Category: દિલ્હી

  • લાંઘણજ પોલીસ ના પીઆઇ પરમાર ની અસામાજિક તત્વો સામે લાલ આંખ — બે જગ્યાએ દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

    પીઆઈ પરમારના કાર્યભાર બાદ લાંઘણજ વિસ્તારમાં વધી પોલીસની સક્રિયતા — ટુંડાલી ગામની સીમ અને લાંઘણજ જૈન દેરાસર નજીક રેડ — રૂ. 25,000થી વધુ રોકડ સાથે 11 ઈસમો ઝડપાયા

     લાંઘણજ..

    પોલીસની સક્રિય કામગીરીથી જુગારિયા ઓમાં ફફડાટ

    મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથક હેઠળ છેલ્લા કેટલાક સમયથી જુગાર તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થતો હતો. પરંતુ પીઆઈ પરમારના આગમન બાદ પરિસ્થિતિમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે પોલીસની સતત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ડરનો માહોલ છે.

     બે સ્થળે દરોડા — 11 જુગારીઓ ઝડપાયા

      લાંઘણજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ટુંડાલી ગામની સીમમાં જુગાર રમતા છ ઈસમોને રૂ. 25,000થી વધુ રોકડ રકમ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા.થોડી જ વારમાં લાંઘણજ ગામના જૈન દેરાસર નજીકથી પાંચ જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા. બંને સ્થળે રોકડ રકમ, પત્તાની ગડીઓ અને અન્ય જુગારના સાધનો જપ્ત કરવામાં આવ્યા.

     ઝડપાયેલા ઈસમોના નામ:

    જુનેદ સમસુદ્દીન સૈયદ (નાગલપુર)

    ઇસ્માઇલ સાહેબખાન પઠાણ (મંડાલી)

    નેચુમ અનવર ખાન પઠાણ (ખોરજ)

    જાવેદ મોહમ્મદખાન પઠાણ (ટુંડાલી)

    ફિરોઝ સોરબખાન પઠાણ (ટુંડાલી)

    વજેસિંહ હરજી ઠાકોર (ટુંડાલી)

    અન્ય પાંચ ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

     કાયદેસર કાર્યવાહી શરૂ

       લાંઘણજ પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. રોકડ રકમ અને જુગારના સાધનો પુરાવા તરીકે જપ્ત કર્યા છે. બંને કિસ્સામાં કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

       પોલીસની આ સતત કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે “લાંઘણજ પોલીસની સતત હાજરી અને સક્રિયતા ગામમાં કાયદો-સુવ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.”

     અંતિમ ટિપ્પણી..

    લાંઘણજ પોલીસ મથકના પીઆઈ પરમારના નેતૃત્વ હેઠળ વિસ્તારની શાંતિ માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે. પોલીસની લાલ આંખથી હવે સ્પષ્ટ સંદેશ ગયો છે કે અસામાજિક પ્રવૃત્તિઓ માટે લાંઘણજ માં કોઈ જગ્યા નહીં રહે.

  • કડી શહેરમાં રાત્રીના ચા-નાસ્તાની લારીઓ અડ્ડા બની – અસામાજિક તત્વોનો વધારો, પોલીસે પગલાં લેવાની જરૂર

    કડી…

    શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ચાલુ રહે છે ચા-નાસ્તાની લારીઓ, પેટ્રોલિંગ દરમિયાન લાઇટો બંધ કરી છુપાય જાય છે સંચાલકો

       કડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે ચા અને નાસ્તાની લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી જોવા મળી રહી છે.આ લારીઓ મોડી રાત સુધી ચાલુ રહે છે, જેના કારણે શહેરના શાંતિપ્રિય નાગરિકોમાં અસંતોષ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

    સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાત્રીના સમયે ચા-નાસ્તાની લારીઓ આસપાસ કેટલાક અસામાજિક તત્વો ભેગા થઈ અડ્ડા જમાવીને બેઠા રહે છે.આ જગ્યાઓ પર રાત્રિભોજન બાદ યુવકોના ટોળાં લાંબા સમય સુધી બેસીને ગપસપ કરતા હોય છે, કેટલાક સ્થળોએ નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા શહેરમાં ચાલી રહી છે. 

       કયા વિસ્તારોમાં છે આવી લારીઓ?

