PM નરેન્દ્ર મોદીએ ભારતની 7.8% આર્થિક વૃદ્ધિને લઈને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને PM મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતે આ વિકાસદર હાંસલ કર્યો છે અને આ સિદ્ધિ દેશવાસીઓની ઈચ્છાશક્તિ, મહેનત અને સામૂહિક તાકાતનું પરિણામ છે.
‘જરૂર ન હોય તો સોનું ન ખરીદો’
PM મોદીએ ફરી એકવાર દેશવાસીઓને સોનાની ખરીદી અંગે અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો જરૂર ન હોય તો સોનું ખરીદવું જોઈએ નહીં. આ અગાઉ પણ PM મોદીએ લોકોને બિનજરૂરી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી હતી. ભારત પોતાની સોનાની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરે છે, જેના કારણે દેશમાંથી મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ બહાર જાય છે.
વિદેશ પ્રવાસ અને વિદેશી લગ્નને લઈને પણ અપીલ
PM મોદીએ લોકોને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા અને વિદેશમાં લગ્ન કરવાને બદલે દેશમાં જ આવા આયોજન કરવા અપીલ કરી છે. તેમણે **‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે.
સોનાની આયાતથી વિદેશી હૂંડિયામણ પર દબાણ
સોનાની સ્થાનિક અને વૈશ્વિક કિંમતોમાં થયેલા વધારાને કારણે તેની આયાતનું બિલ પણ વધી રહ્યું છે. ભારત પોતાની સોનાની માંગનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. આવી સ્થિતિમાં બિનજરૂરી સોનાની ખરીદી ઘટે તો આયાત પાછળ થતો વિદેશી હૂંડિયામણનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે અને રૂપિયાની સ્થિરતા જાળવવામાં પણ સહાય થઈ શકે છે.
2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય
PM મોદીએ કહ્યું કે ભારતે આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવી પડશે અને તેને વધુ ઝડપી બનાવવી પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશની યુવા પેઢીને એક વિકસિત ભારત સોંપવામાં આવશે.