Category: ગુનો

  • વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટ : પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા, અમદાવાદ ખસેડાયા

    જેપુર ગામે સવારે ફ્રિજમાં થયેલા ધડાકાભેર વિસ્ફોટ બાદ ઘરમાં આગ ફાટી નીકળી — પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા, અમદાવાદ ખસેડાયા

    લીડ…

    વિજાપુર તાલુકાના જેપુર ગામે આંબાવાડીયા વિસ્તારમાં આજે સવારે એક ભયંકર ઘટના બની હતી. ગેસ ચાલુ કરતી વખતે રસોડામાં મુકેલા ફ્રિજમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં પિતા અને પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જી દીધો છે.

     વિગતવાર…

       માહિતી મુજબ, જેપુર ગામના રહેવાસી ગીરધર ભાઈ પટેલ સવારે ચા બનાવવા માટે ગેસ ચાલુ કરી રહ્યા હતા. એ સમયે નજીકમાં મુકેલા ફ્રિજમાં અચાનક ધડાકો થયો અને જોરદાર બ્લાસ્ટ થી રસોડામાં આગ લાગી ગઈ. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારીના કાચ તૂટી ગયા અને બહાર મુકેલો ઝૂલો પણ આગની લપેટમાં આવી ગયો.

    આકસ્મિક ધડાકા બાદ પડોશીઓ દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. દુર્ઘટનામાં ગીરધરભાઈ પટેલ અને તેમનો પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે ગીરધર ભાઈની પત્નીને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ફ્રિજમાં ગેસ લીકેજ કે ઇલેક્ટ્રિકલ ખામીથી વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે.ફોરેન્સિક ટીમે પણ સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે.જેપુર ગામમાં ફ્રિજ બ્લાસ્ટ ની આ દુર્ઘટનાથી ભય અને ચકચાર ફેલાઈ છે.

    સ્થાનિક પ્રતિભાવ:

      ગામલોકો કહે છે કે ફ્રિજ માં આ રીતે વિસ્ફોટ થવાની ઘટના પ્રથમવાર જોવા મળી છે. લોકોમાં વીજળી અને ગેસ સાધનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

  • કડીમાં ભાજપના બે જુથો વચ્ચે જૂથવાદ ની ચર્ચા તેજ — એક જ દિવસે બે સ્નેહમિલન કાર્યક્રમોથી રાજકીય માહોલ ગરમ

    કડી…

        સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે ચાલતા જૂથવાદ પછી હવે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને માર્કેટયાર્ડના સમર્થકો વચ્ચે રાજકીય અંતર દેખાવા લાગ્યું — 22 ઓક્ટોબરના બે અલગ કાર્યક્રમો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

     

     કડી શહેરમાં જૂથવાદ ની ચર્ચા ફરી તેજ

        કડી શહેરમાં હાલમાં ભાજપના આંતરિક જૂથવાદ ની ચર્ચા ફરી એકવાર તેજ બની છે. વર્ષોથી ચાલતા જૂથવાદ ના સંકેતો હવે ફરી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

     જૂથવાદ નો ઈતિહાસ

      સ્વર્ગસ્થ કરશનભાઇ સોલંકી ધારાસભ્ય હતા ત્યારે તેમની અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચા કડીથી ગાંધીનગર સુધી ગુંજતી હતી.

       કરશનભાઇ સોલંકીનું અચાનક અવસાન થતાં ખાલી થયેલી બેઠકે જોટાણાના રાજેન્દ્ર ચાવડા જંગી લીડથી જીત્યા હતા.

    હવે રાજેન્દ્ર ચાવડા ધારાસભ્ય બન્યા બાદ જૂથવાદની લહેર ફરીથી દેખાઈ રહી છે.

        નવા વર્ષના સ્નેહમિલન પર રાજકીય ગરમાવો

           દિવાળી બાદ કડીમાં નવા વર્ષના શુભ પ્રસંગે વિવિધ રાજકીય સ્નેહમિલન યોજાઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે આ કાર્યક્રમો ચર્ચાનો કેન્દ્ર બન્યા છે.

    👉 ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દ્વારા

    તારીખ: 22 ઓક્ટોબર

    સમય : 8 થી 11

     સ્થળ: કડી ખાતે ધારાસભ્યની ઓફિસ

     ઉપસ્થિતિ: કડી તાલુકા, શહેર, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને કાર્યકરો તથા જોટાણા તાલુકા ભાજપ

    👉 તે જ દિવસે કડી માર્કેટયાર્ડ દ્વારા પણ

    તારીખ: 22 ઓક્ટોબર,

    સમય: 10 વાગે 

    સ્થળ: માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ

     ભાજપના અન્ય જૂથના હોદ્દેદારોની ઉપસ્થિતિની ચર્ચા

     કાર્યકરો દ્વિધામાં — કયા સ્નેહમિલનમાં હાજરી આપવી?

