Category: મનોરંજન

  • આમિર ખાન 5 જુલાઈએ કરશે ત્રીજા લગ્ન, ગૌરી સાથે કરશે રજિસ્ટર્ડ મેરેજ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

    5 જુલાઈએ ગૌરી સાથે કરશે ત્રીજા લગ્ન
    બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજીવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આમિરે રાજકુમાર હિરાણીની વેબ સિરીઝના એક કાર્યક્રમ દરમિયાન જાહેર કર્યું કે 5 જુલાઈએ તે ગૌરી સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે. લગ્ન ખૂબ જ સાદાઈથી ઘરે જ યોજાશે, જેમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહેશે.
    માત્ર 150 મહેમાનો રહેશે હાજર
    અહેવાલો અનુસાર લગ્નમાં અંદાજે 150 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમિર અને ગૌરીએ મહેમાનોની યાદીથી લઈને લગ્નના લંચનું મેન્યૂ પણ જાતે નક્કી કર્યું છે. લગ્ન બાદ પરિવાર અને નજીકના મિત્રો સાથે લંચનું આયોજન કરવામાં આવ્યું છે.
    સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ
    આમિરની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક યુઝર્સે 33 વર્ષના દીકરા જુનૈદની હાજરીમાં ત્રીજા લગ્નની જાહેરાતને લઈને ટીકા કરી, જ્યારે અન્ય લોકોએ વ્યક્તિગત જીવનને વ્યક્તિનો નિર્ણય ગણાવી સમર્થન પણ આપ્યું.
    વિકી કૌશલે પાઠવી શુભેચ્છા
    કાર્યક્રમમાં હાજર અભિનેતા વિકી કૌશલે આમિરના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને બંનેને શુભેચ્છાઓ પાઠવી. બીજી તરફ અભિનેત્રી રાખીએ પણ આમિરના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે સુખી લગ્નજીવનનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી.
    ગૌરી સાથેનો સંબંધ અગાઉ જાહેર કર્યો હતો
    આમિર ખાને પોતાના 60મા જન્મદિવસે ગૌરી સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. અગાઉ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, “મેં મનથી ગૌરી સાથે પહેલાથી જ લગ્ન કરી લીધા છે, હવે તેને ઔપચારિક સ્વરૂપ આપવું કે નહીં તે સમય નક્કી કરશે.”
    આમિરના અગાઉના બે લગ્ન
    આમિર ખાને પ્રથમ લગ્ન વર્ષ 1986માં રીના દત્ત સાથે કર્યા હતા, જેમનાથી તેમને જુનૈદ અને આયરા નામના બે સંતાનો છે. બાદમાં બંનેના છૂટાછેડા થયા. ત્યારબાદ વર્ષ 2005માં તેમણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને આઝાદ નામનો પુત્ર છે. વર્ષ 2021માં આમિર અને કિરણે પણ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
  • લોસ એન્જલસમાં શાહરૂખ ખાને કર્યું ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’નું ઉદ્ઘાટન

    લોસ એન્જલસમાં નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું ભવ્ય ઉદ્ઘાટન
    બોલિવૂડના બાદશાહ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સહ-માલિક શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસમાં ‘નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમણે આ ઐતિહાસિક ક્ષણની માહિતી આપી.
    સપનું આજે હકીકત બની ગયું’
    ઉદ્ઘાટન બાદ શાહરૂખ ખાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “જે એક સપનું હતું તે આજે હકીકત બની ગયું છે. લોસ એન્જલસના નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપ સૌનું સ્વાગત છે.” તેમણે ઉમેર્યું કે આ મેદાન માત્ર ક્રિકેટ માટે નહીં, પરંતુ પરિવાર, મનોરંજન અને યાદગાર ક્ષણો માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે.
    માત્ર 100 દિવસમાં તૈયાર થયું સ્ટેડિયમ
    કેલિફોર્નિયાના પોમોના શહેરના ફેરપ્લેક્સમાં આવેલું આ સ્ટેડિયમ માત્ર 100 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. મેજર લીગ ક્રિકેટ (MLC)માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ (LAKR)નું આ હોમ ગ્રાઉન્ડ રહેશે.
    જય શાહનો માન્યો આભાર
    શાહરૂખ ખાને આ પ્રોજેક્ટમાં સહયોગ આપવા બદલ ICCના ચેરમેન જય શાહ અને CEO સંજોગ ગુપ્તાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ દુનિયાભરના ક્રિકેટ ચાહકો અને સમગ્ર નાઈટ રાઈડર્સ પરિવારને સમર્પિત છે.
    વીડિયોમાં બ્રાવો, નારાયણ અને અલી ખાન પણ નજરે પડ્યા
    શાહરૂખે શેર કરેલા વીડિયોમાં અમેરિકન ક્રિકેટર અલી ખાન ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીઓ ડ્વેન બ્રાવો અને સુનીલ નારાયણ પણ જોવા મળ્યા હતા.
    LA Olympics 2028 માટે પણ મહત્વપૂર્ણ
    આ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટની વાપસી માટે મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવી રહ્યું છે. મેદાનમાં ICC ધોરણ મુજબ 8 પિચ અને 120 ફૂટ ઊંચા ફ્લડલાઇટ ટાવર્સ સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
  • અભિષેક બચ્ચનનો મોટો ખુલાસો: “કામ નહીં મળે એ ડરે જે ફિલ્મ મળી તે સાઇન કરી”

