ અન્ય શખ્સોએ ઘરની તિજોરી અને કબાટ તોડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી.

    2.47 કરોડ રોકડા, સોનું અને રાયફલની લૂંટ

    લૂંટારાઓ ઘરમાંથી અંદાજે રૂ.2 કરોડ 47 લાખની રોકડ રકમ, અંદાજે રૂ.2 લાખના સોનાના દાગીના, બાર બોરની લાઇસન્સવાળી રાયફલ તેમજ મોબાઇલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.લૂંટ બાદ આરોપીઓ વૃદ્ધને એક રૂમમાં પૂરીને નાસી છૂટ્યા હતા.

    દીકરાને ફોન કરી ઘટનાની જાણ કરી

    લૂંટારાઓ ભાગી ગયા બાદ જીતેન્દ્રસિંહ જાડેજાએ કોઈ રીતે રૂમનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ અન્ય રૂમમાં રહેલા પત્નીના મોબાઇલ ફોનથી રાજકોટમાં રહેતા તેમના પુત્ર જયવિરસિંહ જાડેજાને ઘટનાની જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક શાપર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

    પેટ્રોલ પંપ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો પરિવાર

    જીતેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જયવિરસિંહ ઉર્ફે ટીનુભા જાડેજા શાપરમાં મારૂતિ પેટ્રોલ પંપ ચલાવે છે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જમીન વેચાણના વ્યવહારોને કારણે મોટી રકમ ઘરમાં રાખવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

    રેકી બાદ ધાડ પાડવામાં આવી હોવાની આશંકા

    પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટ પાછળ જાણભેદુઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની માહિતી અને વૃદ્ધ એકલા રહેતા હોવાની જાણકારી આરોપીઓને પહેલેથી જ હોવાની શક્યતા સામે આવી છે. જેથી લાંબા સમયથી રેકી કરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

    પારડી નજીક શકમંદો CCTVમાં કેદ

    લૂંટની જાણ થતાં જ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ઉપરાંત CCTV ફૂટેજની તપાસ દરમિયાન પારડી નજીક કેટલાક શકમંદો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

    પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં

    આ સમગ્ર મામલે રૂરલ SOG, LCB, શાપર પોલીસ અને ગોંડલ DYSPની ટીમો આરોપીઓની શોધમાં લાગી ગઈ છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે આરોપીઓને ઝડપવા માટે તમામ તકનિકી અને માનવ આધારિત તપાસ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે ભેદ ઉકેલાશે.

    ભોગ બનનારનો ચોંકાવનારો ખુલાસો

    જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, “દરવાજો તોડી ચાર-પાંચ લોકો ઘરમાં ઘૂસ્યા હતા. મને મુક્કો મારીને પાડી દીધો અને મોઢે ડૂચો દઈ દીધો. ત્યારબાદ રોકડ, સોનું, રાયફલ અને મોબાઇલ લઈને ફરાર થઈ ગયા.”

  • વરસાદ ખેંચાતા ખેડૂતોને મળશે 10 કલાક વીજળી: સરકારનો મોટો નિર્ણય, આગોતરા વાવેતરને બચાવવા ખાસ આયોજન

    વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય

    ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા અને વરસાદ લાંબા સમય સુધી ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ ફીડરોમાં હવે 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી છે.સરકારના આ નિર્ણયથી આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને મોટી રાહત મળશે અને પાકને સુકાઈ જવાથી બચાવી શકાશે.

    વરસાદના અભાવે ખેતી પર સંકટ

    રાજ્યના અનેક વિસ્તારોમાં વાવેતર બાદ પૂરતો વરસાદ ન થતાં જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. કુવા અને બોરના પાણીના સ્તર પણ નીચે જઈ રહ્યા છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કરીને વાવેતર કર્યું છે, પરંતુ વરસાદના અભાવે હવે સિંચાઈ પર સંપૂર્ણ નિર્ભરતા વધી ગઈ છે.

    ખેડૂતોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

    રાજ્યભરના ખેડૂત સંગઠનો અને આગેવાનોએ સરકાર સમક્ષ વીજ પુરવઠાનો સમય વધારવાની માંગ કરી હતી. ખેડૂતોનું કહેવું હતું કે હાલ મળતા 8 કલાકના વીજ પુરવઠાથી પાકને પૂરતું પાણી આપી શકાતું નથી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે વધારાના 2 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો છે.

    ઊર્જા વિભાગે જારી કર્યા આદેશો

    મુખ્યમંત્રીની સૂચનાના આધારે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તાત્કાલિક અમલ માટે આદેશો જાહેર કર્યા છે. GUVNL, GETCO અને SLDC સહિતની સંસ્થાઓને વધારાની વીજળી પૂરી પાડવા માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં પાણીની તીવ્ર અછત છે તે વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખીને અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

    રોકડિયા પાકોને મળશે સૌથી મોટો ફાયદો

    વધારાના વીજ પુરવઠાનો સૌથી વધુ લાભ ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા પાકોને મળશે. આ પાકોને સતત પાણીની જરૂર રહેતી હોવાથી ખેડૂતો માટે આ નિર્ણય જીવનદાયી સાબિત થઈ શકે છે. બોરવેલ અને સબમર્સિબલ પંપ દ્વારા સિંચાઈ કરતા ખેડૂતોને પણ સીધો લાભ મળશે.

