કોલકાતામાં 35 હજાર લોકો સાથે પીએમ મોદીએ કર્યા યોગ
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે તેમણે હજારો લોકો સાથે યોગાસનો કર્યા અને યોગના મહત્ત્વ અંગે સંબોધન આપ્યું. કાર્યક્રમમાં અંદાજે 35 હજાર લોકો જોડાયા હતા. પીએમ મોદીએ તાડાસન, અર્ધચક્રાસન, ભદ્રાસન અને ત્રિકોણાસન સહિતના યોગાસનો કર્યા હતા.
‘70ની ઉંમરે 50 જેવા દેખાવું જોઈએ’
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગનું સાચું લક્ષ્ય માત્ર ફિટ રહેવાનું નથી, પરંતુ વધતી ઉંમરમાં પણ શરીર અને મનને તંદુરસ્ત રાખવાનું છે. તેમણે જણાવ્યું, “આપણો લક્ષ્ય એવો હોવો જોઈએ કે 40 વર્ષની ઉંમરે 20 વર્ષ કરતાં વધુ લચીલા બનીએ અને 50 વર્ષની ઉંમરે 30 વર્ષ કરતાં વધુ ઊર્જાવાન રહીએ. 70 વર્ષની ઉંમરે પણ 50 વર્ષ જેવા સ્વસ્થ અને સક્રિય દેખાવું જોઈએ.”
‘યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ગયો છે’
પીએમ મોદીએ કહ્યું કે આજે યોગ કોઈ એક દેશ કે સંસ્કૃતિ પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેમણે જણાવ્યું કે 21 જૂન, જે વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે, તે હવે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઓળખાય છે. તેમના શબ્દોમાં, “યોગ લોકો, દેશો અને સંસ્કૃતિઓને જોડે છે. યોગની તાકાત આખી દુનિયાને એકસાથે લાવવાની છે.”
‘યોગ શરીર જ નહીં, મનને પણ સ્વસ્થ રાખે છે’
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આધુનિક જીવનશૈલીના પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજના સમયમાં લોકો અસંતુલિત જીવનશૈલી અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ વર્ષની થીમ: Yoga for Healthy Ageing
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘Yoga for Healthy Ageing’ રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ લોકોને સમજાવવાનો છે કે યોગ માત્ર કસરત નહીં પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ, સક્રિય અને માનસિક રીતે મજબૂત રહેવાનો માર્ગ છે.
રેડ રોડનું ઐતિહાસિક મહત્વ
જે સ્થળે પીએમ મોદીએ યોગ કર્યો તે કોલકાતાનો ઐતિહાસિક રેડ રોડ છે.
રેડ રોડ અંગે કેટલીક ખાસ વાતો:
- 1820ની આસપાસ તેનું નિર્માણ થયું હતું
- શરૂઆતમાં તેનું નામ ‘સેક્રેટરીઝ વોક’ હતું
- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેને કામચલાઉ એરસ્ટ્રિપ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો
- અહીંથી ફાઈટર જેટ્સ ટેકઓફ અને લેન્ડિંગ કરતા હતા
- આજે પણ પશ્ચિમ બંગાળની પ્રજાસત્તાક દિવસની પરેડ અહીં યોજાય છે
યોગ વિશ્વને જોડતું માધ્યમ બન્યો
પીએમ મોદીએ જણાવ્યું કે વિશ્વના વિવિધ દેશોમાંથી યોગ દિવસની અદ્ભુત તસવીરો સામે આવી રહી છે. તેમણે કહ્યું કે યોગ માત્ર કસરત નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે અને સમગ્ર વિશ્વને એક પરિવારની જેમ જોડવાની શક્તિ ધરાવે છે







