Category: રાષ્ટ્રીય

  • ખાવડ ગામે પોલિયો રવિવાર અભિયાનનો પ્રારંભ – સરપંચ બળદેવજી ઠાકોરના હસ્તે બુથનું ઉદ્ઘાટન

    કડી..

         દેશભરમાં ચાલી રહેલા પોલિયો રવિવાર અંતર્ગત આજે ખાવડ ગામમાં પણ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાવડના આરોગ્ય વિભાગ દ્વારા ઘૂઘલા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોલિયો બુથનું ઉદ્ઘાટન ગામના માનનીય સરપંચ શ્રી બળદેવજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું.

     પોલિયો મુક્ત ભારતના સંકલ્પ તરફ એક વધુ પગલું

       કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી ભાવિનભાઈ પરમાર, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને પોલિયો સામે સુરક્ષિત રાખવા માટે “બે બૂંદ જીવનની” સૂત્ર સાથે રસીકરણ કરવામાં આવ્યું.આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી રહી છે.ગામના તમામ ખૂણાઓ સુધી આરોગ્ય કર્મચારીઓ પહોંચે તે માટે વિશેષ ટીમો બનાવીને કાર્યરત રાખવામાં આવી છે.

     સરપંચ બળદેવજી ઠાકોરનો સંદેશ

      કાર્યક્રમની શરૂઆત વખતે સરપંચશ્રીએ જણાવ્યું કે —“દરેક બાળક સુધી પોલિયો ની રસીના બે બૂંદ પહોંચે એ જ આપણી સાચી જીત છે.” તેમણે ગ્રામજનોને અપીલ કરી કે કોઈપણ બાળક પોલિયો રસી વિના ન રહી જાય તે માટે સૌ એક થઈને સહકાર આપે.

     ગામજનોમાં ઉત્સાહ

       પોલિયો રવિવારને લઈને ખાવડ ગામમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો.આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓએ ઘરોમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાવી અને માતા-પિતાને બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા.

     રાષ્ટ્રીય અભિયાનનો ભાગ

       આ પોલિયો રવિવાર અભિયાન રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ યોજાય છે,જેનુ ઉદ્દેશ્ય ભારતમાં પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.ખાવડ ગામે આજના કાર્યક્રમ દ્વારા આ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.

  • મિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત “ભાગ્યોદય આપના આંગણે” અંતર્ગત – ત્રીજા આરોગ્ય સેવા સેતુનો ચડાસણા મુકામે મંગલ પ્રારંભ

    કડી…

           કડી તાલુકામાં છેલ્લા ચાર દાયકાથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા “મિશન ૨૦૨૫-૨૬” અંતર્ગત આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માટે “ભાગ્યોદય આપના આંગણે” પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ચડાસણા ગામે ત્રીજા આરોગ્ય સેવા સેતુનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

     

          કડી તાલુકામાં આરોગ્ય સેવાનો નવો માઇલસ્ટોન સ્થાપિત કરતાં ભાગ્યોદય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજે આજે “મિશન ૨૦૨૫-૨૬ : ભાગ્યોદય આપના આંગણે” અંતર્ગત ત્રીજા આરોગ્ય સેવા સેતુ કેન્દ્રનો ચડાસણા મુકામે મંગલ પ્રારંભ કર્યો હતો.

    હોસ્પિટલની સ્થાપનાના ૪૧મા વર્ષ નિમિત્તે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાપૂર્ણ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે. અગાઉ માથાસુર અને લ્હોર ગામમાં આવા બે કેન્દ્રો શરૂ કર્યા બાદ આજે ત્રીજા કેન્દ્રનું ઉદ્ઘાટન થવાથી આસપાસના વિસ્તારના લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.

    આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જગદીશભાઈ પટેલ, દાતા ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડસ્ટ્રીઝ), પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ, સમાજસેવક દેવેન્દ્રભાઈ રાવલ, સુરેશભાઈ પરમાર, કડી નગરપાલિકા સદસ્ય વિપુલભાઈ અને મૌલિકભાઈ સહિત ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ દરમિયાન ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સામાન્ય રોગચાળા, પોષણ, માતા અને બાળકના આરોગ્ય સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામજનો માટે આરોગ્ય તપાસ અને દવાઓ પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી.

    ચેરમેન જગદીશભાઈ પટેલે જણાવ્યું કે, “ભાગ્યોદય હોસ્પિટલ છેલ્લા ૪૧ વર્ષથી સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય સેવા પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. હવે ‘ભાગ્યોદય આપના આંગણે’ પ્રોજેક્ટ દ્વારા ગામડાં સુધી સેવા પહોંચાડવાનો અમારો મિશન છે. સ્વસ્થ ગામ એટલે સ્વસ્થ સમાજ.”

