Skip to content
Tag: #Ahmedabad #RathYatra2026 #JagannathRathYatra #JagannathTemple #GujaratNews #AhmedabadPolice #SamacharDiary #SamacharDiary24x7
-
149મી જગન્નાથ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ પૂર્ણ
અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અને દેશભરમાં પુરી બાદ સૌથી વધુ આતુરતાથી જોવાતી ભગવાન જગન્નાથજીની 149મી પરંપરાગત રથયાત્રા માટે મંદિર પ્રશાસને ત્રિ-દિવસીય કાર્યક્રમ જાહેર કર્યો છે. 14 જુલાઈથી ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે 16 જુલાઈ, ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી ભવ્ય નગરયાત્રા માટે પ્રસ્થાન કરશે.
નેત્રોત્સવ અને ધ્વજારોહણથી શરૂઆત
પ્રથમ દિવસે વહેલી સવારે ગર્ભગૃહમાં ત્રણેય મૂર્તિઓની રત્નવેદી પર શાસ્ત્રોક્ત પ્રતિષ્ઠા બાદ નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ધ્વજારોહણ બાદ મંદિરના કપાટ ખુલતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહાઆરતીમાં હાજરી આપી હતી અને બાદમાં દેશભરના સાધુ-સંતો માટે ભંડારા તથા વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો હતો.
15 જુલાઈએ સોનાવેશ અને રથ પ્રતિષ્ઠા
રથયાત્રાની પૂર્વસંધ્યાએ 15 જુલાઈએ સવારે 10:30 વાગ્યે ભગવાનનો ભવ્ય સોનાવેશ કરવામાં આવશે. સાથે ગજરાજોની વિશેષ પૂજા યોજાશે. સવારે 11:30 વાગ્યે ત્રણેય રથોની પ્રતિષ્ઠા થશે, જ્યારે બપોરે રથપૂજન અને રાત્રે વિશેષ પૂજા તથા સંધ્યા આરતી યોજાશે.
16 જુલાઈએ સવારે 4 વાગ્યેથી ધાર્મિક કાર્યક્રમો
રથયાત્રાના દિવસે સવારે 4 વાગ્યે મંગળા આરતીથી કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ ખીચડી ભોગ, રથમાં શાહી પ્રવેશ અને સવારે 7 વાગ્યે પહિંદ વિધિ બાદ ઐતિહાસિક 149મી રથયાત્રા નગરચર્યાએ નીકળશે.
સુરક્ષા માટે 30 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ સમાજના લોકોના સહયોગથી યાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે.
-
30 હજારથી વધુ પોલીસકર્મીઓ
-
100થી વધુ ડ્રોન દ્વારા સર્વેલન્સ
-
65 હજારથી વધુ ફેસ રેકગ્નિશન ડેટાબેઝ
-
AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ
તૈનાત રહેશે. ઉપરાંત મિલિટરી અને પેરામિલિટરી દળ પણ સુરક્ષામાં જોડાશે.
નાગરિકોને ખાસ અપીલ
પ્રશાસને નાગરિકોને ભયજનક અને જર્જરિત ઇમારતોની નજીક ઊભા ન રહેવા અપીલ કરી છે. ગજરાજ પસાર થાય ત્યાં સુધી ડીજે ન વગાડવા પણ સૂચના આપવામાં આવી છે.
મેડિકલ ઈમરજન્સી માટે વિશેષ વ્યવસ્થા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પર 7 મેડિકલ વાન તૈનાત કરાઈ છે. ઉપરાંત 11 જેટલી 108 એમ્બ્યુલન્સ, શારદાબેન, એલ.જી. અને SVP હોસ્પિટલ સહિત તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.