રીપોર્ટર : ભાવિક પટેલ (અમદાવાદ)
ઠક્કરબાપા વિસ્તારમાં અંડરબ્રિજના કામમાં વિલંબથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓ મુશ્કેલીમાં
ઇમરજન્સી સેવાઓ સુધી પહોંચવામાં પણ વાહનો અટવાતા હોવાનો આરોપ
રીપોર્ટર : ભાવિક પટેલ (અમદાવાદ)
ઠક્કરબાપા વિસ્તારમાં અંડરબ્રિજના કામમાં વિલંબથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓ મુશ્કેલીમાં
ઇમરજન્સી સેવાઓ સુધી પહોંચવામાં પણ વાહનો અટવાતા હોવાનો આરોપ
કડી શહેરના બાલાપીર દરગાહ કમ્પાઉન્ડમાં ધાર્મિક નફરતને કારણે હિંસક અને જીવલેણ હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. “હિંદુ હોવા છતાં દરગાહમાં કેમ આવ્યો?” જેવી ઉશ્કેરણીજનક વાતો કરી એક યુવક પર ગડદાપાટુ, લાકડી-ધોકા અને છરીથી હુમલો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ સાથે કડી પોલીસ સ્ટેશનમાં કુલ 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફરિયાદી ગજ્જર ધવલભાઇ ભરતભાઇ મફતલાલ (ઉંમર 35, રહે. 31- શિવશક્તિ સોસાયટી, માર્કેટ યાર્ડ પાછળ, તા. કડી, જી. મહેસાણા) મુજબ તેઓ બાલાપીર દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ ઇસ્માઇલભાઇ ઘાંચીની “બાલાપીર ફ્રાય સેન્ટર” નામની દુકાન પાસે ઊભા હતા. તે દરમિયાન બે ટૂ-વ્હીલર પર આવેલા કેટલાક શખ્સોએ તેમને અટકાવ્યા હતા.
ફરિયાદ મુજબ પ્રથમ તબક્કે મુનાફ ઉર્ફે મામા સિપાઇ (રહે. કડી કસાઇવાડો), દિવાન ઇર્શાદ ઉર્ફે ચુહો ફારુકભાઇ (રહે. કડી જુમ્મા મસ્જીદ), કુરેશી અયાન યુનુસભાઇ (રહે. કડી કસ્બા) અને પરમાર ઇમ્તીયાઝ ઉર્ફે હાફીઝ (રહે. કડી અઘારવાડો) એ ફરીયાદીને “બાલાપીર દરગાહ મુસ્લિમની છે, છતાં હિંદુ થઈને કેમ આવ્યો?” કહી ઉશ્કેરણીજનક શબ્દો વાપરી ગડદાપાટુ અને ફેટોથી માર મારવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓ ફરીયાદીને મારતા મારતા દરગાહ કમ્પાઉન્ડના મધ્ય ભાગ તરફ લઈ ગયા હતા. આ દરમિયાન સાક્ષી ઇસ્માઇલભાઇ વચ્ચે પડતા આરોપી દિવાન ઇર્શાદ ઉર્ફે ચુહો દિવાને ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલી છરી કાઢી પેટના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરીયાદી બચવાનો પ્રયાસ કરતાં તેમના જમણા પગની સાથળના પાછળના ભાગે એક તથા સાથળ ઉપર કમર તરફના ભાગે બે છરીના ઘા વાગ્યા હતા.
હુમલા દરમિયાન સાક્ષી અલ્તાફભાઇ દિવાન ફરીયાદીને છોડાવવા વચ્ચે પડતા આરોપીઓ વધુ ઉશ્કેરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં દિવાન ફારૂકભાઇ ઇમામશા (રહે. કડી જુમ્મા મસ્જીદ), ફકીર મહંમદશા રમઝાનશા (રહે. કડી બાલાપીર પાસે), અકીલ મહેબુબશા દિવાન (રહે. કડી સિંધિવાડા), દિવાન ગુલાબશા ઉર્ફે મુન્નો હુસેનશા (રહે. કડી બાલાપીર પાસે) અને ફકીર મહંમદ ઉર્ફે મહંમદ હતીફ (રહે. કડી બાલાપીર પાસે) સહિતના આરોપીઓએ ગેકા મંડળી રચી લાકડી-ધોકા જેવા હથિયારો સાથે ફરીયાદી પર આડેધડ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
જાહેર સ્થળે થયેલા આ હુમલામાં ફરીયાદીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર ફેલાતાં આસપાસના વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાને લઈ કડી પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાહેર સ્થળે ધાર્મિક ઓળખના નામે થયેલી હિંસા સામે કડક પગલાં લેવાય અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ પોલીસ કાર્યવાહી અને ધરપકડ અંગેના આગામી અપડેટ પર સૌની નજર મંડાઈ છે.
