Category: ક્રિકેટ સમાચાર
-
જોટાણા મામલતદાર કચેરી કે લાંચિયા અધિકારીઓનો અડ્ડો? ભાજપના જ સિનિયર નેતાના સનસનીખેજ આક્ષેપથી ખળભળાટ!
જોટાણા:
મહેસાણા જિલ્લાની જોટાણા મામલતદાર કચેરી હાલ ભ્રષ્ટાચારનો ગઢ બની ચૂકી હોય તેવા ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના જ એક સિનિયર આગેવાને પોતાની જ સરકારના વહીવટીતંત્રની પોલ ખોલી નાખતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પતિ અને સિનિયર નેતા દિલીપસિંહ સોલંકીએ વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવતા ખુલ્લેઆમ જણાવ્યું છે કે, “આ કચેરીમાં પૈસા આપો તો જ કામ થાય છે, બાકી ધક્કા ખાવા સિવાય કોઈ આરો નથી!”
લાંચ ન આપતા ભાજપ નેતાની જ જમીનની એન્ટ્રી રદ કરી, બાબુઓની દાદાગીરી!
મળતી માહિતી મુજબ, સરકારી બાબુઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે સત્તાધારી પક્ષના નેતાઓને પણ નથી ગણકારતા. દિલીપસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે લાંચની રકમ ન ચૂકવતા સરકારી બાબુઓએ પોતાની દાદાગીરી બતાવીને તેમની જમીનની કાચી એન્ટ્રી રદ કરી નાખી હતી.
કચેરીમાં ચાલી રહેલા કાળાબજારની વિગતો આપતા તેમને જણાવ્યું કે, એકત્રીકરણના નામે જૂના હુકમોને જાણીજોઈને લટકાવી રાખવામાં આવે છે. બીજી તરફ, જે નવી અરજીઓમાં અંડર ટેબલ ‘વહીવટ’ (પૈસા) થઈ જાય છે, તેને ફટાફટ મંજૂરી આપી દેવામાં આવે છે!
સર્કલ ઓફિસર પર સીધો આરોપ, મામલતદારનું ભેદી મૌન!
આ સમગ્ર કૌભાંડમાં સર્કલ ઓફિસર સહદેવભાઈ સામે સીધો આંગળી ચીંધવામાં આવી છે. આક્ષેપ છે કે સહદેવભાઈને મનધારી રકમ ન મળતા તેમણે કામ બગાડ્યું હતું. આટલું જ નહીં, આ ગંભીર બાબતે જ્યારે મામલતદારને રજૂઆત કરવામાં આવી, ત્યારે જવાબદાર અધિકારીએ કોઈ પગલાં લેવાના બદલે ‘ભેદી મૌન’ ધારણ કરી લીધું હતું, જે ક્યાંક ને ક્યાંક મોટા આશીર્વાદ હોવાની શંકા જન્માવે છે.
*મોટો સવાલ*:
જો સત્તાધારી પક્ષના સિનિયર નેતાઓ પાસે પણ સરકારી બાબુઓ આ રીતે ખુલ્લેઆમ લાંચ માંગતા હોય, તો પછી બિચારી સામાન્ય જનતાની હાલત કેવી થતી હશે? સામાન્ય નાગરિકો તો આ કચેરીમાં પીસાઈ રહ્યા છે.
*મુખ્યમંત્રી સુધી પહોંચશે ફરિયાદ*
જોટાણા તાલુકાને આ ભ્રષ્ટાચારના અડ્ડામાંથી મુક્ત કરાવવા અને બેફામ બનેલા લાંચિયા બાબુઓ પર કડક કાનૂની સકંજો કસવા માટે હવે છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ સનસનીખેજ ખુલાસા બાદ ગાંધીનગરથી કોઈ કડક પગલાં લેવાય છે કે પછી ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ ચાલતો રહેશે?