      મુખ્યત્વે ભાગ્યોદય હોસ્પિટલ, કસ્બા વિસ્તાર, શેફાલી ચોકડી, કરણનગર રોડ ફાટક, તેમજ નાની કડી જકાતનાકા વિસ્તાર સહિત મોટા ભાગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવી લારીઓ રાત્રીના ૧૨ વાગ્યા બાદ પણ કાર્યરત જોવા મળે છે.આ લારીઓ શહેરના કેટલાક ભાગોમાં “નાઇટ સ્પોટ” તરીકે લોકપ્રિય બની રહી છે, પરંતુ તેના કારણે શાંતિ અને સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

     પોલીસ આવે તો લાઇટો બંધ, જાય એટલે પછી ફરી ચાલુ

       સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પોલીસ પેટ્રોલિંગ માટે આ વિસ્તારોમાં ફરતી હોય છે ત્યારે લારીઓ ના સંચાલકો લાઇટો બંધ કરી અંધારામાં છુપાઈ જાય છે.જ્યારે પોલીસ આગળ વધી જાય છે ત્યારે તરત જ લારીઓ ફરી શરૂ કરી દેવામાં આવે છે.આ રીતે ચોર પગ થી ચાલી રહેલા ધંધાને કારણે પોલીસની કામગીરી ઉપર અસર થાય છે.

     ઝઘડા અને તંગદિલી ના બનાવો પણ સર્જાયા

       મોડી રાત સુધી ચાલતી આ લારીઓ અને આસપાસ ભેગા થતી ટોળકીઓ ના કારણે અનેક વખત ઝઘડાઓ અને તંગદિલી ના બનાવો પણ સર્જાઈ ચૂક્યા છે.નાગરિકોએ જણાવ્યા પ્રમાણે નાના મનદુઃખ થી શરૂ થતા ઝઘડા ઘણી વખત મોટા ઝઘડાના રૂપમાં ફેરવાય છે.આથી વિસ્તારના રહેવાસીઓએ પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    નાગરિકોની માંગ – “શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે એ જરૂરી”

       શહેરના સમાજસેવકો અને વેપારી વર્ગે જણાવ્યું કે રાત્રીના સમયમાં આવા અડ્ડાઓ ફક્ત કાયદો તોડવાની પ્રેરણા આપે છે,પરંતુ સાથે સાથે શહેરના યુવાનો માટે ખોટો ઉદાહરણ પણ પૂરું પાડે છે.નાગરિકોની માંગ છે કે પોલીસ તાત્કાલિક રીતે અનધિકૃત લારીઓ સામે પગલાં ભરે અને રાત્રિ ૧૧ વાગ્યા બાદ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિવાયની ચા-નાસ્તાની લારીઓ ચાલુ ન રહે તે માટે કડક સૂચનાઓ જાહેર કરે.

     “સમાચાર ડાયરી”નો અભિપ્રાય

       શહેરની શાંતિ અને સુરક્ષા જાળવવી એ દરેક નાગરિક અને પ્રશાસનની સંયુક્ત જવાબદારી છે.જો આવા અસમાજિક તત્વો રાત્રીના અડ્ડા જમાવી રહ્યા છે, તો તે શહેરના વાતાવરણ માટે ખતરનાક છે.પોલીસે જો કડક પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં કડી જેવા શાંતિપ્રિય શહેરોમાં અશાંતિ ફેલાઈ શકે છે.

    કડી પોલીસને હવે કાર્યવાહી કરવી જરૂરી છે –

    જેથી શહેરમાં શાંતિ, સુરક્ષા અને નિયમનો કડક અમલ જળવાઈ રહે.

  • તહેવાર એટલે વતનની વાટ :– મહેસાણા જિલ્લાના ગામડાઓ માં જીવંત થઈ લાગણીઓ

     

         મહેસાણા જિલ્લામાં તહેવારનું આગમન થતાં જ શહેરોમાં વસેલા લોકો પોતાના વતન તરફ દોડી પડે છે. અમદાવાદ, સુરત કે મુંબઇમાં વસતા અનેક પરિવારો તહેવાર આવે એટલે જાણે હૃદયની ખેંચાણ અનુભવે છે — “ચાલો, ગામ જઈએ.”

          ઉંઝા, વિસનગર, કડી, બેચરાજી, વિજાપુર અને પાટણ જેવા વિસ્તારોના સેકડો લોકો વર્ષભર શહેરમાં મહેનત કરે છે, પરંતુ તહેવારના દિવસોમાં એ જ લોકો પોતાના વતનના દરવાજે પહોંચી જાય છે. એ દૃશ્ય જોતા લાગે કે તહેવાર ફક્ત ઉજવણી નથી, એ “જોડાણ” છે — પોતાને મૂળ સાથે જોડવાનો સમય.

