Category: નવીનતમ સમાચાર

  • કૉંગ્રેસમાં નવી ગૂંચવણ: ફૈઝલ પટેલની બળવો-ભાવના સાથે ભરૂચમાં રાજકીય સમીકરણો બદલવાની શરૂઆત — ‘પટેલ પરિવારમાં બે રસ્તા, પક્ષમાં વધી તકલીફ’

    રિપોર્ટર : મેહુલ પટેલ ભરૂચ,અંકલેશ્વર

    ભરૂચના રાજકારણમાં છેલ્લા કેટલાંક સમયથી સતત થતી અસંતોષની લાગણી શુક્રવારે ખુલ્લેઆમ ફાટી નીકળી. સ્વર્ગીય અહેમદ પટેલ—કોંગ્રેસના દાયકા સુધીના શક્તિશાળી પાયાના સ્તંભ—તેમના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એવો ટ્વિટ કર્યો કે જે ગુજરાત કોંગ્રેસ માટે માત્ર ચેતવણી નહીં પરંતુ ભવિષ્યના વિભાજનનો પૂર્વ સૂર કહેવાય.

    એક જ દિવસે તેમનો ટ્વિટ, બહેન મુમતાઝ પટેલનો વિરોધાભાસી સંદેશ, અને પક્ષની જૂની-નવી લીડરશિપ વચ્ચે ચાલતી રાજકીય ખેંચતાણે ભરૂચની રાજકીય ધરતી ગરમાવામાં મૂકી દીધી છે.

    ફૈઝલ પટેલનો બળવો — “અવગણના હવે સ્વીકાર્ય નથી”

    ફૈઝલ પટેલે જણાવ્યું કે —વર્ષો સુધી પક્ષ માટે કામ કર્યા છતાં સંગઠનની મુખ્ય લીડરશિપ દ્વારા તેમને સતત અવગણના,વ્યૂહાત્મક નિર્ણયોમાં કોઈ સ્થાન નહીં,પ્રદેશ અને જિલ્લા સ્તરે જૂથવાદનો સીધો ભોગ આ બધાના કારણે તેમણે એવું ટ્વિટ કર્યું કે

    “શું હું કોંગ્રેસ(AP) નામની નવી પાર્ટી શરૂ કરું?”

    આ ટ્વિટ માત્ર નારાજગી નહીં પરંતુ ‘પટેલ વંશનો સત્તાકીય બળવો’ ગણાયો.રાજકીય વિશ્લેષકો માને છે કે આ ટ્વિટ તૈયાર વિચાર બાદ જ કરવામાં આવ્યો છે મૂળ કારણ ‘અવગણના’ કરતાં વધુ છે.પાર્ટી સૂત્રોના મતે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસે છેલ્લા ત્રણ ચુંટણીમાં કોઈ પ્રભાવ બતાવ્યો નથી.સંગઠનમાં જૂની લીડરશિપના કારણે નવી પેઢીને અવકાશ મળતો નથીફૈઝલ પટેલની એન્ટ્રી ‘સ્થાનિક નેતાઓના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ’ને ખલેલ પહોંચાડી શકે હતી.આ રીતે, ટ્વિટ એક દિવસનો આકસ્મિક નિર્ણય નથી પણ લાંબા સમયથી ચાલતા જડબેસલાક આંતરિક વિસંવાદનું પલટણ રૂપ છે.

    મુમતાઝ પટેલનો સ્પષ્ટ ‘ના’ — “આ પપ્પાની પાર્ટી છે, હું નહીં છોડુ”

    જ્યારે ફૈઝલ પટેલે પોતાની બહેનને સાથ આપવા કહ્યું ત્યારે મુમતાઝ પટેલે ખુલ્લેઆમ તેમના પગલા સાથે અસહમતી દર્શાવી.તેમણે ટ્વિટ કરીને કહ્યું:આ ફૈઝલનો વ્યક્તિગત નિર્ણય,હું તેની સાથે નહીં

    હું મારા પિતા અહેમદ પટેલની વારસાગાથા અને પક્ષ સાથે જ રહીશ

    આ નિવેદનથી એક વાત સ્પષ્ટ થઈ કે પટેલ પરિવાર રાજકીય રીતે બે ભાગમાં વહેંચાયો છે.

    અહેમદ પટેલની વારસાગાથા—કોંગ્રેસ માટેનું ‘પાવર સેન્ટર’

    અહેમદ પટેલ એવું નામ હતું કે—સંગઠનનો કનેક્ટર,સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ વ્યૂહકાર,સંકટ સમયે પક્ષને બચાવનાર,ભરૂચ કોંગ્રેસનો જીવંત પાયો આ વારસાને કારણે મુમતાઝ પટેલ માટે કોંગ્રેસ છોડી દેવું સરળ નથી. પરંતુ એ પણ સત્ય છે કે આ વારસાએ ફૈઝલ પટેલ માટે પ્રત્યાશાઓ અને દબાણો બંને ઊભા કર્યા છે.

    ભરૂચના રાજકારણમાં શું બદલાઈ શકે?

    ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સતત ઘટતી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે,ભાજપનું પ્રભાવ વધતું રહ્યું છે,સ્થાનિક સ્તરે જૂથવાદ વધારે મજબૂત છે,ફૈઝલ પટેલનું વળાંક પક્ષની જૂની ગોઠવણીને ખોરવી શકે છે જો ફૈઝલ નવી પાર્ટી બનાવે છે તો—

    ✔ કોંગ્રેસને નુકસાન:

    વોટબેંક વધુ ફાટી શકે છે

    ✔ પ્રદેશમાં નવી રાજકીય હલચલ:

    ફૈઝલની લોકપ્રિયતા અને તેમના પિતાનો પ્રભાવ હજી પણ લાગુ છે

    ✔ સ્થાનિક નેતાઓની ગોઠવણી ખોરવાશે:

    પૂર્વ ધારાસભ્ય-જિલ્લા નેતાઓ હવે સાવધાન

    ✔ ભાજપ માટે લાભ:

    કોંગ્રેસ વધુ વિખરાય એટલે ભાજપની સ્થિતિ વધુ મજબૂત

    રાજકીય નિષ્ણાંતો કહે છે:

    “ભરૂચમાં ફૈઝલ પટેલનું પગલું 2027ની ચૂંટણીનો ‘ગેમ ચેન્જર’ બની શકે છે.”

    કોંગ્રેસ માટે પડકાર—“પટેલ વંશને ગુમાવવાનો સમય નથી”

    ગુજરાત કોંગ્રેસ હવે બેઉ વિકલ્પો સામે ઉભી છે:

    1️⃣ ફૈઝલ પટેલને મનાવવા વાટાઘાટ શરૂ કરે

    તેમને જવાબદારી આપે, સ્થાન આપે

    અથવા

    2️⃣ બળવો અવગણે અને આંતરિક વિસંવાદ વધવા દે

    બીજો વિકલ્પ ગુજરાતમાં કોંગ્રેસ માટે લગભગ સ્થાયી નુકસાન સાબિત થઈ શકે.

    સમાપન — એક ટ્વિટે ખોલી દીધી રાજકીય સત્યની પરત

    ફૈઝલ પટેલનો ટ્વિટ માત્ર એક સંદેશ નથી તે છે:જૂથવાદ સામેનો વિરોધ,નવી પેઢીની અસહનશીલતા,અવગણનાનો અવાજ અને કોંગ્રેસની આંતરિક દુર્જર સ્થિતિનો જાહેર પ્રગટાવ આગળના દિવસોમાં શું થશે તે ફૈઝલ પટેલના એક નિર્ણય પર આધાર રાખે છે.

    પણ એટલું ચોક્કસ છે કે ભરૂચનું રાજકારણ નવા અધ્યાયની દિશામાં આગળ વધ્યું છે.

  • સમાચાર ડાયરીએ બહુચરાજીમાં રખડતા ઢોર બાબતે ચેતવ્યા છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું — રખડતા ઢોરે લીધો યુવાનનો જીવ,મહિલા માંડ માંડ બચી

    રિપોર્ટર: પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

    બહુચરાજીમાં રખડતા ઢોરનો ત્રાસ ગયા ઘણા મહિનાથી પ્રજાજનો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. રસ્તાઓ, બજારો, શેરીઓ — દરેક જગ્યાએ ઢોર મુક્ત સંચાર કરી રહ્યા છે અને તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી રહ્યું છે. સમાચાર ડાયરીએ ગણતરીના દિવસો પહેલાં જ વિશેષ સ્ટોરી ચલાવી તંત્રને ચેતવણી આપી હતી કે આ બેદરકારી કોઈ દિવસ જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ વહીવટીતંત્રની “ઘોર નિંદ્રા” આજે એક યુવાનનો જીવ લઈ ગઈ છે અને એક મહિલા મોતના કિનારે પહોંચી છે.

    મૃતક
    સુરેશજી ઠાકોર

    સમાચાર ડાયરીની ચેતવણીને અવગણતા તંત્ર — અને આજે ભોગ બન્યો બેકસૂર યુવક

    શુક્રવારે નવદુર્ગા ચોકમાં તોફાની ગાયે બે લોકો પર હુમલો કર્યો. ઇન્દિરા નગરમાં રહેતા સુરેશજી ઠાકોર જ્યારે શુક્રવારે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાયે તેમને શિંગડે ચડાવ્યા, પટક્યા અને ફરી હુમલો કર્યો. ગંભીર સ્થિતિમાં તેમને બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પરંતુ યુવક બચી શક્યો નહિ. બીજી બાજુ, ગીતાબેન ઠાકોર ઉપર પણ એ જ ગાયે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા.આ બંને હુમલાઓ દર્શાવે છે કે રખડતા ઢોર મુદ્દે તંત્રની ઉદાસીનતા માત્ર પ્રશાસકીય નિષ્ફળતા નથી, પરંતુ આજે માનવીય જાનહાનિ સુધી પહોંચેલી ખામી છે.

    તંત્ર પાસે યોજના નથી, જવાબદારી નથી અને રખડતા ઢોરની ગણતરી સુધી નથી

    બહુચરાજીના નાગરિકો ઘણીવાર રજૂઆતો, અરજીઓ અને સોશિયલ મીડિયા મારફતે તંત્રને ચેતવતા રહ્યા છે કે શહેરમાં રખડતા ઢોરની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ:

    કેટલી સંખ્યા છે?

    કેટલા પકડાયા?

    કેટલા શેલ્ટરમાં ખસેડાયા?

