Category: ક્રાઇમ

  • જોટાણા મામલતદાર કચેરી કે લાંચિયા અધિકારીઓનો અડ્ડો? ભાજપના જ સિનિયર નેતાના સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ!

    જોટાણા:

      મહેસાણા જિલ્લાની જોટાણા મામલતદાર કચેરી હાલ ભ્રષ્ટાચારનો ગઢ બની ચૂકી હોય તેવા ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના જ એક સિનિયર આગેવાને પોતાની જ સરકારના વહીવટીતંત્રની પોલ ખોલી નાખતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પતિ અને સિનિયર નેતા દિલીપસિંહ સોલંકીએ વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવતા ખુલ્લેઆમ જણાવ્યું છે કે, “આ કચેરીમાં પૈસા આપો તો જ કામ થાય છે, બાકી ધક્કા ખાવા સિવાય કોઈ આરો નથી!”

    લાંચ ન આપતા ભાજપ નેતાની જ જમીનની એન્ટ્રી રદ કરી, બાબુઓની દાદાગીરી!

      મળતી માહિતી મુજબ, સરકારી બાબુઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે સત્તાધારી પક્ષના નેતાઓને પણ નથી ગણકારતા. દિલીપસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે લાંચની રકમ ન ચૂકવતા સરકારી બાબુઓએ પોતાની દાદાગીરી બતાવીને તેમની જમીનની કાચી એન્ટ્રી રદ કરી નાખી હતી.

    કચેરીમાં ચાલી રહેલા કાળાબજારની વિગતો આપતા તેમને જણાવ્યું કે, એકત્રીકરણના નામે જૂના હુકમોને જાણીજોઈને લટકાવી રાખવામાં આવે છે. બીજી તરફ, જે નવી અરજીઓમાં અંડર ટેબલ ‘વહીવટ’ (પૈસા) થઈ જાય છે, તેને ફટાફટ મંજૂરી આપી દેવામાં આવે છે!

    સર્કલ ઓફિસર પર સીધો આરોપ, મામલતદારનું ભેદી મૌન!

      આ સમગ્ર કૌભાંડમાં સર્કલ ઓફિસર સહદેવભાઈ સામે સીધો આંગળી ચીંધવામાં આવી છે. આક્ષેપ છે કે સહદેવભાઈને મનધારી રકમ ન મળતા તેમણે કામ બગાડ્યું હતું. આટલું જ નહીં, આ ગંભીર બાબતે જ્યારે મામલતદારને રજૂઆત કરવામાં આવી, ત્યારે જવાબદાર અધિકારીએ કોઈ પગલાં લેવાના બદલે ‘ભેદી મૌન’ ધારણ કરી લીધું હતું, જે ક્યાંક ને ક્યાંક મોટા આશીર્વાદ હોવાની શંકા જન્માવે છે.

    *મોટો સવાલ*: 

        જો સત્તાધારી પક્ષના સિનિયર નેતાઓ પાસે પણ સરકારી બાબુઓ આ રીતે ખુલ્લેઆમ લાંચ માંગતા હોય, તો પછી બિચારી સામાન્ય જનતાની હાલત કેવી થતી હશે? સામાન્ય નાગરિકો તો આ કચેરીમાં પીસાઈ રહ્યા છે.

    *મુખ્યમંત્રી સુધી પહોંચશે ફરિયાદ*

      જોટાણા તાલુકાને આ ભ્રષ્ટાચારના અડ્ડામાંથી મુક્ત કરાવવા અને બેફામ બનેલા લાંચિયા બાબુઓ પર કડક કાનૂની સકંજો કસવા માટે હવે છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ સનસનીખેજ ખુલાસા બાદ ગાંધીનગરથી કોઈ કડક પગલાં લેવાય છે કે પછી ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ ચાલતો રહેશે?

  • અમદાવાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસે બે યુવકોના મૃતદેહ મળતા ચકચાર

    અમદાવાદમાં નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા
    અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
    જમીયતપુરા અને ખોરજ ગામ નજીક મળી લાશ
    પ્રાથમિક માહિતી મુજબ પહેલો મૃતદેહ જમીયતપુરા ગામની હદ નજીક કેનાલના વહેતા પાણીમાંથી મળી આવ્યો હતો. જ્યારે બીજો મૃતદેહ ખોરજ ગામની સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
    સ્થાનિકોની નજરે ચડ્યા મૃતદેહ
    કેનાલ કિનારેથી પસાર થઈ રહેલા સ્થાનિક લોકોને પાણીમાં શંકાસ્પદ વસ્તુ તરતી દેખાઈ હતી. નજીક જઈ તપાસ કરતાં તે યુવકોના મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
    તરવૈયાઓની મદદથી બહાર કાઢાયા મૃતદેહ
    માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
    મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ
    એક જ દિવસમાં બે યુવકોના મૃતદેહ મળવાના બનાવને લઈને અનેક સવાલો ઊભા થયા છે. બંનેના મોત અકસ્માતે ડૂબી જવાથી થયા છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ ગુનાહિત કારણ છે તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ મૃતકોની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
  • લાહોરમાં બે વિદેશી મહિલાઓ સાથે ગેંગરેપનો આરોપ, ડેપ્યુટી PM ઈશાક ડારના નજીકના વ્યક્તિ સહિત 4 ઝડપાયા

    લાહોરમાં હાઈ-પ્રોફાઈલ ગેંગરેપ કેસથી ખળભળાટ
    પાકિસ્તાનના લાહોરમાં બે વિદેશી મહિલાઓના કથિત અપહરણ અને ગેંગરેપના કેસે ભારે ચર્ચા જગાવી છે. પોલીસે આ મામલે ચાર શંકાસ્પદોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડાર પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ઈશાક ડારના નજીકના વ્યક્તિ તરીકે ઓળખાય છે.
    કોર્ટે ચારેય આરોપીઓને પોલીસ રિમાન્ડ પર મોકલ્યા
    લાહોરની કોર્ટે મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડાર સહિત હસન રઝા, સિકંદર ખાન અને સાજિદ અલીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ કેસ હાઈ-પ્રોફાઈલ હોવાથી દરેક પાસાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
    નેધરલેન્ડ અને વેનેઝુએલાની મહિલાઓ બની ભોગ
    પોલીસના જણાવ્યા અનુસાર બંને પીડિત મહિલાઓ નેધરલેન્ડ અને વેનેઝુએલાની નાગરિક છે. તેઓ 29 જૂનના રોજ બિઝનેસ કામકાજ માટે લાહોર પહોંચી હતી. એરપોર્ટ પરથી તેમને હોટેલ લઈ જવાને બદલે એક અજાણ્યા સ્થળે લઈ જઈને કથિત રીતે બંધક બનાવવામાં આવી અને તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
    સ્પેનથી આવેલા ફોન કોલે બચાવ્યો જીવ
    પીડિતાઓમાંથી એક મહિલાના પિતાએ સ્પેનથી પાકિસ્તાની અધિકારીઓનો સંપર્ક કરીને પુત્રીના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. આ માહિતી મળતા જ લાહોર પોલીસે તાત્કાલિક દરોડો પાડી બંને મહિલાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.
    એક આરોપી હજુ ફરાર
    પોલીસે પાકિસ્તાન દંડ સંહિતાની અપહરણ અને ગેંગરેપ સંબંધિત કલમો હેઠળ પાંચ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. અત્યાર સુધી ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે પાંચમા આરોપીની શોધખોળ ચાલુ છે.
    ક્રિપ્ટો બિઝનેસના બહાને પાકિસ્તાન બોલાવ્યાનો આરોપ
    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને મહિલાઓ અને મુખ્ય આરોપી મોહમ્મદ રઝા ડાર અગાઉથી ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિઝનેસમાં ભાગીદાર હતા. મહિલાઓએ પોલીસને જણાવ્યું કે તેઓ 2025માં સિંગાપોરમાં રઝા ડારને મળી હતી. ત્યારબાદ તેણે બિઝનેસ વિઝાની વ્યવસ્થા કરીને તેમને પાકિસ્તાન બોલાવ્યા હતા.
    પીડિતાઓએ મુખ્ય કાવતરાખોર તરીકે ઓળખ કર્યો
    પીડિત મહિલાઓના નિવેદન મુજબ એરપોર્ટ પરથી તેમને બળજબરીથી અજાણ્યા મકાનમાં લઈ જવામાં આવી હતી, જ્યાં કથિત રીતે તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો અને મુક્તિ બદલ મોટી ખંડણીની માંગ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ બંને મહિલાઓએ મોહમ્મદ રઝા ડારને સમગ્ર કાવતરાનો મુખ્ય આરોપી તરીકે ઓળખાવ્યો છે.
  • આગ્રામાં પત્નીએ પતિની હત્યા કરી બાથરૂમમાં દફનાવ્યો: 45 દિવસ સુધી બધાને ગેરમાર્ગે દોર્યા

