Category: રાષ્ટ્રીય

  • શંખેશ્વર કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વીર બાલ દિવસ અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    રિપોર્ટર: દિલીપસિંહ જાડેજા:શંખેશ્વર, પાટણ

            શંખેશ્વર સ્થિત શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા વીર બાલ દિવસ તથા સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વીર બલિદાનની પ્રેરણા સાથે આધુનિક યુગના સાયબર ગુનાઓ સામે સચેત રહેવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના પ્રારંભે મુખ્ય વક્તા અને કોલેજના આચાર્ય ડો. રાજેશ ત્રિવેદીએ વીર બાલ દિવસના મહત્ત્વ વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોતાના પ્રાણના ભોગે પણ સ્વધર્મ અને મૂલ્યોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. આ બાબતને ઉજાગર કરતા તેમણે શીખ સમુદાયના દશમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેસિંહજીના અદભૂત બલિદાનની ગાથા રજૂ કરી હતી.

       ડો. ત્રિવેદીએ જણાવ્યું કે મુગલ શાસક વજીર ખાન દ્વારા બંને વીર બાળકો પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે અનેક યાતનાઓ આપવામાં આવી, દબાણ અને ધમકીઓ આપવામાં આવી, છતાં પણ તેમણે પોતાના ધર્મ સાથે કોઈ સમજૂતી ન કરી અને સ્વધર્મનું રક્ષણ કરતાં શહીદી વ્હોરી. આવા વીર બાલ બલિદાન સામે સમગ્ર સમાજે નતમસ્તક થવું જોઈએ તેમ તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું.આ કાર્યક્રમના બીજા સત્રમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધતા જતા ઓનલાઈન ઠગાઈ, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી, ફેક લિંક્સ, ઓટીપી ફ્રોડ, ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

       કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કોલેજના સંચાલક નવીનભાઈ ભોજક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે વીર બલિદાનથી પ્રેરણા લઈને આજની પેઢીએ નૈતિક મૂલ્યો સાથે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સંસ્કાર, શિસ્ત અને ડિજિટલ જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ કાર્યક્રમ અધિકારી ડો. રાજેશ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રો. ઓ. હિતેશદાન ગઢવીએ આભાર વિધિ કરીને ઉપસ્થિત મહેમાનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

         આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વીર બલિદાન પ્રત્યે આદરભાવ સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.

  • બહુચરાજી મામલતદારની મનમાની કાર્યવાહી? નોટિસ વગર મકાન તોડફોડથી બેચર ગામમાં ઉગ્ર રોષ, કાયદાની પ્રક્રિયા પર ગંભીર સવાલ

    રિપોર્ટર: પ્રદીપ ઠાકોર ( બહુચરાજી)

    બહુચરાજી તાલુકાના બેચર ગામમાં રસ્તાના મુદ્દે સર્જાયેલી ઘટના હવે માત્ર સ્થાનિક વિવાદ નહીં રહી, પરંતુ પ્રશાસનની કાર્યપદ્ધતિ, કાયદાની પ્રક્રિયા અને માનવ અધિકારો પર ગંભીર પ્રશ્નો ઉભા કરતી ઘટના બની ગઈ છે. મામલતદાર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ વિના JCB મશીનથી મકાન તોડવાની કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

    કાયદેસર રસ્તો હોવા છતાં વિવાદ ઊભો થયો

    સ્થાનિકોની માહિતી મુજબ, બેચર ગામમાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલો એક કાયદેસર રસ્તો છે, જેનો ઉપયોગ પ્રજાપતિ વાસ અને ઠાકોર વાસના રહેવાસીઓ નિયમિત રીતે કરતા આવ્યા છે. જોકે, આ રસ્તાની વચ્ચે ચંદુજી પ્રતાપજી ઠાકોર દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવતાં રસ્તો બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે રસ્તાના ઉપયોગકર્તાઓએ મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા, JCBથી તોડફોડ

    ફરિયાદના આધારે આજરોજ બહુચરાજી મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે JCB મશીન લઈ ગામમાં પહોંચ્યા હતા. કાર્યવાહી દરમિયાન મકાનના આગળના ભાગને તોડવામાં આવ્યો હતો. પરંતુ વિવાદ અહીં વધુ ગંભીર ત્યારે બન્યો, જ્યારે રસ્તાના હકદારોની હાજરી વગર જ ચમનજી ઠાકોરના બાથરૂમની ચોકડી દિવાલ તોડી નાખવામાં આવી.

