Tag: #mehsana

  • યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રી દરમિયાન ગેસ ના બાટલા માટે લોકોની લાંબી કતારો

    બહુચરાજી : 

    ગેસ ની બોટલ મેળવવા લાગેલી કતાર

     

     યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રીના પાવન તહેવાર દરમ્યાન રાંધણ ગેસ માટે હાહાકાર સર્જાયો છે. HP ગેસ ની ઓફિસ આગળ મહિલાઓ તથા પુરુષોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. રસોઈ માટે રાંધણ ગેસ જરૂરી હોવાને કારણે લોકો વહેલી સવારથી જ ઓફિસ ખુલે તે પહેલાં લાઇનમાં ઊભા રહી ગયા હતા.

    એજન્સી તરફથી કોઈ ખાસ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોમાં અકળામણ ફેલાઈ હતી. મહિલાઓ સહિત વરિષ્ઠ નાગરિકોએ પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને સિલિન્ડર મેળવવાનો વારો આવવાની રાહ જોવી પડી.

    લોકોએ જણાવ્યું કે દર વર્ષે તહેવારોમાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે છતાંય ગેસ એજન્સી તરફથી કોઈ યોગ્ય આયોજન કરવામાં આવતું નથી. નવરાત્રી દરમ્યાન લોકોની સંખ્યા વધે છે ત્યારે પૂરતા પ્રમાણમાં ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જરૂરી હોવા છતાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

  • મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું


    મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    તા.૨૯/૮/૨૦૨૫ થી તા.૦૭/૯/૨૦૨૫ દરમ્યાન અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો યોજાનાર છે. આ મેળામાં અંબાજી પગપાળા જવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ તથા સંઘો મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે. સૌથી વધારે યાત્રીકોનો ધસારો મહેસાણા જીલ્લાની હદમાંથી વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગ ઉપર રહેતો હોય છે.

     

    આ સમય દરમ્યાન મોટા કોર્મશીયલ વ્હીકલો જેવા કે ટ્રક, ડમ્પર, લકઝરી બસ, આઈસર જેવા ભારે વાહક તથા પેસેન્જર વાહનોની અવર જવરથી અકસ્માત થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. જેથી પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ તેઓના જાનમાલની સાચવણી થઈ શકે તેમજ કાયદો-વ્યવસ્થા તથા સુખાકારી સગવડો જળવાઈ રહે તે માટે તા.૨૯/૮/૨૦૨૫ થી તા.૦૭/૯/૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધી નીચેના રૂટ ઉપર ભારે વાહનોને (કોર્મશીયલ વાહનો) ડાયવર્ટ કરતું મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જશવંત કે.જેગોડા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

     

    આ જાહેરનામા મુજબ (૧) ગાંધીનગર થી વિસનગર તરફ આવતા વાહનોને ડાભલા ચાર રસ્તાથી મહેસાણા રામપુરા ચોકડી થઇ પાલાવાસણા ચોકડી થઇ ભાન્ડુ-વાલમ તરફ જવું, (૨) વિજાપુરથી વિસનગર તરફ આવતા ભારે વાહનો વલાસણા, વડનગર તરફ જવુ, (3) ઉંઝા તરફ થી વિસનગર તરફ આવતા ભારે વાહનોને ભાન્ડ્રુ હાઇવેથી મહેસાણા તરફ જવું, (૪) વડનગર, ખેરાલુ તરફથી વિસનગર આવતા ભારે વાહનોને વડનગરથી ઉંઝા થઇ મહેસાણા તરફ જવું, (૫) મહેસાણા થી વિસનગર તરફ જતા-આવતા ભારે વાહનોને મહેસાણા થી પાલાવાસણા સર્કલ થઈ મહેસાણા બાયપાસ ભાન્ડુ-વાલમ રોડ થઈ વિસનગર તરફ જવું, (૬) વિસનગર, વડનગર તરફથી ખેરાલુ આવતા ભારે વાહનો સિધ્ધપુર ચોકડી(ખેરાલુ) થી સિદ્ઘપુર ખળી ચાર રસ્તા તરફ જવું, (૭) અંબાજી તરફથી આવતા ભારે વાહનો કોઠાસણા ચોકડીથી સુદાસણા, ડાવોલ, ડભાઠ, વૃંદાવન ચાર રસ્તા સિધ્ધપુર ખળી ચાર રસ્તા તરફ જવું, (૮) ખેરાલુના ડભોડા ચાર રસ્તાથી વરેઠા, જસપુર, રીછડા, ભાટવાસ, ભાલુસણા (બાયપાસ), કોઠાસણા ગામ થઈ કોઠાસણા ચાર રસ્તા તરફ જવું, (૯) ઉંઝા-મહેસાણા-પાટણ તરફ થી સીવાલા સર્કલ થઈ પાલાવાસણા તથા ઉંઝા ફતેપુરા સર્કલ, રાદનપુર સર્કલ, પાલાવાસણા, રામપુરા થઇ ગોઝારીયા, ગાંધીનગર તરફ જતા ભારે વાહનો નંદાસણ હાઇવે તરફ જવું.