    દાતા ટ્રસ્ટી **દિલીપભાઈ પટેલ (રાજા )**એ જણાવ્યું કે, “ભાગ્યોદય આરોગ્ય સેવા સેતુ દ્વારા લોકો સુધી ડોક્ટર અને દવાઓ બંને પહોંચાડવાનો હેતુ છે. ગામે-ગામે સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ આપણા સમાજ પ્રત્યેની જવાબદારી છે.”

    કાર્યક્રમના અંતે સૌએ મળીને સંસ્થાના મિશન ૨૦૨૫-૨૬ને સફળ બનાવવા માટે સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

  • “પૈસા વાળા દારૂ પીવે છે, મોટી ગાડીઓમાં મોજ કરે છે, એક્સિડન્ટ કરી લોકોને મારી નાખે છે પરંતુ છેવાડાનો માણસ હજી તળિયે છે” – વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સમાં ગણપતભાઈ પટેલનું સ્ફોટક નિવેદન

    મહેસાણા..

       વાઇબ્રન્ટ ગુજરાતની વૈશ્વિક ઓળખ હવે રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ અને સમાજના અનેક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પરંતુ કાર્યક્રમની વચ્ચે એક નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું — ગણપત યુનિવર્સિટીના સંસ્થાપક ગણપતભાઈ પટેલનું સ્ફોટક નિવેદન.

    ગણપતભાઈ પટેલે પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,

    “આજે પૈસા વાળા લોકો દારૂ પીવે છે, મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય છે, મોજ મસ્તી કરે છે. એક્સિડન્ટ કરી લોકોને મારી નાખે છે પરંતુ છેવાડાનો માણસ હજી તળિયે છે, વિકાસનો લાભ તેના સુધી પહોંચ્યો નથી. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે ગામડાનો સામાન્ય માણસ પોતાના જીવનમાં સુધારો અનુભવે.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે,“વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો પહેલા શહેરોમાં યોજાતા હતા, પરંતુ હવે એ ગામડાઓમાં આવી રહ્યા છે. એ એક સકારાત્મક પરિવર્તન છે. હવે સમય છે કે આપણે છેવાડાના લોકો સુધી તક, શિક્ષણ અને રોજગારની તકો પહોંચાડીએ.”

    ગણપતભાઈ પટેલના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓમાં ચર્ચા જગાઈ હતી. તેમની વાતોમાં એક પ્રકારનો સામાજિક સંદેશ સ્પષ્ટ જોવા મળ્યો — કે વિકાસ માત્ર ઇમારતો, ઉદ્યોગો કે રોકાણથી માપી શકાય નહીં, પરંતુ તે ત્યારે અર્થપૂર્ણ બને જ્યારે તે સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવે.

    ગણપત યુનિવર્સિટી છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતના ઉત્તર પ્રદેશમાં મહત્વનું કેન્દ્ર બની છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા યુનિવર્સિટી ગ્રામ્ય વિસ્તારો સુધી ઉદ્યોગ અને નવી તકનીક પહોંચાડવાના મિશન પર આગળ વધી રહી છે.

    ગણપતભાઈ પટેલે અંતે જણાવ્યું કે યુનિવર્સિટીનો હેતુ માત્ર વિદ્વાન બનાવવાનો નથી, પરંતુ “માણસ બનાવવાનો” છે — જે સમાજ માટે ઉપયોગી સાબિત થાય અને પોતાનું ગામ, જિલ્લો અને રાજ્ય ગૌરવ અનુભવે તે દિશામાં કામ કરવાનું છે.

    તેમના આ વચનોએ કોન્ફરન્સને એક નવો દિશાસૂચક સંદેશ આપ્યો — કે “વાઇબ્રન્ટ ગુજરાત”નો અર્થ માત્ર રોકાણ નહીં, પરંતુ માનવ વિકાસ અને સમાન તકોનું વિઝન છે.

  • યાત્રાધામ બહુચરાજીમાં દયાનંદ કોમ્પ્લેક્ષની બહાર ઉમિયા વાડી પાસે ફરી કચરાનો ઢગલો — નગરપાલિકાની બેદરકારી સામે વેપારીઓમાં આક્રોશ

    બહુચરાજી માં સ્વચ્છતાની વાતો કાગળ પર જ સીમિત રહેતી જણાય છે.