    45 દિવસ સુધી ગુમ થયાનો નાટક
    ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારા હત્યાકાંડનો ખુલાસો થયો છે. રૂબી નામની મહિલાએ પોતાના પતિ સુરેન્દ્ર કુમાર શર્માની હત્યા કર્યા બાદ મૃતદેહને ઘરના બાથરૂમમાં દફનાવી તેના પર ટાઇલ્સ લગાવી દીધી હતી. ત્યારબાદ તે 45 દિવસ સુધી પતિ ગુમ હોવાનું કહી પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરતી રહી.
    જેઠને શંકા જતા ખુલ્યો ભેદ
    તપાસ દરમિયાન આરોપી મહિલા પોલીસ સાથે CCTV ફૂટેજ જોતી હતી અને રડીને નિર્દોષ હોવાનો ઢોંગ કરતી હતી. જોકે, તેના જેઠ અનિલ શર્માને તેના વર્તન પર શંકા જતાં તેમણે વિશ્વાસમાં લઈને વાત કરતા મહિલાએ આખો ગુનો કબૂલી લીધો.
    બાથરૂમનો ફ્લોર તોડતાં હાડપિંજર મળ્યું
    મહિલાના કબૂલાત બાદ પોલીસે ઘરના બાથરૂમનો ફ્લોર તોડાવ્યો. અંદરથી મૃતદેહ સંપૂર્ણપણે સડી ગયો હોવાથી માત્ર હાડપિંજર જ મળી આવ્યું. હવે ફોરેન્સિક તપાસના આધારે વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
    ખીરમાં ઊંઘની ગોળીઓ ભેળવી હત્યા કરવાનો આરોપ
    પોલીસ પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે પતિ દારૂના નશામાં મારપીટ કરતો હતો. તેથી તેણે ખીરમાં 18થી વધુ ઊંઘની ગોળીઓ ભેળવી ખવડાવી હતી. બીજા દિવસે પતિનું મોત થતાં તેણે મૃતદેહને બાથરૂમમાં દફનાવી દીધો અને પરિવારને રાજસ્થાન મોકલી દીધા હતા.
    પછી બાથરૂમમાં નવી ટાઇલ્સ લગાવી દીધી
    મૃતદેહ દફનાવ્યા બાદ મહિલાએ મજૂરોને બોલાવી બાથરૂમમાં નવું ફ્લોરિંગ અને ટાઇલ્સ લગાવી દીધી હતી, જેથી કોઈને શંકા ન જાય. ત્યારબાદ તેણે પતિ પાંચ હજાર રૂપિયા લઈને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની ખોટી વાત ફેલાવી હતી.
    પોલીસે મહિલાની ધરપકડ કરી
    પોલીસે આરોપી પત્ની રૂબીને કસ્ટડીમાં લઈને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના હાડપિંજરની ફોરેન્સિક તપાસ બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
  • કેન્દ્ર સરકારે 23 લોકોને જાહેર કર્યા આતંકવાદી: JeM, LeT, TRF અને JuD સાથે કનેક્શન