    26 વર્ષ પછી અભિષેક બચ્ચનનો કરિયર સંઘર્ષ અંગે મોટો ખુલાસો
    બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતાં મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ ગયા બાદ તેને સતત ડર રહેતો હતો કે આગળ કામ મળશે કે નહીં. આ જ કારણે શરૂઆતમાં જે ફિલ્મની ઓફર આવતી હતી તે સ્વીકારી લેતો હતો.
    ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ થતાં વધ્યો હતો ડર
    અભિષેક બચ્ચને વર્ષ 2000માં કરીના કપૂર સાથે ફિલ્મ **’રિફ્યુજી’**થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી. ત્યારબાદ કામ ગુમાવવાના ડરને કારણે તેણે અનેક ફિલ્મો વિચાર્યા વગર સાઇન કરી હોવાનું જણાવ્યું.
    હવે સ્ક્રિપ્ટ પસંદ કરવામાં વધુ સાવધ
    તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું કે હવે તે પોતાની કામ કરવાની રીત સંપૂર્ણપણે બદલી ચૂક્યો છે. વર્ષોના અનુભવ બાદ હવે તે કઈ ફિલ્મ કરવી અને કઈ ન કરવી તેનો યોગ્ય નિર્ણય લે છે. હવે તે માત્ર સારી સ્ક્રિપ્ટ અને મજબૂત પાત્રોને જ પ્રાથમિકતા આપે છે.
    26 વર્ષની કારકિર્દીમાં મળ્યા અનેક યાદગાર રોલ
    અભિષેક બચ્ચને પોતાની કારકિર્દીમાં ‘ગુરુ’, ‘યુવા’, ‘સરકાર’, ‘બન્ટી ઔર બબલી’ સહિત અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કહ્યું કે હવે કેમેરા સામે પહેલાની સરખામણીએ વધુ આત્મવિશ્વાસ અનુભવાય છે.
    હવે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે
    અભિષેક બચ્ચન હવે શાહરુખ ખાનની બહુચર્ચિત ફિલ્મ **’કિંગ’**માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખરજી, અરશદ વારસી અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
  • એસ.ટી.ના કર્મચારીની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાને સલામ: બેચરાજીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો

    રિપોર્ટર: રાજભા સોલંકી

    ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક સેવા પૂર્ણ કરીને તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની લાંબી અને સમર્પિત સેવાના સન્માનરૂપે તા. 1 જુલાઈ, 2026ના રોજ બેચરાજી ખાતે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

    બેચરાજીના શંખલપુર રોડ સ્થિત ઉમિયા વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બેચરાજી ડેપોના મેનેજર ગુંજનભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

    સમારોહમાં બેચરાજીના ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, તાલુકા મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી ગોવિંદસિંહ સોલંકી, દેલપુરાના પૂર્વ સરપંચ વિષ્ણુભા પૃથ્વીરાજ સોલંકી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી.

    વક્તાઓએ ઈસ્માઈલભાઈ ડોગાની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના પ્રામાણિક સ્વભાવ, ફરજનિષ્ઠા અને મુસાફર સેવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.