    સૌથી ગંભીર મુદ્દો: પૂર્વ નોટિસ વિના તોડફોડ

    આ સમગ્ર ઘટનાનો સૌથી ચિંતાજનક પાસો એ છે કે મકાન માલિકને તોડફોડ પહેલાં કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક નોટિસ આપવામાં આવી ન હતી. મકાન માલિકની ગેરહાજરીમાં સરકારી મશીનરીથી થયેલી આ કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયાના મૂળભૂત સિદ્ધાંતોને પડકારતી હોવાનું ગામજનો જણાવી રહ્યા છે.

    કાયદાના જાણકારો જણાવે છે કે કોઈપણ બાંધકામ હટાવવાની કાર્યવાહી પહેલાં સંબંધિત પક્ષને નોટિસ આપવી, જવાબ આપવા તક આપવી અને યોગ્ય પ્રક્રિયા અનુસરવી અનિવાર્ય છે. આ નિયમોની અવગણના થવાથી કાર્યવાહી પર કાયદાકીય પ્રશ્નો ઊભા થાય છે.

    “આ રસ્તો અમારો નથી” – રસ્તાના હકદારોનો સ્પષ્ટ ઈન્કાર

    સ્થાનિક લોકોનું કહેવું છે કે જે રસ્તો હાલ બનાવવામાં આવ્યો છે તે તેમનો કાયદેસર રસ્તો નથી. રસ્તાના હકદારોએ મામલતદારને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે વર્ષોથી જે રસ્તો તેઓ ઉપયોગમાં લેતા આવ્યા છે તે અન્ય સ્થળે આવેલો છે. તેમણે વિનંતી કરી હતી કે અમને અમારો કાયદેસર રસ્તો જ ખુલ્લો કરી આપવામાં આવે.

    રસ્તાના હકદારોનું કહેવું છે કે,

    “અમે આ રસ્તે ચાલવા માંગતા નથી. અમને જ્યાં કાયદેસર હક છે ત્યાં જ રસ્તો ખુલ્લો કરવામાં આવે.”

    મામલતદારના નિવેદનથી વિવાદ વધુ ઘેરો

    સ્થાનિકો અનુસાર, મામલતદાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે,

    “હું તમારા માટે નવરો નથી. રસ્તો કરી આપ્યો છે, ચાલવું હોય તો ચાલો, નહીં તો ના ચાલશો.”

    આ પ્રકારનું નિવેદન સરકારી અધિકારીની જવાબદારી અને સંવેદનશીલતા સામે પ્રશ્નો ઉભા કરે છે. ગ્રામજનોમાં આ નિવેદનને લઈને પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

    માનવતા અને પ્રશાસનની કાર્યપદ્ધતિ પર સવાલ

    બીજી તરફ, ચમનજી ઠાકોરના મકાનને કોઈપણ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વિના અને તેમની ગેરહાજરીમાં તોડી નાખવામાં આવતાં માનવતા અને કાયદાની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગામજનોનું કહેવું છે કે જો બાંધકામ ગેરકાયદેસર હતું તો પણ કાયદેસરની પ્રક્રિયા અપનાવવી જરૂરી હતી.

    ગામમાં તણાવપૂર્ણ માહોલ, ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતની તૈયારી

    આ સમગ્ર ઘટનાને પગલે બેચર ગામમાં ભારે રોષ અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. લોકો હવે મામલતદારની કાર્યવાહી સામે ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.

    ગ્રામજનો દ્વારા દોષિત અધિકારીઓ સામે તપાસ હાથ ધરવાની, જવાબદારી નક્કી કરવાની અને ભવિષ્યમાં આવી મનમાની કાર્યવાહી ન થાય તે માટે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

    હવે નજર ઉચ્ચ તંત્ર પર

    બેચર ગામની આ ઘટના હવે સ્થાનિક પ્રશાસન માટે એક કસોટી બની છે. જો યોગ્ય તપાસ અને ન્યાય નહીં મળે તો આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

  • ઇડર તાલુકાના બડોલી ગામે બિન અધિકૃત દબાણ અને બાકી ભાડાં મુદ્દે તંત્રની કડક કાર્યવાહી:વોટરવર્ક્સની લાઈનમાંથી લેવાયેલ ગેરકાયદે પાણી કનેક્શન પણ કાપી નાંખ્યા

    રિપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

    ઇડર તાલુકાના બડોલી ગામે સરકારી જમીન પર થયેલા બિન અધિકૃત દબાણો અને પંચાયત ભાડા પટ્ટાની દુકાનો દ્વારા લાંબા સમયથી બાકી રહેલા ભાડાંના મુદ્દે બુધવારના રોજ વહિવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઇડર–ભિલોડા હાઇવે રોડની સાઈડમાં ગામતળની એવી જગ્યામાં, જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે અનામત રાખવામાં આવેલી હતી, ત્યાં છેલ્લા અંદાજે ૪૦ વર્ષથી ગેરકાયદે દબાણ કરાયેલા હતા. જાહેર હિત અને સરકારી યોજનાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ આ દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.