    અહેવાલ…પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )


      મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી માં ગંદકીએ માઝા મૂકી છે.સત્તાધીશો ની બેદરકારી ને લીધે યાત્રાધામ માં રોગચાળો ભરડો લેશે તેવી શંકા અત્યારે હાલ તો સેવાઈ રહી છે.બહુચરાજી ના દયાનંદ કોમ્પલેક્ષની બહાર, ઉમિયા વાડીની બાજુમાં અને પ્રહલાદ બજાર કોમ્પલેક્ષની સામે નગરપાલિકાએ “અહીં કચરો ન નાખવો” લખેલી જાહેર નોટિસ લગાવ્યા પછી પણ અહીં રોજ કચરાનો ઢગલો જોવા મળે છે.

    સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે નગરપાલિકાએ અહીં કચરાપેટી રાખી નથી, જેના કારણે આસપાસની દુકાનોના લોકો પાસે વિકલ્પ નથી અને તેઓ રોજ કચરો અહીં નાખી જાય છે.

    અગાઉ પણ તંત્ર એ એ સફાઈ અભિયાન ચલાવી આ સ્થળેથી કચરો ઉઠાવી નોટિસ બોર્ડ લગાવ્યું હતું, છતાં આજે પરિસ્થિતિ એ જ છે.આથી સ્પષ્ટ થાય છે કે નિયમો અને સૂચનાઓ માત્ર દેખાવ માટે છે.

    • આ વિસ્તારથી પસાર થતા લોકો અને વેપારીઓએ નગરપાલિકાને તાત્કાલિક કચરાપેટી મૂકવાની અને દરરોજ સફાઈ કરાવવાની માંગ કરી છે.
    • સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ નગરપાલિકા સામે રજૂઆત કરશે.
  • વિસનગરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ 15 વર્ષની બાળકી પર છ શખ્સો દ્વારા અલગ અલગ સ્થળે અત્યાચાર – પોલીસે બધા આરોપીઓને ઝડપી લીધા

    અહેવાલ..  નિસર્ગ પટેલ

    વિસનગર (જિલ્લો મહેસાણા):

     દુષ્કર્મ કરનાર ઇસમો બૂટલેગરો હોવાની લોક ચર્ચા

       વિસનગર શહેરમાં માનવતાને શરમાવે એવો બનાવ સામે આવ્યો છે.માત્ર 15 વર્ષની સગીરા પર એક પછી એક છ શખ્સોએ અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચરતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

     શરુઆત લાલચ અને અંતે અત્યાચાર

    પોલીસ તપાસ મુજબ, સગીરાને સૌપ્રથમ પવન ઠાકોર અને વિજય ઠાકોરએ વિવિધ લાલચ આપી ખેતર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં રાજ ઠાકોર અને અન્ય ઈસમોએ સગીરાને “ઘેર છોડવાની” લાલચ આપી ડોસાભાઈ પાર્કથી લઈ જઈ વારાફરતી અત્યાચાર આચર્યો હતો.આ પછી મોદી પ્રકાશ નામના શખ્સે સગીરાને એક્ટિવા પર બેસાડી પોતાના ઘેર લઈ જઈ દોઢ દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

      પોલીસની તાત્કાલિક કાર્યવાહી

    સગીરાના પિતાએ દીકરી બે દિવસથી ઘેર ન આવતાં વિસનગર પોલીસને જાણ કરી હતી.પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સગીરા મળી આવતાં પૂછપરછ હાથ ધરી.તે સમયે આખી ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો.

        ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ સહિતના છ આરોપીઓને ઝડપીને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

     લોકરોષ અને મહિલા સંગઠનોની પ્રતિક્રિયા

    વિસનગરમાં આ બનાવ બાદ લોકરોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિક નાગરિકો અને મહિલા સંગઠનો આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે.તેઓનું કહેવું છે કે,

    “સગીરાઓની સુરક્ષા માટે કડક કાયદા હોવા છતાં રોજ નવા બનાવો સામે આવી રહ્યા છે.

    આવા ગુનેગારોને ઉદાહરણરૂપ સજા અપાઈ જવી જોઈએ.”

    પોલીસનું નિવેદન

    વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણએ જણાવ્યું:“સગીરાની ફરિયાદના આધારે તમામ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.વધુ તપાસ ચાલુ છે અને ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે.”

    કાયદાકીય કાર્યવાહી ચાલુ

      હાલ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે, અને સગીરાનું તબીબી પરીક્ષણ તેમજ ડી.એન.એ. પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.પોલીસ હવે આરોપીઓ વચ્ચેનો સંબંધ, તેમની યોજના અને બનાવની પૂર્વ તૈયારી અંગે પણ તપાસ કરી રહી છે.