    કાર્યક્રમમાં પરિવારજનો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ ભાવુક વાતાવરણ વચ્ચે ઈસ્માઈલભાઈને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  • 19 વર્ષ બાદ પરત ફર્યો શિવમ: ‘આવારાપન 2’નું ટીઝર રિલીઝ, ઇમરાન હાશ્મીની કમબેકે ચાહકોમાં જમાવ્યો ક્રેઝ

    19 વર્ષ બાદ ‘આવારાપન’ની કહાની ફરી શરૂ
    ઇમરાન હાશ્મીની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘આવારાપન’ ના 19 વર્ષ પૂર્ણ થતાં તેની સિક્વલ ‘આવારાપન 2’નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં ફરી એકવાર ‘શિવમ’ તરીકે ઇમરાન હાશ્મીની એન્ટ્રી જોવા મળે છે, જેણે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.
    ‘દર્દ સાથેનો મારો જૂનો સંબંધ છે…’થી થાય છે શરૂઆત
    ટીઝરની શરૂઆત ઇમરાન હાશ્મીના ડાયલોગ “દર્દ સાથે મારો જૂનો સંબંધ છે…”થી થાય છે. ત્યારબાદ તેઓ કહે છે કે કેટલીક કહાનીઓ વ્યક્તિની ઈચ્છાથી નહીં પરંતુ બીજા લોકો માટે લખાય છે, જે ફિલ્મની ભાવનાત્મક અને રહસ્યમય સ્ટોરીની ઝલક આપે છે.
    આલિયાની કબરથી શરૂ થાય છે નવી કહાની
    ટીઝરમાં ઇમરાન હાશ્મી આલિયા હામિદની કબર પર શ્રદ્ધાંજલિ આપતા જોવા મળે છે. ‘આવારાપન’ જ્યાં પૂર્ણ થઈ હતી, ત્યાંથી જ સિક્વલની કહાની આગળ વધતી હોવાનું ટીઝરમાં સ્પષ્ટ થાય છે.
    દિશા પટણી અને શબાના આઝમીની એન્ટ્રી
    ફિલ્મમાં દિશા પટણી ઇમરાન હાશ્મીની લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે, જ્યારે દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી એક ઇન્ટેન્સ અને મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ટીઝરમાં બંનેની ઝલક જોવા મળી છે.
    ‘તો ફરી આવો’ ગીતે વધારી યાદો
    ટીઝરમાં ‘આવારાપન’નું સુપરહિટ ગીત ‘તો ફરી આવો’ નવા અંદાજમાં સંભળાય છે, જે જૂની યાદોને ફરી તાજી કરે છે અને ફિલ્મના ભાવનાત્મક માહોલને વધુ મજબૂત બનાવે છે.
    14 ઓગસ્ટે સિનેમાઘરોમાં થશે રિલીઝ
    વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે. ‘આવારાપન 2’ આગામી 14 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    ચાહકોમાં ભારે ઉત્સાહ
    ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર #Awarapan2 અને #EmraanHashmi ટ્રેન્ડ થઈ રહ્યા છે. ઘણા ચાહકો આ ફિલ્મને વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક ગણાવી રહ્યા છે.
  • ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે સલમાન ખાન! બાંદ્રામાં સમુદ્ર કિનારે નવા લક્ઝરી ઘરમાં શિફ્ટ થવાની તૈયારી

    ગેલેક્સી એપાર્ટમેન્ટને અલવિદા કહેવાની તૈયારી
    બોલિવૂડ અભિનેતા સલમાન ખાન હવે લાંબા સમયથી રહેણાંક બનેલા બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટને અલવિદા કહી નવા નિવાસસ્થાને જવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. પરિવાર માટે સમુદ્ર કિનારે નવી લક્ઝરી બિલ્ડિંગ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર થતાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.
    નવી બિલ્ડિંગને મળી મંજૂરી
    મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ બાંદ્રા વિસ્તારમાં આવેલી નવી મિલકતના બાંધકામને મંજૂરી આપી છે. આ મિલકત સલમાન ખાનની માતા સલમા ખાનના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળે છે. જોકે, ખાન પરિવારે હજુ સુધી સ્થળાંતર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
    ગેલેક્સી એપાર્ટમેન્ટ સાથે જોડાયેલી યાદો
    ગેલેક્સી એપાર્ટમેન્ટ વર્ષોથી સલમાન ખાનના ચાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અભિનેતા પોતાના જન્મદિવસ અને ખાસ પ્રસંગોએ ગેલેરીમાં આવી ચાહકોનું અભિવાદન કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાના કારણોસર જાહેરમાં દેખાવાનું પ્રમાણ ઘટ્યું છે.
    ગોળીબાર બાદ સુરક્ષા બની સૌથી મોટી પ્રાથમિકતા
    બાંદ્રામાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ પર અગાઉ બિશ્નોઈ ગેંગ તરફથી ગોળીબારની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સલમાન ખાનની સુરક્ષા નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવી હતી. હાલ બિલ્ડિંગ બહાર સતત પોલીસ બંદોબસ્ત રહે છે અને મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવા પર પણ નિયંત્રણ રાખવામાં આવે છે.
    નવી બિલ્ડિંગમાં હાઈ-સિક્યુરિટી વ્યવસ્થા સંભવિત
    નવી રહેણાંક ઈમારતમાં આધુનિક સુરક્ષા વ્યવસ્થાને વિશેષ મહત્વ આપવામાં આવે તેવી શક્યતા છે. પ્રવેશ નિયંત્રણ, અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ અને ખાનગી સુરક્ષા જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
    પનવેલમાં પણ છે વિશાળ ફાર્મહાઉસ
    બાંદ્રા ઉપરાંત સલમાન ખાન પાસે પનવેલમાં વિશાળ ફાર્મહાઉસ પણ છે, જ્યાં તેઓ ઘણી વખત પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય વિતાવતા જોવા મળે છે.
  • સામંથા રૂથ પ્રભુએ પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત: ફિલ્મોમાંથી લેશે બ્રેક, કહ્યું- હવે મેટરનિટી લીવનો સમય