    કેટલાં માલિકોને દંડ થયો?

    આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ વહીવટી તંત્ર પાસે નથી.

    ગણતરી કરવાની, ઢોર પકડવાની, માલિકોને નોટિસ આપવાની કે શેલ્ટરમાં વ્યવસ્થા ઉભી કરવાની કોઈ પ્રક્રિયા “જમીન પર દેખાતી નથી”. માત્ર ફાઈલો અને કાગળો પર જ કાર્યવાહીનો દેખાવ કરવામાં આવે છે.

    સુરેશજીનો પરિવાર તૂટ્યો — માતા-પિતાના મૃત્યુ બાદ હવે ભાઈ પણ એકલો

    મૃત સુરેશજી ઠાકોર અને તેમના ભાઈ ઘરમાં એકલા રહેતા હતા. માતા-પિતાના મૃત્યુ બાદ તેમના માટે ભાઈ જ સહારો હતો. આજે સુરેશજીની મોત બાદ સમગ્ર પરિવાર તૂટી પડ્યો છે. શહેરવાસીઓ ભાવુક શબ્દોમાં કહી રહ્યા છે કે આ મોત “પ્રકૃતિનું નહીં, તંત્રની બેદરકારીનું પરિણામ” છે.

    રખડતા ઢોર મુદ્દે થયેલી આરોપો–જવાબદારીઓ — પરંતુ એક પણ પગલું નહીં

    સ્થાનિક પાલય, વેટરનરી વિભાગ, પોલીસ અને શહેર પ્રશાસન — બધા વિભાગો આ સમસ્યા માટે પોતપોતાની જવાબદારી ટાળે છે. કોઈ કહે કે બજેટ નથી, કોઈ કહે મજૂરો નથી, કોઈ કહે કે વાહન નથી અને કોઈ કહે કે માલિકો સહયોગ કરતા નથી. અંતે શહેરની વચ્ચે ત્રાસ ભોગવે છે — લોકો.

    ભવિષ્યમાં નવાજૂની?—લોકોનો રોષ ઉગ્ર બન્યો

    એક જ દિવસે બે હુમલાઓ બાદ શહેરમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તંત્રની આ ઉદાસીનતા ચાલુ રહેશે તો આવનારા સમયમાં નવાજૂની કે માર્ગ અકસ્માતોના મામલામાં વધારોય થશે.

    આખરે સવાલ એ જ: એક જીવ ગયા બાદ તંત્ર જાગશે કે પાછું કાગળ પરની કાર્યવાહી કરશે?

    બહુચરાજી હવે વહીવટી તંત્ર પાસેથી માત્ર કાર્યવાહી નથી માંગતું—પરંતુ જવાબદારી માંગે છે.

    રખડતા ઢોર મુદ્દે

    ✔ તાત્કાલિક પકડ કામગીરી

    ✔ શેલ્ટરની વ્યવસ્થા

    ✔ માલિકોને દંડ અને કાર્યવાહી

    ✔ શહેરમાં પેટ્રોલિંગ વધારવું

    ✔ હોટસ્પોટ એરિયા નિર્ધારિત કરવું

    જેવી કામગીરી તાત્કાલિક જરૂરી છે.

    સવાલ માત્ર એટલો જ છે—

    શું તંત્ર હવે જાગશે કે ફરી નવા શિકારની રાહ જોશે?

  • શંખેશ્વરમાં નવીન વીજ કચેરી ચાર મહિના બાદ પણ શરૂ નહીં—તાલુકાની પ્રજામાં ભારે અસંતોષ

    રિપોર્ટર: દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર – પાટણ

    પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં સરકારશ્રીએ આશરે ચાર મહિના પહેલા નવીન વીજ કચેરી શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી હોવાની માહિતી મળી રહી છે. પરંતુ આ મંજૂરીને લાંબો સમય વીતી ગયા છતાં, વીજ કંપની દ્વારા આજદિન સુધી એક પણ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે શંખેશ્વર તાલુકાની સમગ્ર પ્રજાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

    સરકારી ગેજેટ અને વીજ કંપનીની આંતરિક મંજૂરી બાદ શંખેશ્વર તાલુકાના તમામ ગામોને નવી કચેરીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. અગાઉ આ ગામો બહુચરાજી, હારીજ અને સમી વીજ કચેરીઓના અધિકારક્ષેત્રમાં આવતા હતા. પરંતુ હવે નવો વહિવટ અમલમાં આવ્યા પછી લોકો જ્યારે પોતાની જરૂરીયાતો માટે જૂની કચેરીઓનો સંપર્ક કરે છે ત્યારે ત્યાંના અધિકારીઓ તેમને સ્પષ્ટ કહી દે છે કે — “તમારું ગામ હવે શંખેશ્વર વીજ કચેરી હેઠળ આવે છે, ત્યાં જ સંપર્ક કરો.”

    સમસ્યા એ છે કે શંખેશ્વર ખાતે નવીન વીજ કચેરીનું કાર્ય જ શરૂ કરવામાં આવ્યું નથી—ના બિલ્ડિંગ, ના સ્ટાફની નિયુક્તિ, ના કોઈ સુવિધા. આમ, લોકો પાસે ફરતી કચેરીઓના માત્ર ચક્કર જ રહે છે. કોઈ કામ નિકળી શકતું નથી, અને જનતાની હાલત ‘અગાઉની કચેરીઓ નહીં અને નવી કચેરી અસ્તિત્વમાં જ નથી’ જેવી બની ગઈ છે.