     સવાલો અને ચિંતાઓ

    આ બનાવે ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે —સગીરાઓની સુરક્ષા માટેના કડક કાયદા અને નિયમો છતાં આવા બનાવો કેમ અટકતા નથી?સમાજમાં સુરક્ષા, સંસ્કાર અને કાનૂની ભયની અસર ક્યાંક ઓછી પડી રહી છે કે શું?સ્થાનિક સ્તરે હવે લોકો માંગ કરી રહ્યા છે કે આવા ગુનેગારોને કડક સજા આપી સમાજમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.

  • બહુચરાજી ની યશ ગેસ એજન્સી ફરી વિવાદમાં દિવાળીના તહેવારો પહેલા બહુચરાજી ખાતે ગેસની અછત – ગ્રાહકોમાં રોષ, ખાનગી વેચાણના આક્ષેપ

    અહેવાલ.પ્રદીપ ઠાકોર. ( બહુચરાજી )

    બહુચરાજી…

      દિવાળીના તહેવારો નજીક આવતા જ રાંધણ ગેસની માંગમાં ભારે વધારો નોંધાયો છે, પરંતુ બહુચરાજી ખાતે આવેલી HP કંપનીની. યશ ગેસ એજન્સી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી પર “સ્ટોક નથી”ના બહાને વારંવાર લોકોને પાછા ધકેલવામાં આવે છે, જ્યારે ગેસ બોટલોના ખાનગી વેચાણ થવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

     

     સ્ટોક નહીં હોવાના બહાને ગ્રાહકોને મુશ્કેલી

      સ્થાનિક લોકોનો દાવો છે કે એજન્સી પર રોજ સવારે લાંબી લાઈનો લાગી રહી છે. લોકો કલાકો સુધી તડકામાં રાહ જોતા રહે છે, પરંતુ અંતે “સ્ટોક ખતમ” કહીને તેમને ખાલી હાથે પાછા મોકલી દેવામાં આવે છે.લોકો બે થી ત્રણ દિવસ કામધંધો મૂકીને ગેસ ની બોટલ મેળવવા માટે લાઇનમાં લાગે છે પરંતુ તેમને સ્ટોક નહીં હોવાના બહાને ગેસ બોટલ મળતો નથી.

    એક ગ્રાહકે ન્યૂઝ પોર્ટલને જણાવ્યું:

    અમે વહેલી સવાર થી લાઇનમાં ઊભા રહ્યા, પણ ઓફિસ ખુલી એટલામાં કહેવામાં આવ્યું કે ગેસ નથી. અને ઓફિસ બહાર સ્ટોક નહીં હોવાનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું. છતાં કેટલાક ઓળખાણ વાળા લોકોને બોટલ મળી ગઈ. સ્પષ્ટ છે કે ખાનગીમાં વેચાણ ચાલી રહ્યું છે.”

     અગાઉ પણ આવી ચૂક્યો છે વિવાદ

    યશ ગેસ એજન્સી સામે આ પહેલી વાર આક્ષેપો નથી. થોડા મહિના પહેલા પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે તડકામાં કલાકો સુધી રાહ જોઈ રહેલા ગ્રાહકોને ગેસ મળ્યો નહોતો.

    તે સમયે પણ સ્થાનિકો દ્વારા રજૂઆત થયા બાદ પણ કોઈ કડક કાર્યવાહી થઈ નહોતી. હાલની પરિસ્થિતિએ એજન્સી પર વહીવટી તંત્રના નિયંત્રણ પર સવાલો ઊભા કર્યા છે.

     ગ્રાહકોમાં ચિંતા – “ગરીબ માણસને ગેસ માટે ધક્કા ખાવા પડે છે”

    દિવાળીના દિવસોમાં રસોડાના ખર્ચમાં વધારો થતો હોય છે. ખાસ કરીને ગામડાઓમાંથી આવતા લોકો માટે આ અછત વધુ તકલીફરૂપ બની છે.

    એક વૃદ્ધ મહિલાએ ગુસ્સામાં કહ્યું:

    “તહેવાર પહેલાં ગેસ ન મળે તો શું રાંધવું? દર વખતે એજન્સી એક જ જવાબ આપે – ‘સ્ટોક નથી’, પણ ગેસ બોટલો કઈ રીતે તો અન્ય જગ્યાએ પહોંચે છે.”

     તપાસની માગ – પુરવઠો સુનિશ્ચિત કરવા પ્રશાસનને વિનંતી

    ગ્રાહકોની મુખ્ય માંગ છે કે યશ ગેસ એજન્સી સામે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને ગેસ વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે.

    તહેવારના દિવસોમાં સામાન્ય પરિવારોને રાંધણ ગેસની અછતનો ભોગ ન બનવો પડે તે માટે પુરવઠો વધારવો અને વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવી જરૂરી બની છે.