-
શ્રેયસ અય્યરે બિશ્નોઈનો બચાવ કર્યો: “એક ઓવરને કારણે કોઈ ખેલાડીને દોષ ન આપી શકાય”
17મી ઓવરે પલટી મેચ, છતાં કેપ્ટનનો ખેલાડી પર વિશ્વાસ યથાવત્
ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાયેલી મેચમાં ભારત એક સમયે જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ 17મી ઓવરમાં રવિ બિશ્નોઈના બોલિંગ સ્પેલે મેચનું ચિત્ર બદલી નાખ્યું. તેમ છતાં કેપ્ટન શ્રેયસ અય્યરે હાર માટે કોઈ એક ખેલાડીને જવાબદાર ગણાવવાનો ઇનકાર કર્યો.
16 ઓવર સુધી ભારતનું વર્ચસ્વ, પછી ઇંગ્લેન્ડની જોરદાર વાપસી
ભારતે પ્રથમ બેટિંગ કરીને 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 16 ઓવર સુધી 142 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 17મી ઓવરમાં રવિ બિશ્નોઈએ બે નો-બોલ ફેંક્યા અને જેકબ બેથલે ફ્રી-હિટ સહિત સતત મોટા શોટ ફટકારી કુલ 29 રન વસૂલ્યા. આ જ ઓવર મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.
‘રવિ ઘણું શીખશે’ – શ્રેયસ અય્યર
મેચ બાદ શ્રેયસ અય્યરે કહ્યું કે, “અમને ખબર છે મેચ ક્યાંથી હાથમાંથી સરકી, પરંતુ હું કોઈ એક ખેલાડી પર આંગળી ચીંધવા માંગતો નથી. પ્રથમ નો-બોલ બાદ પણ મને વિશ્વાસ હતો કે રવિ સારી વાપસી કરશે. 17મી ઓવર મોંઘી પડી, પરંતુ આ અનુભવમાંથી તે ઘણું શીખશે.”
તેમણે વધુમાં કહ્યું કે પિચ પર અસમાન બાઉન્સ હતો અને 190 રનનો સ્કોર સ્પર્ધાત્મક હતો. સાથે જ ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલની નિડર ઇનિંગ્સના વખાણ પણ કર્યા.
અય્યરની કપ્તાનીમાં હજુ જીતનો ઇંતજાર
શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારત હજુ સુધી એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શક્યું નથી. આયર્લેન્ડ સામેની બંને મેચમાં હાર, ઇંગ્લેન્ડ સામે પ્રથમ મેચ વરસાદને કારણે રદ અને હવે બીજી મેચમાં પરાજય બાદ ભારતનું પ્રદર્શન ચિંતાજનક બન્યું છે. અય્યરની કપ્તાનીમાં ભારતે અત્યાર સુધી રમેલી ચાર મેચમાંથી ત્રણમાં હારનો સામનો કર્યો છે.
હવે નજર ત્રીજી ટી20 પર
આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટી20 મેચ 7 જુલાઈએ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે, જ્યાં ભારત શ્રેણી બરાબર કરવાની કોશિશ કરશે.
-
15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક ડેબ્યૂ, સચિન-શેફાલીનો રેકોર્ડ તોડ્યો; છતાં ભારતને ઇંગ્લેન્ડ સામે હાર
15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ
ભારતીય ક્રિકેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. આ સાથે તેણે ભારત માટે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકર અને શેફાલી વર્માના નામે હતો.
તિલક વર્માના હાથે મળી ડેબ્યૂ કેપ, વૈભવ થયો ભાવુક
માન્ચેસ્ટરમાં રમાયેલી ટી-20 મેચ પહેલા ઉપ-કપ્તાન તિલક વર્માએ વૈભવને ભારતીય ટીમની ડેબ્યૂ કેપ અર્પણ કરી હતી. કેપ મળતા જ વૈભવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. ટીમના તમામ ખેલાડીઓએ તાળીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કર્યું.
ડેબ્યૂમાં ખાસ સિદ્ધિઓ
-
ભારત માટે સૌથી ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર ખેલાડી.
-
વિશ્વ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર બીજો સૌથી યુવા ક્રિકેટર.