         બે જુથો દ્વારા એક જ દિવસે અને એક જ સમયે સ્નેહમિલન યોજાતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હવે દ્વિધામાં મુકાયા છે કે કોના કાર્યક્રમમાં હાજરી આપવી.

    રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે માર્કેટયાર્ડના કાર્યક્રમમાં નીતિનભાઇ પટેલના સમર્થકો હાજર રહેશે, જ્યારે ધારાસભ્યના સ્નેહમિલનમાં રાજેન્દ્ર ચાવડાના સમર્થકો ઉપસ્થિત રહેશે.

        વિશ્લેષકોની ટિપ્પણી

        સ્થાનિક રાજકીય વિશ્લેષકો માને છે કે —

    “કડી શહેરમાં આ પ્રકારની સ્પર્ધાત્મક સ્થિતિ ભાજપની આંતરિક એકતાને અસર કરી શકે છે. આવનારી નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પ્રકારના તફાવતો પક્ષ માટે પડકારરૂપ બની શકે છે.”

        ચર્ચાનો વિષય

    કડી શહેરમાં હાલ લોકોના મોઢે એક જ ચર્ચા છે —

    એક જ દિવસે બે સ્નેહમિલન… પરંતુ હકીકતમાં ક્યાં છે સ્નેહ અને ક્યાં છે રાજકીય રણનીતિ?”

    શું કહે છે નેતાઓ…

    1.ગોવિંદભાઈ પટેલ. ચેરમેન કડી APMC 

       એક જ દિવસે અને એક જ સમયે બે જગ્યાએ ગોઠવવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમ વિશે ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોની માર્કેટયાર્ડ ની પરંપરા મુજબ સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.કાર્યક્રમ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિભાઈ પટેલે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સાથે વાત કરી હતી પરંતુ શું વાત થઈ તે મને ખબર નથી.બંને જગ્યાએ એક જ કાર્યક્રમ હોવા છતાં જૂથવાદ હોવાનો ગોવિંદભાઈ પટેલે મનાઈ કરી હતી.

    2. રાજેન્દ્ર ચાવડા. ધારાસભ્ય કડી વિધાનસભા

      કાર્યક્રમ અંગે રાજેન્દ્ર ચાવડાએ ટેલિફોનીક જણાવ્યું કે બીજો કાર્યક્રમ કેમ ગોઠવવામાં આવ્યો છે તેની ખબર નથી.કોઈ જૂથવાદ ચાલતો હોવાનો ઇનકાર કરી રૂબરૂ મળી વાત કરવાની વાત કરી હતી. શું રાજેન્દ્ર ચાવડા રૂબરૂ મળી તેમની અવગણના કરવામાં આવે છે તેવી વાત કરશે કે જૂથવાદ ની વાતમાં મન મોટું રાખી ઢાંકપિછોડો કરી દેશે.

      ભલે બંને નેતાઓ જૂથવાદ ની મનાઈ કરતા હોય પરંતુ ધારાસભ્ય ના સમર્થકોના મતે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ને કાપવા માટે તેમની અવગણના માટે ધારાસભ્ય દ્વારા જે સમયે અને જે દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે જ સમયે માર્કેટયાર્ડ દ્વારા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

    અહેવાલ : ધવલ ગજ્જર 

  • કડીમાં બેફામ ડમ્ફર ચાલકનો ઉપદ્રવ — વીજ થાંભલો રિક્ષા પર ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

    કડી (મહેસાણા):

       મહેસાણા જિલ્લાના કડી કસ્બા વિસ્તારમાં એક બેફામ ડમ્ફર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો હતો. કડી શહેરના મોટા પીરના મકાન આગળ ઝડપથી દોડતા ડમ્ફર (નં. GJ 08 AW 8188) એ અચાનક વીજળીના તાર તોડી નાખ્યા હતા, જેના પરિણામે નજીકનો વીજ થાંભલો ધરાશાયી થઈ રિક્ષા પર આવી પડ્યો હતો.

      આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત બાદ વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને થોડી વારમાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

    ચાલક નશાની હાલતમાં અને લાયસન્સ વગર હંકારતો હોવાનું ચર્ચાયું

       સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ડમ્ફર ચાલક નશાની હાલતમાં વાહન હંકારતો હોવાનું તેમજ તેની પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હોવાની ચર્ચા થતા લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

       કસ્બા વિસ્તારના લોકો મુજબ, ચાલકે ડમ્ફરનું ટોલી ખુલ્લી રાખી બેફામ ઝડપે વાહન ચલાવ્યું, જેના કારણે વીજ તાર તૂટી પડ્યા અને થાંભલો ધડાકાભેર નીચે આવી ગયો.