     વહીવટી તંત્ર સામે પ્રશ્ન

    સ્થાનિક નાગરિકો કહે છે કે એજન્સીઓ પર દેખરેખ નબળી પડી છે. જો દરેક સપ્લાયનું રેકોર્ડ અને વિતરણ માહિતી જાહેર રૂપે ઉપલબ્ધ થાય તો આવી ગેરરીતિઓ અટકાવી શકાય.

    તંત્ર હવે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલની સ્થિતિએ લોકોમાં વિશ્વાસનો ભંગ અને અસંતોષની લાગણી ઊભી થઈ છે.

  • નંદાસણની કંપનીના પ્રદૂષણથી ઉમાનગરના ગામજનો ત્રાહિમામ — કડક કાર્યવાહી કરવા ઊઠી લોક માંગણી

    કંપની સંચાલકોનો દાદાગીરી ભર્યો દાવો – “પ્રદૂષણ વિભાગ અમારા ખિસ્સામાં છે

    ગામલોકોએ GPCB અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરી

    નંદાસણ ..

    મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ ગામની સીમમાં આવેલી હેમી ઈન્ટરનેશનલ પ્રા.લી. નામની એરંડા મીલ કંપનીના બેફામ ધુમાડા અને દુર્ગંધથી ઉમાનગર ગામના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

      આ કંપનીમાં એરંડા પીલાણનું કામ થાય છે, જેમાંથી નીકળતા ધુમાડા અને રસાયણિક દુર્ગંધના કારણે ગામના લોકો છેલ્લા અનેક મહિનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખોમાં ચમચામાટ અને ચામડીની સમસ્યાઓ જેવી તકલીફોનો સામનો કરી રહ્યા છે.

        ગામલોકોએ અનેકવાર કંપનીના મેનેજરો અને સંચાલકોને રજૂઆત કરી હોવા છતાં કોઈ સુધારાત્મક પગલા લેવામાં આવ્યા નથી. સંચાલકોનો દાદાગીરી ભર્યો દાવો છે કે “પ્રદૂષણ વિભાગ તો અમારા ખિસ્સામાં છે, તમારાથી થાય તે કરી લો”, જે સાંભળીને લોકોમાં ગુસ્સો વ્યાપી ગયો છે.

       કંપની દ્વારા ઉત્સર્જન માટેની માન્ય મર્યાદાઓ

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અનુસાર દરેક ઉદ્યોગ માટે ઉત્સર્જન અને પ્રદૂષણની નિર્ધારિત મર્યાદા છે.

    વિગત મુજબ:ઉત્સર્જનનું માપદંડ.માન્ય મર્યાદા (Industrial Stack). Particulate Matter (PM)

    મહત્તમ 150 mg/Nm³ સુધી માન્ય

    Sulphur Dioxide (SO₂)

    80 µg/m³ સુધી માન્ય

    Nitrogen Oxides (NOx)

    80 µg/m³ સુધી માન્ય

    Noise Level (Industrial Zone)

    દિવસમાં 75 dB(A), રાત્રે 70 dB(A)

    Chemical Emission (Organic Units)

    COD, VOC વગેરે માટે GPCB નિયમો પ્રમાણે નિયંત્રણ જરૂરી

    આ મર્યાદા કરતાં વધુ ઉત્સર્જન થવું કાયદેસર ગુનો ગણાય છે અને તેના માટે Air (Prevention and Control of Pollution) Act, 1981 હેઠળ પગલા લઈ શકાય છે.

       ક્યાં રજૂઆત કરવી – ગામલોકો માટે માર્ગદર્શિકા

    જો ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે અને GPCBના નિયમોનું પાલન ન કરે, તો નીચે મુજબ કાર્યવાહી કરી શકાય:

    ગ્રામ પંચાયત / તાલુકા કચેરીમાં રજૂઆત

    ગામલોકો સમૂહમાં લખિત અરજી કરીને તાલુકા વિકાસ અધિકારીને માહિતી આપી શકે.

    જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા વિકાસ અધિકારી (DDO)

    મહેસાણા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી શકાય છે.

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), મહેસાણા રીજનલ ઓફિસ

    સરનામું : Paryavaran Bhavan, Mehsana Regional Office

    ફોન : (02762) 258294

    ઈમેઈલ : gpcb-meh@gujarat.gov.in

    વેબસાઈટ : https://gpcb.gujarat.gov.in

    કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)

    જો રાજ્ય બોર્ડ કાર્યવાહી ન કરે તો સીધી ફરિયાદ https://cpcb.nic.in/query-form1.php પર કરી શકાય છે.

    ન્યાયિક વિકલ્પ – National Green Tribunal (NGT)

    જો લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન મળે, તો લોકો NGT, પશ્ચિમ ઝોન બેન્ચ (પુણે) માં અરજી કરી શકે છે.