    સામંથાએ ચાહકો સાથે શેર કર્યા ખુશખબરના સમાચાર
    સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ પોતાની પ્રેગ્નન્સીને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ માતૃત્વના નવા તબક્કામાં પ્રવેશી રહી છે અને તેથી થોડા સમય માટે ફિલ્મોથી વિરામ લેશે.
    ‘મેટરનિટી લીવ બાદ ફરી કામ પર પરત ફરીશ’
    તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ **’મા ઇંતિ બંગારમ’**ના સફળતા સમારંભમાં સામંથાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આ ફિલ્મ બાદ તેઓ પોતાની તબિયત અને માતૃત્વને પ્રાથમિકતા આપશે. તેમણે ઉમેર્યું કે મેટરનિટી બ્રેક પૂર્ણ થયા પછી ફરી નવી ફિલ્મ સાથે દર્શકો વચ્ચે વાપસી કરશે.
    બેબી બમ્પની તસવીરો બાદ શરૂ થઈ હતી ચર્ચા
    ફિલ્મના પ્રમોશન દરમિયાન સામંથા વ્હાઇટ ટી-શર્ટ અને ડેનિમ લુકમાં જોવા મળી હતી. તે દરમિયાન સોશિયલ મીડિયા પર શેર થયેલી તસવીરો અને વીડિયોમાં તેમનો બેબી બમ્પ દેખાતો હોવાની ચર્ચા શરૂ થઈ હતી. ત્યારથી ચાહકો તેમના પ્રેગ્નન્ટ હોવાની અટકળો લગાવી રહ્યા હતા.
    છ મહિના પહેલાં રાજ નિદિમોરુ સાથે કર્યા હતા લગ્ન
    સામંથાએ ડિસેમ્બર 2025માં ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં યોજાયેલા આ લગ્ન પરંપરાગત યોગિક વિધિ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. બાદમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને પોતાના સંબંધને સત્તાવાર બનાવ્યો હતો.
    ફિલ્મની સફળતા વચ્ચે મળ્યા ડબલ સેલિબ્રેશનના સમાચાર
    ‘મા ઇંતિ બંગારમ’ને મળેલા સકારાત્મક પ્રતિસાદ વચ્ચે સામંથાના પ્રેગ્નન્સીના સમાચાર તેમના ચાહકો માટે વધુ એક ખુશીની વાત બની છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને અભિનંદન પાઠવવાનો સિલસિલો સતત ચાલુ છે.
  • ‘છેલ્લા 2 વર્ષથી હેલ્થ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છું’: પદ્મ ભૂષણ મળ્યા બાદ અલકા યાજ્ઞિક થઈ ભાવુક

    પદ્મ ભૂષણ મળતા અલકા યાજ્ઞિક થઈ ભાવુક

    ભારતીય સંગીત જગતની જાણીતી ગાયિકા અલકા યાજ્ઞિકને કળા ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે તેમને આ સન્માન અપાયું હતું. સન્માન મેળવ્યા બાદ અલકા યાજ્ઞિકે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોનો આભાર માન્યો હતો.

