ગુજરાતમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધશે. ત્યારબાદના બે-ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 2 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વરસાદ પર જોવા મળી શકે છે.
33 તાલુકામાં વરસાદની નોંધ
આજે સવારે 6થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજમાં 2.36 ઈંચ નોંધાયો, જ્યારે રાજકોટ જિલ્લાના જસદણમાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
સુરતમાં વરસાદે સર્જી મુશ્કેલી
સુરતમાં લાંબા વિરામ બાદ ચોમાસાની સત્તાવાર શરૂઆત સાથે જ ભારે વરસાદ વરસ્યો હતો. શરૂઆતના વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ, સોસાયટીઓ અને ગરનાળાઓમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
400 મીટરનો રોડ ધસી પડ્યો
મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં તૈયાર કરાયેલ અંદાજે 400 મીટરનો રોડ ધસી પડતાં મોટો ભૂવો સર્જાયો હતો. આ દરમિયાન એક કાર તેમાં ફસાઈ ગઈ હતી. બાદમાં સમારકામ માટે પહોંચેલી પાલિકાની ટ્રક પણ ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી.
જળબંબાકારથી ટ્રાફિક ખોરવાયો
કતારગામ, ઉધના, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા, જેના કારણે નોકરીયાતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પાણી ભરાયા
ભારે વરસાદ અને પાણીના બેકફ્લોના કારણે કેટલાક શૈક્ષણિક કેમ્પસોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વિદ્યાર્થીઓ અને સ્ટાફને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા
હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.