યુસુફ પઠાણને હાઇકોર્ટની કડક ટકોર, 4 અઠવાડિયાનો સમય આપ્યો

SHARE:

જમીન ફાળવણી વિવાદમાં યુસુફ પઠાણને વધુ 4 અઠવાડિયાનો સમય

વડોદરાની વિવાદાસ્પદ જમીન ફાળવણી મામલે ગુજરાત હાઇકોર્ટે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણને વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. જમીન ખાલી કરવાના સિંગલ જજના ચુકાદા સામે યુસુફ પઠાણે ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી સંબંધિત સરકારની નીતિ કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે અને તે માટે સમયની જરૂર છે. આ રજૂઆત બાદ કોર્ટે સમય તો આપ્યો, પરંતુ સાથે કડક ચેતવણી પણ આપી.

કોર્ટની ટકોર- જેટલું મોડું કરશો એટલો દંડ વધશે

સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “અમે તમને સમય આપી રહ્યા છીએ, પરંતુ જેટલું મોડું કરશો એટલો દંડ વધતો જશે, કારણ કે વર્ષ 2014થી જમીન પર તમારો અનધિકૃત કબ્જો છે.” કોર્ટની આ ટિપ્પણી બાદ સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

2012માં જમીન ફાળવવાનો પ્રસ્તાવ, પરંતુ સરકારની મંજૂરી મળી નહોતી

વિવાદની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી, જ્યારે યુસુફ પઠાણે વડોદરામાં જમીન મેળવવા અરજી કરી હતી. તે સમયે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ માર્કેટ કિંમતે જમીન ફાળવવાનો ઠરાવ પસાર કર્યો હતો. પછી સામાન્ય સભાએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે વર્ષ 2014માં આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

2024માં હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

રાજ્ય સરકારનો નિર્ણય અને VMC દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ યુસુફ પઠાણે વર્ષ 2024માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન 2024ના નિર્ણય અને રાજ્ય સરકારના 9 જૂન 2014ના આદેશને પડકાર્યો હતો. VMCએ પોતાના આદેશમાં જમીન પરનો કબજો દૂર કરવા અને પ્લોટ ફાળવણીનો પ્રસ્તાવ નકાર્યો હતો.

સિંગલ જજની કોર્ટની કડક નોંધ

હાઇકોર્ટના સિંગલ જજે અગાઉ નોંધ્યું હતું કે યુસુફ પઠાણ પાસે જમીન ફાળવણીનો કોઈ કાયદેસર આદેશ કે એલોટમેન્ટ લેટર નહોતું, છતાં તેમણે જમીન પર બાઉન્ડ્રી વોલ બનાવીને કબજો જમાવ્યો હતો. કોર્ટે આને સીધું દબાણ ગણાવ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે જાહેર હરાજી વગર જમીન ફાળવવાની પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થઈ નહોતી.

શું છે સમગ્ર જમીન વિવાદ?

આ વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ નજીકના 978 ચોરસ મીટરના પ્લોટ સાથે જોડાયેલો છે. યુસુફ પઠાણે આ જમીન મેળવવા માટે અરજી કરી હતી અને સ્થાનિક સ્તરે પ્રસ્તાવ પણ મંજૂર થયો હતો. પરંતુ રાજ્ય સરકારે તેને મંજૂરી આપી નહોતી. ત્યારબાદ આ જમીન પર બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા હતા.

‘તમે અભણ નથી, આ ગુનો છે’ : હાઇકોર્ટની આકરી ટિપ્પણી

આ કેસની અગાઉની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે યુસુફ પઠાણ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે જમીનનું સત્તાવાર એલોટમેન્ટ થયું જ નથી, ત્યારે જમીન પર કબજો કેવી રીતે કર્યો? કોર્ટે એ પણ કહ્યું હતું કે એકપણ રૂપિયો ચૂકવ્યા વગર વર્ષો સુધી જમીનનો કબજો રાખવો ગંભીર બાબત છે. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, “તમે અભણ નથી. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. જમીનનો ઉપયોગ ન કરતા હોવ તો પણ કબજો હોવાથી ભાડું ચૂકવવું પડે.”

હવે આગળ શું?

હાઇકોર્ટે આપેલા ચાર અઠવાડિયાના સમયગાળા દરમિયાન યુસુફ પઠાણને પોતાની દલીલો અને સરકારની નીતિ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની તક મળશે. જોકે કોર્ટની કડક ટિપ્પણીઓથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે જો કાયદેસર આધાર રજૂ નહીં થાય તો જમીન ખાલી કરાવવાની કાર્યવાહી અને દંડ બંનેનો સામનો કરવો પડી શકે છે.

Leave a Comment

error: Content is protected !!