     

    આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

     

    આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ ઠેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

  • નંદાસણ નવાપુરા ગામમાં રોડ મુદ્દે બે પક્ષો ના સામસામે આક્ષેપ :– સરપંચ ના પક્ષે આવ્યા ગ્રામજનો

    ગ્રામ સભામાં વિવાદ થતા મામલો બિચક્યો હતો

         મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ નવાપુરા ગામમાં ગ્રામસભામાં મામલો બિચકતા ગામના બે પક્ષો સામસામે આવી ગયા છે.મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાયા હતી જેમાં ફરિયાદી પક્ષે સરપંચ વિરુદ્ધ આક્ષેપ કરતા ગામના અન્ય લોકો સરપંચ ની તરફેણ માં આવ્યા હતા અને સામે વાળા વિકાસ ના કામ માં રોડા નાખી ખોટા આક્ષેપ કરી ગામનું વાતાવરણ તંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

    15 મી ઓગસ્ટ ના રોજ કડી તાલુકાના નંદાસણ નજીક આવેલા નવાપુરા ગામમાં ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વિકાસ ના કામની ચર્ચા કરવામાં આવનાર હતી પરંતુ કેટલાક લોકોએ ગામનો જે મુખ્ય રસ્તો છે વિકાસ પથ બનાવવા અંગે હોબાળો મચાવતા મામલો બિચક્યો હતો અને ગામમાં જાહેરમાં માથાકૂટ ના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો પરંતુ સાંજના સમયે સરપંચ પક્ષ ના લોકોએ અન્ય પક્ષ ના યુવકને માર માર્યો હોવાની ફરિયાદ કરવા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને નંદાસણ પોલીસ ની નબળી કામગીરી ના આક્ષેપ કરી પોલીસ વિરુદ્ધ છાજિયા લેતા મામલો ગરમાયો હતો જે મુદ્દે નંદાસણ પોલીસે ગુનો નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.સરપંચ પ્રકાશભાઇ રબારી ઉપર થયેલા આક્ષેપ મામલે ગામના અન્ય નાગરીકો સરપંચ ની તરફેણમાં આવ્યા છે અને સરપંચ સક્રિય હોવાનું અને વિકાસ લક્ષી કામો કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.સામે વાળા પક્ષ દ્વારા તેમના અંગત કારણોસર સરપંચ ઉપર આક્ષેપ કરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

  • અંડર એજ ડ્રાઈવિંગ અને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન મુદ્દે RTO મહેસાણાની કડક કાર્યવાહી

    આ વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જાગૃતિ માટે સ્પેશિયલ ડ્રાઈવ

       અંડરએજ ડ્રાઈવિંગ કરતાં બાળકોએ ટ્રાફિકના નિયમો જાણતા હોતા નથી તેમજ જવાબદારીની સભાનતાનો અભાવ હોઈ લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરી પોતાને તેમજ અન્યોને નુકશાન પહોંચાડે છે. જેથી એમના વાલીઓ અને બાળકોમાં આ બાબતે યોગ્ય જાગૃતિ ફેલાય એ માટે પ્રા.વા.વ્ય.કચેરી દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરી કાર્યવાહી કરવામાં આવે છે

        તા.17 જૂલાઇ અને 18 જૂલઈ ના રોજ પ્રા.વા.વ્ય.કચેરી, મહેસાણા દ્વારા 8 સ્કુલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું. જેમાં લાઈસન્સ વિના સ્કુલ/કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓનું ચેકીંગ હાથ ધરાયું. 

       વહેલી સવારે પ્રા.વા.વ્ય.કચેરીના કુલ – 24 અધિકારીઓની 8 ટીમોએ આકસ્મિક ચેકીંગમાં  ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા. જેમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કુલ 120 વાહનોના 214 જેટલા ઓફેન્સ બુક કરવામાં આવ્યા. જેમાં કુલ – 507200 નો દંડ કરવામાં આવ્યો.સાથે જ તમામ શાળાઓમાં આચાર્ય શ્રીઓ સાથે પણ સંવાદ કરી આવા બાળકોના વાલીઓની મિટિંગ તેમજ જનરલ વાલીમીટિંગ માં પણ આ બાબતો પર ભાર આપવા જણાવાયું. RTO માં દંડ ભરવા આવનાર વાલીઓ અને બાળકોનું પણ કચેરી ખાતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

          આ ડ્રાઈવ અંતર્ગત મહેસાણા એ.આર.ટી.ઓ.શ્રી સ્વપ્નિલ એમ. પટેલએ જણાવ્યુ કે શાળાએ જતા બાળકોની સેફટી જળવાય એ માટેની વાલીઓએ વધારે જાગૃત રહેવાની જરૂર છે. ગત વર્ષે પણ આવા કેસોમાં વાલીઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવેલી ત્યારે આ વર્ષે પણ આ બાબતે સંવેદનશીલ રહેવા વાલીઓને જિલ્લા તંત્ર વતી અપીલ કરવામાં આવે છે.