-
ટી-20 ડેબ્યૂમાં સ્ટમ્પ આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી.
-
10 બોલમાં 14 રનની ઇનિંગ્સ દરમિયાન 2 આકર્ષક છગ્ગા ફટકાર્યા.
-
ઇન્ટરનેશનલ કરિયરની ત્રીજી જ બોલ પર જોફ્રા આર્ચરને છગ્ગો ફટકાર્યો.
હેરી બ્રુકની રમતગમત ભાવના
મેચ દરમિયાન વૈભવના જૂતાની દોરી ખુલી જતાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પોતે આગળ આવી તેની લેસ બાંધી આપી હતી. આ ક્ષણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની.
ભારતની હાર, ઇંગ્લેન્ડનો નવો રેકોર્ડ
ભારતે ઇંગ્લેન્ડ સામે 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડે માત્ર ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. ભારત સામે ટી-20માં ઇંગ્લેન્ડનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રનચેઝ રહ્યો.
મેચના અન્ય મોટા રેકોર્ડ્સ
-
ઇંગ્લેન્ડે ભારત સામે ટી-20માં પોતાનો સૌથી મોટો સફળ રનચેઝ નોંધાવ્યો.
-
રવિ બિશ્નોઈએ એક જ ઓવરમાં 29 રન ખર્ચીને ભારત તરફથી સૌથી મોંઘા ઓવરોમાં સ્થાન મેળવ્યું.
-
અર્શદીપ સિંહે ઇનિંગ્સની પહેલી જ બોલ પર ફિલ સોલ્ટને આઉટ કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી.
-
જોફ્રા આર્ચરે તિલક વર્માનો મુશ્કેલ કેચ છોડ્યો, જે બાદ તિલકે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી.
-
-
ભારતની U-19 ટીમે રચ્યો ઇતિહાસ, પ્લેઇંગ-11ના તમામ ખેલાડીઓએ કર્યું એકસાથે ડેબ્યૂ
ભારતીય ક્રિકેટમાં ઐતિહાસિક ક્ષણ
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની અન્ડર-19 ક્રિકેટ ટીમે પ્રથમ અનઓફિશિયલ વનડેમાં અનોખો ઇતિહાસ રચ્યો છે. હંબનટોટામાં રમાયેલી મેચમાં ભારતની પ્લેઇંગ-11ના તમામ 11 ખેલાડીઓએ એકસાથે અન્ડર-19 વનડેમાં ડેબ્યૂ કર્યું. ક્રિકેટ ઇતિહાસમાં આવું બહુ જ દુર્લભ માનવામાં આવે છે.
અન્વય દ્રવિડે પહેરી બ્લુ જર્સી
આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ પૂર્વ ભારતીય કેપ્ટન અને પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડના નાના પુત્ર અન્વય દ્રવિડનું છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મેળવનાર અન્વયે સ્થાનિક અને જુનિયર ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ ભારતીય અન્ડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું છે.
રાહુલ દ્રવિડના વારસાને આગળ વધારશે પુત્ર
રાહુલ દ્રવિડના મોટા પુત્ર સમિત દ્રવિડ પહેલેથી જ જુનિયર ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. હવે નાના પુત્ર અન્વયે પણ ભારતીય જર્સીમાં ડેબ્યૂ કરીને દ્રવિડ પરિવારના ક્રિકેટ વારસાને નવી દિશા આપી છે.
શ્રીલંકા પ્રવાસમાં રમાશે વનડે અને યુથ ટેસ્ટ
કેપ્ટન યશવર્ધન ચૌહાણની આગેવાની હેઠળ ભારતની યુવા ટીમ શ્રીલંકા સામે ત્રણ અનઓફિશિયલ વનડે મેચોની શ્રેણી રમી રહી છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બે યુથ ટેસ્ટ મેચ પણ રમાશે. યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ ભવિષ્યની આંતરરાષ્ટ્રીય કારકિર્દી તરફનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.