    તાલુકાના સૈંકડો ગામોના ખેડૂતો, વેપારીઓ, ઘરેલું વપરાશકર્તાઓને વીજ જોડાણ, ખામી, બિલિંગ, ફેરફાર, ટ્રાન્સફોર્મર સહિતની નાની-મોટી સેવાઓ માટે અન્ય કચેરીઓના કાઉન્ટર પર કલાકો ઉભા રહેવું પડે છે, પરંતુ કામ નિકળતું નથી. આથી જનતા વચ્ચે ભારે અસંતોષ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે.

    સ્થાનિક વતનીઓ અને ગ્રામજનો વીજ કંપનીની બેદરકારીને ‘ઘોર નિંદ્રા’ સાથે સરખાવતા કહી રહ્યા છે કે સરકાર મંજૂરી આપી શકે છે, પરંતુ અમલ ન થાય તો તેનો કોઈ અર્થ નથી. જનતા માગ કરે છે કે વીજ કંપની તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટાફની નિયુક્તિ, ઓફિસ શરૂ કરવી, અને તમામ સેવાઓ કામગીરીમાં મૂકવી જોઈએ.

    જલદી પગલાં ન લેવાય તો આગલા દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર થવાની શક્યતા નકારાતી નથી.

  • 27 વર્ષ પૂર્ણ, વીરમગામમાં હિંગળાજ માતાજીનો પવિત્ર વર્ષગાંઠ કાર્યક્રમો સાથે ઉજવાયો

    રિપોર્ટર: પંચાલ ધાર્મિક વિરમગામ

    હિંગળાજ માતાજીના પાવન સ્થાપનાને 27 વર્ષ પૂર્ણ થવાના અવસરે માગશર સુદ આઠમના પવિત્ર દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

    પ્રાતઃકાળે મંગળ આરતીથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો, ત્યારબાદ પીઠપૂજન, વિશેષ પૂજન, યજ્ઞવિધિ અને માતાજીના છત્રારોહણની પવિત્રવિધિઓ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. સમગ્ર સ્થળ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

    કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સ્વરોની ગુંજથી આખા સ્થળે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું, જ્યારે દૂર-દુરથી આવેલા શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનનો લાભ પ્રાપ્ત થયો.

    આયોજક સમિતિએ તમામ ભક્તો, સેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી શક્યો.

  • સુરત (કામરેજ) પાસોદરા પાટીયા-પાસોદરા રોડ: વર્ષો જૂનો ધંધો, લોકજીવન જોખમમાં, તંત્ર બેદરકાર

    રિપોર્ટર: તુષાર કમાણી, સુરત

    સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટીયા થી પસોદરા ગામ સુધીનો મુખ્ય માર્ગ, જે હજારો લોકોએ રોજિંદા પસાર થતો છે, ઘણા મહિના પહેલા મંજુર થઈ ચૂક્યો હોવા છતાં હજુ અધૂરું છે. આ બેદરકારીને કારણે હજી સુધી ખાડા, ધુળ ભરેલા ડમરીઓ અને ખોટી સપાટી પર લોકોનો રોજિંદો પ્રવાસ જોખમભર્યો બની ગયો છે.

    સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગનો રોજિંદો વપરાશ સ્કૂલના વિદ્યાર્થીઓ, કામકાજ કરનાર શ્રમિકો અને વાહનચાલકો માટે પણ ગંભીર જોખમ ઊભો કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી હળવો વરસાદ કે સામાન્ય વાહન પસાર થવું પણ માર્ગ પર સંગ્રહિત ખાડાઓ અને ધૂળવાળી સપાટીના કારણે અકસ્માતનું કારણ બન્યું છે.

    સ્થાનિકોએ અનેક લખિત અને મૌખિક રજુઆતો તંત્રને કરવી છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વિસ્તારના લોકો તંત્ર પર ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં કહે છે—

    “દરરોજ હજારો લોકો આ રસ્તા પરથી પસાર થાય છે. કોઈ એક્સિડેન્ટ થાય અને માણસના જીવ સાથે રમાય તો જવાબદાર કોણ?”

    વિસ્તારના સ્થાનિકોએ તંત્રને વિનંતી કરી છે કે તેઓ જલ્દીથી કામગીરી શરૂ કરી આખું માર્ગ સમાપ્ત કરે, નહીં તો લોકોએ આંદોલન અને જાહેર રજૂઆત કરવાની તૈયારી કરી છે.

    માહિતી અનુસાર, આ માર્ગ વહીવટી તંત્રના મંજુર થયેલા કામને લાંબા સમય સુધી અટકાવવા, સ્થાનિક વસાહતોને જોખમમાં મૂકવા અને હઝારો લોકોને ધૂળ, ખાડા અને ટ્રાફિક એક્સિડેન્ટના ભયમાં મુકવા માટે જવાબદાર છે.

    સ્થાનિકો આ મુદ્દે તંત્રને આંચકો આપવાનું કહેતા તંત્રની કાર્યવાહી ગોકળગતિએ ધીમી ચાલી રહી છે જેને કારણે લોકોનો ગુસ્સો હજી વધ્યો છે.