    આ કાર્યવાહી દરમિયાન પંચાયત ભાડા પટ્ટાની જગ્યાઓ પર આવેલી દુકાનો અને કેબિન ધારકો દ્વારા લાંબા સમયથી બાકી રહેલા ભાડાં ન ચૂકવાતા હોવાની પણ તપાસ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપવામાં આવી હોવા છતાં કેટલાક દુકાન ધારકો દ્વારા ભાડું ન ભરાતા દુકાનોને શીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી દરમિયાન મોટાભાગના દુકાન ધારકો દ્વારા તાત્કાલિક ભાડાની રકમ ભરપાઈ કરી દેતા તેમને રાહત આપવામાં આવી હતી, જ્યારે એક દુકાનને શીલ કરવામાં આવી હતી.

    આ ઉપરાંત સરકારી વોટરવર્ક્સ લાઈનમાંથી ગેરકાયદે રીતે લેવાયેલા ચોવીસ કલાક પાણીના કનેક્શનોને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા જણાવાયું હતું કે ગેરકાયદે પાણી કનેક્શનના કારણે અન્ય રહેવાસીઓને પાણી પુરવઠામાં અડચણ ઊભી થતી હતી તેમજ સરકારી સુવિધાઓનો દુરુપયોગ થઈ રહ્યો હતો. આ પગલાથી પાણીનો ન્યાયસંગત વિતરણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન વ્યવસ્થા રાખવામાં આવી હતી. સ્થળ પર નાયબ મામલતદાર ડી.પી. દેવડા, વિસ્તરણ અધિકારી નરેશભાઈ પટેલ, બડોલી તલાટી કમમંત્રી જલ્પાબેન, ગામના સરપંચ રાજુભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ રમીલાબેન સુતરીયા તેમજ પંચાયતના સભ્યો, અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

    સ્થાનિક તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સરકારી જમીન, જાહેર હિતની યોજનાઓ અને વિકાસ કાર્ય માટે અનામત રાખેલ જગ્યાઓ પર કરવામાં આવેલા બિન અધિકૃત દબાણો સહન કરવામાં નહીં આવે. આવનારા સમયમાં પણ આવા દબાણો દૂર કરવા માટે નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવશે, જેથી ગામના વિકાસ કાર્યમાં કોઈ અડચણ ન રહે અને જાહેર સુવિધાઓનો લાભ સાચા હકદાર સુધી પહોંચે.

    આ કાર્યવાહી બાદ ગામમાં વિકાસ કાર્યો માટે અનામત રાખેલ જમીન ખાલી થતાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતની યોજનાઓને આગળ વધારવા માટે માર્ગ મોકળો બન્યો હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

  • “75 લાખના તોડના આક્ષેપ સંપૂર્ણ પાયાવિહોણા” જિલ્લા કલેક્ટરના ખુલાસાથી ભાજપ સાંસદ મનસુખ વસાવાના આરોપો ખોટા સાબિત થયા : ધારાસભ્ય ચૈતર વસાવા

    રિપોર્ટર : ભાવિક પટેલ, અમદાવાદ

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભાજપના ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવેલા 75 લાખ રૂપિયાના તોડના ગંભીર આક્ષેપો પર હવે મોટો વળાંક આવ્યો છે. જિલ્લા વડા કલેક્ટરે જાહેરમાં સ્પષ્ટતા કરી દીધી છે કે આક્ષેપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને અસત્ય છે. કલેક્ટરના આ ખુલાસા બાદ ભાજપ સાંસદના આરોપો ખોટા સાબિત થયા હોવાનું ચૈતર વસાવાએ મીડિયાને જણાવ્યું હતું.

    આ સમગ્ર મામલે ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા બાદ મીડિયાસમક્ષ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મારા પર 75 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે ખૂબ જ ગંભીર અને મારી રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનાર હતો. સત્ય બહાર લાવવા માટે અમે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને આજે તમામની હાજરીમાં કલેક્ટરે સ્પષ્ટપણે જણાવ્યું કે મારા પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને તેનો કોઈ આધાર નથી.

    ચૈતર વસાવાએ કહ્યું કે જનપ્રતિનિધિ તરીકે મારી ફરજ છે કે જાહેર નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે તેની માહિતી માંગું. વડાપ્રધાનના ડેડીયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમના ખર્ચ અંગે મેં માત્ર માહિતી માગી હતી. જનતાના પૈસાથી કાર્યક્રમ યોજાયો હોય તો તેની વિગતો માંગવી કોઈ ગુનો નથી, પરંતુ આ મુદ્દાને લઈ મારા પર વ્યક્તિગત અને ખોટા આરોપો લગાવવામાં આવ્યા.

    તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 15 નવેમ્બરના રોજ યોજાયો હતો અને ત્યારબાદ સંકલનની બેઠકમાં તેના ખર્ચ અંગે માહિતી આપવામાં આવી હતી. આ માહિતી જનતા સમક્ષ મુકવામાં આવી છે, તો પછી આ બાબતે મનસુખ વસાવાને શા માટે વાંધો છે તે સમજાતું નથી. અગાઉ પણ મેં મનરેગા કૌભાંડ અને નલ સે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉજાગર કર્યા હતા, ત્યારે પણ કેટલાક લોકોને અસ્વસ્થતા થઈ હતી.

    ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે શક્ય છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરો ભાજપ સાંસદના નજીકના હોય, જેના કારણે મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હું ધારાસભ્ય છું અને મનસુખ વસાવા સાંસદ છે. જો કોઈ રજૂઆત કે અસંમતિ હોય તો સીધી ચર્ચા થવી જોઈએ, પરંતુ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં ખોટા આરોપો લગાવવામાં આવ્યા, જેના કારણે મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

    ચૈતર વસાવાએ ચેતવણી આપતાં કહ્યું કે જો ફરીથી આવા પાયાવિહોણા અને બદનામ કરનારા આક્ષેપો કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું જનહિતના મુદ્દાઓ ઉઠાવતો રહીશ અને કોઈ દબાણ કે ખોટા આરોપોથી ડરવાનો નથી.

    આ સમગ્ર વિવાદમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરનું નામ પણ ખેંચવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લા કલેક્ટરે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરીને ભાજપ સાંસદના આરોપોને ખોટા સાબિત કર્યા હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું. કલેક્ટરના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સમગ્ર મામલો હવે વધુ રાજકીય ગરમાવો પકડી રહ્યો છે.

    આ પ્રકરણમાં કલેક્ટરના ખુલ્લા નિવેદનથી આમ આદમી પાર્ટીને મોટો રાજકીય બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપ માટે આક્ષેપો ખોટા સાબિત થવાથી અસહજ પરિસ્થિતિ ઊભી થઈ છે.

  • સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ–૨૦૨૫નો ભવ્ય પ્રારંભ: ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ

    અહેવાલ: અશ્વિન પટેલ, ડાંગ

    ગુજરાતના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા અને ડાંગ જિલ્લાના પર્યટનને નવી ઊંચાઈ આપવા હેતુસર ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને સાપુતારા નોટિફાઇડ એરીયા દ્વારા તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન “સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ–૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિયાળાની મોસમમાં સાપુતારાની કુદરતી રમણીયતા સાથે સંસ્કૃતિ, સંગીત અને સાહસનો અદભુત અનુભવ કરાવવા આ ફેસ્ટિવલ મહત્વપૂર્ણ બની રહેશે.

    વિન્ટર ફેસ્ટિવલ–૨૦૨૫નો ઉદ્ઘાટન સમારોહ તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સાંજે ૬:૦૦ કલાકે સાપુતારા ખાતે યોજાશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ રાજ્યના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ-સૂક્ષ્મ-મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગાવિતના વરદહસ્તે યોજાશે.

    આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક તથા સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવા, પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો કાર્યક્રમની શોભા વધારશે.

    તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારા આ વિન્ટર ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ માટે પ્રકૃતિની સુંદરતા, એડવેન્ચર પ્રવૃત્તિઓ અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. ફેસ્ટિવલ દરમિયાન દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીત સંધ્યાઓ, સ્થાનિક લોકનૃત્ય અને ડાંગી વાધ્યો સાથેના લાઇવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે ડાંગની લોકસંસ્કૃતિને ઉજાગર કરશે.

    સાપુતારાના મુખ્ય માર્ગો અને પર્યટન સ્થળોને રોડ બ્યુટિફિકેશન સાથે વિશેષ લાઇટ ડેકોરેશન દ્વારા આકર્ષક રીતે સજાવવામાં આવશે. ઉપરાંત, રમત-ગમત અને એડવેન્ચર પ્રવૃત્તિઓ દ્વારા યુવાનો અને પ્રવાસીઓને રોમાંચક અનુભવ મળશે.

    વિન્ટર ફેસ્ટિવલના વિશેષ આકર્ષણ રૂપે તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય ડ્રોન શો યોજાશે, જેમાં આકાશમાં પ્રકાશ અને ટેક્નોલોજીનો અદભુત નજારો જોવા મળશે. જ્યારે વર્ષના અંતિમ દિવસે એટલે કે ૩૧ ડિસેમ્બરના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે ન્યુ યર સેલિબ્રેશન સાથે ભવ્ય ફાયરવર્ક શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે યાદગાર ક્ષણ બની રહેશે.

    સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ–૨૦૨૫ દ્વારા ડાંગ જિલ્લાની પર્યટન ક્ષમતાને નવી દિશા મળશે અને સ્થાનિક વેપાર, રોજગાર તેમજ સાંસ્કૃતિક ઓળખને પ્રોત્સાહન મળશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાપુતારાની શિયાળાની મજા માણવા અપીલ કરવામાં આવી છે.

  • સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ડાંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે કાવ્યપઠન, નિબંધલેખન અને વ્યાખ્યાનમાળાનું આયોજન

    અહેવાલ: અશ્વિન પટેલ, ડાંગ

    પ્રજાનું કલ્યાણ થાય તે હેતુથી લોકહિતાર્થ કાર્યને પ્રાથમિકતા આપવી એ જ સુશાસનનું મૂળ તત્ત્વ છે. આ સુશાસનના વિચારને ખરા અર્થમાં જીવનમાં ઉતારનાર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં ‘સુશાસન દિવસ: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    આ અન્વયે ડાંગ જિલ્લાના આહવા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ ૧૬ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ.કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ, વિચારો અને યોગદાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

    સપ્તધારાની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત કોલેજ ખાતે કાવ્યપઠન, કાવ્યલેખન, નિબંધલેખન તેમજ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવ્યપઠન સ્પર્ધામાં આઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં નિમ્બારે હેતલબેને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કાવ્યલેખન સ્પર્ધામાં રાસ્તી ત્રિવેદીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નિબંધલેખન સ્પર્ધામાં નાયક હેતલબે પ્રથમ ક્રમે રહ્યા હતા.

    આ ઉપરાંત, વિદ્યાર્થીઓને અટલ બિહારી વાજપેયીના વિચારો અને કાર્યોથી માહિતગાર કરવા માટે વિશેષ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાળા અંતર્ગત ત્રણ વિશિષ્ટ વિષયો પર નિષ્ણાત વ્યાખ્યાતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

    પ્રોફેસર ઉમેશ હડસજીએ અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવન અને નેતૃત્વ વિષે વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે અટલજી સિદ્ધાંતવાદી, સંયમી, દૂરદર્શી અને લોકશાહી મૂલ્યોના પ્રબળ સમર્થક હતા. વિરોધમાં હોય કે સત્તામાં, તેમણે હંમેશા મર્યાદિત ભાષા, સ્વસ્થ ચર્ચા અને સર્વદલીય સહમતિની પરંપરાને મજબૂત કરી હતી. તેમનું વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત છે.

    પ્રોફેસર દિલીપ ગાવિતે અટલ બિહારી વાજપેયીની કાવ્યદૃષ્ટિ અને સાહિત્યિક યોગદાન પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે અટલજી માત્ર એક રાજનેતા નહીં પરંતુ સંવેદનશીલ કવિ પણ હતા. તેમની કવિતાઓમાં રાષ્ટ્રપ્રેમ, માનવીય સંવેદના, શાંતિ અને આશાનો સ્વર સ્પષ્ટ રીતે જોવા મળે છે. “હાર નહીં માનૂંગા” જેવી રચનાઓ જીવનમાં સંઘર્ષ સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે.

    પ્રોફેસર પિંટિયા મહલાએ અટલ બિહારી વાજપેયીના રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે અટલજીએ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના, પરમાણુ આત્મનિર્ભરતા, સશક્ત વિદેશ નીતિ અને ગઠબંધન રાજકારણને સ્થિરતા આપી ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી હતી. વિકાસ, સુરક્ષા અને લોકશાહીના સંતુલન પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

    આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીના સંકલ્પને સાકાર કરવા અને સુશાસનના મૂલ્યોને સમાજમાં વ્યાપક બનાવવા સહભાગિતાથી શ્રેષ્ઠ સેવા આપવા માટે સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.

  • લોઠપૂર ગામે વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘનો માર્ગદર્શન અને સામાજિક જાગૃતિ કાર્યક્રમ:સરપંચ દ્વારા રમતગમત, લાયબ્રેરી અને શિક્ષણ સહાય માટે પ્રતિબદ્ધતા જાહેર

    રિપોર્ટર : જીજ્ઞેશ બારૈયા, જાફરાબાદ

    જાફરાબાદ તાલુકાના લોઠપૂર ગામ ખાતે વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા એક મહત્વપૂર્ણ શૈક્ષણિક તથા સામાજિક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવાઓને આવનાર પોલીસ ભરતી 2026 તેમજ અન્ય સરકારી ભરતી માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાનો અને સાથે સાથે સમાજને વ્યસન અને અંધશ્રદ્ધાથી મુક્ત બનાવવા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

    પોલીસ ભરતી 2026 અને સરકારી નોકરી માટે માર્ગદર્શન

    કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓ દ્વારા આવનારી પોલીસ ભરતી 2026 માટે

    અભ્યાસક્રમ

    ફિઝિકલ તૈયારી

    લેખિત પરીક્ષા માટેની રણનીતિ

    સમય વ્યવસ્થાપન

    વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે અન્ય સરકારી ભરતીની તૈયારી કેવી રીતે કરવી, કયા સંસાધનોનો ઉપયોગ કરવો અને સતત અભ્યાસનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.