    કેન્દ્ર સરકારે 23 લોકોને આતંકવાદી જાહેર કર્યા
    કેન્દ્ર સરકારે શનિવારે જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT), ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) અને જમાત-ઉદ-દાવા (JuD) જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા 23 લોકોને આતંકવાદી જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ દેશમાં જાહેર કરાયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા વધીને 80 થઈ ગઈ છે.
    ભરતી, ઘૂસણખોરી અને આતંકી કાવતરામાં સંડોવણીનો આરોપ
    સરકારના જણાવ્યા મુજબ જાહેર કરાયેલા લોકો આતંકવાદીઓની ભરતી, ભારતમાં ઘૂસણખોરી કરાવવી, આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવું, આતંક માટે નાણાં એકત્રિત કરવા તેમજ હથિયારો અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
    6 કાશ્મીરના, 17 પાકિસ્તાનમાં રહેતા
    જાહેર કરાયેલા 23 લોકોમાંથી 6 જમ્મુ-કાશ્મીરના મૂળ રહેવાસી છે, જ્યારે 17 પાકિસ્તાનમાં રહે છે. તેમાં 7 લોકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અને 10 પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં હોવાનું સરકારે જણાવ્યું છે.
    નગરોટા અને સુનજવાં હુમલા સાથે પણ કડી
    યાદીમાં સામેલ કેટલાક જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના નામ 2016ના નગરોટા આર્મી કેમ્પ હુમલા અને 2022ના સુનજવાં હુમલા સાથે પણ જોડાયેલા હોવાનું જણાવાયું છે. નગરોટા હુમલામાં 7 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે સુનજવાંમાં CISFના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો.
    આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી વધુ સખત
    કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા અને આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા માટે આવા પગલાં સતત લેવામાં આવશે. તપાસ એજન્સીઓ પણ આ સંગઠનોના નેટવર્ક સામે કાર્યવાહી આગળ વધારી રહી છે.
  • થાઈલેન્ડમાં ભયાનક અકસ્માત: 11 વર્ષના બાળકે ટ્રક ભિક્ષુઓ પર ચઢાવી, 9નાં મોત

    મંદિર તરફ જઈ રહેલા ભિક્ષુઓ પર ફરી વળ્યો ટ્રક
    થાઈલેન્ડના મુકદાહન શહેરમાં ગુરુવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. 11 વર્ષના બાળકે પોતાના માતા-પિતાની પિકઅપ ટ્રક ચલાવી રસ્તા પર તીર્થયાત્રા કરી રહેલા બૌદ્ધ ભિક્ષુઓના સમૂહને અડફેટે લેતા ઓછામાં ઓછા 9 ભિક્ષુઓના મોત થયા છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
    એક મંદિરથી બીજા મંદિર સુધી નીકળી હતી યાત્રા
    મુકદાહન પ્રાંતના રાજ્યપાલ વોરાયન બુનારતના જણાવ્યા અનુસાર 34 બૌદ્ધ ભિક્ષુઓ અને 5 ગૃહસ્થ અનુયાયિઓ એક મંદિરથી પાડોશી ઉબોન રત્ચથાની પ્રાંતના બીજા મંદિર સુધી તીર્થયાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન પિકઅપ ટ્રક તેમની ઉપર ફરી વળી હતી.
    5નાં સ્થળ પર જ મોત, 4એ હોસ્પિટલમાં તોડ્યો દમ
    અકસ્માતમાં પાંચ ભિક્ષુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ચાર ભિક્ષુઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
    માતા-પિતાની મંજૂરી વગર ટ્રક લઈ નીકળ્યો હતો બાળક
    પોલીસના જણાવ્યા મુજબ 11 વર્ષના બાળકે માતા-પિતાની મંજૂરી વિના તેમની પિકઅપ ટ્રક લઈ લીધી હતી. લગભગ 10 કિલોમીટર સુધી વાહન ચલાવ્યા બાદ તેણે નિયંત્રણ ગુમાવ્યું અને યાત્રા કરી રહેલા ભિક્ષુઓને અડફેટે લીધા.
    બાળકનું નિવેદન હજુ લેવાયું નથી
    મુકદાહન પ્રાંતના પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ બાળકની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેનું નિવેદન લેવામાં આવ્યું નથી. ઘટનાની તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈ સત્તાવાર આરોપ નોંધવામાં આવ્યા નથી.
    થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓને અપાય છે વિશેષ સન્માન
    થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓને સમાજમાં વિશેષ માન-સન્માન આપવામાં આવે છે. તેઓ બુદ્ધના ઉપદેશોના સંરક્ષણ અને પ્રચાર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જાહેર યાત્રાઓ દરમિયાન સ્થાનિક લોકો ભિક્ષુઓને ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન આપતા હોય છે.
  • એસ.ટી.ના કર્મચારીની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાને સલામ: બેચરાજીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો

    રિપોર્ટર: રાજભા સોલંકી

    ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક સેવા પૂર્ણ કરીને તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની લાંબી અને સમર્પિત સેવાના સન્માનરૂપે તા. 1 જુલાઈ, 2026ના રોજ બેચરાજી ખાતે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

    બેચરાજીના શંખલપુર રોડ સ્થિત ઉમિયા વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બેચરાજી ડેપોના મેનેજર ગુંજનભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

    સમારોહમાં બેચરાજીના ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, તાલુકા મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી ગોવિંદસિંહ સોલંકી, દેલપુરાના પૂર્વ સરપંચ વિષ્ણુભા પૃથ્વીરાજ સોલંકી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી.

    વક્તાઓએ ઈસ્માઈલભાઈ ડોગાની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના પ્રામાણિક સ્વભાવ, ફરજનિષ્ઠા અને મુસાફર સેવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

    કાર્યક્રમમાં પરિવારજનો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ ભાવુક વાતાવરણ વચ્ચે ઈસ્માઈલભાઈને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  • સતલાસણા ના ભાણવાસ ડેરીમાં દાદાગીરીનો દૂધિયો વિસ્ફોટ! પશુપાલકોએ રસ્તા પર ઢોળ્યું દૂધ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

    અહેવાલ : મૂળજીભાઈ ગોસાઈ (સતલાસણા)

    મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાયો છે. ડેરીના સંચાલન અને વહીવટ સામે નારાજ થયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

    મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી ભાણવાસ ગામના અનેક પશુપાલકોનું દૂધ સ્થાનિક ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ અંદાજે 300 થી 400 લીટર દૂધ વેચાણ વગર રહી જતું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ન સ્વીકારાતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન તેમનો મુખ્ય વ્યવસાય અને આવકનો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં ડેરી દ્વારા દૂધ લેવામાં ઇનકાર કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પરિણામે કેટલાક પશુપાલકોને ખાનગી વાહનો ભાડે કરીને અન્ય સ્થળે દૂધ મોકલવાની ફરજ પડી હતી. જોકે વધતા ખર્ચ અને મુશ્કેલીઓના કારણે આખરે પશુપાલકોએ ડેરી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

    વિરોધ દરમિયાન રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડેરી આગળ દૂધની નદીઓ વહેતી જોવા મળતા સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે તેમની વારંવારની રજૂઆતો છતાં ડેરીના જવાબદારો દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