  • ઇડરમાં નકલી દૂધ ફેક્ટરીનો ભાંડો ફૂટ્યો! SOGએ 200 લિટર ઝેરી દૂધ પકડી પાડ્યું

    રીપોર્ટર: કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

    સાબરકાંઠા જિલ્લામાં નકલી ખાદ્યપદાર્થોના રેકેટને કાબૂમાં લેવા પોલીસ તંત્ર સક્રિય થયું છે. આવી જ એક મહત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન સાબરકાંઠા SOGએ ઇડર તાલુકાના સીંગા ગામે નકલી દૂધ બનાવી જનતા ના આરોગ્ય સાથે ઘાતકી ચેડાં કરનાર એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

    પ્રાપ્ત વિગતો મુજબ, સાબરકાંઠા SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઇ. કે.યુ. ચૌધરી અને ટીમે તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી. રેઇડ દરમિયાન ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, હિંમતનગરની ટીમને સાથે રાખવામાં આવી, જેથી આરોગ્ય સંબંધિત પુરાવાની વિશ્વસનીયતા જળવાઈ રહે.

    રેડ સીંગા ગામના નિવાસી અશ્વિનકુમાર સુનીલભાઈ શર્મા ના રહેણાંક મકાન પર કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસને ત્યાંથી 200 લીટર જેટલું બનાવટી દૂધ, દૂધ બનાવવાના કેમિકલ્ઝ, પાઉડર તથા અન્ય સામગ્રી મળી આવી, જેનો ઉપયોગ નકલી દૂધ તૈયાર કરવા માટે થતો હતો.

    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો અને આસપાસના વિસ્તારોમાં રોજિંદા ઉપયોગ માટેનું દૂધ સપ્લાય કરતો હોવાની શંકા છે. આ બનાવને કારણે જનતા ના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતો હતો, જે હાલના સમયમાં સૌથી ચિંતાજનક બાબત છે.

    SOG ટીમે આરોપી અશ્વિનકુમાર સુનીલભાઈ શર્માને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા રાસાયણિક તપાસ માટે નમૂનાઓ મોકલવામાં આવ્યા છે.

    આ કાર્યવાહીથી વિસ્તારના રહેવાસીઓમાં રાહતનો માહોલ સર્જાયો છે અને તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈ પ્રકારનો સમાધાન કરવામાં નહિ આવે.

  • DGVCL સામે 1800 વિદ્યાર્થીઓનો આક્રોશ! ભરતી પરીક્ષા પાસ છતાં 10 મહિના થી નોકરી અટકાતાં સુરતમાં ઉગ્ર રજુઆત

    રિપોર્ટર: તુષાર કમાણી,સુરત

    દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ભરતી પરીક્ષા પાસ કર્યા બાદ પણ 10 મહિના સુધી નોકરી ન મળતા આજે સુરત ખાતે વિશાળ આક્રોશ સભા યોજાઈ હતી. આ રજુઆત ડેડીયાપાડાના જાંબાઝ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને DGVCL ની મુખ્ય ઓફિસ સામે યોજાઈ.

    1800થી વધુ વિદ્યાર્થીઓ પાસ — માત્ર 65ને ભરતી! બાકીના યુવાનોમાં પ્રચંડ નારાજગી

    માહિતી મુજબ, કુલ 1800થી વધુ વિદ્યાર્થીઓએ ભરતી માટેની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે, પરંતુ તંત્ર દ્વારા ફક્ત 65 જેટલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે.બાકીના 1800થી વધુ વિદ્યાર્થીઓ 10 મહિના થી રોજ રાહ જોઈ રહ્યા છે, પરંતુ નોકરી ઉપલબ્ધ નથી કરાવવામાં આવી.

    યુવાનોના આક્ષેપ છે કે—

    “જ્યારે તમામ તબક્કાં પાસ કર્યા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયું અને મેરિટમાં નામ છે, ત્યારે અમારી ભરતી અટકાવવાનો કોઈ કાયદેસર આધાર નથી.”

    DGVCL અધિકારીઓને કેમ્પસ બહાર બોલાવી ઉગ્ર રજુઆત

    આક્રોશ સભાની ગરમી અને યુવાનોના પ્રેશરને ધ્યાનમાં રાખીને DGVCLના ઉચ્ચ અધિકારીઓને કેમ્પસ બહાર આવીને રજુઆત સ્વીકારવી પડી હતી.વિદ્યાર્થીઓએ DGVCL પર ભરતી પ્રક્રિયામાં અન્યાય, વિલંબ અને અસમાનતાના ગંભીર આક્ષેપો કર્યા.

    વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે—

    10 મહિના થી સતત મુલાકાતો છતાં સ્પષ્ટ જવાબ નથી મળતો

    ભરતી અટકાવવાનો કારણ તંત્ર જાહેર કરતું નથી

    મેરિટ પાસ ઉમેદવારોનો કરિયર અટકી ગયો છે

    AAPના કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા

    આક્રોશ સભા દરમિયાન આમ આદમી પાર્ટી સુરત શહેરના કોર્પોરેટર, કાર્યકર્તાઓ, તેમજ ભરતીમાં અન્યાયનો સામનો કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.સ્થળ પર ઉગ્ર સૂત્રોચ્ચારો, ન્યાયની માંગ અને તંત્ર વિરુદ્ધ પ્રચંડ વિરોધ જોવામાં આવ્યો.