     ગામનો માહોલ, બાળપણની યાદો

        શહેરમાંથી આવેલ લોકો ગામની ધૂળમાં પગ મૂકે છે તો જાણે સમય પાછો વળી ગયો હોય એવું લાગે છે. બાળપણના મિત્રો, પોળની ગલીઓ, વાડીનો છાંયો, અને કૂવાના કિનારે બેઠાં દિવસો — એ બધા દૃશ્યો ફરી જીવંત થઈ જાય છે.

    ગામમાં તહેવાર એટલે આખું ગામ ભેગું થાય. દીવાળી હોય કે ઉતરાયણ — દરેક ઘરમાં ઉજાસ અને હરખનો માહોલ જોવા મળે છે.

    બેચરાજી વિસ્તારના એક યુવક, હાર્દિક પટેલ કહે છે —“શહેરમાં તહેવાર એટલે ફક્ત રજા અને મોલ, પરંતુ ગામમાં એ તહેવાર જીવાય છે. દીવો પ્રગટાવતા જ લાગે છે કે આત્મામાં શાંતિ ઉતરી ગઈ.”

     પરિવાર અને સંબંધોની ગરમી

       શહેરમાં નોકરીની ભાગદોડમાં ઘણા લોકો પોતાના પરિવારોને વર્ષભર નથી મળતા. પણ તહેવાર એ સમય છે જ્યારે બધા ભેગા થાય છે — દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી અને બાળકો.લાડવા – ચોળાફળીની સુગંધ, ઘરની છત પરથી ઉડતા પતંગો અને સાંજની આરતીમાં એક સાથે બેઠેલું પરિવાર — એ દૃશ્યો દિલને સ્પર્શી જાય છે.

    કડીના એક વડીલ કહે છે — “આજના યુગમાં બાળકો શહેરમાં રહે છે, પણ તહેવારે ગામ આવે એટલે આખું ઘર જીવંત થઈ જાય છે.”

     શાંતિ અને સંતોષનો અનુભવ

      શહેરના શોર, ટ્રાફિક અને રેસમાંથી દૂર ગામનો માહોલ શાંતિ આપે છે. તાજી હવા, ખુલ્લો આકાશ અને કુદરતના મધુર અવાજ વચ્ચે લોકો થોડો સમય માટે શાંતિ અનુભવે છે.

    જોટાણા વિસ્તારના એક યુવાન કહે છે — “અહીં આવું તો લાગે કે જીવન ધીમું થઈ ગયું છે, પણ હવે અર્થપૂર્ણ છે.”

     પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી

       ગામડાંમાં આજે પણ તહેવાર પરંપરાગત રીતે ઉજવાય છે — મંદિરમાં આરતી, ગરબા, અને સૌજન્ય ના પ્રસંગો. લોકો એકબીજાના ઘેર જઈ શુભેચ્છા આપે છે. ઉતરાયણના દિવસે છત પરથી “કાઇપો” બોલાવવાની સ્પર્ધા અને હાસ્યનો માહોલ — એ એકતાનો ઉદાહરણ છે.મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં આ એકતા અને લાગણી આજેય જીવંત છે.

     વતન છોડી પાછા જતા દિલમાં એક ખાલીપો

       તહેવાર પૂરો થયા પછી જ્યારે લોકો પાછા શહેર તરફ વળી જાય છે, ત્યારે ગામની ગલીઓમાં ફરી શાંતિ છવાય છે. પરંતુ એ લોકોના દિલમાં એક ખાલીપો રહી જાય છે —

    “અહીં શાંતિ હતી, પ્રેમ હતો, અને એ માહોલ શહેરમાં ક્યારેય નથી મળતો.”

  • જોટાણા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં છેતરપિંડીની ચર્ચા

    ગરીબોના હકના અનાજ પર દુકાનદારોનો તરાપ – લોકોમાં ભારે આક્રોશ

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં છેતરપિંડીના બનાવો સામે આવ્યા બાદ સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. સરકારની ગરીબ કલ્યાણ યોજનામાંથી મળતું અનાજ પૂરું મળતું નથી અને દુકાનદારો લાભાર્થીઓને ઓછું વજન આપતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

     સરકારી યોજનાઓ હેઠળ ગરીબોની સહાય — પરંતુ કાગળ ઉપર જ ?