    વ્યસનમુક્તિ અને અંધશ્રદ્ધા નિવારણ પર ભાર

    સમાજને મજબૂત બનાવવા માટે માત્ર શિક્ષણ નહીં પરંતુ સ્વસ્થ વિચારધારા પણ જરૂરી છે તે મુદ્દાને કેન્દ્રમાં રાખી, યુવાઓને

    વ્યસનથી થતા દૂષણો

    અંધશ્રદ્ધાના સામાજિક નુકસાન

    વૈજ્ઞાનિક અને તર્કસંગત વિચારધારા અપનાવવાની જરૂર

    વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ યુવાનોને સમાજ માટે સકારાત્મક ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

    સમાજના હક અને અધિકાર અંગે જાગૃતિ

    કાર્યક્રમમાં સમાજના બંધારણીય હક અને અધિકારો, સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તથા સંગઠિત રહીને સમાજના પ્રશ્નો ઉકેલવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    સરપંચની મહત્વની જાહેરાત

    આ પ્રસંગે લોઠપૂર ગામના યુવા સરપંચ શ્રી સોમભાઈ મકવાણા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ગામના યુવાનો માટે

    દોડ માટેનું મેદાન

    અભ્યાસ માટે લાયબ્રેરી

    શાળામાં ભણતા બાળકોને તમામ પ્રકારનો શૈક્ષણિક સહકાર

    આપવાનું વચન આપ્યું હતું. સરપંચના આ નિવેદનને યુવાનો દ્વારા ખૂબ આવકાર મળ્યો હતો.

    અગ્રણી સમાજસેવકો અને મહાનુભાવોની ઉપસ્થિતિ

    આ કાર્યક્રમમાં

    કોળી સમાજ અગ્રણી રમેશભાઈ સાંખટ

    વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાજુલા તાલુકા ઉપપ્રમુખ ડૉ. જિતેન બાંભણીયા

    હાર્દિકભાઈ શિયાળ

    કોળી સમાજ અગ્રણી અને પોલીસ કોન્સ્ટેબલ હેમુભાઈ બારૈયા

    જાદવભાઈ બારૈયા, મહેશભાઈ મકવાણા

    સહીત લોઠપૂર ગામના તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

    સમાજમાં નવી ઉર્જા

    આ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમથી લોઠપૂર ગામ તથા આસપાસના વિસ્તારોમાં સમાજના યુવાઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. સમાજના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો નિયમિત યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

  • હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે ટાઈપ-1 (જુવેનાઈલ) ડાયાબિટીસ કાર્યક્રમનો શુભારંભ:મુખ્યમંત્રીના વરદહસ્તે રાજ્યવ્યાપી શરૂઆત, સાબરકાંઠામાં બાળકોને સારવાર અને માર્ગદર્શનની નવી દિશા

    રિપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

    ગુજરાત રાજ્યમાં બાળકોમાં વધતી ટાઈપ-1 (જુવેનાઈલ) ડાયાબિટીસ અંગે સમયસર નિદાન, સારવાર અને જાગૃતિ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ જુવેનાઈલ ડાયાબિટીસ ટાઈપ-1 કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતે ટાઈપ-1 ડાયાબિટીસ – જુવેનાઈલ ડાયાબિટીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    બાળકોને સારવાર માટે જરૂરી સાધનોનું વિતરણ

    હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન 15 જેટલા જુવેનાઈલ ડાયાબિટીસથી પીડિત બાળકોને ગ્લુકોમીટર, ગ્લુકોઝ સ્ટ્રીપ અને લેન્સેટ સાથેની કીટ તેમજ ફૂડ ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો દ્વારા બાળકો અને તેમના વાલીઓને ઘરે જ બ્લડ શુગરની નિયમિત તપાસ અને ખોરાકનું સંચાલન કરવામાં સહાય મળશે.

    આર.બી.એસ.કે ટીમને ક્ષેત્રિય કામગીરી અંગે માર્ગદર્શન

    કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આર.બી.એસ.કે (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમના ડોક્ટરોને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં

    બાળકોની નિયમિત ગૃહ મુલાકાત

    સમયાંતરે આરોગ્ય તપાસ

    શાળાના શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન

    આપીને બાળકોના આરોગ્ય પર સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.