    ‘છેલ્લા બે વર્ષથી હેલ્થ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છું’

    ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા અલકાએ લખ્યું કે, “છેલ્લા 2 વર્ષથી હું જાહેર જીવન અને મીડિયા બંનેથી દૂર રહી છું. આ સમયગાળા દરમિયાન હું એક ગંભીર હેલ્થ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી હતી.” તેમણે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં ચાહકોનો પ્રેમ, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ તેમની સૌથી મોટી શક્તિ બની રહી.

    રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો થયો વાયરલ

    પદ્મ ભૂષણ સમારોહ દરમિયાન સામે આવેલા વીડિયોમાં 60 વર્ષીય અલકા યાજ્ઞિક એક વ્યક્તિની મદદથી મંચ તરફ આગળ વધતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકો તેમની તબિયત અંગે ચિંતિત બન્યા હતા. પોસ્ટ દ્વારા અલકાએ પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી અને તમામ ચાહકોને આશ્વસ્ત કર્યા.

    ‘આ સન્માન માત્ર મારું નથી’

    અલકાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ભલે આ ટ્રોફી પર મારું નામ લખાયેલું હોય, પરંતુ આ સન્માન મારા દરેક શ્રોતાનું પણ છે. જેમણે વર્ષો સુધી મારા ગીતોને પ્રેમ આપ્યો અને મારી સફરમાં સાથ આપ્યો.” તેમણે ઉમેર્યું કે આ સન્માન માત્ર તેમના કામની કદર નથી, પરંતુ પ્રેમ અને હિંમતની શક્તિનું પણ પ્રતીક છે.

    ધીમે-ધીમે ફરી સામાન્ય જીવન તરફ વળું છું

    પોસ્ટમાં અલકાએ જણાવ્યું કે તેઓ હવે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છે અને ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધી રહી છે. તેમણે ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો આ પ્રતિષ્ઠિત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો.

    ચાહકોને કહ્યું- તમારો પ્રેમ જ મારી સૌથી મોટી કમાણી

    પોસ્ટના અંતમાં અલકા યાજ્ઞિકે લખ્યું કે, “આજે મેં માત્ર એક પુરસ્કાર સ્વીકાર્યો નથી, પરંતુ લાખો લોકોનો પ્રેમ અને આશીર્વાદ પણ અનુભવ્યો છે.” તેમની આ ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમના ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  • 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરશે આમિર ખાન: 5 જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે રજિસ્ટર્ડ મેરેજ, નજીકના મિત્રો-પરિવાર જ રહેશે હાજર

    આમિર ખાન 5 જુલાઈએ કરશે ત્રીજા લગ્ન

    બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન હવે પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. 61 વર્ષની ઉંમરે આમિર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરશે. બંનેનો લગ્ન સમારોહ અત્યંત ખાનગી અને સાદો રાખવામાં આવશે.

    ઘરે જ થશે રજિસ્ટર્ડ મેરેજ

    એક મીડિયા ઇન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું કે આ લગ્ન કોઈ ભવ્ય સમારોહ નહીં હોય, પરંતુ તેમના નિવાસસ્થાને જ એક સરળ રજિસ્ટર્ડ મેરેજ યોજાશે. જેમાં બંને પરિવારોના સભ્યો અને માત્ર નજીકના મિત્રો જ હાજર રહેશે.

    આમિરે કહ્યું કે, “અમે બંને આ પ્રસંગને ખૂબ જ ખાનગી અને સાદગીભર્યો રાખવા માંગીએ છીએ.”

    ગયા વર્ષે ગૌરીનો પરિચય કરાવ્યો હતો

    ગયા વર્ષે પોતાના 60મા જન્મદિવસે આમિર ખાને ગૌરી સ્પ્રેટનો મીડિયા સમક્ષ પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બંને અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાથી તેમના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી, જેને હવે આમિરે સત્તાવાર રીતે સ્વીકારી લીધી છે.

    ‘હું મનથી પહેલેથી જ તેનો પતિ છું’

    એક ઇન્ટરવ્યુમાં આમિરે જણાવ્યું હતું કે,

    “ગૌરી અને હું એકબીજા પ્રત્યે ગંભીર છીએ. અમારો સંબંધ ખૂબ મજબૂત છે. મનથી તો હું પહેલેથી જ પોતાને તેમનો પતિ માનું છું. હવે આ સંબંધને લગ્નનું નામ આપવું એ સ્વાભાવિક આગળનું પગલું છે.”