    એક મહિના સુધી ખાસ વ્યવસ્થા અમલમાં રહેશે

    સરકાર દ્વારા વધારાના 2 કલાક વીજ પુરવઠાની આ વ્યવસ્થા આગામી એક મહિના સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જો વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી નિર્ણય પર પણ વિચારણા થઈ શકે છે.

    ખેડૂતોમાં રાહત અને ખુશીનો માહોલ

    સરકારના નિર્ણય બાદ રાજ્યના ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે વધારાના વીજ પુરવઠાથી પાકને જરૂરી પાણી મળી રહેશે અને મોટા નુકસાનથી બચી શકાશે.

    ખેડૂત આગેવાને સરકારના નિર્ણયને વધાવ્યો

    ખેડૂત આગેવાન જયેશ દેલાલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં હતા. તેમણે કહ્યું કે રાજ્યભરના ખેડૂતો અને સંગઠનો દ્વારા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવા રજૂઆત કરવામાં આવી હતી, જેને સરકારે સ્વીકારી છે. તેમના જણાવ્યા અનુસાર વધારાની વીજળીથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાના પાકને બચાવી શકશે.

  • બાંગ્લાદેશમાં ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજ્યું ઢાકા: 81 ફૂટ રામ મૂર્તિનો વિવાદ, હિંદુઓએ સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

    ઢાકામાં ‘જય શ્રીરામ’ના નારાથી ગુંજ્યું વાતાવરણ

    બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભગવાન રામની પ્રતિમા નિર્માણને લઈને ઉભા થયેલા વિવાદના વિરોધમાં લોકોએ ‘જય શ્રીરામ’ના નારા લગાવી મશાલ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓ નેશનલ મ્યુઝિયમ વિસ્તારથી નેશનલ પ્રેસ ક્લબ સુધી કૂચ કરીને લઘુમતી સમુદાયોના અધિકારો અને સુરક્ષાની માંગ કરી હતી.

    81 ફૂટ ઊંચી રામ પ્રતિમા પરથી શરૂ થયો વિવાદ

    વિવાદનું કેન્દ્ર રંગપુરના ગાયબંધા જિલ્લાના પલાશવાડી વિસ્તારમાં નિર્માણાધીન 81 ફૂટ ઊંચી ભગવાન રામની પ્રતિમા છે. અહેવાલો મુજબ પ્રતિમાના નિર્માણ કાર્યને અટકાવવામાં આવ્યું હતું. મંદિર સમિતિનો આરોપ છે કે કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથી જૂથોના દબાણ અને ધમકીઓના કારણે આ નિર્ણય લેવાયો હતો. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા અંગે નવી ચર્ચા જગાવી છે.

    ભગવાન રામના ચિત્રના અપમાનનો પણ આક્ષેપ

    પ્રદર્શનકારીઓએ દાવો કર્યો છે કે ભગવાન રામના ચિત્રનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી હિંદુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. વિવિધ હિંદુ સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓએ આ ઘટનાને ધાર્મિક લાગણીઓ સાથે ચેડાં ગણાવી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટિમેટમ

    હિંદુ સંગઠનો અને હિંદુ મહાજોતે સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવી દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયગાળામાં કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. શનિવારે ધાર્મિક બાબતોના મંત્રાલયને આવેદનપત્ર પણ સોંપવામાં આવવાનું છે.

    64 જિલ્લાઓમાં રામ મંદિર બનાવવાની ચેતવણી

    હિંદુ મહાજોટે જાહેરમાં જણાવ્યું છે કે જો રંગપુરમાં રામ પ્રતિમાનું નિર્માણ ફરી શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો બાંગ્લાદેશના તમામ 64 જિલ્લાઓમાં તબક્કાવાર રામ મંદિરોના નિર્માણ માટે અભિયાન શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય પૂજા ઉત્સવ સમિતિએ પણ દેશવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી છે.

    કટ્ટરપંથી સંગઠનો ફંડિંગની તપાસની માંગ કરી રહ્યા છે

    બીજી તરફ કેટલાક ઇસ્લામિક સંગઠનોએ આ પ્રોજેક્ટના ફંડિંગ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ કરાવી જાણવા માંગ્યું છે કે પ્રોજેક્ટ માટે કોઈ વિદેશી સંગઠન અથવા સરકાર તરફથી નાણાકીય સહાય તો મળી નથી ને. આ સાથે જ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોના બેંક ખાતા અને સંપત્તિની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.

    અગાઉ પણ હિંદુ ધાર્મિક પ્રોજેક્ટો પર રોક લાગી હતી

    રામ પ્રતિમા વિવાદ પહેલાં પણ બાંગ્લાદેશમાં હિંદુ સમાજ સાથે જોડાયેલા કેટલાક પ્રોજેક્ટો વિવાદમાં આવ્યા હતા. 2025માં ઢાકામાં એક દુર્ગા મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે 2024માં ઉત્તરામાં દુર્ગા પૂજાની પ્રતિમાના સ્થળ બદલવા પડ્યા હતા. આ ઘટનાઓ બાદ લઘુમતી સમુદાયોની સુરક્ષા અંગે સતત ચિંતા વ્યક્ત થતી રહી છે.

    લઘુમતીઓ પર હુમલાના આંકડા પણ ચિંતાજનક

    બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2024 બાદથી લઘુમતી સમુદાયો પર હજારો હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. સંસ્થાના દાવા મુજબ હત્યા, તોડફોડ, આગચંપી, લૂંટફાટ અને ધાર્મિક સ્થળો પર હુમલા જેવી અનેક ઘટનાઓ છેલ્લા બે વર્ષમાં સામે આવી છે.