Tag: #diwali

  • કડીમાં ગેરકાયદેસર ફટાકડાની દુકાન ખોલનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

    કડી માં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ ખોલનાર ની ખેર નથી

           કડી શહેર અને આસપાસ ના વિસ્તારોમાં દિવાળી તહેવાર ટાણે ફટાકડાની હાટડીઓ બિલાડીના ટોપ ની જેમ ખુલી જતી હોય છે. બે પાંચ પૈસા કમાવવાની લ્હાય માં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે.મોટા ભાગની હાટડીઓ સુરક્ષા નિયમોનું પાલન કર્યા વિના જ ચલાવવામાં આવતી હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી છે જેના પગલે આ વખતે સરકારે કડક વલણ અપનાવ્યું છે.વારંવાર થતી આગની ઘટનાઓના કારણે સરકાર તથા સ્થાનિક તંત્ર સાતેક થઈ ગયા છે .ગત વર્ષ બનાસકાંઠા ના ડીસા ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં 21 જેટલા મજૂરોના મોત થયા હતા અને સરકાર ની કામગીરી ઉપર આક્ષેપ થયા હતા.આ દુર્ઘટના પછી સરકારે ખાસ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) જાહેર કરી હતી જેમાં સુરક્ષા તથા આગ નિયંત્રણ ના નિયમો ફરજિયાત કરવામાં આવ્યા હતા.

    SOPના નિયમોનું કડક પાલન ફરજિયાત

       સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે SOP મુજબના નિયમોનું પાલન કર્યા વિના કોઈપણ વેપારીને હંગામી ફટાકડાના સ્ટોલ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં. ખાસ કરીને આગ બુઝાવવાના સાધનો, પૂરતી અંતરવ્યવસ્થા, સલામતીના ઉપાયો તથા મંજૂરીયુક્ત સંગ્રહ જગ્યા હોવી ફરજિયાત ગણાશે.

    કડીમાં ગેરકાયદેસર સ્ટોલ અને ગોડાઉન

        કડીમાં દર વર્ષે દિવાળી નજીક આવતા જ ફટાકડાની દુકાનો સુરક્ષા નિયમોને અવગણીને ચાલવા લાગે છે. ગત વર્ષે કડી પોલીસે એક ગેરકાયદેસર ગોડાઉનમાંથી મોટા પાયે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વર્ષે આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે પોલીસ, નગરપાલિકા તથા જિલ્લા પ્રશાસન સક્રિય બની ગયું છે.

    મંજૂરી વિના દુકાન લગાવનાર વિરુદ્ધ કડક કામગીરી

          પ્રશાસન તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે “પૂર્વ મંજૂરી વિના ફટાકડાનો સંગ્રહ કરનાર અથવા ગેરકાયદેસર રીતે સ્ટોલ ચલાવનાર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. લોકોની સલામતી સાથે સમજૂતી નહીં કરવામાં આવે.”

    સ્થાનિકોમાં ઉગ્ર રોષ

        તંત્રની આ કાર્યવાહીથી કડીમાં ગેરકાયદેસર દુકાન લગાવનાર વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક નાગરિકો સરકારના નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે સુરક્ષાના અભાવે થતા આગના બનાવોમાં માનવીય જાનહાનિ અટકાવવા માટે આ પગલું અત્યંત જરૂરી છે. લોકોમાં આવા પૈસા પાછળ દોડતા વેપારીઓ સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

    ફટાકડાની દુકાનો માટે ફરજિયાત સલામતી નિયમો

    1. આગ બુઝાવવાના સાધનો (Fire Extinguisher) હોવા જોઈએ

    2. દુકાનો વચ્ચે પૂરતું અંતર રાખવું ફરજિયાત

    3.વીજ વાયરિંગ યોગ્ય રીતે ફીટ કરેલું હોવું જોઈએ

    4. ફટાકડાનો જથ્થો મંજૂરીયુક્ત મર્યાદા કરતાં વધારે ન હોવો જોઈએ

    5.સ્ટોલમાં ખુલ્લી અગ્નિ (દીવો, સિગારેટ, સ્ટોવ) સંપૂર્ણ પ્રતિબંધિત

    6.સ્ટાફને પ્રાથમિક અગ્નિશામક તાલીમ આપવી જરૂરી

    7. દુકાનદાર પાસે જરૂરી લાયસન્સ તથા દસ્તાવેજો હોવા ફરજિયાત