    AAP નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું:

    “પાસ થયેલા તમામ ઉમેદવારોને તરત નોકરી આપવી જોઈએ. ભરતીમાં વિલંબ કરવું એ યુવાનોના ભવિષ્ય સાથે રમવું છે.”

    ચૈતરભાઈ વસાવાનું નેતૃત્વ — યુવાનોની લડતમાં મજબૂત અવાજ

    ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સમગ્ર રજુઆત શાંતિપૂર્ણ છતાં તીવ્ર સ્વરે યોજાઈ.

    વિદ્યાર્થીઓએ ધારાસભ્યને પોતાની પીડા જણાવી અને DGVCL સામે જવાબદારી નક્કી કરવાની માગણી કરી.

    ચૈતરભાઈ વસાવાએ સ્પષ્ટ કહ્યું—

    “મેરિટ પાસ વિદ્યાર્થીઓને નોકરી મળવી જ જોઈએ. યુવાનો સાથે અન્યાય સહન નહીં કરીએ.”

    પરિસ્થિતિ હવે ક્યાં જશે?

    આજની આક્રોશ સભા બાદ DGVCL પર દબાણ વધ્યું છે.

    તંત્ર દ્વારા ભરતી અંગેનો નિર્ણય આગામી દિવસોમાં ઝડપ લેવાની શક્યતા છે, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે—

    “અમને નોકરી મળ્યા વગર અમારી લડત અટકશે નહીં.”

  • અંકલેશ્વર GIDCમાં કેમક્રક્ષ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક—વાતાવરણમાં પીળું આવરણ, ફેક્ટરી વિસ્તારમાં અફરાતફરી!

    રિપોર્ટર: મેહુલ પટેલ,અંકલેશ્વર (ભરૂચ)

    ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ અંકલેશ્વર GIDCમાં વધતા ઔદ્યોગિક પ્રદૂષણ વચ્ચે આજે એક વધુ ચિંતાજનક ઘટના સામે આવી છે. કેમક્રક્ષ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા ફેક્ટરી વિસ્તાર સહિત આસપાસના પરિસરમાં ગભરાટ ફેલાયો હતો. વાતાવરણમાં પીળું ઝેરી આવરણ છવાતા કર્મચારીઓ અને આસપાસના લોકો કંઈ ક્ષણો માટે ગભરાઈ ગયા હતા.

    ટેન્કરમાં ગેસ લોડિંગ દરમિયાન લીક — ક્ષણોમાં પેનિક

    પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત ત્યારે થયો જ્યારે કંપનીમાં ટેન્કરમાં સોડિયમ નાઇટ્રેટ ગેસના લોડિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. કોઈ ટેક્નિકલ ખામી કે પ્રેશર સંબંધિત સમસ્યાને કારણે એકાએક ગેસ લીકેજ શરૂ થયું.

    કર્મચારીઓ અનુસાર,

    “હવામાં અચાનક તેજ પીળાશ દેખાવા લાગી, એની સાથે તીવ્ર ગંધ આવવા લાગી. અમારામાં ઘણા જણ ભાગી બહાર નીકળી ગયા.”

    એકાએક ગેસ ફેલાતા સ્થળ પર અફરાતફરી, દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો.

    સેફટી ટીમની તાત્કાલિક કાર્યવાહી — પરિસ્થિતિ નિયંત્રણમાં

    ઘટના પછી સેફટી ટીમ એક્શનમાં આવી. સ્ટાફને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા અને ગેસ લિકેજ બંધ કરવા ઇમરજન્સી વાલ્વ શટડાઉન કરવામાં આવ્યું.સૌભાગ્યે, ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા થઈ નથી.કંપનીના રેસ્ક્યુ ઓફિસરે જણાવ્યું:

    “ગેસ લીક લગભગ થોડાક મિનિટ ચાલ્યું. પ્રેશર સ્ટેબિલાઈઝ કરતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ.”

    તંત્ર હરકતમાં— GPCB અને સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી

    આ ઘટનાની જાણ થતા જ:ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB),સેફટી એન્ડ હેલ્થ વિભાગ,GIDC અધિકારીઓ સ્થળ પર પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયાનું પુષ્ટિ કરવામાં આવ્યું છે. ટેન્કર વાલ્વ, ગેસ લાઇન, પ્રેશર કંટ્રોલ સિસ્ટમ અને ઓપરેશનલ સલામતીને લઈને ટેક્નિકલ તપાસ ચાલી રહી છે.

    વધતા પ્રદૂષણ વચ્ચે આ એક વધુ ચેતવણી!

    અંકલેશ્વર–જ ઘટનાને લઈને વિસ્તરમાં લાંબા સમયથી ઉદ્યોગિક પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત થાય છે.સોડિયમ નાઇટ્રેટ જેવા કેમિકલનું લીક થવું એ માત્ર સેફટી ખામી નહીં, પરંતુ હેલ્થ અને એન્વાયર્નમેન્ટ માટે મોટી ચેતવણી છે.

    સ્થાનિક રહેવાસીઓએ સવાલ ઉઠાવ્યો—

    કેમિકલ ઝોનમાં સેફટી સાધનો નિયમિત ચેક થાય છે?