    વિવાદનું મુખ્ય કારણ ડેરીના સંચાલન અને વહીવટી વ્યવસ્થા હોવાનું પણ પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલકોના આક્ષેપ મુજબ છેલ્લા લગભગ 40 વર્ષથી ડેરીના સભાસદો અને પ્રમુખપદમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. નિયમો મુજબ નિશ્ચિત સમયગાળાએ ચૂંટણી અને વહીવટી ફેરબદલ થવા જોઈએ, પરંતુ ભાણવાસ ડેરીમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલી ડેરીની બેઠકમાં કેટલાક સભ્યોએ આ મુદ્દો ઉઠાવી વહીવટી પારદર્શિતા અને નિયમિત ચૂંટણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને રજૂઆત કરનારા કેટલાક લોકોને બેઠકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ઘટનાને પગલે ગામમાં ડેરીના વહીવટ સામે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે ડેરી જેવી સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરતી હોય છે, પરંતુ જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે તો સહકારી માળખા પર જ પ્રશ્નો ઉભા થાય છે.

    હાલ પશુપાલકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાના સહકારી વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે જ ડેરીના વહીવટ, સભાસદોની પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

    ભાણવાસ ગામમાં સર્જાયેલા આ વિવાદ બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને પશુપાલકોની સમસ્યાનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ગામના પશુપાલકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની સાથે ન્યાય થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

  • સાંસદ મયંક નાયક વિશે બેફામ વાણી વિલાસ : પિન્ટુ પટેલે ભાજપની શિસ્તને જ જાહેરમાં ફાડી નાખી, અપમાનજનક ઓડિયો બાદ સાંસદ મયંક નાયક માટે સહાનુભૂતિનો માહોલ

    મહેસાણા

        મહેસાણા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરખાને સળગતી જૂથવાદ અને અહંકારની આગ હવે ખુલ્લેઆમ ધગધગતી દેખાઈ રહી છે. ભાજપના રાજ્યસભા સાંસદ મયંક નાયક વિરુદ્ધ સામાજિક આગેવાન તરીકે ઓળખાતા પિન્ટુ પટેલનો વાયરલ થયેલો ઓડિયો માત્ર એક વ્યક્તિની ઉશ્કેરાયેલી ભાષા નથી, પરંતુ મહેસાણા જિલ્લાના રાજકારણમાં ઊંડે સુધી ઘૂસી ગયેલી “હું જ બધું” વાળી માનસિકતાનું જીવતું ઉદાહરણ બની ગયો છે.

     ઓડિયોમાં જે રીતે પિન્ટુ પટેલ પોતાના જ પક્ષના સાંસદને “ઝીરો” ગણાવી રહ્યા છે, “અમારે તેમને ગણવાના નથી” જેવી ભાષા વાપરી રહ્યા છે અને “ફક્ત રજની પટેલની જ પોસ્ટ મૂકવાની” જેવી ધમકીભરી વાતો કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મહેસાણા ભાજપમાં કેટલાક લોકો હવે સંગઠનથી પણ ઉપર હોવાનો ભ્રમ પાળી બેઠા છે.

    “રજની પટેલ સિવાય બીજાનો ફોટો નહીં” : શું ભાજપ હવે ખાનગી મિલ્કત બની ગયું?

      વાયરલ ઓડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પિન્ટુ પટેલ ખુલ્લેઆમ કહેતા સંભળાય છે કે રજની પટેલ સિવાય બીજા કોઈ નેતાની પોસ્ટ મૂકનાર તેમના માટે દુશ્મન સમાન ગણાશે. આ નિવેદન માત્ર રાજકીય અહંકાર નથી, પરંતુ પક્ષની સામૂહિક નેતાગીરી સામે ખુલ્લી બગાવત તરીકે જોવામાં આવી રહ્યું છે.

    પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ભાજપ હવે કેટલાક વ્યક્તિઓની ખાનગી મિલ્કત બની ગયું છે?

    શું પક્ષના  સાંસદનું પણ સન્માન નહીં રહે?