    રિક્ષા ચાલકનો જીવ બચ્યો, પોલીસે તપાસ શરૂ કરી

          આ અકસ્માતમાં રિક્ષા ચાલક અતિ નજદીકથી બચી ગયો હતો. જો થાંભલો થોડી ક્ષણ પહેલા પડ્યો હોત, તો જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડમ્ફર તથા ચાલકને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસે વાહનનો જપ્ત કરી નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા અંગે પણ તપાસ શરૂ કરી છે.

    સ્થાનિકોમાં આક્રોશ — “બેફામ ડમ્ફર ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ”

        અકસ્માત બાદ કડી વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, શહેરના મુખ્ય માર્ગો પર રોજેરોજ બેફામ ડમ્ફર અને ટ્રક દોડે છે, પરંતુ તંત્ર તરફથી કડક પગલાં લેવામાં આવતા નથી.

     લોકોનું કહેવું છે કે જો આવી જ બેદરકારી ચાલુ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.

  • રાજ્યમાં મંત્રિમંડળના રાજીનામાં બાદ નવી કેબિનેટની તૈયારી — મહેસાણા જિલ્લાના બે ચહેરાઓને મંત્રી પદની સંભાવના

    મહેસાણા..

           ગુજરાતની રાજકીય ગતિવિધિઓમાં અચાનક મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય સમગ્ર મંત્રી મંડળે રાજીનામું આપ્યા બાદ હવે રાજ્યમાં નવી કેબિનેટ રચવાની પ્રક્રિયા તેજ બની ગઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પાર્ટી નવી ટીમ બનાવી રહી છે, જેમાં યુવા અને પ્રાદેશિક સમીકરણને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.

       આ નવા મંત્રી મંડળમાં મહેસાણા જિલ્લાના બે ધારાસભ્યોને સ્થાન મળવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાને કારણે રાજકીય દૃષ્ટિએ હંમેશાં મહત્વ ધરાવતો રહ્યો છે. રાજ્યની રાજકીય લેબોરેટરી ગણાતો આ જિલ્લો ફરી એકવાર સત્તાના કેન્દ્રમાં આવી ગયો છે

    ઋષિકેશ પટેલના રાજીનામા બાદ નવા ચહેરાઓની ચર્ચા

        મહેસાણા જિલ્લાના વાસી અને આરોગ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર ઋષિકેશ પટેલે પોતાનું રાજીનામું આપ્યા બાદ હવે જિલ્લા રાજકીય સમીકરણો નવી રીતે ગોઠવાઈ રહ્યા છે. સ્થાનિક રાજકીય સૂત્રો અનુસાર, ભાજપના ઉચ્ચ કમાન્ડે મહેસાણા જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન આપવાનો વિચાર કર્યો હોવાનું મનાઈ રહ્યું છે જેથી જિલ્લામાં ભાજપનો પ્રભાવ વધુ મજબૂત થાય.

    આ સંદર્ભે ખેરાલુના ધારાસભ્ય સરદારસિંહ ચૌધરી અને બેચરાજી ના ધારાસભ્ય સુખાજી ઠાકોરના નામ ચર્ચામાં છે. બંને ધારાસભ્યો છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં સક્રિય છે અને પોતાના વિસ્તારના લોકોમાં લોકપ્રિય પણ છે

    રાજકીય સમીકરણ અને પસંદગીની રાજનીતિ

          સત્તા સૂત્રો જણાવે છે કે આ વખતે મંત્રી મંડળમાં “no repeat formula” અપનાવવાની ચર્ચા ચાલી રહી છે, એટલે કે અગાઉ મંત્રી રહી ચૂકેલા ચહેરાઓને ફરી તક ન મળે. આથી, નવા અને તાજા ચહેરાઓને તક આપવાની સંભાવના વધુ છે.

    મહેસાણા જિલ્લા જેવા મહત્વના વિસ્તારમાંથી બે ધારાસભ્યોની પસંદગી કરવાથી પ્રાદેશિક સંતુલન જળવાઈ રહેશે તેમજ નારાજગીના તત્વો પણ નિયંત્રિત રહી શકે છે.

     

    નવા મંત્રી મંડળનો શપથવિધિ સમારંભ તાત્કાલિક 

        ગાંધીનગરમાંથી મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં નવી કેબિનેટની રચના કરશે અને તેમાંના નવા મંત્રીઓ શપથ લેશે. સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજરી આપે તેવી શક્યતા છે.

