Tag: #BharuchNews #SchoolGuidelines #EducationDepartment #WinterRules #StudentRights #NoUniformSweater #ParentRelief #GujaratNews #BreakingNews #MehulPatelReports

  • શાળાઓની મનમાની પર અંકુશ: ભરૂચ શિક્ષણ વિભાગનો કડક પરિપત્ર — વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના સ્વેટર પહેરી શકશે

    અહેવાલ : મેહુલ પટેલ, ભરૂચ

    શિયાળાનું મોસમ શરૂ થતા જ રાજ્યભરના શાળાઓમાં ગરમ કપડાંને લઈને મનમાનીના બનાવો સામે આવતાં રહે છે. કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ કલરના સ્વેટર ખરીદવા માટે વાલીઓ પર દબાણ કરાતું હોવાના પગલે વાલીઓ પર આર્થિક ભારણ વધી જતું હતું. આ સંજોગોમાં ભરૂચ જિલ્લાના શિક્ષણ વિભાગે આગળ આવીને દરેક શાળાને સત્તાવાર પરિપત્ર મોકલી કડક સૂચનાઓ જારી કરી છે.

    પરિપત્ર મુજબ કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના, ચોક્કસ ડિઝાઇનના અથવા ચોક્કસ દુકાનમાંથી ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડી શકશે નહીં.શિયાળાની ઋતુમાં બાળકો જે કોઈ પણ રંગ કે પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળામાં આવે, તેને શાળાએ માન્ય માનવાનું રહેશે.

    શિક્ષણ વિભાગનો દૃઢ અભિપ્રાય છે કે,

    “બાળકોના આરોગ્ય અને સુરક્ષા સર્વોપરી છે. મનમાની ફરમાવતી શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.”

    વાલીઓ પર દબાણના અનેક બનાવો બાદ સક્રિયતા

    ગત વર્ષે અનેક શાળાઓમાં વાલીઓ સામે આર્થિક દબાણનાં કેસો ચર્ચામાં આવ્યા હતા.કેટલીક શાળાઓએ પોતાના નક્કી કરેલા વેન્ડર પાસેથી સ્વેટર અને ગરમ કપડાં ખરીદવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે વાલીઓને બજારના ભાવ કરતાં વધારે પૈસા ચૂકવવા પડતા હતા.

    વાલીઓની ફરીયાદ બાદ વિભાગે આ વર્ષે અગાઉથી જ સાવચેતીરૂપ પગલાં લીધા છે. પરિપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે,

    શાળાઓ કોઈપણ જાતનું વસ્ત્ર દબાણ નાખી શકશે નહીં ગરમ કપડાં સંપૂર્ણપણે વિદ્યાર્થી અને વાલીની પસંદગી પર નિયમોનું ઉલ્લંઘન કરનાર સંચાલકો પર કાર્યવાહી થશે

    આર્થિક ભારણથી મુક્તિ — વાલીઓએ લીધો હાશકારો

    ભરૂચના અનેક વાલીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે,“ખાનગી શાળાઓ રંગ અને ડિઝાઇનના નામે વધારે ખર્ચાળ સ્વેટર અનિવાર્ય કરતી હતી. હવે આર્થિક બોજ ઓછો થશે અને બાળકોને પણ તેમને અનુકૂળ કપડાં પહેરવાની છૂટ મળશે.”

    શાળાઓ માટે ચેતવણી: નિયમનું કાયમી પાલન ફરજિયાત

    પરિપત્રમાં વિભાગે આ સૂચનાનું સ્થાયી પાલન કરવા તાકીદ કરી છે. શિયાળાની ઋતુના પ્રારંભે જ આ સૂચના જાહેર થતા શાળાઓમાં પારદર્શિતા અને વાલીઓ સાથેના તણાવમાં ઘટાડો થવાની આશા છે.