દારૂના નશામાં ASIએ BRTS બસને મારી જોરદાર ટક્કર, કારમાંથી દારૂની બોટલ અને પોલીસ વર્દી મળી

SHARE:

દારૂબંધીના ગુજરાતમાં કાયદાના રક્ષક જ બન્યા ચર્ચાનો વિષય

સુરત શહેરમાંથી દારૂબંધીના કાયદા સામે સવાલ ઉભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અઠવાગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક પોલીસ અધિકારીએ દારૂના નશામાં પોતાની સ્વિફ્ટ કાર હંકારીને આગળ જતી BRTS બસને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અકસ્માત બાદ ASI જાહેર રસ્તા પર લવારા કરવા લાગ્યો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો નશામાં હતો કે તેને પોતાની સ્થિતિનું પણ ભાન નહોતું. અકસ્માત બાદ તે રસ્તા પર ઊભો રહી લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. લોકો તેની ઓળખ અંગે પૂછતા તે વારંવાર પોતે કોન્સ્ટેબલ ન હોવાનો દાવો કરતો હતો અને ગૂંચવણભર્યા જવાબ આપી રહ્યો હતો.

કારમાંથી મળી દારૂની બોટલ, ગ્લાસ અને પોલીસની વર્દી

અકસ્માત બાદ સ્થાનિકોએ સ્વિફ્ટ કારની અંદર નજર કરતા અનેક ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. કારની પાછળની સીટ પરથી પોલીસની ઓફિશિયલ વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. વર્દી પર લાગેલી નેમપ્લેટમાં અજયભાઈ એચ. પટેલ, ASI, પોલીસ નંબર 2559, સુરત શહેર લખાયેલું હોવાનું સામે આવ્યું હતું.

કારની અંદરથી દારૂની બોટલ અને પ્લાસ્ટિકનો ગ્લાસ પણ મળી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોનું કહેવું હતું કે દારૂબંધીવાળા રાજ્યમાં પોલીસ જ જો દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવે તો સામાન્ય લોકો માટે કાયદાનો અર્થ શું રહે?

સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા

ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ જણાવ્યું કે કારની હાલત જોતા અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. જો બસની જગ્યાએ કોઈ બાઈક સવાર કે રાહદારી હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. કેટલાક સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અકસ્માત બાદ BRTS બસના ડ્રાઈવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક સ્થળ પરથી રવાના કરવામાં આવ્યો હતો.

અજય પટેલ છેલ્લા પાંચ વર્ષથી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર વ્યક્તિ સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASI અજય પટેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે.

ઉમરા પોલીસે અટકાયત કરી, કાયદેસરની કાર્યવાહી શરૂ

સમગ્ર ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ASI અજય પટેલની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ સુરત પોલીસની છબી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કાયદાનું પાલન કરાવનાર અધિકારી જ કાયદાનું ઉલ્લંઘન કરતા ઝડપાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Leave a Comment

error: Content is protected !!