        રાજકીય પંડિતોનું માનવું છે કે આ ફેરફાર ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી પહેલાંનું મહત્વપૂર્ણ રાજકીય સંકેત છે. નવી કેબિનેટ માં પ્રદેશ, જાતિ અને ઉંમરના આધારે સંતુલિત પ્રતિનિધિત્વ આપીને ભાજપ ફરી એકવાર સંગઠન અને સરકાર વચ્ચેનું સમીકરણ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

    સ્થાનિક સ્તરે ઉત્સુકતા અને રાજકીય ગરમાવો

         મહેસાણા જિલ્લાના રાજકીય મંડળોમાં અત્યારે ભારે ચહલપહલ છે. ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં પોતાના ધારાસભ્યોને મંત્રીપદ મળવાની ચર્ચા જોરમાં છે. જો મહેસાણા જિલ્લાના બે ધારાસભ્યોને મંત્રીપદ મળે, તો જિલ્લાની રાજકીય સ્થિતિમાં નવી ઉર્જા અને સક્રિયતા જોવા મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • કડીમાં આરોગ્ય કર્મી દ્વારા લાખો – કરોડો રૂપિયાનો છેતરપિંડી કાંડ 🔸 એકના ત્રણ કરવાની લાલચ આપી અનેક લોકોને રડાવ્યા — આરોગ્ય વિભાગના કર્મચારીની એપ્લિકેશન ઠગાઈથી હાહાકાર

    કડી શહેરમાં ફરી એક નવો કાંડ

        કડી શહેરમાં છેલ્લા થોડા સમયથી છેતરપિંડીના બનાવો વધતા જઈ રહ્યા છે. હજી તાજેતરમાં શિક્ષક દંપતીએ ઊંચા વ્યાજના ભુલકાં આપી કરોડો રૂપિયાનું છેતરપિંડી કાંડ સર્જ્યું હતું. તે કિસ્સો હજી શાંત પડ્યો નથી કે આરોગ્ય વિભાગમાં નોકરી કરતા એક કર્મચારીની નવી ઠગાઈ સામે આવી છે.

     એપ્લિકેશનમાં રોકાણના નામે લાખો ઉડાવ્યા

      નાની કડી વિસ્તારમાં રહેતા અને આરોગ્ય વિભાગની પ્રતિષ્ઠિત નોકરી કરતા ઈસમએ પોતાના મિત્ર વર્તુળો અને સગાસંબંધીઓને “એકના ત્રણ” કરવાની લાલચ આપી હતી.તે જણાવી રહ્યો હતો કે એક વિદેશી એપ્લિકેશનમાં રોકાણ કરવાથી રોજ યુરો (વિદેશી ચલણ)માં નફો મળે છે.

         શરૂઆતના થોડા દિવસો સુધી રોકાણકારોને નફા રૂપે રૂપિયા મળતા રહ્યા, પરંતુ બાદમાં ટ્રાન્ઝેક્શન એકાએક બંધ થઈ જતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો.

     ઠગાઈની પદ્ધતિ (Modus Operandi) – વિશ્વાસ જીતવાનો ખેલ

    આ આરોગ્ય કર્મી સામાન્ય રીતે જાહેર સ્થળોએ જઈને લોકોને મોટી મોટી વાતો કરતો જેમ કે મેં આ એપ્લિકેશનમાં રૂપિયા રોક્યા છે અને મને વિદેશી ચલણમાં નફો મળે છે તેમ કહી લોકોને આ એપ્લિકેશનથી રોજ વિદેશી ચલણમાં રૂપિયા મળે છે” એવો વિશ્વાસ અપાવતો અને માત્ર 

    “1000 દિવસમાં પૈસા ત્રણ ગણા થઈ જાય છે એવું કહી રોકાણ કરાવતો.પોતાની સરકારી નોકરી બતાવી વિશ્વાસ જીતતો શરૂઆતમાં નફો આપી વિશ્વાસ વધારતો અને બાદમાં એપ્લિકેશન બંધ થઈ ગઈ.

