ગુજરાત હાઇકોર્ટે HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મચારીને પ્રમોશન અને એરિયર્સના લાભ ન આપવાના મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. મહિલા કર્મચારીએ CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના પ્રમોશન માટેના નિયમોને પડકાર્યા હતા. HIV ગ્રસ્ત હોવાના કારણે મેડિકલ બોર્ડે તેમને ‘શેપ-01’ કેટેગરીમાં નહીં આવતા હોવાનું જણાવી પ્રમોશનથી વંચિત રાખ્યા હતા.
2016ના બદલે 2019થી પ્રમોશન આપવાની તૈયારીથી વિવાદ
હાઇકોર્ટે અગાઉ મહિલા કર્મચારી સાથે ભેદભાવ થયો હોવાનું નોંધ્યું હતું અને તેમના જુનિયર્સને જે તારીખે પ્રમોશન મળ્યું હતું તે તારીખથી તમામ પ્રમોશનલ લાભ અને એરિયર્સ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે, તંત્ર દ્વારા વર્ષ 2016ના બદલે વર્ષ 2019થી પ્રમોશન આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. કેન્દ્ર તરફથી મેડિકલ રિપોર્ટ અને મેડિકલ કેટેગરીના નિયમોનો હવાલો આપવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકાર્યો નહોતો.
સિવિલ પોસ્ટમાં બીમારીના આધારે પ્રમોશન રોકી શકાય નહીં
હાઇકોર્ટે સ્પષ્ટ ટકોર કરી હતી કે કોમ્બેટ રોલમાં શારીરિક ક્ષમતાની શરતો અલગ હોઈ શકે છે, પરંતુ સિવિલ અથવા મિનિસ્ટ્રીઅલ ડેસ્ક જોબમાં માત્ર ક્લિનિકલ કન્ડિશનના આધારે પ્રમોશન રોકી શકાય નહીં. કોર્ટે સવાલ કર્યો હતો કે હૃદયરોગ કે ડાયાબિટીસ ધરાવતા કર્મચારીઓ માટે આવા નિયમો કેવી રીતે લાગુ થશે. અદાલતે HIVના આધારે ભેદભાવને બંધારણીય અધિકારોના ભંગ સાથે જોડીને તંત્રની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.
3 અઠવાડિયામાં આદેશનો અમલ નહીં થાય તો કન્ટેમ્પ્ટની ચીમકી
હાઇકોર્ટે કેન્દ્ર સરકારને અગાઉના આદેશનો યોગ્ય અમલ કરવા માટે 3 અઠવાડિયાનો આખરી સમય આપ્યો છે. જો નિર્ધારિત સમયમાં કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપવામાં આવી છે.
Leave a Reply