Tag: #MahiSagar #Lunawada #RoadSafety #GujaratNews #RMPDepartment #GramyaVikas #RoadCleaningDrive #PublicSafety #NewsUpdate

  • મહીસાગર: ગ્રામ્ય રસ્તાઓ પર જંગલી વનસ્પતિઓની સાફ–સફાઈ શરૂ, વાહનચાલકોને મળી રાહત

    રિપોર્ટર: દિલીપભાઈ બારીઆ, મહીસાગર

    મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે અંતે ગ્રામ્ય રસ્તાઓ પર ઉગેલા જંગલી ઝાડ–ઝાંખરા અને વનસ્પતિઓને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી લુણાવાડા તાલુકાના વરધરી, ઢેસિયા, ભલાડા સહિતના વિસ્તારોમાં રસ્તાઓની બાજુએ ઊગી આવેલા ઝાંખરાઓને કારણે વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી હતી.

    આ જંગલી વનસ્પતિઓ રસ્તા પર વળાંક સમયે દૃશ્યાવલિ ઢાંકી દેતી હોવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી. ઘણા સ્થળોએ તો બે વાહનો ક્રોસિંગ સમયે “તું તુ મેં મે” જેવી પરિસ્થિતિ સર્જાતી હતી.

    પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈ ઝાડી–ઝાંખરા કટિંગ અને સાફ–સફાઈની કામગીરી હાથ ધરી છે. હાલમાં અનેક સ્થળોએ મશીનરીની મદદથી ઘાસ–ઝાંખરા દૂર કરવામાં આવી રહ્યાં છે, જેના કારણે વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે.

    સ્થાનિક રહેવાસીઓ અનુસાર, ઘણા સમયથી આ રસ્તાઓ જોખમી બની ગયા હતા. હવે સાફ–સફાઈ શરૂ થતાં આવનજાવન સરળ બનશે અને અકસ્માતના જોખમમાં ઘટાડો થશે એવી આશા છે.