      કાયદાકીય પગલાં શક્ય

     

    GPCB દ્વારા તાત્કાલિક તપાસ અને ઉત્સર્જનના નમૂના એકત્રિત કરી શકાય.

    કંપનીને નોટિસ આપી પ્રદૂષણ નિયંત્રણ સાધનો લગાવવા ફરમાન આપી શકાય.

    નિયમોનો ભંગ સાબિત થાય તો ઉદ્યોગના લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ કરી શકાય.

    આરોગ્ય પર અસર થતી હોય તો પીડિત લોકો NGT મારફતે નુક્શાનની ભરપાઈ (Compensation) પણ માગી શકે છે.

     ગામલોકોની માંગ

    ઉમાનગરના ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે“કંપની દ્વારા લગાવવામાં ન આવેલા ફિલ્ટર અને કંટ્રોલ યંત્રો તાત્કાલિક લગાવવામાં આવે, અને ત્યાં સુધી ફેક્ટરીના ધુમાડા ઉત્સર્જન પર રોક મૂકવામાં આવે.”

    સ્થાનિક લોકોનો દાવો છે કે પ્રદૂષણના કારણે બાળકોમાં શ્વાસ અને ચામડીની સમસ્યાઓ વધી છે, અને પાકોમાં પણ અસર જોવા મળી રહી છે.

     પર્યાવરણવિદો ની સલાહ

    પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉદ્યોગો માટે માત્ર મંજૂરી મેળવવી પૂરતી નથી — તેઓએ નિયમિત રીતે “Emission Monitoring Report” GPCB ને સોંપવી ફરજિયાત છે. જો તે કરવામાં આવતું નથી, તો તે ગંભીર કાયદાકીય ઉલ્લંઘન છે.

     તંત્રી સ્થાને થી 

    નંદાસણની આ ફેક્ટરી સામે ગામજનોની લડત માત્ર એક ગામની નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના સ્વાસ્થ્ય અને પર્યાવરણની લડત બની છે. લોકો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક તપાસ કરશે, પ્રદૂષણ રોકશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે.

  • કડીમાં ઝોલા છાપ ડોક્ટરોનો આતંક — ડિગ્રી વિના દવા આપતા તબીબો સામે આરોગ્ય તંત્ર સુતેલું! નવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિની કસોટી – શું તંત્ર ખરેખર પગલાં લેશે?

    કડી…..

         કડી શહેર તથા તાલુકાના ગામડાઓમાં “ઝોલા છાપ” ડોક્ટરોનો ધંધો ધડાધડ ચાલે છે. પૂરતી મેડિકલ ડિગ્રી વિના એલોપથી દવાઓ આપતા આ લોકો ગામડાંના ગરીબ લોકોના આરોગ્ય સાથે સીધી રમત કરી રહ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં મસ્ત છે.

     અંદાજિત આંકડા – કેટલી ક્લિનિક્સ બિનરજીસ્ટર્ડ?

           સ્થાનિક સ્તરે મળેલી માહિતી અનુસાર કડી શહેર તથા આસપાસના ગામોમાં મળીને આશરે ૬૦થી વધુ બિનરજીસ્ટર્ડ “ક્લિનિક” અથવા દવા દુકાનો ચાલી રહી છે.આમાંથી મોટાભાગના તબીબો પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી – ફક્ત અગાઉ કોઈ હોસ્પિટલ કે પેથોલોજી લેબમાં કામ કરીને “અનુભવ” મેળવી પોતાને ડોક્ટર કહે છે.

          અંદાજ મુજબ દરરોજ ૩૦૦ થી ૪૦૦ દર્દીઓ આવા ઝોલા છાપ તબીબો પાસે સારવાર લે છે – કારણ કે લોકો પાસે સસ્તું અને નજીક વિકલ્પ અન્યત્ર નથી.

     આરોગ્ય તંત્રની ઉદાસીનતા

    તાલુકા આરોગ્ય વિભાગ પાસે પૂરતી ટીમ અને સત્તા હોવા છતાં અત્યાર સુધી કોઈ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

    સ્થાનિક લોકોના મતે, દરેકને આ ક્લિનિક્સની ખબર છે, પરંતુ “રાજકીય દબાણ” અને “સ્થાનિક ઓળખાણ” અને અધિકારી ને મળતા માલના કારણે તંત્ર ચુપ છે.

        તાજેતરમાં જ નિમણૂક થયેલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ સામે હવે સૌથી મોટો પડકાર આ ઝોલા છાપ તબીબોની ગેરકાયદેસર પ્રેક્ટિસ પર રોક લગાવવાનો છે.

