Category: महाराष्ट्र

  • સુંવાળા ગામથી ફરાર આરોપીની ધરપકડ પાછળની કહાની — LCBની સૂઝબૂઝ, બાતમીદાર ની ચતુરાઈ અને કાયદાની જીત

    વિશેષ તપાસ રિપોર્ટ — પ્રદીપ ઠાકોર

    અમદાવાદ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ તાજેતરમાં હાથ ધરેલી એક ચુસ્ત અને જોખમી કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે કાયદો કેટલો પણ મોડો કેમ ન પડે, પણ પહોંચે જરૂર છે.

    વિરમગામ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલો સંજય સંપત ભાઈ દંતાણી છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર ફરતો ફરાર આરોપી હતો.

    તેના વિરુદ્ધ વોરંટ હોવા છતાં, દંતાણી સતત ગામ બદલીને પોલીસને ચકમો આપતો રહ્યો.

    પરંતુ ગુનાના દોરા ને અંતે ચીરીને બહાર લાવવાનો સંકલ્પ LCB ની ટીમે લીધો અને ત્યાંથી શરૂ થઈ એક ગુપ્ત કામગીરી, જેમાં લોકલ બાતમીદાર, મેદાન નું મોનીટરીંગ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ત્રણેયનું અનોખું સંકલન થયું.

     ગુપ્ત માહિતીથી શરૂ થયેલી કાર્યવાહી

     

    LCB ના હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ સોલંકી અને ઈસ્માઈલભાઈ મીરઝા ને બાતમી મળી કે દેત્રોજ તાલુકાના સુંવાળા ગામ નજીક કટોસણ – ઘનપુરા રોડ પર કોઈ વ્યક્તિ “લાંબા સમયથી ફરાર” એવા વર્ણન સાથે જોવા મળ્યો છે.આ માહિતી અચાનક મળી હતી — કોઈ રજિસ્ટર ઈનપુટ નહીં, પણ બાતમીદાર ના માધ્યમથી મળેલી ચોક્કસ ઇનપુટ.આ માહિતી મળતાં જ ટીમે વિલંબ કર્યા વગર મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું.

    સ્થળ ગ્રામ્ય હતું, પ્રકાશ ઓછો, આસપાસના રસ્તાઓ કાચા પણ ટીમે જોખમ લઈ રાત્રીના સમયે ટ્રેકિંગ શરૂ કર્યું.

     LCB ની મેદાનની તૈયારીઓ

    અનુપસિંહ સોલંકી અને ઇસ્માઇલભાઇ મીરઝા બંનેને ખબર હતી કે દંતાણી હથિયારધારી પણ હોઈ શકે છે અને તેની સાથે સહયોગી પણ હોઈ શકે છે.પરંતુ માહિતી ચોક્કસ હોવાથી તેઓએ સ્થળની સીલિંગ કરવાની યોજના બનાવી.મેદાનની પરિસ્થિતિ અનુકૂળ થતાં જ લાઇટ વિના વાહનનો ઉપયોગ કરીને રેડ પાડી અને દંતાણી ત્યાંથી ભાગી શકે તે પહેલાં તેણે કાબૂમાં લઈ લીધો.ઘટના સ્થળે કોઈ ગોળીબાર કે હિંસા ન થાય તે માટે ટીમે સંપૂર્ણ સાવચેતી રાખી.આ આખી કાર્યવાહી દરમિયાન માત્ર ચારથી પાંચ મિનિટમાં આખું ઓપરેશન પૂરું થયું, જે તંત્રની તાલીમ અને ચાતુર્ય દર્શાવે છે.

    કેસની પાછળની કહાની

    સંજય દંતાણી સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.તે વિસ્તારના કુખ્યાત દારૂ સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલ હોવાની શંકા છે.તેની ધરપકડ પછી પોલીસે હવે દરેક કડી જોડવાની તપાસ શરૂ કરી છે —ખાસ કરીને કોણ કોણ તેની હેરાફેરીના રેકેટ માં સામેલ છે અને કોની મદદથી તે અત્યાર સુધી ફરાર રહ્યો.

     આંતરિક સૂત્રોની વાત

    LCB ના આંતરિક સૂત્રો જણાવે છે કે દંતાણી છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિક નેટવર્ક મારફતે સુરક્ષિત આશ્રય મેળવી રહ્યો હતો.તે સમયાંતરે ગામ બદલતો રહ્યો — ક્યારેક ખેત મજૂરીના બહાને, તો ક્યારેક માલ વાહક તરીકે —જેથી તે વિસ્તારની લોકલ ઓળખમાં ભળીને પોલીસને ભટકાવી શકે.પરંતુ બાતમીદારો એ તેની મોબાઇલ હિલચાલ અને નાણાકીય વ્યવહારનું ટ્રેકિંગ હાથ ધરતાં પટ્ટા અંતે સુંવાળા ગામ સુધી પહોંચ્યા.

     પોલીસની કાર્યવાહીનો વેગ

    હાલમાં દંતાણી ને વિરમગામ પોલીસને સોંપવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.સાથે સાથે તેની ધરપકડથી પ્રોહીબીશન નેટવર્ક ના અન્ય સભ્યો સુધી પહોંચવાની સંભાવના વધી છે.પોલીસ હવે તેની કોલ ડીટેઇલ, મોબાઇલ ડેટા અને ટ્રાવેલ હિસ્ટ્રી પરથી અન્ય આરોપીઓની શોધખોળમાં લાગી છે.

     LCB અધિકારીનો નિવેદન (અનામ શરતે):

    “આ ઓપરેશન માટે કોઈ વિશેષ ટીમ કે ભારે બળ નહીં, માત્ર બે જ અધિકારીઓ મેદાનમાં હતા.માહિતી સાચી હતી અને સમય યોગ્ય હતો.અમારી મુખ્ય સફળતા એ છે કે અમે એક પણ ગોળી વિના આરોપીને જીવતો પકડ્યો.”