      પંડિત દીનદયાળ સસ્તા અનાજ યોજનાનો હેતુ ગરીબ પરિવારોને ન્યાયી દરે અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે. પરંતુ જોટાણા તાલુકાની અનેક દુકાનોમાં આ યોજના માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનું બહાર આવ્યું છે.

      સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે દુકાનદારો સરકારી નિયમ મુજબ પૂરું વજન આપતા નથી. કોઈ લાભાર્થીએ ફરિયાદ કરવાનો પ્રયાસ કરે તો તેમને “ગોડાઉનમાંથી ઓછું મળ્યું” અથવા “સરકાર પાસેથી સપ્લાય અટક્યો” જેવા બહાનાં આપી ટાળી દેવામાં આવે છે.

    કાળાબજારમાં વેચાતું બચેલું અનાજ

       લાભાર્થીઓના જણાવ્યા મુજબ બચેલું અનાજ કાળાબજારમાં ઉંચા ભાવમાં વેચવામાં આવે છે. કેટલાક દુકાનદારો રાજકીય પીઠબળ ધરાવતા હોવાને કારણે તેઓ સામે કાર્યવાહી થતી નથી.

    સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગના કેટલાક કર્મચારીઓ પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે દુકાનદારો અધિકારીઓને ભાગ આપીને તપાસથી બચી જાય છે.

    જોટાણા તાલુકાની આર્થિક સ્થિતિ

     જોટાણા તાલુકો મહેસાણા જિલ્લાના અંતરિયાળ અને અવિકસિત વિસ્તારોમાં નો એક ગણાય છે. અહીંના મોટાભાગના લોકો કૃષિ મજૂરી અને નાના ધંધા પર આધાર રાખે છે. આ પરિસ્થિતિમાં ગરીબ પરિવારો માટે સરકાર દ્વારા આપવામાં આવતું સસ્તું અનાજ જીવનરેખા સમાન છે.

      આવી છેતરપિંડીના કિસ્સાઓ માત્ર અનાજની ચોરી નથી, પરંતુ ગરીબીની વચ્ચે જીવી રહેલા પરિવારોની આશા પર ઘા સમાન છે.

     લોક માંગ..

    નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી

       આ મુદ્દે સ્થાનિક લોકો મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર ને સુઑમોટો લઈ તપાસ કરવાની માંગ કરી છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત દુકાનદારોને કડક સજા મળે.

      સામાજિક સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો તેઓ જિલ્લા સ્તર થી ગાંધીનગર સુધી આંદોલન ચલાવશે.

    સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓની અસરકારકતા પર પ્રશ્નચિહ્ન

      આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે શું ગરીબ કલ્યાણ યોજનાઓ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચી રહી છે?સરકાર વર્ષ દરમિયાન અબજો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ તંત્રના મધ્યમ સ્તરે થતી ગેરરીતિઓને કારણે ગરીબોને પૂરતો લાભ મળતો નથી.

      સામાજિક કાર્યકરોનું માનવું છે કે દરેક રાશન દુકાન પર ડિજિટલ વજનકાંટો અને CCTV ફરજિયાત કરવાથી આ પ્રકારની છેતરપિંડી રોકી શકાય.

     લોકો શું કહે છે ..

    “દુકાનદારોને પૂરતું કમિશન મળે છે છતાં ગરીબોને છેતરે છે, આ અતિ દુઃખદ છે. સરકારએ તાત્કાલિક તપાસ કરવી જોઈએ.”

    — સ્થાનિક નાગરિક, જોટાણા તાલુકા

    “બચેલું અનાજ કાળાબજારમાં જાય છે, અને તપાસ થાય ત્યારે કાગળ પર બધું બરાબર દેખાડે છે. હવે પારદર્શક વ્યવસ્થા લાવવી જ જોઈએ.”

    — સામાજિક કાર્યકર

     સણસણતો પ્રશ્ન…

       ગરીબોના હિત માટે બનાવાયેલી યોજનાઓમાં જો આ રીતે ગેરરીતિ ચાલતી રહેશે, તો શું ખરેખર “સબકા સાથ, સબકા વિકાસ” શક્ય બનશે?

