નકલી અધિકારીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાંથી વધુ એક નકલી Dy.SPને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સોશિયલ મીડિયામાં પોલીસ અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ ઉભી કરીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો.
રાજકોટ રેન્જની ટીમે આરોપીને દબોચ્યો
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ ટીમે કાર્યવાહી કરીને આરોપી સોહિલખાન બિસ્મિલ્લાખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી સાયલા તાલુકાના નવાગઢ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ATS અને LCB અધિકારી તરીકે ઓળખ આપતો હતો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયામાં પોતાને દાહોદ LCBના PI તેમજ ATSના Dy.SP તરીકે રજૂ કરતો હતો. પોલીસ યુનિફોર્મમાં ફોટા મૂકી લોકો પર રોફ જમાવતો અને વિશ્વાસ ઉભો કરતો હતો.
AI ફોટા અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ
આરોપી AI ટેક્નોલોજી અને ડિજિટલ એડિટિંગનો ઉપયોગ કરીને આબેહૂબ પોલીસ ફોટા તૈયાર કરતો હતો. સાથે નકલી સરકારી આઈકાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતો હતો.
આર્થિક લાભ માટે કરતો હતો છેતરપિંડી
પોલીસ તપાસ મુજબ આરોપી પોતાની ખોટી ઓળખના આધારે લોકો સાથે આર્થિક લેવડદેવડ અને છેતરપિંડી કરતો હતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે કેટલા લોકો તેની ઠગાઈનો ભોગ બન્યા છે.
સાયલા-સુદામડા ચોકડી પાસે ઝડપાયો
ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમે સાયલા-સુદામડા ચોકડી નજીક પુલ નીચે વોચ ગોઠવી હતી. ત્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
મોબાઈલ અને ડિજિટલ પુરાવાની તપાસ શરૂ
પોલીસે આરોપીના મોબાઈલ ફોન અને ડિજિટલ ડિવાઇસ કબજે કરીને ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને સંપર્કોમાંથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ
આરોપી કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલો છે કે કેમ અને અન્ય લોકો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.