     સ્થાનિક પ્રતિસાદ

    સ્થાનિક લોકોએ જણાવ્યું કે સુંવાળા–કટોસણ વિસ્તાર છેલ્લા સમયમાં પ્રોહીબીશન એક્ટ ના ગુનાઓ માટે હોટસ્પોટ બન્યો છે.આ ધરપકડથી લોકલ પોલીસને એક મોટો મોરલ બૂસ્ટ મળ્યો છે.એક ગ્રામજને કહ્યું —પહેલાં આવું થતું હતું કે દારૂના કેસમાં આરોપી વર્ષો સુધી ફરાર રહેતા, પણ હવે LCBની સક્રિયતા જોઈને લાગે છે કે કાયદો સચેત છે.

     વિશ્લેષણ — તપાસનો અર્થ માત્ર ધરપકડ નહીં

    આ કેસ માત્ર એક ફરાર આરોપીની ધરપકડ સુધી મર્યાદિત નથી.તે કાયદા અમલ તંત્રના તે ભાગને ઉજાગર કરે છે જ્યાં ઇન્ટેલિજન્સ અને મેદાની અનુભૂતિ વચ્ચેનું સંતુલન મહત્વનું બને છે.આ ઘટના બતાવે છે કે માનવ ગુપ્તચર તંત્ર હજી પણ ટેકનોલોજી કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

     સમાચાર ડાયરી નો મત..

    સંજય દંતાણીની ધરપકડ એ ફક્ત એક ગુનેગાર નો અંત નથી,પરંતુ એક પ્રણાલી, એક નેટવર્ક અને એક ગેરકાયદેસર વ્યવસાય પર કાયદાનો પ્રહાર છે.આ કેસના અનુસંધાનમાં આગળની તપાસથી કદાચ નવા નામો સામે આવશે અને જો તે થાય, તો આ ઘટના માત્ર “એક ધરપકડ” નહીં,પરંતુ ગુજરાતના પ્રોહીબીશન નેટવર્ક સામેનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ બની રહેશે.

  • “એકલો રબારી સો ઉપર ભારી” ઉક્તિને સાર્થક કરતો કડી નો એક પોલીસ કર્મી :– એકલા જવાનની હિંમત થી 9 લાખનો વિદેશી દારૂ ઝડપવાનું મોટું ઓપરેશન સફળ

    કડી…

    રાત્રિના અંધારામાં, સાથી વગર, જોખમ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા — જયેશ રબારીની બહાદુરી એ કડી પોલીસની ઈમાનદારી ને નવો માપદંડ આપ્યો.

    રાત્રિનો અંધકાર અને એક સિપાઈ નો સંકલ્પ

     કડી શહેરની ઠંડી રાત હતી અને સમય આશરે રાત્રે 10 વાગ્યો હતો.સામાન્ય રીતે આ સમયે રસ્તાઓ પર શાંતિ છવાયેલી રહે છે, પરંતુ તે રાતે કડી–છત્રાલ રોડ પર કોટન માર્કેટ નજીક એક શંકાસ્પદ કન્ટેનર ઉભું હતું.તે દ્રશ્ય એક સામાન્ય માણસ માટે કદાચ અવગણવાની બાબત હોત, પણ ફરજને ધર્મ માનનારા એક પોલીસકર્મી માટે નહીં.

     જયેશ રબારી  કડી પોલીસમાં ફરજ બજાવતા જવાન, પોતાના ડ્યુટી અવર પછી ઘરે જઈ રહ્યા હતા પરંતુ ફરજ તેમના માટે ઘડીયાળના સમયથી બંધાતી નહોતી.તેમણે કન્ટેનર પાસે રોકાઈ જોયું — અંદરથી અવાજો આવી રહ્યા હતા, અને કોઈ “કટીંગ”ની પ્રક્રિયા ચાલી રહી હતી.તેમને તરત જ સમજાયું કે અહીં કંઈક ગેરકાયદેસર ચાલી રહ્યું છે.

    તપાસનો આરંભ – એકલા જવાન નો નિર્ણય

    તે ક્ષણે કોઈ બેકઅપ ન હતું, કોઈ સાથી નહોતો.ફોન કરવો કે સીધી કાર્યવાહી કરવી — એવો દ્વિધા નો સમય હતો.પણ જયેશ રબારીએ “પ્રથમ ફરજ, પછી વિચાર”નું સૂત્ર અપનાવ્યું.તેઓ ધીમેધીમે કન્ટેનર તરફ આગળ વધ્યા અને જોયું કે અંદરથી વિદેશી દારૂના બોક્સ ઉતારવામાં આવી રહ્યા હતા.

    સામે જોખમ હતું, પણ પાછળ કાયદાની પ્રતિષ્ઠા.તેમણે એકલા જ સીધી દોડ મૂકી, આરોપીઓને પકડી પાડવાનો પ્રયાસ કર્યો.અંધારાનો લાભ લઈને કેટલાક ભાગી છૂટ્યા, પરંતુ એક ક્લીનર ને તેમણે પકડી લીધો.

    ઓપરેશન : કડી પોલીસની મદદ

      જયેશ રબારીએ તરત જ કડી પોલીસ મથકને જાણ કરી.મિનિટોમાં પોલીસની ટીમ પહોંચી ગઈ અને આખું કન્ટેનર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું.તપાસ દરમિયાન કન્ટેનરમાં વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડના બોક્સ મળી આવ્યા.પ્રાથમિક અંદાજ મુજબ આ દારૂનો જથ્થો ₹9 લાખથી વધુ મૂલ્યનો હતો.

    સતર્કતા અને ફરજ – જયેશ રબારીનો સંકલ્પ

    પોલીસ ના સ્રોતો કહે છે કે,

     “જયેશ રબારી જો તે રાતે આંખ બંધ કરી ચાલ્યા ગયા હોત, તો લાખો રૂપિયાનું દારૂ બજારમાં ફેલાઈ જાત.”

    “એકલા માણસે જોખમ માનીને જે કર્યું તે વાસ્તવિક અર્થમાં ‘ફરજ પ્રત્યેની વફાદારી’નું પ્રતિક છે.”

    જયેશ રબારી માટે આ માત્ર કેસ ન હતો — તે એક નૈતિક સંઘર્ષ હતો.કારણ કે, ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ જોખમ જોઈ પાછા વળે છે,પરંતુ તેમણે ફરજને પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને નિભાવી.

