Tag: #કડી #મહેસાણા #રસ્તાઓ #બમ્પ #નગરપાલિકા #નાગરિકઆક્રોશ #GujaratNews #Infrastructure #RoadSafety #PublicVoice #BreakingNews #CivicIssues #KadiCity #DustProblem #LocalNews

  • કડી પાલિકા નો વહીવટ ખાડે ગયો – કડી શહેરમાં તૂટેલા રસ્તા અને અયોગ્ય બમ્પ થી નાગરિકો પરેશાન

       મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રસ્તાઓની ખરાબ હાલત, ધૂળની ડમરીઓ અને અયોગ્ય રીતે બનાવાયેલા બમ્પ ને કારણે નાગરિકોનો સંતોષ હવે આક્રોશમાં ફેરવાયો છે. શહેરના કલ્યાણપુર રોડ સહિતના વિસ્તારોમાં તૂટેલા માર્ગો, ભારે વાહનોની અવરજવર અને ધૂળ ઉડતી સ્થિતિએ રહીશો તથા શાળાના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે.

     તૂટેલા રસ્તાઓ – નાગરિકોને મુશ્કેલી 

        કડી શહેરમાં અનેક સ્થળોએ રસ્તાઓ તૂટેલા અને ખાડાઓ થી ભરેલા છે. વહેલી સવારે તથા સાંજે વાહનચાલકોને ખાડા અને ધૂળ વચ્ચે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. શાળાઓની આસપાસ ધૂળ ઉડતી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.

     ઊંચા બમ્પ બની રહ્યા છે જોખમ

       નાગરિકોની વધુ મોટી મુશ્કેલી છે અયોગ્ય રીતે બનાવાયેલા ગતિ અવરોધક બમ્પ. તાજેતરમાં બનાવાયેલા કેટલાક રોડ પર ઠેર ઠેર બમ્પ તો બનાવાયા છે, પરંતુ તેઓ સ્ટાન્ડર્ડ મુજબના નથી.બમ્પ એટલા ઊંચા બનાવાયા છે કે નાના વાહનો પટકાય છે અને ઘણીવાર વાહનને નુકસાન થાય છે.

     બમ્પ માટેના સ્ટાન્ડર્ડ માપ – જાણો શું કહે છે નિયમ 

        ભારતીય માર્ગ માપદંડો અનુસાર 

    (IRC:99–2018):

    ઊંચાઈ: 10 સે.મી. (અથવા 4 ઈંચથી વધુ નહીં)

    પહોળાઈ: 3.7 મીટર

    લંબાઈ: 3 થી 4 મીટર સુધી હળવો ઢાળ હોવો જોઈએ

    સ્થાન: શાળા, હોસ્પિટલ, રહેણાંક વિસ્તાર પાસે જ બનાવવામાં આવે

    ચેતવણી: 40 મીટર પહેલાં રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ અને પેઇન્ટેડ માર્કિંગ ફરજિયાત

    પરંતુ કડીમાં આ ધોરણોનો પાલન ન થવાથી બમ્પ લોકો માટે જોખમરૂપ બની ગયા છે.

     કોન્ટ્રાક્ટર અને પાલિકા એન્જિનિયરોની બેદરકારી?

     સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો ને બમ્પ ના ધોરણોની જાણ નથી અને પાલિકાના એન્જિનિયરો દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી નથી.

    શહેરમાં અનેક જગ્યાએ બમ્પ એવા ઊંચા બન્યા છે કે વાહનચાલકોને રોજિંદી મુસાફરીમાં મુશ્કેલી પડે છે.

    રોડ પર ચાલવું હવે દુઃખદાયક બની ગયું છે. પાલિકા રોડ બનાવે છે પણ દેખરેખ રાખતી નથી,” – એક સ્થાનિક રહીશ નું નિવેદન.

     નાગરિકોમાં ચર્ચા – “પાલિકા નો વહીવટ ખાડે ગયો”

     આ પરિસ્થિતિને પગલે નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે કે કડી પાલિકાનો વહીવટ ખાડે ગયો છે. પાલિકા પાસે આયોજન અને દેખરેખ નો અભાવ છે, જેના કારણે શહેરના માર્ગો ખરાબ હાલતમાં પહોંચી ગયા છે.

    જાગૃત નાગરિકો પાલિકાને તાત્કાલિક ધોરણ મુજબના બમ્પો સમતલ કરવા, તૂટેલા રોડનું સમારકામ કરવા અને દેખરેખની જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

     આવનારી ચૂંટણીમાં અસર શક્ય

       સ્થાનિક લોકોમાં માન્યતા છે કે આ મુદ્દાનો સીધો પ્રભાવ આવનારી પાલિકા તેમજ પંચાયત ચૂંટણીમાં જોવા મળી શકે છે.નાગરિકો આશા રાખે છે કે આવનારા સમયમાં કડી શહેરને યોગ્ય માર્ગવ્યવસ્થા અને ધોરણસર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.