નિસર્ગ પટેલ. :– કડી
કડી શહેરમાં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને શહેરના મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આવેલ તીન બત્તી ચોક ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમે સમગ્ર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશપ્રેમ વ્યક્ત કરતી આ ઉજવણી સમાજમાં એકતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહી.
ગણતંત્ર દિવસ નિમિત્તે તીન બત્તી વિસ્તારમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી યોજાઈ હતી. શાળાથી નીકળેલી રેલી દેશભક્તિના નારા સાથે તીન બત્તી ચોક સુધી પહોંચી હતી, જ્યાં ભવ્ય રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, વડીલો અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગવાયું હતું, જેમાં સમગ્ર વિસ્તાર દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયો હતો. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં આ રીતે ગણતંત્ર દિવસની ઉજવણી થવી તે માત્ર કડી શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક સકારાત્મક સંદેશરૂપ બની રહી.
કાર્યક્રમ બાદ મુસ્લિમ ધર્મગુરુ દ્વારા આપવામાં આવેલ સંબોધન ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. તેમણે પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજ દેશનો વફાદાર છે અને દેશ પ્રત્યેની નિષ્ઠા સાબિત કરવા માટે કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. તેમણે જણાવ્યું હતું કે હજારો મુસ્લિમ સમુદાયનું સપનું રાષ્ટ્રવાદી મુસલમાન બનવાનું હોવું જોઈએ.
ધર્મગુરુએ કોમવાદી માનસિકતા ધરાવતા લોકોને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે ભારત દેશ સૌનો છે. અહીં અલગ અલગ ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતા લોકો એક જ છત નીચે શાંતિપૂર્વક રહી રહ્યા છે. દેશને તોડવાની કે સમાજમાં ભેદભાવ ફેલાવવાની કોશિશ કરનારાઓ સામે એકતાથી ઊભા રહેવાની જરૂર છે.
તેમણે પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે દેશની અખંડિતતા અને એકતા જ ભારતની સાચી તાકાત છે અને કોઈપણ ધર્મનો નાગરિક જો દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાય તો તે સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. તેથી દરેક નાગરિકની ફરજ છે કે તે દેશના કાયદા, બંધારણ અને રાષ્ટ્રધ્વજનો સન્માન કરે.
કડીના તીન બત્તી વિસ્તારમાં આયોજિત આ ધ્વજવંદન કાર્યક્રમ માત્ર એક ધાર્મિક સમુદાયની ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ બની રહ્યું. કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે દેશપ્રેમ કોઈ એક ધર્મ કે સમુદાયની મિલ્કત નથી, પરંતુ ભારતના દરેક નાગરિકનું ગૌરવ છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આવા કાર્યક્રમો સમાજમાં વિશ્વાસ, શાંતિ અને ભાઈચારાની ભાવના મજબૂત કરે છે અને આગામી પેઢીને દેશપ્રેમની સાચી દિશા બતાવે છે. તીન બત્તી વિસ્તારમાં યોજાયેલ આ ઉજવણી કોમવાદી વિચારધારાને મજબૂત લોકશાહી અને રાષ્ટ્રીય એકતાથી જવાબ આપતી જોવા મળી.
સમગ્ર કાર્યક્રમમાં કડી કસ્બા પ્રમુખ મહેબૂબ ભાઈ ગોરી,કડી ઘાંચી જમાત ના પ્રમુખ અબ્દુલ ભાઈ દલાલ,ચિશ્તી મંજૂરમિયાં બાવાસાહેબ,ખોખર મેઝુલભાઈ,કડી અમન વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ નિઝામ ભાઈ વ્હોરા,કડી સિપાઈ જમાત ના વડીલો અને કમિટી મેમ્બર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
મહેસાણા જિલ્લાની સામાજિક અને રાજકીય ધરાતળ પર મોટું પાવર સેન્ટર ઊભું થવાની દિશામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. વર્ષ 2011થી સતત સંકલ્પ અને સંઘર્ષ સાથે આગળ વધતી યુવા ક્ષત્રિય સેના હવે “શ્રી ભવાની ધામ”ના નિર્માણ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજને સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ રાજકીય રીતે સંગઠિત પાવરહાઉસ બનાવવાના મિશન પર છે.