    સ્થાનિકોની પ્રતિસાદ અને પોલીસ તંત્રની પ્રશંસા

    કડીના નાગરિકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.લોકો કહે છે, “જયેશભાઈ જેવા જવાન હોય તો કડીમાં કાયદો કોઈ હિંમતથી તોડી નહીં શકે.”“એકલો માણસ પણ જો ઈમાનદાર હોય, તો આખી સિસ્ટમ જીવંત રહે છે.”

    કડી પોલીસ તંત્રે પણ તેમની સાહસિકતા અને સતર્કતા માટે પ્રશંસા વ્યક્ત કરી છે.લોકો તેમની આ બહાદુરીને  બિરદાવવી રહ્યા છે અને આ ઘટનાને “આદર્શ ફરજ નિષ્ઠા” તરીકે નોંધવામાં આવી રહી છે.

    પોલીસની આગળની કાર્યવાહી

    કન્ટેનર, દારૂ અને પકડાયેલા ક્લીનર ને જપ્ત કરવામાં આવ્યા છે.

    વિદેશી દારૂની ગણતરી હાથ ધરાઈ.

    ભાગી ગયેલા આરોપીઓની શોધ માટે અલગ ટીમની રચના થઈ છે.

    દારૂની સપ્લાઈ ચેઇન ક્યાંથી આવી અને ક્યાં જવાની હતી તેની દિશામાં તપાસ ચાલુ છે.

    જયેશ રબારી :– એકલો પણ પૂરતો

     જયેશ રબારીની આ ઘટના આપણને યાદ અપાવે છે કે એક વ્યક્તિની હિંમત આખા તંત્રને જીવંત રાખી શકે છે.જ્યારે મોટાભાગે ભય અને અવગણના કાયદાને નબળો બનાવે છે, ત્યારે આવા જવાનોની નિષ્ઠા કાયદાને ફરીથી મજબૂત બનાવે છે.

    કડી પોલીસની આ સફળતા ફક્ત દારૂ ઝડપવા નો કેસ નથી 

    તે છે એક પ્રેરણાત્મક કથા, જ્યાં એક સિપાઈએ પોતાના ફરજને ભગવાન સમજીને,

    “કાયદો હંમેશા ગુનેગારો કરતાં મજબૂત છે” એ સાબિત કરી બતાવ્યું.

  • કડી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા, ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને ATVT સભ્ય રમેશભાઈ પટેલ ( ચાણક્ય )અધિકારીઓ સાથે ખેતરોમાં જાત નિરીક્ષણ

    કડી..

      કડી તાલુકામાં કમોસમી વરસાદે ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચાડ્યું. ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ અધિકારીઓ અને આગેવાનો સાથે ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને સહાયનો વિશ્વાસ અપાવ્યો.

      કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી

     કડી તાલુકામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા પેદા કરી છે. ખાસ કરીને ડાંગર,કપાસ, તુવેર અને મગફળી જેવા મુખ્ય પાકો માં વરસાદનું પાણી પાકને સીધુ અસરકારક નુકસાન પહોંચાડી રહ્યું છે.

      ઘણા ગામોમાં પાક ઝૂકી જવાની, પાણી ભરાવાથી દાણા ખરાબ થવાની શક્યતા સામે આવી છે. ખેડૂતોના મહિનાઓના પરિશ્રમ પર વરસાદની કેટલીક કલાકોની અસર ભારે પડી રહી છે.

     ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનું ખેતરોમાં જાત નિરીક્ષણ

      પરિસ્થિતિ ગંભીર બનતાં તંત્ર હરકતમાં આવ્યું છે. આજે કડીના ધારાસભ્ય  રાજેન્દ્ર ચાવડા અને ATVT ના સભ્ય રમેશભાઈ પટેલ ( ચાણક્ય ) ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે ખેતરોમાં ઉતરી આવ્યા હતા.તેમણે વિવિધ ગામોમાં જઈ પાકની હાલત, જમીનની ભેજની સ્થિતિ, પાણી ભરાવાનો દર અને ખેડૂતોને થતું નુકસાન વ્યક્તિગત રીતે નિરીક્ષણ કર્યું.ખેતરમાં ઉભા રહી પાકની સ્થિતિ જોતા ધારાસભ્યને જોઈ ખેડૂતોમાં આશાની લાગણી જોવા મળી હતી.

      ખેતીવાડી વિભાગની કાર્યવાહી

     ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું કે કાપણી માટે તૈયાર થયેલા પાક પર કમોસમી વરસાદની અસર સૌથી વધુ પડે છે. હાલ તંત્ર દ્વારા તમામ વરસાદ ગ્રસ્ત ગામોમાં નુકસાનની નોંધણી અને સર્વે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

    ટીમો દ્વારા નીચે મુજબની વિગતો એકત્રિત થઈ રહી છે —

    પાકના સેમ્પલની તપાસ

    વાડમાં પાણી ભરાવાની સ્થિતિ

    પાક પડી જવાનો દર

    આર્થિક નુકસાનના પ્રાથમિક આંકડા

    અધિકારીઓએ જણાવ્યું કે સંપૂર્ણ સર્વે રિપોર્ટ જિલ્લાને મોકલાશે અને તેના આધારે ખેડૂતોને વળતર અને સહાયની પ્રક્રિયા હાથ ધરાશે.

     ધારાસભ્યનું આશ્વાશન

    ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ખેડૂતોને વિશ્વાસ આપ્યો કે તંત્ર તેમની સાથે છે અને યોગ્ય સર્વે બાદ કોઈ ખેડૂતને અન્યાય નહીં થાય.તેમણે જણાવ્યું કે “ખેડૂત આપણા દેશની કરોડરજ્જુ છે, સરકાર ખેડૂતોની સાથે છે અને દરેક હકનો ન્યાય મળશે.”

     વાતાવરણમાં સતત ફેરફાર – ખેડૂતો માટે નવી ચિંતા

    કડી તાલુકામાં છેલ્લા બે વર્ષથી વાતાવરણમાં અચાનક ફેરફારની ઘટનાઓ વધી છે. ખેડૂતોએ આ વર્ષે પણ સારી ઉપજની આશા રાખી હતી, પરંતુ કમોસમી વરસાદે આશા પર પાણી ફેરવી દીધું.

    હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા દિવસોમાં વરસાદમાં ઘટાડો રહેવાની શક્યતા છે, પરંતુ હાલ માટે ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

    ખેડૂતોને તંત્રની અપીલ

      તંત્રએ ખેડૂતોને વિનંતી કરી છે કે ખેતરમાં હાલ કોઈ ખર્ચાળ કામગીરી ન કરે, પાકના નુકસાનની સચોટ માહિતી આપશે, જેથી સહાયની પ્રક્રિયા ઝડપથી થઈ શકે.દરેક ગામમાં સર્વે ટીમો કાર્યરત છે અને તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

    સમાચાર ડાયરી નો મત.

    કડી તાલુકામાં કમોસમી વરસાદે એક વાર ફરી ખેડૂતોના ભરોસાને ઝટકો આપ્યો છે. છતાં, તંત્રની ઝડપી કાર્યવાહી અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના ખેતર નિરીક્ષણથી ખેડૂતોમાં આશાની કિરણ ઝળહળી છે.

  • આઝાદીના 78 વર્ષ પછી પણ સાદરા ગામનો વિકાસ અટવાયો: 4 કિમીનો બિસ્માર રસ્તો અને બસ સ્ટેન્ડનું સ્વપ્ન અધૂરું

    અમદાવાદ..( માંડલ )..

    અહેવાલ…લાભુજી ઠાકોર ( માંડલ )

     અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું સાદરા ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ વિકાસ માટે તરસી રહ્યું છે. બિસ્માર રસ્તો, બસ સ્ટેન્ડ નો અભાવ અને સરકારી અવગણના એ ગ્રામજનોમાં રોષ ફેલાવ્યો છે

     સાદરા ગામ – વિકાસના વચનો સામે કડવું સત્ય

      અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાનું સાદરા ગામ આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આશરે 2,500 વસ્તી ધરાવતું આ ગામ “વિકાસશીલ ભારત”ની દલીલો વચ્ચે અવગણના નું શિકાર બની ગયું છે. ગામમાં બસ સ્ટેન્ડ નથી, અને સરકારી બસો ક્યારેય ગામ સુધી પહોંચતી નથી.

     4 કિમી નો બિસ્માર રસ્તો – ગામની દુર્દશા નું પ્રતિબિંબ

      સાદરા થી માંડલ સુધીનો 4 કિમી નો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે. વરસાદી મોસમમાં કાદવ અને ઊંડા ખાડાઓને કારણે વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીઓને પહોંચાડવામાં પણ વારંવાર વિલંબ થાય છે, જેના લીધે જીવન જોખમમાં મૂકાઈ જાય છે

     ગ્રામજનોના અવાજ

    દિલીપભાઈ  (ગામ વાસી):

    “રોજે રોજ પત્નીઓ અને બાળકો જીવ જોખમમાં મૂકી મુસાફરી કરે છે. સ્કૂલમાં જતાં બાળકોને 10 મિનિટનો રસ્તો 40 મિનિટ લાગે છે. વરસાદી સિઝનમાં તો સ્કૂલ જવાનું છોડી દેવું પડે છે.”

    ભાનુબેન (મહિલા ગ્રામજન):

     “દૂધ કે દવા માટે પણ માંડલ જવું પડે છે, પણ રસ્તો એટલો ખરાબ છે કે બાઈક ચલાવવી જોખમી લાગે છે. આઝાદીના 78 વર્ષ પછી પણ આવી હાલત હોય તો વિકાસ શબ્દ નિરર્થક લાગે છે.”

    જિતેન્દ્રસિંહ (યુવા નોકરીયાત):

    “રોજ નોકરી પર સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે છે. વાહન બગડે છે, ખર્ચ વધે છે. કેટલાય વખત અરજી આપી, પરંતુ કાગળો રસ્તા સુધી પહોંચતા નથી.”

    મહેશભાઈ (ખેડૂત):

    “રસ્તો સારો હોય તો કૃષિ સાધનો, ખાતર અને માલ વેચાણમાં સરળતા રહે. વરસાદ પડે તો રોડ કાદવથી ભરાઈ જાય છે, ટ્રેક્ટર પણ ફસાઈ જાય છે.”

     રજુઆત છતાં કોઈ ઉકેલ નહીં

    ગ્રામજનો જણાવે છે કે તાલુકા અને જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ સુધી અનેક વખત રજૂઆતો થઈ છે. તાત્કાલિક મરામત અને બસ સ્ટેન્ડ ની માંગ છતાં, કોઈ હકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. ગામજનો એ જણાવ્યું કે “ફાઈલોમાં ફસાયેલા કાગળો હજુ સુધી આપણા રસ્તા સુધી પહોંચ્યા જ નથી.”

     ગ્રામજનોની મુખ્ય માંગ

    4 કિમીના રસ્તાની તાત્કાલિક મરામત

    સાદરા ગામમાં બસ સ્ટેન્ડ નું નિર્માણ

    GSRTC અથવા PMGRY હેઠળ બસ સેવા શરૂ કરવી

    સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરિવહન સુવિધા

    ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં સમસ્યા ઉકેલાશે નહીં, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

     નિષ્કર્ષ

     સાદરા ગામની હાલત સરકારના “ગામે ગમે વિકાસ”ના નારા પર પ્રશ્નચિહ્ન મૂકે છે. આઝાદીના 78 વર્ષ પછી પણ જો એક ગામ રસ્તા અને બસ સ્ટેન્ડ માટે સંઘર્ષ કરે છે, તો એ માત્ર દુઃખદ નથી  એ સિસ્ટમ ની નિષ્ફળતા પણ છે.

  • કડી નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ભ્રષ્ટાચારનો અખાડો: જાહેર શૌચાલયો સ્વચ્છતા કરતાં ભ્રષ્ટાચારના અડ્ડા બન્યા

    કડી

        સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોમાં સ્વચ્છતા અને જાહેર સુવિધાઓ માટે કરોડો રૂપિયાના ફંડ ફાળવવામાં આવે છે. પરંતુ કડી નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કારણે શહેરના જાહેર શૌચાલયો અંધાધૂંધ બેદરકારી અને ગંદકીના શિકાર બન્યા છે. શહેરમાં ઠેરઠેર આવેલા જાહેર શૌચાલયો આજે નાગરિકો માટે ઉપયોગી થવાને બદલે તકલીફ અને અસ્વચ્છતા નું પ્રતિક બની ગયા છે.