      જોટાણા તાલુકાની આ ઘટના તંત્રને ચેતવણીરૂપ છે કે જો પારદર્શકતા અને જવાબદારી વધારવામાં નહીં આવે, તો આ પ્રકારની છેતરપિંડી આખી યોજના પર કલંક સમાન બનશે.

     

    આવનારા સમયમાં કયા રાજકીય નેતા પોતાનો હોદ્દો અને રુઆબ નો ઉપયોગ કરી પોતાના રોટલા શેકે છે અને કોણ ફસાયું હતું રૂપસુંદરીમાં અને કેવો માર પડ્યો હતો તેની વિગતવાર માહિતી આવશે સામે.

  • વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટ : પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદ ખસેડાયા

    જેપુર ગામે સવારે ફ્રિજમાં થયેલા ધડાકાભેર વિસ્ફોટ બાદ ઘરમાં આગ ફાટી નીકળી — પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા, અમદાવાદ ખસેડાયા

    લીડ…

    વિજાપુર તાલુકાના જેપુર ગામે આંબાવાડીયા વિસ્તારમાં આજે સવારે એક ભયંકર ઘટના બની હતી. ગેસ ચાલુ કરતી વખતે રસોડામાં મુકેલા ફ્રિજમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં પિતા અને પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જી દીધો છે.

     વિગતવાર…

       માહિતી મુજબ, જેપુર ગામના રહેવાસી ગીરધર ભાઈ પટેલ સવારે ચા બનાવવા માટે ગેસ ચાલુ કરી રહ્યા હતા. એ સમયે નજીકમાં મુકેલા ફ્રિજમાં અચાનક ધડાકો થયો અને જોરદાર બ્લાસ્ટ થી રસોડામાં આગ લાગી ગઈ. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારીના કાચ તૂટી ગયા અને બહાર મુકેલો ઝૂલો પણ આગની લપેટમાં આવી ગયો.

    આકસ્મિક ધડાકા બાદ પડોશીઓ દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. દુર્ઘટનામાં ગીરધરભાઈ પટેલ અને તેમનો પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે ગીરધર ભાઈની પત્નીને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ફ્રિજમાં ગેસ લીકેજ કે ઇલેક્ટ્રિકલ ખામીથી વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે.ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે.જેપુર ગામમાં ફ્રિજ બ્લાસ્ટ ની આ દુર્ઘટનાથી ભય અને ચકચાર ફેલાઈ છે.

    સ્થાનિક પ્રતિભાવ:

      ગામલોકો કહે છે કે ફ્રિજ માં આ રીતે વિસ્ફોટ થવાની ઘટના પ્રથમવાર જોવા મળી છે. લોકોમાં વીજળી અને ગેસ સાધનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

  • કડીમાં આરોગ્ય કર્મી દ્વારા લાખો – કરોડો રૂપિયાનો છેતરપિંડી કાંડ 🔸 એકના ત્રણ કરવાની લાલચ આપી અનેક લોકોને રડાવ્યા — આરોગ્ય વિભાગના કર્મચારીની એપ્લિકેશન ઠગાઈથી હાહાકાર

    કડી શહેરમાં ફરી એક નવો કાંડ

        કડી શહેરમાં છેલ્લા થોડા સમયથી છેતરપિંડીના બનાવો વધતા જઈ રહ્યા છે. હજી તાજેતરમાં શિક્ષક દંપતીએ ઊંચા વ્યાજના ભુલકાં આપી કરોડો રૂપિયાનું છેતરપિંડી કાંડ સર્જ્યું હતું. તે કિસ્સો હજી શાંત પડ્યો નથી કે આરોગ્ય વિભાગમાં નોકરી કરતા એક કર્મચારીની નવી ઠગાઈ સામે આવી છે.

     એપ્લિકેશનમાં રોકાણના નામે લાખો ઉડાવ્યા

      નાની કડી વિસ્તારમાં રહેતા અને આરોગ્ય વિભાગની પ્રતિષ્ઠિત નોકરી કરતા ઈસમએ પોતાના મિત્ર વર્તુળો અને સગાસંબંધીઓને “એકના ત્રણ” કરવાની લાલચ આપી હતી.તે જણાવી રહ્યો હતો કે એક વિદેશી એપ્લિકેશનમાં રોકાણ કરવાથી રોજ યુરો (વિદેશી ચલણ)માં નફો મળે છે.

         શરૂઆતના થોડા દિવસો સુધી રોકાણકારોને નફા રૂપે રૂપિયા મળતા રહ્યા, પરંતુ બાદમાં ટ્રાન્ઝેક્શન એકાએક બંધ થઈ જતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો.