    ઉદ્યોગોને આપવામાં આવેલ સેફટી ગાઈડલાઈન અમલમાં છે?

    પ્રદૂષણ નિયંત્રણ તંત્ર માત્ર ફાઇલોમાં સક્રિય છે કે મેદાનમાં પણ?

    લોકોમાં ગભરાટ, પરંતુ તંત્ર શાંતિનો શ્વાસ

    પીળું આવરણ છવાતાં લોકોમાં થોડોક ગભરાટ સર્જાયો હતો. ઘણા લોકો રસ્તા પર ઊભા રહી હાલત જોઈ રહ્યા હતા.પરંતુ સેફટી ટીમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં આવી અને કોઈ માનવીય જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

    નિષ્કર્ષ

    અંકલેશ્વર GIDCમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક જેવી ઘટનાઓ, ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલ જોખમોની ગંભીર યાદ અપાવે છે.પ્રદૂષણ, કેમિકલ હેન્ડલિંગ, અને સેફટી પ્રોટોકોલ અંગે વધુ કડકતા લાવવાની સ્થાનિક લોકોની માંગ ફરી ઉઠી છે.જોકે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી છે, પરંતુ તપાસનું અંતિમ પરિણામ ઘણી બાબતો પર પ્રકાશ પાડશે—

    ખામી ટેક્નિકલ હતી, મેન્ટેનન્સની બેદરકારી હતી કે માનવ ભૂલ?

    આગામી સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર અને ઉદ્યોગોએ મળીને વધુ સતર્કતા દાખવવાની જરૂર છે.

  • ધોળકામાં ગટર કાંડ! શ્રીરામ માર્કેટ–નારાયણ રેસિડન્સી રોડ પર ગંદા પાણીનો કાળો કેર — તંત્ર બેદરકાર, રહિશો ત્રાહિમામ!

    રિપોર્ટર: શંભુ લીમ્બાચીયા

    અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં મઘિયા ચોકડીથી જૂના બસ સ્ટેન્ડ તરફ જતો મુખ્ય માર્ગ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક ગણાય છે. આ જ રોડ પર શ્રીરામ માર્કેટ સામે આવેલ નારાયણ રેસિડન્સી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ગંદા ગટરના ઊભરાતા પાણીની સમસ્યામાં ફસાયો છે. મુખ્ય માર્ગ ગંદકીથી ભરાઈ જતાં રહિશો, વાહન ચાલકો અને વેપારીઓને ગંદા પાણીમાંથી જ રોજ પસાર થવું પડે છે.

    રહિશોના આક્ષેપ મુજબ — ધોળકા નગરપાલિકા વારંવારના વિરોધ, અરજી, વીડિયો પુરાવા છતાં સમસ્યાની સામે આંખ મીંચી બેસી છે.

    ગટરના ઊભરાતા પાણીથી લોકોનો ત્રાહિમામ

    વોર્ડ નં. 8ના લોકો જણાવે છે કે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ગટરો રોજ ઊભરાય છે.માર્ગ પર સતત વહેતા ગંદા પાણીથી ભયંકર દુર્ગંધ,મચ્છરનો ઉપદ્રવ,ચાલવામાં મુશ્કેલી,બાળકો–મહિલાઓને અકળતા,રોગચાળાનો ઊંચો ખતરો એવી પરિસ્થિતિ સર્જાઈ ચુકી છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે,

    અમે રોજ ગંદા પાણીમાંથી પસાર થાય છીએ, પરંતુ તંત્રને આપણું દુઃખ દેખાતું નથી.

    તંત્રની ‘દેખાવ પૂરતી’ કામગીરીથી લોકો નારાજ

    રહેવાસીઓ કહે છે કે ધોળકા નગરપાલિકાએ ભૂતકાળમાં કાર્ય કર્યું હતું, પણ તે માત્ર થોડીવાર માટે જ અસરકારક રહ્યું. થોડા જ દિવસોમાં ગટર ફરી ઊભરાઈ જાય છે.એથી સ્પષ્ટ થાય છે કે કામ તાત્કાલિક થાય છે, કાયમી ઉકેલ કંઈ જ નથી.

    સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની લાપરવાહીથી જ પરિસ્થિતિ આટલી ખરાબ થઈ છે.

    ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ, મલેરીયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યાપી છે.

    નાગરિકોની તાત્કાલિક માંગણીઓ

    રહિશોમાં આ મુદ્દે ભારે રોષ છે. લોકો સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે—

    ગટર લાઇનનું કાયમી ઉકેલ સાથે પુનઃનિર્માણ થાય

    પાઈપલાઇન તપાસીને ટેક્નિકલ ખામીઓ દૂર કરવામાં આવે

    વિસ્તારને હેલ્થ–રિસ્ક ઝોન જાહેર કરીને ફોગિંગ–સ્પ્રે થાય

    નગરપાલિકા જવાબદારી સ્વીકારીને તાત્કાલિક કામગીરી કરે

    નિષ્કર્ષ

    ધોળકા શહેરના વોર્ડ નં. 8માં ઉભરાતી ગટરોનું દૂષિત પાણી હવે માત્ર નાનકડી સમસ્યા નથી —

    આ એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ છે.