     શૌચાલયો માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ 

        કડી શહેરમાં અનેક જાહેર શૌચાલયો છે, પરંતુ મોટાભાગના સ્થળે હાથ ધોવાનો સાબુ, ટોયલેટ ક્લીનર, ઝાડુ, ફિનાઈલ અને મોપ જેવી ચીજવસ્તુઓનો અભાવ જણાઈ રહ્યો છે. સફાઈ માટે રાખવામાં આવેલા કર્મચારીઓ જણાવે છે કે તેઓને સફાઈ માટેની વસ્તુઓ તો દૂર, એપ્રોન, દસ્તાના, મોજા, માસ્ક, ચશ્મા જેવી સુરક્ષા ચીજો પણ આપવામાં આવતી નથી.

     સ્થાનિક સૂત્રો મુજબ, આ તમામ શૌચાલયો કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ ચલાવવામાં આવે છે, અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા સાથે મિલીભગત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

     

     ફોટા માટેની ફ્રોડ રમત – “ચીજો આપવાની નાટકબાજી”

       માહિતી મુજબ, જ્યારે નગરપાલિકા અથવા અન્ય વિભાગના અધિકારીઓ ઓડિટ અથવા ઇન્સ્પેક્શન માટે સ્થળ પર પહોંચે છે, ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના માણસો સાથે આવીને કર્મચારીઓને ચીજ વસ્તુઓ આપે છે. એપ્રોન, મોજા અને ચશ્મા પહેરાવીને ફોટોગ્રાફ લેવાય છે, જેથી કાગળ પર દેખાડવામાં આવે કે તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

    પરંતુ ઓડિટ ટીમ જતાં જ આ તમામ વસ્તુઓ પાછી લઈ જવામાં આવે છે.આ રીતે દર મહિને બિલો અને રિપોર્ટમાં ખોટા આંકડા દર્શાવીને નાણાં હડપ કરવાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

     સરકારી માર્ગદર્શિકા શું કહે છે?

       સ્વચ્છ ભારત મિશન (Urban) તેમજ નગરપાલિકા નિયમો મુજબ દરેક જાહેર શૌચાલયમાં નીચેની સુવિધાઓ ફરજિયાત હોવી જોઈએ:

    1. હાથ ધોવાનો સાબુ અથવા લિક્વિડ સોપ સાથે સ્વચ્છ પાણી

    2. ટોયલેટ ક્લીનર, ફિનાઈલ, ડિટર્જન્ટ, ઝાડુ, બ્રશ, મોપ

    3. કર્મચારીઓ માટે એપ્રોન, દસ્તાના, માસ્ક, ચશ્મા અને શૂઝ

    4. પુરતું પાણી અને પ્રકાશ (લાઇટ) ની સુવિધા

    5. સ્ત્રી અને પુરુષ માટે અલગ વિભાગ

    6. કચરાનું યોગ્ય નિકાલ અને ડસ્ટબિન ની વ્યવસ્થા

    પરંતુ કડી શહેરના મોટાભાગના શૌચાલયો આ તમામ માપદંડોથી વંચિત છે.

     નાગરિકોની ફરિયાદ અને તકલીફ

      નાગરિકોએ જણાવ્યું કે, “શહેરમાં કેટલાક શૌચાલયો એવી સ્થિતિમાં છે કે ત્યાં જવું પણ અશક્ય છે. સાફસફાઈ નો અભાવ, પાણી ન હોવું, દુર્ગંધ અને ગંદકીના ઢગલા જેવી પરિસ્થિતિ છે.”

    સ્થાનિક લોકોના મતે, નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, પણ તેનો લાભ કોઈને મળતો નથી.

    કડીના નાગરિકોએ માંગ કરી છે કે આ મુદ્દે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરવામાં આવે, અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે.

     ફરિયાદ ક્યાં કરી શકાય?

      જો કોઈ નાગરિકને જાહેર શૌચાલયમાં સુવિધાઓનો અભાવ જણાય તો નીચેના માર્ગોથી ફરિયાદ કરી શકાય છે:

    કડી નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સુપરવાઇઝર ને સીધી લેખિત ફરિયાદ.

    સ્વચ્છ ભારત મિશન હેલ્પલાઇન – 1969 અથવા 14420 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય.

    CM Helpline – 1905 અથવા વેબસાઈટ cmhelpline.gujarat.gov.in મારફતે ઓનલાઈન રજૂઆત કરી શકાય.

    Swachhata App (MyGov) પર ફોટા અને લોકેશન સાથે ફરિયાદ અપલોડ કરવાથી તે સીધી મ્યુનિસિપલ સ્તરે પહોંચી જાય છે.

    મહેસાણા જિલ્લા કલેક્ટર ને પણ નાગરિકો ફરિયાદ કરી શકે છે જો નગરપાલિકા તરફથી કાર્યવાહી ન થાય.

     ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી જરૂરી

      સ્વચ્છતા મિશનના ફંડનો દુરુપયોગ થવો એ ગંભીર બાબત છે. નાગરિકોના હકના ફંડનો ઉપયોગ ખોટા દસ્તાવેજો દ્વારા પોતાના ખિસ્સામાં ભરનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ તપાસ અને ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

    કડી શહેરમાં ચાલી રહેલી આ ગેરવહીવટ માત્ર એક શહેરની સમસ્યા નથી, પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવો મોડલ જોવા મળે છે.

    આથી રાજ્ય સરકારે આ પ્રકારની કોન્ટ્રાક્ટ સિસ્ટમની પારદર્શિતા વધારવી અને ફિલ્ડ ઓડિટ ડિજિટલ રીતે રેકોર્ડ કરવી જરૂરી છે જેથી ભ્રષ્ટાચારની સંભાવના ઘટે.

     નાગરિક જાગૃતિ – બદલાવની શરૂઆત

       જાહેર શૌચાલયો નાગરિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પ્રતિક છે. જ્યારે આ જગ્યાઓ ભ્રષ્ટાચાર અને બેદરકારીના શિકાર બને છે, ત્યારે તે સીધો અસર શહેરની સ્વચ્છતા રેન્કિંગ અને જન આરોગ્ય પર કરે છે.