    બાળરોગ નિષ્ણાંત દ્વારા વિસ્તૃત સમજણ

    કાર્યક્રમમાં હાજર બાળરોગ નિષ્ણાંતે બાળકો અને તેમના વાલીઓને ટાઈપ-1 ડાયાબિટીસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમાં

    ઇન્સ્યુલિન ઇન્જેકશન લેવાની યોગ્ય પદ્ધતિ

    ખોરાકની યોગ્ય પસંદગી

    નિયમિત કસરતનું મહત્વ

    દવા અને તપાસની નિયમિતતા

    વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું, જેથી બાળકો સામાન્ય જીવન જીવતા શીખી શકે.

    મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા

    કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ આરોગ્ય કર્મચારીઓ અને તબીબોને મુખ્યમંત્રીના “દરેક બાળકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા”ના સંકલ્પને સહભાગીતાથી સાકાર કરવા કટિબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનથી જુવેનાઈલ ડાયાબિટીસથી પીડિત બાળકોને સમયસર સારવાર અને માર્ગદર્શન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

    વ્યાપક ઉપસ્થિતિ

    આ કાર્યક્રમમાં GMERS મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ,કોલેજના તબીબો,આર.બી.એસ.કે ટીમના ડોક્ટરો,જુવેનાઈલ ડાયાબિટીસ ટાઈપ-1થી પીડિત બાળકો અને તેમના વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ

    હિંમતનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લામાં બાળ આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે. રાજ્ય સરકારની આ પહેલથી જુવેનાઈલ ડાયાબિટીસ અંગે જાગૃતિ વધશે તેમજ બાળકોને યોગ્ય સારવાર અને માર્ગદર્શન સમયસર મળી શકશે.

  • રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ અને કડક અભિગમ “સ્વાગત માત્ર ફરિયાદ સાંભળવાનો મંચ નહીં, ન્યાય અપાવવાનો અસરકારક ઉપક્રમ”

    રિપોર્ટર : ભાવિક પટેલ, અમદાવાદ

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-૨૦૨૫ના રાજ્યસ્તરના ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રાજ્યભરના નાગરિકોની રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળી અને તેના સમયબદ્ધ તથા અસરકારક નિવારણ માટે સંબંધિત વિભાગો અને અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમ માત્ર ફરિયાદ સાંભળવાનું પ્લેટફોર્મ નથી, પરંતુ સામૂહિક પ્રયાસો દ્વારા નાગરિકોને ન્યાય અપાવવાનું સશક્ત સાધન છે.

    રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે વિશાળ ભાગીદારી

    દર મહિને ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૫ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી ૯૭ રજૂઆતકર્તાઓ મુખ્યમંત્રી સમક્ષ સીધા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે

    જિલ્લા સ્વાગતમાં ૧૨૮૪ રજૂઆતો

    તાલુકા સ્વાગતમાં ૨૪૫૮ રજૂઆતો

    સંબંધિત જિલ્લા અને તાલુકા કક્ષાએ લેવાઈ હતી, જેના નિવારણ માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગોને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે ફરિયાદીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સમયસર પરિણામ લાવવામાં કોઈ ઢીલાશ ન રાખવી.

    ખેડૂતો પ્રત્યે આગવી સંવેદનશીલતા

    સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી.

    જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ખેડૂતને ખેતર સુધી પહોંચવાના રસ્તા અંગેની રજૂઆતને ગંભીરતાથી લઈ, સ્થળ પરિસ્થિતિની તાત્કાલિક ચકાસણી કરી જિલ્લા કલેક્ટરને તરત વ્યવસ્થા કરવા આદેશ આપ્યો.તે જ રીતે સીપુ યોજના હેઠળ સાબરમતી–સરસ્વતી લિંક કેનાલ માટે મહેસાણા જિલ્લાના ખેડૂતની સંપાદિત જમીનના વળતર મુદ્દે વિલંબ ન થાય તે માટે કલેક્ટરને કડક દિશાનિર્દેશ આપ્યા.મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ખેડૂતોને વળતર અને મૂળભૂત સુવિધાઓમાં કોઈપણ પ્રકારની અવગણના સહન નહીં થાય.

    નગરપાલિકા વિકાસકામોમાં ગુણવત્તા પર ભાર

    નગરપાલિકા વિસ્તારોમાં થતા વિકાસકામોની ગુણવત્તા બાબતે પણ મુખ્યમંત્રીશ્રીએ કડક અભિગમ અપનાવ્યો હતો.કાલોલ નગરપાલિકામાં રોડ, રસ્તા અને ગટર કામોની ગુણવત્તા અંગે થયેલી ફરિયાદોને ગંભીરતાથી લઈ, બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક પગલાં લેવા સૂચના આપી.તેમણે સ્પષ્ટ કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં થાય.