    શું વ્યક્તિપૂજા એટલી હદે પહોંચી ગઈ છે કે પોતાના જ પક્ષના નેતાઓને અપમાનિત કરવું હવે સામાન્ય બની ગયું છે?

    મહેસાણા ભાજપમાં ચાલી રહેલા આ આંતરિક ઝઘડાએ હવે પક્ષની શિસ્ત અને નેતૃત્વ બંનેને કટઘરામાં ઉભું કરી દીધા છે.

    તૃષા પટેલના પ્રમુખપદ પાછળનું “પાવર સર્કિટ” ફરી ચર્ચામાં

      વાયરલ ઓડિયો બાદ હવે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલનું નામ પણ ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. રાજકીય ગલિયારામાં વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે તૃષા પટેલનું પ્રમુખપદ માત્ર લોકશાહી પ્રક્રિયાનો પરિણામ નહોતું, પરંતુ પાછળથી કેટલાક પ્રભાવશાળી રાજકીય ચહેરાઓની સીધી રાજકીય ગોઠવણી કામ કરી રહી હતી.

      હવે જ્યારે તેમના પતિ પિન્ટુ પટેલ ખુદ પક્ષના સાંસદ સામે બેફામ ભાષામાં હુમલો કરતા સંભળાઈ રહ્યા છે ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સત્તાનો અહંકાર હવે એટલો વધી ગયો છે કે પક્ષની શિસ્ત અને મર્યાદાનો પણ ભંગ થવા લાગ્યો છે?

    રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો કોઈ સામાન્ય કાર્યકરે પોતાના સાંસદ વિશે આવી ભાષા વાપરી હોત તો કદાચ કલાકોમાં કાર્યવાહી થઈ ગઈ હોત. પરંતુ અહીં મામલો “પ્રભાવશાળી કેમ્પ” સાથે જોડાયેલો હોવાથી સમગ્ર ઘટનાને લઈને ભાજપનું મૌન પણ ચર્ચાનો વિષય બન્યું છે.

    મહેસાણા ભાજપમાં સંગઠન નહીં, કેમ્પ રાજકારણ?

      મહેસાણા જિલ્લાનું રાજકારણ છેલ્લા ઘણા વર્ષોથી જૂથવાદ માટે કુખ્યાત રહ્યું છે. એક તરફ નીતિન પટેલ કેમ્પ, બીજી તરફ રજની પટેલ સમર્થકો અને હવે નવા નેતાઓ વચ્ચે ચાલી રહેલા અદૃશ્ય યુદ્ધે ભાજપની અંદરની હકીકત બહાર લાવી દીધી છે.

      વાયરલ ઓડિયો એ સાબિત કરી દીધું છે કે મહેસાણા ભાજપમાં હવે સંગઠન કરતા વ્યક્તિગત વફાદારી વધુ મહત્વની બની ગઈ છે. કોણ કયા નેતાનો માણસ છે તેના આધારે રાજકીય સંબંધો નક્કી થઈ રહ્યા છે. વિકાસ, જનતા અને પક્ષની વિચારધારા પાછળ રહી ગઈ છે જ્યારે “મારો નેતા જ સર્વોપરી” વાળી રાજકીય સંસ્કૃતિ હાવી થઈ ગઈ છે.

    મયંક નાયક સામે આક્રમકતા પાછળ શું છે રાજકીય ડર?

     રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા એ પણ ચાલી રહી છે કે શું મયંક નાયકનો વધતો પ્રભાવ કેટલાક જૂના રાજકીય ગૃપોને અસ્વસ્થ કરી રહ્યો છે?

    શું મહેસાણા ભાજપમાં નવી નેતાગીરી ઊભી થવાના ભયથી આ પ્રકારની આક્રમક ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે?

    કે પછી આવનારા સમયમાં રાજકીય સમીકરણો બદલાય તે પહેલાં દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે?