ભારતની પ્લેઇંગ-11
યશવર્ધન ચૌહાણ (કેપ્ટન), લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, અન્વય દ્રવિડ (વિકેટકીપર), યશવીર ગૌડ, અર્જુન રાજપૂત, શાવિન વિનોદ, મોહિત ઉલ્વા, કાવ્ય પરેશ પટેલ અને રોહિત યાદવ.
-
લોસ એન્જલસમાં શાહરૂખ ખાને કર્યું ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’નું ઉદ્ઘાટન
લોસ એન્જલસમાં નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન
બોલિવૂડના બાદશાહ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સહ-માલિક શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસમાં ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે આ ઐતિહાસિક ક્ષણની માહિતી આપી.
‘સપનું આજે હકીકત બની ગયું’
ઉદ્ઘાટન બાદ શાહરૂખ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “જે એક સપનું હતું તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે.” તેમણે ઉમેર્યું કે આ મેદાન માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ પરિવાર, મનોરંજન અને યાદગાર ક્ષણો માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે.
માત્ર 100 દિવસમાં તૈયાર થયું સ્ટેડિયમ
કેલિફોર્નિયાના પોમોના શહેરના ફેરપ્લેક્સમાં આવેલું આ સ્ટેડિયમ માત્ર 100 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. મેજર લીગ ક્રિકેટ (MLC)માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (LAKR)નું આ હોમ ગ્રાઉન્ડ રહેશે.
જય શાહનો માન્યો આભાર
શાહરૂખ ખાને આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ ICCના ચેરમેન જય શાહ અને CEO સંજોગ ગુપ્તાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાભરના ક્રિકેટ ચાહકો અને સમગ્ર નાઈટ રાઈડર્સ પરિવારને સમર્પિત છે.
વીડિયોમાં બ્રાવો, નારાયણ અને અલી ખાન પણ નજરે પડ્યા
શાહરૂખે શેર કરેલા વીડિયોમાં અમેરિકન ક્રિકેટર અલી ખાન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીઓ ડ્વેન બ્રાવો અને સુનીલ નારાયણ પણ જોવા મળ્યા હતા.
LA Olympics 2028 માટે પણ મહત્વપૂર્ણ
આ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટની વાપસી માટે મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવી રહ્યું છે. મેદાનમાં ICC ધોરણ મુજબ 8 પિચ અને 120 ફૂટ ઊંચા ફ્લડલાઇટ ટાવર્સ સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
-
વરસાદે બગાડી ભારત-ઈંગ્લેન્ડની પ્રથમ T20: અભિષેકની તોફાની ફિફ્ટી અને શ્રેયસના અડધા સદી બાદ મેચ રદ
વરસાદે ભારતની જીતની આશા પર ફેરવ્યું પાણી
ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઈડ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા, પરંતુ સતત વરસાદને કારણે ઈંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ શકી નહોતી.
ભારતની શરૂઆત રહી નિરાશાજનક
ભારતને બીજી જ ઓવરમાં બે મોટા ઝટકા લાગ્યા હતા. સંજૂ સેમસન માત્ર 1 રન બનાવી આઉટ થયો, જ્યારે ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.
અભિષેક શર્માની તોફાની બેટિંગ
શરૂઆતના ઝટકા બાદ અભિષેક શર્માએ આક્રમક અંદાજમાં માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 24 બોલમાં 59 રનની ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી 100 છગ્ગા પૂરા કરનાર ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન મેળવ્યું.
શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે રચ્યો રેકોર્ડ
કેપ્ટન શ્રેયસ અય્યરે 38 બોલમાં પોતાની 9મી T20I ફિફ્ટી નોંધાવી. તેઓ ઈંગ્લેન્ડની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીયમાં 50થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા.
શિવમ દુબેની ઝડપી ઇનિંગ, મહમૂદે લીધી 3 વિકેટ
અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 42 રનની ઇનિંગ રમી. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
બીજી T20 હવે 4 જુલાઈએ
પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ જતા પાંચ મેચોની શ્રેણી હજુ 0-0થી બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 4 જુલાઈએ રમાશે.
