અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ, અમિત શાહે મંગળા આરતી અને CMએ કરી પહિંદ વિધિ

SHARE:

અમદાવાદમાં 149મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી અમદાવાદની 149મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આજે 16 જુલાઈએ ભક્તિભાવ વચ્ચે ભવ્ય પ્રારંભ થયો છે.
વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી બાદ ભગવાનને પરંપરાગત વિશિષ્ટ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
CM ભૂપેન્દ્ર પટેલે કરી પરંપરાગત પહિંદ વિધિ
ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને અનુક્રમે નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાથે જ ભગવાન ભક્તોના દ્વારે નગરચર્યાએ નીકળ્યા અને માર્ગ પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા.
રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હાથી, અખાડા અને ટેબ્લો
રથયાત્રામાં પરંપરાગત અખાડાઓએ શૌર્ય અને કસરતના કરતબો રજૂ કર્યા હતા.
સાથે જ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિનો સંદેશ આપતા શણગારેલા ટેબ્લો, ઈરાન-અમેરિકા યુદ્ધ દર્શાવતા પોસ્ટર તેમજ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓએ ભક્તોનું ધ્યાન ખેંચ્યું.
હાથીઓ પર સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગજરાજોના પગ સુરક્ષાના ભાગરૂપે બાંધવામાં આવ્યા હતા.
સરસપુરમાં મામેરાની તૈયારીઓ શરૂ
ભગવાન જગન્નાથજીના મોસાળ ગણાતા સરસપુરમાં દવે પરિવારે મામેરાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લુહાર શેરીમાં ભક્તો માટે મહાપ્રસાદનું રસોડું ધમધમી રહ્યું છે અને સરસપુર મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
ખાડિયામાં કોંગ્રેસ અને મુસ્લિમ સમાજે કર્યું સ્વાગત
રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં શહેર કોંગ્રેસ સમિતિ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા અખાડિયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કોમી એકતાનું અનોખું ઉદાહરણ બન્યું.
પોલીસ અને તંત્રની ચુસ્ત વ્યવસ્થા
રથયાત્રાના સમગ્ર રૂટ પર હજારો પોલીસ જવાનો, ડ્રોન સર્વેલન્સ, CCTV અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
અમદાવાદ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો દ્વારા ભક્તોને સુરક્ષિત દર્શન મળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!