આ સંદર્ભે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં યુવા ક્ષત્રિય સેના ના પ્રમુખ અભિજીત સિંહ બારડે જણાવ્યું હતું કે આગામી 18 જાન્યુઆરી, રવિવારથી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામથી અંબાજી સુધી ભવ્ય યાત્રા યોજાશે. આ યાત્રા કોઈ સામાન્ય રેલી નહીં પરંતુ શક્તિ, સંગઠન અને સંકલ્પનું પ્રતિક બનશે, જેમાં 1008 જેટલી ગાડીઓના કાફલા સાથે હજારો કાર્યકરો જોડાશે.
અંબાજી પહોંચ્યા બાદ વિશાળ સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં શ્રી ભવાની ધામના નિર્માણ સંકલ્પને ફરી એક વખત જનસમર્થન સાથે ઘોષિત કરવામાં આવશે. યુવા ક્ષત્રિય સેના દ્વારા પ્રસ્તાવિત શ્રી ભવાની ધામ આશરે 100 વિઘા જમીનમાં નિર્માણ પામશે, અને તે માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કેન્દ્ર પૂરતું સીમિત નહીં રહે પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક પોલિટિકલ પાવર હાઉસ તરીકે ઓળખ મેળવશે એવી દિશામાં આયોજન કરાયું છે.
અભિજીત સિંહ બારડેએ જણાવ્યું હતું કે શ્રી ભવાની ધામ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે
સામાજિક એકતા
યુવાનો માટે શૈક્ષણિક માર્ગદર્શન
આર્થિક સશક્તિકરણ
અને રાજકીય ચેતનાનું કેન્દ્ર
બનશે. સમાજને દિશા આપતું, નેતૃત્વ તૈયાર કરતું અને રાજકીય નિર્ણયો પર અસર પાડે તેવું આ સંકુલ બની રહે તે યુવા ક્ષત્રિય સેના નો સ્પષ્ટ સંકલ્પ છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે શ્રી ભવાની ધામનું નિર્માણ મહેસાણા જિલ્લાની રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. એક સંગઠિત સમાજ, સંસ્થાગત માળખું અને સતત કાર્યક્રમો દ્વારા યુવા ક્ષત્રિય સેના પોતાની હાજરીને માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય સ્તરે પણ મજબૂત બનાવી રહી છે.
આગામી દિવસોમાં યોજાનારી 1008 ગાડીઓની યાત્રા માત્ર યાત્રા નહીં પરંતુ શક્તિ પ્રદર્શન, સંદેશ અને સંકલ્પની ઘોષણા તરીકે જોવામાં આવી રહી છે. હવે સૌની નજર 18 જાન્યુઆરી પર ટકેલી છે, જ્યાંથી મહેસાણાની રાજકીય ધરા પર એક નવી દિશાની શરૂઆત થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સરકારી કચેરીઓ નાગરિકોને સેવા આપવા માટે હોય છે કે પછી લાંચ વસૂલવાના અડ્ડા? વિસનગર તાલુકા સેવા સદનમાં સામે આવેલો તાજો લાંચકાંડ આ પ્રશ્નને ફરી એકવાર જીવંત કરે છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગાંધીનગર એકમે એવી કાર્યવાહી કરી છે, જે ભ્રષ્ટાચાર સામે સિસ્ટમમાં છુપાયેલા “ફાઈલ-દલાલો” માટે લાલ નિશાની સમાન છે.
હોમગાર્ડ યુનિટ વિસનગરના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ હરેશકુમાર મંગળદાસ રાઠોડને ACBએ ₹2,000ની લાંચ લેતા રંગેહાથ પકડી લીધા છે. આ ગુનો તા. 02/01/2026ના રોજ નોંધાયો છે.
હકદાર કામ પણ ‘ભાવ’ જોઈને!
ફરિયાદી કોઈ ગુનેગાર નહીં, પરંતુ એક જાગૃત નાગરિક છે. તેમણે નિયમ મુજબ હોમગાર્ડ યુનિટ વિસનગરમાંથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી માટે અરજી કરી હતી. અરજી મંજૂર થઈ, બદલી પણ થઈ — એટલે કે બધું કાયદેસર.