    નગરપાલિકાની ઉદાસીનતાએ રહિશોને નર્ક સમાન પરિસ્થિતિમાં ધકેલી દીધા છે.

    સ્થાનિક લોકોની એક જ માંગ —

    “અમને ગંદકીમાંથી છૂટકારો જોઈએ… અને એ પણ કાયમી.”

  • ઝૂજારપુરમાં ચારિયા પરિવારનો ભવ્ય સ્નેહમિલન — પરંપરા, પ્રગતિ અને એકતાનો ઉજ્જવળ મેળાવડો

    રિપોર્ટર : હર્ષ ભરડા, કેશોદ

    જૂનાગઢ જિલ્લાના માળિયા (હા) તાલુકાના ઝૂજારપુર મુકામે આજે સમગ્ર ગુજરાતભરમાં વસવાટ કરતા ચારિયા પરિવારોનો પરંપરાગત સ્નેહમિલન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો. ખોડિયાર માતાજીના પવિત્ર સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળાવડો ભક્તિ, સંસ્કાર, શિક્ષણ અને એકતાની ભાવનાથી છલકાતો બન્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચારિયા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

    ખોડિયાર માતાના ધૂનથી શરૂઆત

    કાર્યક્રમની શરૂઆત ઝૂજારપુર ગામે માતાજીના હવન અને નૈવેધથી કરવામાં આવી. ભક્તિભાવ સાથે શરૂ થયેલા આ ધાર્મિક વિધિએ આખા કાર્યક્રમમાં માતાજીનો આશીર્વાદ મળ્યાનો સૌએ અનુભવ કર્યો હતો. બાદમાં કૉમ્યુનિટી હોલ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજાયા.

    સાંસ્કૃતિક મહેફિલે મંત્રમુગ્ધ કરી દીધા

    સાંસ્કૃતિક કાર્યક્રમ સમાજની પ્રતિભાનો સુંદર પરિચય બની રહ્યો.પ્રસંગે લોકપ્રિય ગાયિકા વિજયાબેન ભાદરકા, કલાકાર કિશન પરમાર, તેમજ શ્યામ મ્યુઝિકલ ગ્રૂપના લાલુભાઈ ચારિયા અને તેમની ટીમે માતાજીનાં સ્તુતિગીતો, આરતી અને ગરબા રજૂ કરી સૌને સંગીતરસમાં તદ્દન ભીની કરી દીધા.દરેક રજૂઆતમાં માતાજી પ્રત્યેની ભાવના અને સમાજની સંસ્કૃતિક પરંપરા ઝળહળતી જોવા મળી.

    સમાજના તેજસ્વી ૬૫ તારલાઓનું સન્માન

    કાર્યક્રમ દરમિયાન ૬૫ થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોનું સન્માન કરવામાં આવ્યું.ખાસ કરીને પ્રાથમિક શાળામાં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર બે દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેણે સમગ્ર સમાજને ગૌરવ અનુભવાવ્યો.આ સન્માન સમારંભ યુવા પેઢીને પ્રેરણા આપતો એવો બની રહ્યો.

    અગ્રણી મહાનુભાવોનો ઉપસ્થિતીભાવ

    આ ભવ્ય સમારંભમાં અનેક અગ્રણીઓ જોડાયા જેમાં—

    ઝૂજારપુર ગામના સરપંચ શ્રી રમેશભાઈ સેવરા

    ખેરા ગામના સરપંચ શ્રી કરશનભાઈ વાસણ

    માળિયા તાલુકા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ ચુડાસમા

    ઉપસરપંચ શ્રી જગદીશભાઈ રાઠોડ

    પૂર્વ ટી.ડી.ઓ. શ્રી મેરૂભાઈ ભુવા

    વગેરે આગેવાનોની ઉપસ્થિતિએ સમારોહનું ગૌરવ વધાર્યું હતું.

    પ્રવચનોમાં સંસ્કાર અને માર્ગદર્શનનો સંદેશ

    સ્વાગત પ્રવચન સમાજના વડીલ શ્રી અરજણભાઈ ચારિયા દ્વારા આપવામાં આવ્યું.

    જ્યારે પ્રાસંગિક પ્રવચનમાં શ્રી રાજાભાઈ ચારિયા અને પરિવાર પ્રમુખ શ્રી મેરામણભાઈ ચારિયાએ સમાજની એકતા, શિક્ષણ અને પ્રગતિ માટે માર્ગદર્શન આપ્યું.આ વર્ષે સમગ્ર કાર્યક્રમ “પરિશ્રમ, પ્રતિભા અને પ્રગતિનો ઉત્સવ” થીમ પર આધારિત હતો.

     સેવા અને આયોજનનો સુંદર સમન્વય

    કાર્યક્રમનું સંચાલન સંકલિત રીતે શ્રી રામભાઈ ચારિયા, શ્રી ગોવિંદભાઈ ચારિયા અને શ્રી ભરતભાઈ ચારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે માતાજીની પ્રસાદી ગ્રહણ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો.પ્રસાદી તૈયાર કરવામાં કુકસવાડા ગામના વડીલો અને યુવાનો દ્વારા વિશેષ સેવા-ભાવ દર્શાવવામાં આવ્યો, જેમાં તેમની સમાજપ્રતિ આસ્થા સ્પષ્ટ દેખાતી હતી.