     લોકોનો અભિપ્રાય 

    રાજેશ પટેલ (નોકરી, કડી): “આ ડોક્ટરો રૂ. ૫૦-૧૦૦માં ઈન્જેક્શન આપી દે છે. ક્યારેક દવા ખોટી પડે તો દર્દી બેભાન થઈ જાય. છતાં કોઈ તપાસ આવતી નથી.”

     

    હિરાબેન ઠાકોર (ગ્રામીણ મહિલાઃ): “હોસ્પિટલ દૂર છે, અમને ગામમાં દવા આપતા હોવાથી આપણે ત્યાં જ જઈએ. પરંતુ એક વાર ખોટી દવા ખાઈને મારા દીકરાને ચક્કર આવ્યા હતા.”

    વિજયસિંહ (સામાજિક કાર્યકર): “આ મામલામાં આરોગ્ય વિભાગ જો કાર્યવાહી નહીં કરે તો અમે કલેક્ટર સુધી રજૂઆત કરીશું.”

    ( તમામ નામની ગુપ્તતા જાળવવા માટે ઓળખ છુપાવવામાં આવી છે )

    શું કહે છે કાયદો..

     

    Indian Medical Council Act, 1956 અને Clinical Establishments (Registration and Regulation) Act, 2010 મુજબ 

    ➡️ કોઈપણ વ્યક્તિ માન્ય મેડિકલ ડિગ્રી વિના એલોપથી દવા આપી શકતો નથી.

    ➡️ બિનરજીસ્ટર્ડ ક્લિનિક ચલાવવી ગુનો ગણાય છે.

    ➡️ દંડ સાથે ૩ વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.

      તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા હેલ્થ ઓફિસર તથા પોલીસ તંત્રને આવા કેસોમાં કાર્યવાહી કરવાનો કાયદાકીય અધિકાર છે.

     અંતિમ વાત

    કડીની આ સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે ગરીબ અને મધ્યવર્ગીય લોકોની “સસ્તી સારવાર”ની જરૂરિયાતને બહાનાં બનાવી અણધાર્યા જોખમો ઉઠાવવામાં આવી રહ્યા છે.

    હવે તંત્ર સામે સૌથી મોટો પ્રશ્ન એ છે 

    શું નવા તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ ખરેખર મેદાનમાં ઉતરી પગલાં લેશે, કે પછી અગાઉની જેમ જ કાર્યવાહી ફાઈલો પુરતી રહેશે?

  • 🇮🇳 અતલનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભવ્ય વિજયાદશમી રેલી 🚩

    સ્થળ: અતલનગર, કચ્છ

    રિપોર્ટર: હિમાંશુ પટેલ

    કચ્છ જિલ્લાના અટલ બિહારી બાજપેયીના નામ પરથી ઓળખાતા અટલનગર ગામે આજે વિજયાદશમીના પાવન અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ભવ્ય રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

    ગામમાં રાષ્ટ્રપ્રેમની લહેર સાથે યુવાનો, બાળકો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને દેશભક્તિનો માહોલ સર્જાયો.

    🕉️ સંઘની પરંપરા અને કાર્યક્રમ

    સંઘના પ્રધાનએ જણાવ્યું કે વિજયાદશમીનો દિવસ શક્તિ અને શિસ્તનું પ્રતિક છે. આ અવસરે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવના જગાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવે છે.

    રેલી બાદ શસ્ત્રપૂજન, રાષ્ટ્રગીત અને સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્ય રજૂ કર્યા.

    🌾 અટલનગરનું ગ્રામજીવન

    અતલનગર ગામમાં લગભગ 90 ટકા આયર સમાજના લોકો વસે છે અને મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા છે. ગામના લોકો સંઘના કાર્યક્રમો સાથે વર્ષોથી જોડાયેલા છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતા અને સંસ્કૃતિનો ઉત્સવ તરીકે પણ ઉજવાય છે.

    📖 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એક સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની એકતા, શિસ્ત અને સેવાભાવનું સંવર્ધન કરવાનો છે. સંઘ સમગ્ર ભારતમાં શાખાઓ ચલાવી યુવાઓમાં નૈતિકતા, સેવા અને સંસ્કારનું સંસ્કારણ કરે છે.

    📸 સમાપન

    રેલી દરમિયાન ઉત્સાહભેર લોકોમાં રાષ્ટ્રપ્રેમની લાગણી છલકાઈ. ગામમાં કાર્યક્રમ બાદ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી વિજયાદશમીનો આનંદ મનાવ્યો.