પરંતુ અહીંથી શરૂ થયો “અંદરખાને” ચાલતો ભ્રષ્ટાચારનો ખેલ. બદલીના ફાઈલના જરૂરી કાગળો આપવા માટે આરોપી અધિકારીએ ફરીયાદી પાસે ₹2,000ની લાંચની સીધી માંગણી કરી. સંદેશ સ્પષ્ટ હતો — લાંચ નહીં, તો ફાઈલ નહીં!
ફાઈલ હવે સરકારી નહીં, ખાનગી મિલકત?
આ ઘટના એ ગંભીર સવાલ ઊભો કરે છે કે, શું સરકારી ફાઈલ કોઈ અધિકારીની ખાનગી મિલકત છે? શું નાગરિકને પોતાના જ હકના દસ્તાવેજો મેળવવા માટે લાંચ આપવી ફરજિયાત બની ગઈ છે? વિસનગર તાલુકા સેવા સદનમાં બેઠેલા આ અધિકારીએ સરકારી સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.
લાંચ નહીં આપી, કાયદાનો સહારો લીધો
ફરિયાદી લાંચ આપવા તૈયાર ન થયા. તેમણે સીધો સંપર્ક કર્યો ACB ગાંધીનગર એકમનો. ફરિયાદ સાચી હોવાનું પ્રાથમિક ચકાસણી બાદ ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું.
છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹2,000ની લાંચ સ્વીકારી, એટલામાં જ ACBની ટીમે કાર્યવાહી કરી. આરોપીને ઓફિસમાં જ પકડી લેવામાં આવ્યા, અને લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી.
લાંચની સંપૂર્ણ વિગતો
લાંચની માંગણી: ₹2,000
લાંચ સ્વીકારેલ: ₹2,000
લાંચ રિકવર: ₹2,000
ગુનાનું સ્થળ
આરોપીની ઓફિસ,
તાલુકા સેવા સદન,
વિસનગર, જી. મહેસાણા
ACBનું ચોક્કસ અને અસરકારક ઓપરેશન
આ ટ્રેપ કાર્યવાહી શ્રી એચ.બી. ચાવડા, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ACB ગાંધીનગર એકમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ઉપર શ્રી એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ACB ગાંધીનગર એકમનું સુપરવિઝન હતું. જ્યારે સમગ્ર એકમની કમાન શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, ACB અમદાવાદ પાસે હતી.
ભ્રષ્ટાચારીઓને કડક ચેતવણી
આ કાર્યવાહી માત્ર એક અધિકારી સામેની કાર્યવાહી નથી, પરંતુ સરકારી કચેરીઓમાં બેઠેલા દરેક લાંચિયા માટે કડક સંદેશ છે. “નાનું કામ, નાની લાંચ” જેવી માનસિકતા હવે ACBના રડારમાં છે.
એક જાગૃત નાગરિકની હિંમત અને ACBની ત્વરિત કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે, જો નાગરિક બોલે — તો ભ્રષ્ટાચાર ડગે.
ચાલુ ગાડીમાં ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં ગોળી – PSI પર જીવલેણ હુમલા બાદ જવાબી કાર્યવાહી
ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પ્રોહીબીશન માફિયા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો અને ₹25,000ના રોકડ ઇનામ વાળો ફરાર કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવતા જવાબમાં SMC દ્વારા તેના પગમાં ગોળી મારવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
આસામના દિસપુરથી ધરપકડ, ગુજરાત સુધી ટ્રાન્ઝિટ દરમિયાન ઘટના
પોલીસ સૂત્રો મુજબ, અશોક બિશ્નોઈ ગુજસીટોક એક્ટ અને પ્રોહીબીશન સહિતના 27થી વધુ ગંભીર ગુનાઓમાં વાંછિત હતો. ગુજરાતભરમાં પ્રોહીબીશન નેટવર્કનો મુખ્ય સુત્રધાર ગણાતો આ આરોપી પોતાની ઓળખ બદલીને આસામના ગુહાટી જિલ્લાના દિસપુર વિસ્તારમાં પેલેસિયો હોટલમાં રહેતો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી ચોક્કસ માહિતીના આધારે પીએસઆઈ કે.ડી. રવિયા અને પીએસઆઇ વી.એન.જાડેજા ની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોલીસ તપાસમાં સહયોગ ન આપતો હોવાથી SMC PI આર.જી. ખાંટની ટીમને સહયોગ માટે મોકલવામાં આવી હતી. આરોપીને ત્યાંથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ નજીક ગંભીર બનાવ બન્યો.