-
એસ.ટી.ના કર્મચારીની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાને સલામ: બેચરાજીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર: રાજભા સોલંકી
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક સેવા પૂર્ણ કરીને તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની લાંબી અને સમર્પિત સેવાના સન્માનરૂપે તા. 1 જુલાઈ, 2026ના રોજ બેચરાજી ખાતે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેચરાજીના શંખલપુર રોડ સ્થિત ઉમિયા વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બેચરાજી ડેપોના મેનેજર ગુંજનભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં બેચરાજીના ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, તાલુકા મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી ગોવિંદસિંહ સોલંકી, દેલપુરાના પૂર્વ સરપંચ વિષ્ણુભા પૃથ્વીરાજ સોલંકી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી.
વક્તાઓએ ઈસ્માઈલભાઈ ડોગાની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના પ્રામાણિક સ્વભાવ, ફરજનિષ્ઠા અને મુસાફર સેવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં પરિવારજનો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ ભાવુક વાતાવરણ વચ્ચે ઈસ્માઈલભાઈને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
-
IPL સ્ટાર શશાંક સિંહ મુશ્કેલીમાં: રસોઈયા સાથે મારપીટના આરોપમાં પિતા પૂર્વ IPS અધિકારી સહિત FIR નોંધાઈ
IPL સ્ટાર શશાંક સિંહ વિવાદમાં
મધ્યપ્રદેશના ભોપાલમાં IPL ટીમ પંજાબ કિંગ્સના બેટર શશાંક સિંહ અને તેમના પિતા, નિવૃત્ત સ્પેશિયલ DGP શૈલેષ સિંહ IPS સામે ગંભીર આરોપો સાથે FIR નોંધાઈ છે. રસોઈયા તરીકે કામ કરતા વિપેન્દ્ર સિંહ તોમરે મારપીટ, ગાળાગાળી અને જબરદસ્તી કામ કરાવવાનો આરોપ લગાવ્યો છે.
રસોઈયાનો આરોપ – જમવાનું પસંદ ન આવતા થયો વિવાદ
ફરિયાદી વિપેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા મુજબ, જમવાનું પસંદ ન આવતા પહેલા ગાળાગાળી કરવામાં આવી હતી. જ્યારે તેણે કામ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો અને જબરદસ્તી કામ કરાવવામાં આવ્યું. ત્યારબાદ શૈલેષ સિંહ, શશાંક સિંહ અને તેમના ડ્રાઈવરે મળીને મારપીટ કરી હોવાનો આરોપ છે.
રડતો વીડિયો વાયરલ
ઘટના બાદ પીડિતે રડતા-રડતા પોતાની સાથે થયેલા અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. વીડિયોમાં તેણે શરીર પર થયેલી ઈજાઓ પણ બતાવી હતી. વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો.
સરકારી નોકરીનું આશ્વાસન આપી બોલાવ્યો હોવાનો દાવો
પીડિતના જણાવ્યા મુજબ, પરિચિત મારફતે તેને ભોપાલ બોલાવવામાં આવ્યો હતો અને શૈલેષ સિંહના ઘરે રસોઈયાની નોકરી સાથે ભવિષ્યમાં સરકારી નોકરી અપાવવાની ખાતરી આપવામાં આવી હતી. મહિને ₹15 હજાર પગાર, રહેવા અને જમવાની વ્યવસ્થા પણ નક્કી કરવામાં આવી હતી.
‘કામ નહીં કરે તો આવ્યો કેમ?’ કહી ધમકાવ્યો હોવાનો આરોપ
વિપેન્દ્રનો આરોપ છે કે સતત કામ કરાવવામાં આવતું હતું અને જ્યારે તેણે નોકરી છોડવાની વાત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો. ત્યારબાદ તેનો મોબાઈલ જપ્ત કરી દેવામાં આવ્યો અને રૂમમાં બંધ થઈ જવા છતાં તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસે ત્રણ લોકો સામે FIR નોંધાવી
રાતીબડ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ફરિયાદી અને સાક્ષીઓના નિવેદન બાદ પૂર્વ IPS શૈલેષ સિંહ, તેમના પુત્ર શશાંક સિંહ અને એક કર્મચારી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.