  • કડી,જોટાણા સહિતના વિસ્તારોમાં ઝોલા છાપ તબીબોનો રાફડો ફાટ્યો :– પૂરતી ડિગ્રી વિના સારવાર,દર્દીઓના જીવ સાથે ખેલ

    મહેસાણા…

       મહેસાણા જિલ્લાના કડી, બહુચરાજી, જોટાણા સહિતના તાલુકાઓમાં આરોગ્ય ક્ષેત્રનો ચોંકાવનારો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. અહીં અનેક સ્થળોએ જેમ કે નાના ગામડાઓમાં,શહેરની સોસાયટી ની પાસે આવેલી દુકાનોમાં તથા નાના નાના ગલી મહોલ્લામાં એવા લોકો દર્દીઓને સારવાર આપતા જોવા મળી રહ્યા છે જેમણે M.B.B.S. ની ડિગ્રી નથી હોતી, છતાં તેઓ પોતાને “તબીબ” કહીને એલોપથી દવાઓ લખતા, ઇન્જેક્શન આપતા તથા બોટલ ચડાવતાં જોવા મળે છે.

          ડિગ્રી વિના એલોપથી પ્રેક્ટિસ

    અમારી તપાસમાં ખુલ્યું છે કે આવા તબીબો મોટાભાગે કોઈ પણ ડિગ્રી ધરાવતા નથી અથવા **B.A.M.S. (આયુર્વેદ) અથવા B.H.M.S. (હોમિયોપથી)**ની ડિગ્રી ધરાવે છે. કાયદા પ્રમાણે તેમને પોતાના ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવું જોઈએ, પરંતુ તેઓ એલોપથી દવાઓની પ્રેક્ટિસ કરી રહ્યા છે.આથી તેઓ નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકે છે.

      દર્દીઓ પર ખતરનાક અસર

    યોગ્ય જ્ઞાન વગર દવાઓ આપવાથી દર્દીઓને ગંભીર સાઇડ ઈફેક્ટ્સ થાય છે.

    ખોટી સારવારથી દર્દીની હાલત બગડવાની ઘટનાઓ પણ જોવા મળે છે.

    બોટલ ચડાવવાની આડમાં અયોગ્ય રીતે રૂપિયા વસૂલવાની ફરિયાદો સામે આવી રહી છે.

          કાયદેસર કાર્યવાહી શક્ય

          કાયદો આવા ઝોલા છાપ તબીબો સામે કડક છે:

    1. Indian Medical Council Act / NMC Act – માત્ર M.B.B.S. અને રજીસ્ટર્ડ ડોક્ટરોને જ એલોપથી પ્રેક્ટિસનો અધિકાર છે.

    2. Drugs and Cosmetics Act – ગેરકાયદેસર દવા આપનાર સામે ફોજદારી કેસ થઈ શકે છે.

    3. Indian Penal Code (IPC) – બેદરકારીથી મોત કે છેતરપિંડીના કેસમાં 304A અને 420 જેવી કલમો લાગુ થઈ શકે છે.

    4. Consumer Protection Act – દર્દી કે તેમના પરિવારજનોએ થયેલા નુકસાન બદલ સીધી ફરિયાદ કરી શકે છે.

                    ફરિયાદ ક્યાં કરવી?

    ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) – https://www.gmcgujarat.org પર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે.

    National Medical Commission (NMC), ન્યુ દિલ્હી – https://www.nmc.org.in પર રજૂઆત કરી શકાય છે.

    જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO/CMO) – મહેસાણા જિલ્લા આરોગ્ય કાર્યાલયમાં લેખિત અરજી.

    પોલીસ સ્ટેશન – અનધિકૃત પ્રેક્ટિસ ગુનાહિત કૃત્ય હોવાથી FIR નોંધાવી શકાય છે.

    કન્ઝ્યુમર ફોરમ – ખોટી સારવારથી આર્થિક કે શારીરિક નુકસાન થયું હોય તો કેસ કરી શકાય છે.

                નાગરિકોની માંગ

    જિલ્લાના નાગરિકો હવે આવા નકલી તબીબો સામે કડક પગલા લેવાની માંગ ઉઠાવી રહ્યા છે. આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવા માટે આરોગ્ય વિભાગ, પોલીસ અને મેડિકલ કાઉન્સિલને એકસાથે કાર્યવાહી કરવી જરૂરી છે.

    ✦ તારણ

        “ઝોલા છાપ” તબીબોની ગેરકાયદેસર પ્રેક્ટિસ માત્ર કાયદાની વિરુદ્ધ નથી પરંતુ દર્દીઓના જીવ સાથે સીધી રમખાણ છે.

      મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે હવે જાગૃત થઈને કડક કાર્યવાહી કરવી જરૂરી છે જેથી આવનારા સમયમાં કોઈ નિર્દોષ દર્દીનો જીવ આ પ્રકારની ગેરરીતિના કારણે જોખમમાં ન આવે.