ચાલુ ગાડીમાં PSI કે.ડી.રવિયા પર જીવલેણ હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્ઝિટ દરમિયાન આરોપી અશોક બિશ્નોઈએ અચાનક ચાલુ ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ડ્રાઇવરના સીટ બેલ્ટનો ઉપયોગ કરી ગાડી ચલાવી રહેલા પોલીસ અધિકારી PSI કે.ડી. રવિયા ને ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ અધિકારીનું જીવન જોખમમાં મુકાયું હતું.
પરિસ્થિતિ ગંભીર બનતા અને આત્મરક્ષા જરૂરી બનતાં PI આર.જી. ખાંટ દ્વારા આરોપીના પગમાં ગોળી મારવામાં આવી, જેથી આરોપી નિષ્ક્રિય થયો અને વધુ નુકસાન ટળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આરોપી ઘાયલ, Zydus હોસ્પિટલમાં સારવાર
ફાયરિંગ બાદ અશોક બિશ્નોઈ ઘાયલ હાલતમાં જમીન પર પડી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે દાહોદની Zydus હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આરોપીની હાલત સ્થિર છે.
આ ઘટનામાં PSI કે.ડી. રવિયા સહિત કોઈપણ પોલીસ કર્મચારીને ઇજા પહોંચી નથી અને તમામ પોલીસ અધિકારીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
એન્કાઉન્ટર જેવી સ્થિતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા
દાહોદ નજીક સર્જાયેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તેને કાયદેસર આત્મરક્ષાની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે, પરંતુ ઘટનાની પરિસ્થિતિને કારણે તેને એન્કાઉન્ટર જેવી સ્થિતિ તરીકે પણ જોવામાં આવી રહી છે.
પ્રોહીબીશન નેટવર્ક પર મોટો પ્રહાર
અશોક બિશ્નોઈની ધરપકડને રાજ્યમાં સક્રિય પ્રોહીબીશન નેટવર્ક સામે મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રો જણાવે છે કે આરોપીની પૂછપરછ બાદ તેના સંપર્કમાં રહેલા અન્ય બુટલેગરો, સપ્લાય ચેન, નાણાકીય લેવડદેવડ અને આંતરરાજ્ય કડી અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે આ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં પ્રોહીબીશન માફિયા સામે વધુ કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસની કાર્યવાહી સામે જનદૃષ્ટિ
એક તરફ આ ઘટના પોલીસની સજાગતા અને ઝડપી કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ બળપ્રયોગની મર્યાદા અને પારદર્શિતા અંગે ચર્ચા પણ જગાવી છે. હવે સૌની નજર એ પર છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કેવી રીતે આગળ વધે છે અને પ્રોહીબીશન નેટવર્ક સામે કેટલી મોટી કાર્યવાહી થાય છે.
રિપોર્ટ : મેહુલ પટેલ અંકલેશ્વર, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામો સામે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ચુકાદા અને રાજ્ય સરકારના આદેશના અમલીકરણ અંતર્ગત અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક દબાણોને દૂર કરવા નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.
આ કાર્યવાહી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ચાર ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં બે મંદિર, એક મસ્જિદ અને એક દરગાહનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગત તારીખ 7 જુલાઈ 2025ના રોજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ તબક્કે આ ધાર્મિક બાંધકામોને સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
નગરપાલિકાએ પ્રથમ નોટિસમાં 10 દિવસની સમયમર્યાદા આપી હતી, પરંતુ ચાર મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ આ ધાર્મિક દબાણો દૂર ન થતા હવે તંત્ર દ્વારા પુનઃ કડક નોટિસ આપવામાં આવી છે. નવી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો 7 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા બળપૂર્વક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ ચૌટા નાકા વિસ્તારમાં આવેલ એકનાથલીંગ મહાદેવ મંદિર તેમજ જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી બે દરગાહ અને એક મંદિર રોડ માર્જિનમાં આવતા હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું. આ ધાર્મિક બાંધકામોના કારણે ટ્રાફિક સમસ્યા, જાહેર સલામતી અને માર્ગ વિકાસમાં અડચણ ઊભી થતી હોવાની રજૂઆતો અગાઉથી કરવામાં આવી રહી હતી.