    આથી, દરેક નાગરિકે આ મુદ્દે જાગૃત બની પોતાના શહેરની સ્વચ્છતા માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.

  • દાલોદ ગામના પાણીના બોર માટે રૂ. 2,43,391 નો ચેક રૂબરૂ જમા, ટૂંક સમયમાં કામગીરી શરૂ થવાની શક્યતા

     

    અહેવાલલાભુજી ઠાકોર ( માંડલ )

    અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની તંગીનો મુદ્દો ચરચામાં રહ્યો છે. ગામના લોકો પીવાના શુદ્ધ પાણી માટે દૂરદૂર સુધી ભટકાતા હતા અને પાણી પુરવઠો અનિયમિત હોવાને કારણે દૈનિક જીવન પ્રભાવિત થતું હતું. ગ્રામજનોની રજૂઆત બાદ ગામમાં નવી બોરવેલ મંજૂર કરવામાં આવી હતી.

    આ બોર માટે લોક ફાળાની રકમ રૂપિયા 2,43,391/- નો ચેક જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા ફાળવવામાં આવ્યો હતો. આ ચેક આજે વિરમગામ ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગમાં ઉપ સરપંચ કિશન સિંધવ દ્વારા રૂબરૂ હાજરી આપી સત્તાવાર રીતે જમા કરવામાં આવ્યો હતો.

     ચેક જમા થતાં હવે આગળની ટેકનિકલ પ્રક્રિયા, 

    પાઈપલાઈન અને બોરવેલ ના કાર્યને ઝડપથી આગળ ધપાવવામાં આવશે તેવી માહિતી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે.

     કામ ટૂંક સમયમાં શરૂ થાય એની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    ઉપ સરપંચ કિશન સિંધવે જણાવ્યું કે—

    “દાલોદ ગામ પાણીની તંગીનો સામનો કરી રહ્યું હતું. લોક ફાળો જમા થતાં હવે બોરનું કામ ઝડપથી શરૂ થશે અને થોડા સમયમાં ગ્રામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળશે.”

    સ્થાનિક લોકો પણ આ કામ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ગામના રહેવાસીઓએ જણાવ્યું કે બોરવેલ કાર્ય પૂર્ણ થતાં જ પાણી માટે દૈનિક પરેશાનીમાં ઘટાડો થશે અને ઉનાળાની ઋતમાં ખાસ રાહત મળશે.

    પંચાયતનો સ્ટાફ અને અધિકારીઓએ આ કામગીરીને ઝડપ અપાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કામગીરી પૂર્ણ થાય બાદ ગામમાં પાણી પુરવઠાની સ્થિર અને સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે.

  • બહુચરાજી: જુના ઇન્દિરા નગરમાં 10 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતાં કરૂણ મોત..UGVCL ની ગભીર બેદરકારી આવી સામે

    અહેવાલ :– પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

    પાણી ભરવાની મોટર ચાલુ હોવા છતાં બાથરૂમ પાસે પહોંચેલા બાળકનું સ્થળ પર જ મોત, પરિવાર શોકમગ્ન

         મહેસાણા જિલ્લાના બહુચરાજી શહેરના જૂના ઇન્દિરા નગર વિસ્તારમાં કરૂણ ઘટના બની છે, જ્યાં માત્ર આઠ વર્ષના કિસ્મત ઠાકોર નામના બાળકનું વીજ કરંટ લાગતાં મોત થયું છે. આ દુર્ઘટના એ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાવી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ, ઘરમાં પાણી ભરવાની મોટર ચાલુ હતી. તે દરમિયાન બાળક રમતું રમતું બાથરૂમ પાસે પહોંચી ગયું હતું. બાથરૂમ નો દરવાજો ખોલતાં જ અચાનક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ નો ઝટકો એટલો જોરદાર હતો કે કિસ્મત ઠાકોરે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.

      ઘટનાસ્થળે પરિવારજનો ચીસો પાડીને પહોંચી ગયા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો નહીં. પડોશીઓએ તરત જ વીજ પુરવઠો બંધ કરવાનો પ્રયાસ કર્યો અને બાદમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી.

    પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ બાથરૂમની નજીક અથવા મોટર ની વાયરીંગ માં લીકેજ ના કારણે કરંટ ફેલાયો હોવાનું મનાય છે. ઘટના બાદ વીજ વિભાગ દ્વારા પણ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

      સ્થાનિક લોકોનું કહેવું છે કે જૂના ઇન્દિરા નગર વિસ્તારમાં વીજ વાયરિંગ અને ઘરના જોડાણો માં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. અનેક ઘરોમાં જૂના વાયર અને અનધિકૃત કનેક્શન હોવાને કારણે આવી દુર્ઘટનાનો ભય સતત રહ્યો છે.

    આ દુર્ઘટનાથી નાનકડા કિસ્મત ઠાકોરના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે અને અનેક લોકોએ પરિવારને ધીરજ આપવા માટે મુલાકાત લીધી છે.

    સ્થાનિક નાગરિકો અને સમાજસેવી સંસ્થાઓએ પાલિકા તથા વીજ વિભાગને અપીલ કરી છે કે વિસ્તારોમાં જૂની વાયરિંગ ની તપાસ કરી તરત જ મરામત કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના પુનરાવર્તિત ન થાય.

    લાપરવાહીનો આક્ષેપ – UGVCL પર ઉઠ્યા સવાલો

    સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બાથરૂમના ઉપરથી જીવતો સર્વિસ લાઇન વાયર પસાર થતો હતો, જે ડેમેજ થઈ જતા બાથરૂમની દિવાલમાં કરંટ ફેલાયો હોવાનું અનુમાન છે.

    આ મુદ્દે લોકોમાં UGVCL ની  લાપરવાહી સામે આક્રોશ ફેલાયો છે.

    રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે વીજ વિભાગને વારંવાર વાયર લૂઝ અને જોખમી સ્થિતિમાં હોવાની જાણ કરાયેલી હતી, પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નહોતા. પરિણામે આજે એક નિર્દોષ બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

  • કડી પાલિકા નો વહીવટ ખાડે ગયો – કડી શહેરમાં તૂટેલા રસ્તા અને અયોગ્ય બમ્પ થી નાગરિકો પરેશાન

       મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રસ્તાઓની ખરાબ હાલત, ધૂળની ડમરીઓ અને અયોગ્ય રીતે બનાવાયેલા બમ્પ ને કારણે નાગરિકોનો સંતોષ હવે આક્રોશમાં ફેરવાયો છે. શહેરના કલ્યાણપુર રોડ સહિતના વિસ્તારોમાં તૂટેલા માર્ગો, ભારે વાહનોની અવરજવર અને ધૂળ ઉડતી સ્થિતિએ રહીશો તથા શાળાના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે.

     તૂટેલા રસ્તાઓ – નાગરિકોને મુશ્કેલી 

        કડી શહેરમાં અનેક સ્થળોએ રસ્તાઓ તૂટેલા અને ખાડાઓ થી ભરેલા છે. વહેલી સવારે તથા સાંજે વાહનચાલકોને ખાડા અને ધૂળ વચ્ચે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. શાળાઓની આસપાસ ધૂળ ઉડતી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.

     ઊંચા બમ્પ બની રહ્યા છે જોખમ

       નાગરિકોની વધુ મોટી મુશ્કેલી છે અયોગ્ય રીતે બનાવાયેલા ગતિ અવરોધક બમ્પ. તાજેતરમાં બનાવાયેલા કેટલાક રોડ પર ઠેર ઠેર બમ્પ તો બનાવાયા છે, પરંતુ તેઓ સ્ટાન્ડર્ડ મુજબના નથી.બમ્પ એટલા ઊંચા બનાવાયા છે કે નાના વાહનો પટકાય છે અને ઘણીવાર વાહનને નુકસાન થાય છે.

     બમ્પ માટેના સ્ટાન્ડર્ડ માપ – જાણો શું કહે છે નિયમ 

        ભારતીય માર્ગ માપદંડો અનુસાર 

    (IRC:99–2018):

    ઊંચાઈ: 10 સે.મી. (અથવા 4 ઈંચથી વધુ નહીં)

    પહોળાઈ: 3.7 મીટર

    લંબાઈ: 3 થી 4 મીટર સુધી હળવો ઢાળ હોવો જોઈએ

    સ્થાન: શાળા, હોસ્પિટલ, રહેણાંક વિસ્તાર પાસે જ બનાવવામાં આવે

    ચેતવણી: 40 મીટર પહેલાં રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ અને પેઇન્ટેડ માર્કિંગ ફરજિયાત

    પરંતુ કડીમાં આ ધોરણોનો પાલન ન થવાથી બમ્પ લોકો માટે જોખમરૂપ બની ગયા છે.

     કોન્ટ્રાક્ટર અને પાલિકા એન્જિનિયરોની બેદરકારી?

     સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો ને બમ્પ ના ધોરણોની જાણ નથી અને પાલિકાના એન્જિનિયરો દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી નથી.

    શહેરમાં અનેક જગ્યાએ બમ્પ એવા ઊંચા બન્યા છે કે વાહનચાલકોને રોજિંદી મુસાફરીમાં મુશ્કેલી પડે છે.

    રોડ પર ચાલવું હવે દુઃખદાયક બની ગયું છે. પાલિકા રોડ બનાવે છે પણ દેખરેખ રાખતી નથી,” – એક સ્થાનિક રહીશ નું નિવેદન.

     નાગરિકોમાં ચર્ચા – “પાલિકા નો વહીવટ ખાડે ગયો”

     આ પરિસ્થિતિને પગલે નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે કડી પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. પાલિકા પાસે આયોજન અને દેખરેખ નો અભાવ છે, જેના કારણે શહેરના માર્ગો ખરાબ હાલતમાં પહોંચી ગયા છે.

    જાગૃત નાગરિકો પાલિકાને તાત્કાલિક ધોરણ મુજબના બમ્પો સમતલ કરવા, તૂટેલા રોડનું સમારકામ કરવા અને દેખરેખની જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

     આવનારી ચૂંટણીમાં અસર શક્ય

       સ્થાનિક લોકોમાં માન્યતા છે કે આ મુદ્દાનો સીધો પ્રભાવ આવનારી પાલિકા તેમજ પંચાયત ચૂંટણીમાં જોવા મળી શકે છે.નાગરિકો આશા રાખે છે કે આવનારા સમયમાં કડી શહેરને યોગ્ય માર્ગવ્યવસ્થા અને ધોરણસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.

  • લાંઘણજ પોલીસ ના પીઆઇ પરમાર ની અસામાજિક તત્વો સામે લાલ આંખ — બે જગ્યાએ દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

    પીઆઈ પરમારના કાર્યભાર બાદ લાંઘણજ વિસ્તારમાં વધી પોલીસની સક્રિયતા — ટુંડાલી ગામની સીમ અને લાંઘણજ જૈન દેરાસર નજીક રેડ — રૂ. 25,000થી વધુ રોકડ સાથે 11 ઈસમો ઝડપાયા

     લાંઘણજ..

    પોલીસની સક્રિય કામગીરીથી જુગારિયા ઓમાં ફફડાટ

    મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથક હેઠળ છેલ્લા કેટલાક સમયથી જુગાર તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થતો હતો. પરંતુ પીઆઈ પરમારના આગમન બાદ પરિસ્થિતિમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે પોલીસની સતત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ડરનો માહોલ છે.

     બે સ્થળે દરોડા — 11 જુગારીઓ ઝડપાયા

      લાંઘણજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ટુંડાલી ગામની સીમમાં જુગાર રમતા છ ઈસમોને રૂ. 25,000થી વધુ રોકડ રકમ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા.થોડી જ વારમાં લાંઘણજ ગામના જૈન દેરાસર નજીકથી પાંચ જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા. બંને સ્થળે રોકડ રકમ, પત્તાની ગડીઓ અને અન્ય જુગારના સાધનો જપ્ત કરવામાં આવ્યા.