    થોડા સમય પહેલા કહ્યું હતું- લગ્ન જરૂરી નથી

    રસપ્રદ વાત એ છે કે થોડા સમય પહેલા જ આમિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગૌરી સાથે લગ્ન કરવું તેમની પ્રાથમિકતા નથી અને તેઓ લગ્ન વગર પણ ખુશ છે. જોકે હવે બંનેએ સંબંધને સત્તાવાર સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે.

    ‘ગૌરીએ મને પૂર્ણ બનાવ્યો’

    મે 2026માં આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું હતું કે,

    “હું ખૂબ નસીબદાર છું કે ગૌરી મારા જીવનમાં આવી. તેમની સાથે મને શાંતિ મળે છે. મને લાગે છે કે હવે હું સંપૂર્ણ થયો છું.”

  • યોગ દિવસ પર બોલિવૂડ યોગમય: શિલ્પા, અક્ષય, શાહિદ અને શ્રીલીલાએ કર્યો યોગાભ્યાસ, ફિટનેસનો સંદેશ આપ્યો

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલિવૂડ સ્ટાર્સનો ઉત્સાહ

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના અવસરે બોલિવૂડના અનેક જાણીતા કલાકારો યોગ કાર્યક્રમોમાં જોડાયા હતા. સોશિયલ મીડિયા પર પણ સેલેબ્સે યોગ કરતા વીડિયો અને તસવીરો શેર કરીને લોકોને સ્વસ્થ જીવન માટે યોગ અપનાવવાની અપીલ કરી હતી.

    અક્ષય કુમારે મનસુખ માંડવિયા સાથે કર્યા યોગ

    બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર દિલ્હીમાં આયોજિત વિશેષ યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા સાથે જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વેલનેસ કોચ અંશુકા પરવાનીના માર્ગદર્શન હેઠળ અક્ષયે વિવિધ યોગાસનો કર્યા હતા.

    શાહિદ કપૂર અને શ્રીલીલાની ખાસ હાજરી

    મુંબઈમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી શ્રીલીલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને સફેદ રંગના એથલીઝર આઉટફિટમાં જોવા મળ્યા હતા અને યોગાભ્યાસ કરીને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

    શિલ્પા શેટ્ટીએ બાળકને યોગ શીખવ્યો

    ફિટનેસ આઇકન તરીકે ઓળખાતી શિલ્પા શેટ્ટીએ ગુરુગ્રામના DLF સાયબર હબ ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે યોગાસનો કરાવ્યા અને મંચ પર એક બાળકને યોગ શીખવતો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

    ‘યોગ ભારતની દુનિયાને ભેટ છે’ : શિલ્પા શેટ્ટી

    શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે યોગ ભારતની દુનિયાને અપાયેલી અમૂલ્ય ભેટ છે. આજે વિશ્વના અનેક દેશો યોગને અપનાવી રહ્યા છે. તેમણે યોગને વૈશ્વિક ઓળખ અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

    સુનીલ શેટ્ટી અને નીલ નિતિન મુકેશે પણ આપ્યો સંદેશ

    અભિનેતા સુનીલ શેટ્ટી અને નીલ નિતિન મુકેશે વીડિયો સંદેશ દ્વારા યોગના મહત્વ વિશે વાત કરી હતી. નીલ નિતિન મુકેશે જણાવ્યું કે તેમની દીકરીએ પણ સ્ટ્રેચિંગ અને બ્રિધિંગ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે.

    સુનીલ શેટ્ટીએ કહ્યું કે ફિટ રહેવા માટે નિયમિત યોગ સૌથી અસરકારક ઉપાય છે અને દરેક વ્યક્તિએ તેને પોતાના રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ.

    જેકી શ્રોફે યોગ સાથે વૃક્ષારોપણનો સંદેશ આપ્યો

    આયુષ મંત્રાલય દ્વારા શેર કરાયેલા વીડિયોમાં અભિનેતા જેકી શ્રોફે પોતાની આગવી શૈલીમાં યોગ અને સ્વસ્થ જીવન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય શ્વાસ પ્રક્રિયા, યોગાભ્યાસ અને વૃક્ષારોપણ સારી તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે.

    યોગ દ્વારા ફિટનેસ અને સ્વાસ્થ્યનો સંદેશ

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે બોલિવૂડ સેલેબ્સે યોગને માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી તરીકે રજૂ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને તસવીરોને ચાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.