     ઠગાઈની પદ્ધતિ (Modus Operandi) – વિશ્વાસ જીતવાનો ખેલ

    આ આરોગ્ય કર્મી સામાન્ય રીતે જાહેર સ્થળોએ જઈને લોકોને મોટી મોટી વાતો કરતો જેમ કે મેં આ એપ્લિકેશનમાં રૂપિયા રોક્યા છે અને મને વિદેશી ચલણમાં નફો મળે છે તેમ કહી લોકોને આ એપ્લિકેશનથી રોજ વિદેશી ચલણમાં રૂપિયા મળે છે” એવો વિશ્વાસ અપાવતો અને માત્ર 

    “1000 દિવસમાં પૈસા ત્રણ ગણા થઈ જાય છે એવું કહી રોકાણ કરાવતો.પોતાની સરકારી નોકરી બતાવી વિશ્વાસ જીતતો શરૂઆતમાં નફો આપી વિશ્વાસ વધારતો અને બાદમાં એપ્લિકેશન બંધ થઈ ગઈ.

     રોકાણકારો માં આક્રોશ – રોકાણકારો હવે ઉઘરાણીની તૈયારીમાં

         પૈસા પરત ન મળતા હાલ રોકાણકારો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.મોટા નફાની લાલચમાં રોકાણ કરેલ રૂપિયા લાંબા સમય સુધી પરત ન આવતા રોકાણકારો હવે તે આરોગ્ય કર્મી પાસે કડક ઉઘરાણી કરી છે તો કેટલાક રોકાણકારો ઠગ બાજ ઇસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.શહેરમાં આ નવો કાંડ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

       પોલીસ તપાસની માંગ

         સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે કે આરોગ્ય વિભાગના આ કર્મચારી સામે તાત્કાલિક કડક તપાસ હાથ ધરી અન્ય લોકોને પણ છેતરાઈ જવાથી બચાવવામાં આવે.આરોગ્ય વિભાગના સરકારી કર્મચારી પર છેતરપિંડી ના આક્ષેપો સામે આવતા હવે તંત્ર પણ સતર્ક બન્યું છે.શક્ય છે કે આગામી દિવસોમાં આ કેસમાં મોટો ભાંડો ફૂટે..

    આગામી અંકમાં રોકાણકાર દ્વારા કરાયેલ રોકાણ અને ઠગનાર આરોગ્ય કર્મી ની કાળી કરતૂત સચોટ પુરાવા સહિત સામે આવશે.

    કોઈ રોકાણકાર આ વિષય ઉપર અમારો સંપર્ક કરવા ઈચ્છે તો અમને જાણ કરી શકે છે..

    9712990832 – First whatssapp msg only

  • વિસનગર APMCમાં નવા નેતૃત્વની નિયુક્તિ: ડો. જયંતિભાઈ પટેલ ચેરમેન, ભરતભાઈ ચૌધરી વાઇસ ચેરમેન

    વિસનગર: 

     

        વિસનગર કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) માં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થઈ છે. ચૂંટણી અધિકારી દ્રષ્ટિબેન ઓઝાની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં ડો. જયંતિભાઈ પટેલ ચેરમેન અને ભરતભાઈ ચૌધરી વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.

    ડિસેમ્બર 2022 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે કુલ 16 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. અઢી–અઢી વર્ષની ફરતી પદ્ધતિ મુજબ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. નિયમ અનુસાર નવા હોદ્દેદારોને હવે 11 મહિનાનો કાર્યકાળ મળશે.

    નવા નેતૃત્વના કાર્યક્રમો હેઠળ ખેડૂતો માટે ઝડપી લોન, ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત, બેંકો સાથે સહયોગથી ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન લોન યોજનાઓ શરૂ કરવાની યોજના છે, જેનાથી નાણાકીય પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે.

    નવા હોદ્દેદારોને પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ ભાજપના મોવડી મંડળ અને ટેકેદારોનો આભાર માન્યો અને વિસનગર APMC ને સફળતા શિખરે લઈ જવાના આશાવાદી વ્યકત કર્યો.

  • આવતી કાલે વિસનગર APMC માં કોણ બનશે ચેરમેન ? વાઇસ ચેરમેન??

    વિસનગર APMCમાં આવતી કાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે. વર્તમાન ચેરમેન તથા વાઇસ ચેરમેનનો અઢી-અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાને કારણે નવા હોદેદારોની પસંદગી માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.