નગરપાલિકાના સૂત્રો અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ જાહેર માર્ગ, હાઇવે કે રોડ માર્જિન પર નવા કે જૂના ધાર્મિક દબાણો રાખવા ગેરકાયદેસર છે અને આવા બાંધકામોને તબક્કાવાર દૂર કરવાની ફરજ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પર છે. આ જ અનુક્રમે અંકલેશ્વર નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવાયું છે.
હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની છે. આગામી 7 દિવસ દરમિયાન ધાર્મિક સ્થળોના સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર કરવામાં આવશે કે નહીં તેના પર તમામની નજર ટકેલી છે. જો સમયમર્યાદા બાદ પણ કાર્યવાહી નહીં થાય તો અંકલેશ્વરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગર: ગુજરાતની રાજનીતિમાં આજે સૌથી મોટી હલચલ જોવા મળી છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનમાં જડમૂળથી ફેરફારો કરી દીધા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આજે (27 ડિસેમ્બર, 2025) પ્રદેશ સંગઠનની નવી અને જમ્બો ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
શું છે નવી ટીમની ખાસિયત? પાર્ટીએ આ વખતે અનુભવ અને યુવા શક્તિનું જબરદસ્ત સંતુલન સાધ્યું છે:
પ્રદેશ ઉપાધ્યક્ષ: પક્ષના વરિષ્ઠ અને અનુભવી નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ પોતાના અનુભવથી પક્ષને માર્ગદર્શન આપશે.
મહામંત્રી અને મંત્રી: સંગઠનને વધુ મજબૂત અને સર્વસમાવેશી બનાવવા માટે તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી સંતુલિત ટીમ બનાવવામાં આવી છે.
નવા કોષાધ્યક્ષની પણ નિમણૂક કરી દેવામાં આવી છે.
તમામ મોરચાના નવા સેનાપતિ જાહેર: માત્ર મુખ્ય સંગઠન જ નહીં, પણ ભાજપે પોતાના તમામ મોરચાઓમાં પણ નવો પ્રાણ ફૂંક્યો છે. નીચે મુજબના તમામ મોરચાના પ્રદેશ પ્રમુખોની જાહેરાત થઈ ગઈ છે:
કિસાન મોરચા
યુવા મોરચા
મહિલા મોરચા
એસસી (SC), એસટી (ST), ઓબીસી (OBC) અને અલ્પસંખ્યક મોરચા
તાત્કાલિક અસરથી આદેશ: ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, આ માત્ર હોદ્દાઓ નથી પણ ચૂંટણી જીતવા માટેની જવાબદારી છે. પાર્ટી દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ‘તાત્કાલિક અસરથી’ પોતાનો ચાર્જ સંભાળી લેવા અને સંગઠનને મજબૂત કરવાના કામે લાગી જવા કડક સૂચના આપવામાં આવી છે.
નવી ટીમની જાહેરાત સાથે જ ભાજપે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે ગુજરાતમાં હવે સંગઠનાત્મક ગતિ તેજ થશે અને આગામી ચૂંટણી માટે પક્ષ હવે આક્રમક મૂડમાં છે.
વધુ સમાચારો માટે ફોલો કરો: SAMACHAR DIARY 24X7
રિપોર્ટ: ભાવિક પટેલ.અમદાવાદ
અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કડીમાં સરખેજ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સરખેજ–ઇસ્કોન–આંબલી બોપલ રોડ પર આવેલી મહિન્દ્રા પરમ ઓટો મોબાઇલની બાજુમાં માટી અને સુકડીના ઢગલા પાછળ પાર્ક કરેલી એક કારમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 02 કિલો 763 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,38,150/- જેટલી થાય છે.
આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના ડબ્બા, રોકડ રકમ સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 2,18,360/- હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં પ્રથમ નામ ગૌરવ ઉર્ફે મોનુ હસમુખલાલ ઠક્કર (ઉંમર 28) છે, જે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બીજો આરોપી લાવેશ પુષ્કરસિંહ જાડેજા (ઉંમર 22) છે, જે મૂળ અમરેલી જિલ્લાના વિજયનગર તાલુકાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વિના ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા.
આ કેસમાં ત્રીજો આરોપી હિતેશ રાજપૂત ફરાર હોવાનું પોલીસએ જણાવ્યું છે, જે ઉંઝા તાલુકો, મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક ચલાવતી હતી અને આ હેરાફેરી પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય નહીં.
આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલમ 8(સી), 20(બી) અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવાં ઓપરેશનો ભવિષ્યમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.