આ પહેલાં પણ લાગ્યા હતા સમાન આરોપો
આ જ વર્ષે મે મહિનામાં વિદિશાના એક યુવકે પણ શૈલેષ સિંહ સામે બંધક બનાવી રાખવા, મારપીટ કરવા અને મોબાઈલ છીનવી લેવાના આરોપો સાથે ફરિયાદ નોંધાવી હતી. યુવકે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો.
2026ની IPL સીઝન રહી નિરાશાજનક
પંજાબ કિંગ્સના ખેલાડી શશાંક સિંહ માટે IPL 2026 ખાસ સફળ રહી નહોતી. તેણે 12 મેચમાં માત્ર 132 રન બનાવ્યા હતા. જોકે અગાઉની સીઝનમાં તેના પ્રદર્શનને કારણે ફ્રેન્ચાઈઝીએ તેને ₹5.5 કરોડમાં રિટેન કર્યો હતો.
-
આયરલેન્ડ સામે ભારતની ઐતિહાસિક સિરીઝ હાર, આઇસલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરને કર્યો ટ્રોલ
આયરલેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં રમતી ભારતીય ક્રિકેટ ટીમને આયરલેન્ડ સામે ટી20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શનનો સામનો કરવો પડ્યો છે. બેલફાસ્ટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારત માત્ર એક રનથી હાર્યું હતું, જેના કારણે આયરલેન્ડે સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી. ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં આયરલેન્ડ સામે દ્વિપક્ષીય સિરીઝમાં આ પ્રથમ પરાજય છે.
આઇસલેન્ડ ક્રિકેટનો વાયરલ કટાક્ષ
ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર પોતાની વ્યંગાત્મક પોસ્ટ માટે જાણીતું આઇસલેન્ડ ક્રિકેટ ફરી ચર્ચામાં આવ્યું. સત્તાવાર X એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં ગૌતમ ગંભીર પર કટાક્ષ કરતાં લખાયું કે તેઓ ગંભીરને પોતાના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવા માંગતા નથી, પરંતુ આટલી મજબૂત ટીમ સાથે આવા પરિણામ મેળવવા માટે ખાસ પ્રકારની પ્રતિભા જરૂરી હોય છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.
ગૌતમ ગંભીરના કોચિંગ પર ઉઠ્યા સવાલ
ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થયા બાદ ટીમના પ્રદર્શન અંગે સતત ચર્ચા થઈ રહી છે. અલગ-અલગ ફોર્મેટમાં ભારતને કેટલીક મહત્વપૂર્ણ સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.
તાજેતરના નોંધપાત્ર પરિણામો
-
આયરલેન્ડ સામે પ્રથમ વખત ટી20 દ્વિપક્ષીય સિરીઝમાં પરાજય.
-
ઘરઆંગણે મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન.
-
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસમાંથી બહાર થવું.
-
શ્રીલંકા સામે લાંબા સમય બાદ વનડે સિરીઝમાં હાર.
-
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં રેકોર્ડબ્રેક રનચેઝનો સામનો.
-
ટેસ્ટ ક્રિકેટમાં રનની દૃષ્ટિએ સૌથી મોટી હારમાંનું એક પરિણામ.
સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા
આયરલેન્ડ જેવી ઉદયમાન ટીમ સામે ભારતની હાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ટીમની પસંદગી, રણનીતિ અને કોચિંગ અંગે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પૂર્વ ક્રિકેટરો પણ ટીમના પ્રદર્શન અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આગામી પડકારો પર રહેશે નજર
આ સિરીઝ બાદ હવે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ સામે આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં મજબૂત વાપસી કરવાનો પડકાર રહેશે. ટીમનું પ્રદર્શન અને કોચિંગ સ્ટાફની રણનીતિ પર ક્રિકેટ જગતની નજર રહેશે.
-