    આ બધા પ્રશ્નો વચ્ચે પિન્ટુ પટેલનો વાયરલ ઓડિયો હવે માત્ર વ્યક્તિગત વિવાદ નહીં પરંતુ મહેસાણા ભાજપના આંતરિક સત્તાસંઘર્ષનું પ્રતિક બની ગયો છે.

    હવે ભાજપ પાસે માત્ર બે રસ્તા

    હવે ભાજપના ઉચ્ચ નેતૃત્વ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પક્ષ શિસ્ત બધાને માટે સમાન છે કે ફક્ત સામાન્ય કાર્યકરો માટે જ?

      જો પિન્ટુ પટેલ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો એ સ્પષ્ટ સંદેશ જશે કે મહેસાણા ભાજપમાં કેટલાક “અસ્પૃશ્ય” રાજકીય ચહેરાઓ છે જેમને પક્ષથી પણ ઉપર માનવામાં આવે છે. અને જો કાર્યવાહી થશે તો એ પણ સાબિત થશે કે પક્ષ હવે આંતરિક ગંદકી સાફ કરવા માટે મજબૂર બન્યો છે.

    હાલ એક વાત ચોક્કસ છે — મહેસાણા ભાજપમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ હવે બંધ દરવાજાની અંદર રહ્યું નથી. વાયરલ ઓડિયોએ આખા જિલ્લાને બતાવી દીધું છે કે સત્તાના રાજકારણમાં હવે શબ્દોની મર્યાદા, પક્ષની શિસ્ત અને રાજકીય સંસ્કાર બધું જ તૂટી રહ્યું છે.

  • માંડલ તાલુકા પંચાયતની નવી ટીમ જાહેર, હવે વિકાસના વચનોને લઈને લોકોની નજર

    રિપોર્ટર : રાજભા સોલંકી

    માંડલ…

       માંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વપૂર્ણ પદોની વરણી કરવામાં આવતા તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ ભાજપ દ્વારા સર્વસંમતિથી વિવિધ પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. નવનિયુક્ત પદાધિકારીઓને તાલુકા ભરના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી વિકાસલક્ષી કામગીરી માટે આશાવાદ વ્યક્ત કર્યો છે.

    માંડલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો જીતતા સત્તા પર મજબૂત પકડ બનાવી હતી. બહુમતી મળ્યા બાદ પક્ષની આંતરિક ચર્ચા અને સહમતિના આધારે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક જેવા મહત્વપૂર્ણ પદો માટે વરણી કરવામાં આવી હતી.

    આ રહ્યા માંડલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓ

    પ્રમુખ તરીકે કડવાસણ ગામના મનુભાઈ ડોડીયા

    ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલાપુર ગામના ચેતનાબા સંજુભા સોલંકી

    કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાસણા ગામના સુમનભાઈ પટેલ

    શાસક પક્ષના નેતા તરીકે શેર ગામના હરિકૃષ્ણ પટેલ

    દંડક તરીકે કાચરોલ ગામના કૈલાસબેન કિશોરસિંહ ઠાકોર

    ની વરણી કરવામાં આવી છે.

    ગ્રામ્ય વિકાસના મુદ્દાઓ પર રહેશે ખાસ ધ્યાન

    નવનિયુક્ત પદાધિકારીઓએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સમસ્યા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા જેવા પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે.

    ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, ગટર અને મૂળભૂત સુવિધાઓને લઈને ઉઠતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને નવી ટીમ સામે લોકોની અપેક્ષાઓ વધી છે. તાલુકાના લોકો હવે વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવાની આશા રાખી રહ્યા છે.

    કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ

    વરણી જાહેર થતાં જ તાલુકાના વિવિધ ગામોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    રાજકીય વિશ્લેષકોના મત મુજબ તાલુકા પંચાયતની આ નવી ટીમ આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. હવે લોકોની નજર નવી ટીમ કેટલા અસરકારક રીતે કામગીરી કરે છે તેના પર રહેશે.