     ઝડપાયેલા ઈસમોના નામ:

    જુનેદ સમસુદ્દીન સૈયદ (નાગલપુર)

    ઇસ્માઇલ સાહેબખાન પઠાણ (મંડાલી)

    નેચુમ અનવર ખાન પઠાણ (ખોરજ)

    જાવેદ મોહમ્મદખાન પઠાણ (ટુંડાલી)

    ફિરોઝ સોરબખાન પઠાણ (ટુંડાલી)

    વજેસિંહ હરજી ઠાકોર (ટુંડાલી)

    અન્ય પાંચ ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

     કાયદેસર કાર્યવાહી શરૂ

       લાંઘણજ પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. રોકડ રકમ અને જુગારના સાધનો પુરાવા તરીકે જપ્ત કર્યા છે. બંને કિસ્સામાં કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

       પોલીસની આ સતત કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે “લાંઘણજ પોલીસની સતત હાજરી અને સક્રિયતા ગામમાં કાયદો-સુવ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.”

     અંતિમ ટિપ્પણી..

    લાંઘણજ પોલીસ મથકના પીઆઈ પરમારના નેતૃત્વ હેઠળ વિસ્તારની શાંતિ માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે. પોલીસની લાલ આંખથી હવે સ્પષ્ટ સંદેશ ગયો છે કે અસામાજિક પ્રવૃત્તિઓ માટે લાંઘણજ માં કોઈ જગ્યા નહીં રહે.

  • કડી શહેરમાં રાત્રીના ચા-નાસ્તાની લારીઓ અડ્ડા બની – અસામાજિક તત્વોનો વધારો, પોલીસે પગલાં લેવાની જરૂર

    કડી…

    શહેરના અનેક વિસ્તારોમાં મોડી રાત સુધી ચાલુ રહે છે ચા-નાસ્તાની લારીઓ, પેટ્રોલિંગ દરમિયાન લાઇટો બંધ કરી છુપાય જાય છે સંચાલકો

       કડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે ચા અને નાસ્તાની લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી જોવા મળી રહી છે.આ લારીઓ મોડી રાત સુધી ચાલુ રહે છે, જેના કારણે શહેરના શાંતિપ્રિય નાગરિકોમાં અસંતોષ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

    સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાત્રીના સમયે ચા-નાસ્તાની લારીઓ આસપાસ કેટલાક અસામાજિક તત્વો ભેગા થઈ અડ્ડા જમાવીને બેઠા રહે છે.આ જગ્યાઓ પર રાત્રિભોજન બાદ યુવકોના ટોળાં લાંબા સમય સુધી બેસીને ગપસપ કરતા હોય છે, કેટલાક સ્થળોએ નશીલા પદાર્થોનો ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા શહેરમાં ચાલી રહી છે. 

       કયા વિસ્તારોમાં છે આવી લારીઓ?

      મુખ્યત્વે ભાગ્યોદય હોસ્પિટલ, કસ્બા વિસ્તાર, શેફાલી ચોકડી, કરણનગર રોડ ફાટક, તેમજ નાની કડી જકાતનાકા વિસ્તાર સહિત મોટા ભાગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આવી લારીઓ રાત્રીના ૧૨ વાગ્યા બાદ પણ કાર્યરત જોવા મળે છે.આ લારીઓ શહેરના કેટલાક ભાગોમાં “નાઇટ સ્પોટ” તરીકે લોકપ્રિય બની રહી છે, પરંતુ તેના કારણે શાંતિ અને સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.

     પોલીસ આવે તો લાઇટો બંધ, જાય એટલે પછી ફરી ચાલુ

       સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પોલીસ પેટ્રોલિંગ માટે આ વિસ્તારોમાં ફરતી હોય છે ત્યારે લારીઓ ના સંચાલકો લાઇટો બંધ કરી અંધારામાં છુપાઈ જાય છે.જ્યારે પોલીસ આગળ વધી જાય છે ત્યારે તરત જ લારીઓ ફરી શરૂ કરી દેવામાં આવે છે.આ રીતે ચોર પગ થી ચાલી રહેલા ધંધાને કારણે પોલીસની કામગીરી ઉપર અસર થાય છે.

     ઝઘડા અને તંગદિલી ના બનાવો પણ સર્જાયા

       મોડી રાત સુધી ચાલતી આ લારીઓ અને આસપાસ ભેગા થતી ટોળકીઓ ના કારણે અનેક વખત ઝઘડાઓ અને તંગદિલી ના બનાવો પણ સર્જાઈ ચૂક્યા છે.નાગરિકોએ જણાવ્યા પ્રમાણે નાના મનદુઃખ થી શરૂ થતા ઝઘડા ઘણી વખત મોટા ઝઘડાના રૂપમાં ફેરવાય છે.આથી વિસ્તારના રહેવાસીઓએ પોલીસ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    નાગરિકોની માંગ – “શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે એ જરૂરી”

       શહેરના સમાજસેવકો અને વેપારી વર્ગે જણાવ્યું કે રાત્રીના સમયમાં આવા અડ્ડાઓ ફક્ત કાયદો તોડવાની પ્રેરણા આપે છે,પરંતુ સાથે સાથે શહેરના યુવાનો માટે ખોટો ઉદાહરણ પણ પૂરું પાડે છે.નાગરિકોની માંગ છે કે પોલીસ તાત્કાલિક રીતે અનધિકૃત લારીઓ સામે પગલાં ભરે અને રાત્રિ ૧૧ વાગ્યા બાદ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિવાયની ચા-નાસ્તાની લારીઓ ચાલુ ન રહે તે માટે કડક સૂચનાઓ જાહેર કરે.

     “સમાચાર ડાયરી”નો અભિપ્રાય

       શહેરની શાંતિ અને સુરક્ષા જાળવવી એ દરેક નાગરિક અને પ્રશાસનની સંયુક્ત જવાબદારી છે.જો આવા અસમાજિક તત્વો રાત્રીના અડ્ડા જમાવી રહ્યા છે, તો તે શહેરના વાતાવરણ માટે ખતરનાક છે.પોલીસે જો કડક પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં કડી જેવા શાંતિપ્રિય શહેરોમાં અશાંતિ ફેલાઈ શકે છે.

    કડી પોલીસને હવે કાર્યવાહી કરવી જરૂરી છે –

    જેથી શહેરમાં શાંતિ, સુરક્ષા અને નિયમનો કડક અમલ જળવાઈ રહે.