    વિસનગર કૃષિ ઉત્પાદન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાઈ હતી. નિયમ મુજબ સમિતિનો મુદત 2028 સુધીનો રહેશે. પરંતુ કાર્યકાળના ફોર્મ્યુલા મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનનો હોદો અઢી વર્ષમાં બદલવાનો હોય છે.

    આ ચૂંટણી પ્રક્રિયા આવતી કાલે સવારે 11 વાગ્યે શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા નાયબ નિયામક દ્રષ્ટિબેન ઓઝાની અધ્યક્ષતામાં સંપન્ન થશે.

    👉 આવતી કાલે કોણ બને છે વિસનગર APMCના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન તે અંગે ખેડૂત સમાજમાં કૌતુક જોવા મળી રહ્યું છે.

  • બહુચરાજી પંથકમાં હાહાકાર મચાવતી ચોર ટોળકી ને પોલીસે ઝડપી લીધી

    બહુચરાજી

    મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી પંથકને ધમરોળતી ચોર ટોળકી આખરે બહુચરાજી પોલીસ ના હાથે ઝડપાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

        મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મિલકત સબંધી ગુનાઓ આચરતી ટોળકી લેવા સૂચના સંદર્ભે બહુચરાજી પોલીસ એકશન મોડમાં આવી હતી.છેલ્લા બે મહિનામાં બે ચોરીઓને અંજામ આપનાર ટોળકી ને ઝડપી પાડવામાં બહુચરાજી પોલીસ ને સફળતા મળી છે.ચોરીના ગુનામાં ઝડપાયેલા રવિ લાભુજી ઠાકોર અને નરેશ ગાંડાભાઈ દેવીપૂજક સામે પોલીસે સંગઠિત ગુનાની કલમનો ઉમેરી કરી વધુ તપાસ હાથ ધરી છે.

    બંને ચોરોએ ટોળી બનાવી ત્રણ જેટલી ચોરી ની અંજામ આપ્યો હતો.

    બહુચરાજી પોલીસે ચોર ટોળકીને ઝડપી પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

  • પગારવધારા ને લઈને આશા વર્કર બહેનો કડીમાં રણચંડી બની, મામલતદાર ને આપ્યું આવેદનપત્ર

    કડી.   
    કડી તાલુકાના આશા વર્કરો પોતાના દૈનિક આરોગ્ય કાર્યને નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા છે. તેઓ પ્રાથમિક આરોગ્યસેવા, માતા-શિશુ સંભાળ, રસીકરણ, રોગપ્રતિકાર, પોષણ કાર્યક્રમો અને સરકારની અન્ય આરોગ્ય યોજનાઓ પર સતત કામગીરી કરી રહ્યા છે.

    આશા વર્કરોની કામગીરી માત્ર રોજિંદી આરોગ્ય કામગીરી સુધી મર્યાદિત નથી, તેમના ઉપર ઘણા વધારાના કામો પણ સોંપવામાં આવ્યા છે, જેમ કે:

    PMMVY યોજના અને પોષણ ટ્રેકર એપમાં માહિતી અપલોડ કરવી

    સર્વેક્ષણ અને ડેટા એન્ટ્રી

    ઓનલાઈન કામગીરી

    માતા મરણ , બાળ મરણ સંભાળની કામગીરી

    રોગચાળો અથવા અન્ય વિશેષ પ્રસંગે ખાસ ફરજ બજાવવી

    પરંતુ આ વધારાની કામગીરી માટે કોઈ વિશેષ મહેનતાણું આપવામાં આવતું નથી. વર્તમાન મોંઘવારીના સમયમાં હાલના વેતન પર જીવન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

     

    આશા વર્કરોની મુખ્ય માંગણીઓ:

    લઘુત્તમ વેતન મુજબ યોગ્ય વેતન આપવું

    વધારાની કામગીરી માટે મહેનતાણું આપવું

    આરોગ્ય યોજનાઓ માટે ડેટા એન્ટ્રી અને ઓનલાઈન કામગીરી માટે યોગ્ય ભથ્થું ફાળવવું

     

    આશા વર્કરો 24 કલાક આરોગ્ય કાર્યક્રમોને સફળ બનાવવા માટે તત્પર છે. તેઓ આ ન્યાયસંગત માંગણીઓને ધ્યાનમાં લઈને કચેરી કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખે છે.