    નાગરિક સુવિધાઓ માટે તાત્કાલિક પગલાં

    આ ઉપરાંત વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયુક્ત માલિકીની જમીનમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન આપવા થતા અવરોધો દૂર કરીને તાત્કાલિક કનેક્શન આપવા સૂચના અપાઈ.બાબરા તાલુકાના એક રજૂઆતકર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામ નમૂનામાં નોંધ કરી માલિકી હક આપવા સંબંધિત તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું.

    ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

    આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ખાસ ફરજ પરના અધિકારીઓ શ્રી ધીરજ પારેખ અને શ્રી રાકેશ વ્યાસ સહિત સંબંધિત વિભાગોના સચિવો ગાંધીનગરથી જોડાયા હતા, જ્યારે જિલ્લા કલેક્ટરો વીડિયો કોન્ફરન્સ મારફતે ઉપસ્થિત રહ્યા હતા.

    જનવિશ્વાસ મજબૂત કરતું સ્વાગત

    રાજ્ય સ્વાગત કાર્યક્રમ દ્વારા નાગરિકોની ફરિયાદોનું સીધું સાંભળવું, તંત્રને જવાબદાર બનાવવું અને સમયસર નિવારણ સુનિશ્ચિત કરવું—આ તમામ બાબતો રાજ્ય સરકારના પારદર્શક અને જવાબદાર શાસનના અભિગમને પ્રતિબિંબિત કરે છે.

  • ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસની માનવતા અને કાર્યક્ષમતાનો દાખલો ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સાયબર ફ્રોડના 21 ભોગોને રૂ.93.39 લાખ પરત

    રિપોર્ટ : મેહુલ પટેલ, ભરૂચ

    ઓનલાઈન નાણાકીય ઠગાઈના વધતા કેસોની વચ્ચે ભરૂચ જિલ્લામાંથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત સાયબર ફ્રોડના ભોગ બનેલા 21 અરજદારોને કુલ રૂ.93.39 લાખની રકમ પરત અપાવવામાં આવી છે. પોલીસની ઝડપી કાર્યવાહી, કોર્ટ પ્રક્રિયા અને સંકલિત પ્રયત્નોના પરિણામે આ સફળતા મળી છે.

    જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કાર્યવાહી

    ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ઓનલાઈન નાણાકીય ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે નાણાં પરત અપાવવાના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાઓના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. વી.આર. ભરવાડ તથા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

    કાયદાકીય પ્રક્રિયા દ્વારા નાણા પરત

    સાયબર ફ્રોડના વિવિધ કેસોમાં ભોગ બનેલા અરજદારો મારફતે કોર્ટમાં યોગ્ય અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ કેસોમાં અરજદારોની કુલ રૂ.1.79 કરોડથી વધુની રકમ રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવી હતી.

    સાયબર ક્રાઈમ પોલીસે દરેક કેસમાં કાયદેસર દસ્તાવેજો તૈયાર કરી, ફ્રોડમાં ગયેલી અને ફ્રીઝ થયેલી રકમ સમયસર રિફંડ થાય તે માટે કોર્ટમાં મજબૂત રજૂઆત કરી હતી.

    લોક અદાલતમાં મહત્વનો હુકમ

    ડિસેમ્બર 2025માં યોજાયેલી ભરૂચ લોક અદાલત દરમિયાન કોર્ટે આ કેસોની સુનાવણી કરી હતી. સુનાવણી બાદ કોર્ટ દ્વારા ભોગ બનેલા પૈકી 21 અરજદારોને કુલ રૂ.93.39 લાખ રિફંડ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

    કોર્ટના આદેશ બાદ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી 21 લોકોના નાણા સફળતાપૂર્વક પરત કર્યા હતા.

    સાયબર ફ્રોડ પીડિતોને મોટી રાહત

    આ કાર્યવાહીથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોમાં મોટી રાહત અનુભવાઈ છે. અનેક કિસ્સાઓમાં લોકો જીવનભરની બચત ગુમાવી બેઠા હોય છે, ત્યારે પોલીસે માત્ર ગુનો નોંધવા સુધી સીમિત ન રહી નાણાં પરત અપાવવાની દિશામાં અસરકારક કામગીરી કરી હોવાનો દાખલો આપ્યો છે.

    જનતા માટે સંદેશ

    ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ કાર્યવાહીથી એક મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે કે

    સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવી

    સમયસર ફરિયાદ અને યોગ્ય કાર્યવાહીથી નાણા પરત મળવાની શક્યતા રહે છે

    પોલીસ અને કોર્ટ સાથે સહકાર આપવાથી ન્યાય મળે છે

    પ્રશંસનીય કામગીરી

    ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ, પી.આઈ. વી.આર. ભરવાડ અને તેમની ટીમની આ કામગીરીને જિલ્લામાં પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક બની છે.