     રોકાણકારો માં આક્રોશ – રોકાણકારો હવે ઉઘરાણીની તૈયારીમાં

         પૈસા પરત ન મળતા હાલ રોકાણકારો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.મોટા નફાની લાલચમાં રોકાણ કરેલ રૂપિયા લાંબા સમય સુધી પરત ન આવતા રોકાણકારો હવે તે આરોગ્ય કર્મી પાસે કડક ઉઘરાણી કરી છે તો કેટલાક રોકાણકારો ઠગ બાજ ઇસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.શહેરમાં આ નવો કાંડ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

       પોલીસ તપાસની માંગ

         સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે કે આરોગ્ય વિભાગના આ કર્મચારી સામે તાત્કાલિક કડક તપાસ હાથ ધરી અન્ય લોકોને પણ છેતરાઈ જવાથી બચાવવામાં આવે.આરોગ્ય વિભાગના સરકારી કર્મચારી પર છેતરપિંડી ના આક્ષેપો સામે આવતા હવે તંત્ર પણ સતર્ક બન્યું છે.શક્ય છે કે આગામી દિવસોમાં આ કેસમાં મોટો ભાંડો ફૂટે..

    આગામી અંકમાં રોકાણકાર દ્વારા કરાયેલ રોકાણ અને ઠગનાર આરોગ્ય કર્મી ની કાળી કરતૂત સચોટ પુરાવા સહિત સામે આવશે.

    કોઈ રોકાણકાર આ વિષય ઉપર અમારો સંપર્ક કરવા ઈચ્છે તો અમને જાણ કરી શકે છે..

    9712990832 – First whatssapp msg only

  • 🚨 સરકાર પર પ્રશ્નોનો મારો: પોલીસ પર હુમલો કોણે કરાવ્યો?

    પથ્થરમારા પાછળનું અંધારું સત્ય: શું ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે ‘પૂર્વ આયોજિત ષડયંત્ર’ હતું?

    હડદડ હિંસામાં ‘આંતરિક રાજકારણ’ની ગંધ! પોલીસે ઉશ્કેરાટમાં કાર્યવાહી કરી કે પછી ભાજપના ઈશારે ‘તોફાની તત્વો’ ઘૂસ્યા હતા? સવાલ જનતાનો!

    બોટાદના હડદડ ગામે મહાપંચાયત દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો અને પોલીસ વાન ઉથલાવી દેવાઈ, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યો. જોકે, આ ઘટના બાદ વિપક્ષે સીધો આક્ષેપ કર્યો છે કે, “ભાજપ સરકાર ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવા માટે **’તોફાની તત્વો’**ને ખેડૂતોના સંગઠનમાં ઘુસાડીને હિંસા કરાવી રહી છે.”

    AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને ‘સરકાર પ્રેરિત હુમલો’ ગણાવ્યો છે. સવાલ એ છે કે, જે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે, તેઓ શા માટે પોલીસ પર હુમલો કરીને પોતાની જ લડાઈને નબળી પાડશે? શું પોલીસે જાણી જોઈને ‘કડદા પ્રથા’ના વિરોધને દબાવવા માટે ઉશ્કેરાટજનક પગલાં લીધા હતા? આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક રાજકીય ષડયંત્રની ગંધ આવી રહી છે, જેનું સત્ય બહાર આવવું જરૂરી છે.

     

  • 🔥ખેડૂતો અને શાસન વચ્ચે આર-પારની લડાઈ !!!

    બોટાદના હડદડ ગામે ખેડૂતો પર પોલીસનો નિર્દયી લાઠીચાર્જ અને ટીયર ગેસ! AAP નેતા રાજુ કરપડાની હાજરીમાં વિરોધ વકર્યો, અસંખ્ય ખેડૂતોની ધરપકડ!

    બોટાદના હડદડ ગામે કપાસ અને મગફળીના ટેકાના ભાવ અને માર્કેટિંગ યાર્ડમાં થતી ‘કળદા’ (ખેડૂતને ઓછા ભાવે માલ વેચવા મજબૂર કરવાની પ્રથા) વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જોકે, પોલીસે આ પંચાયતને રોકવા માટે ગામને ઘેરી લીધું અને ખેડૂતો પર આક્રમક રીતે લાઠીચાર્જ કર્યો તથા ટીયર ગેસના સેલ છોડ્યા.

    AAP નેતા ઇસુદાન ગઢવી સહિત અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી.

    AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાયે આ હિંસાને ‘બ્રિટિશ અત્યાચાર કરતાં પણ ખરાબ’ ગણાવી છે અને ખેડૂતોના સમર્થનમાં અરવિંદ કેજરીવાલની જાહેરસભાની જાહેરાત કરી છે.

    સત્તાધારી પક્ષ પર ખેડૂતોના ‘જુલમ’નો આક્ષેપ લાગતા રાજ્યનું રાજકારણ ગરમાયું છે.

  • કડી માર્કેટ યાર્ડ ગુજરાતમાં સૌ પ્રથમ..કડી માર્કેટ યાર્ડ માં સ્વદેશી અભિયાન માટે વિશેષ સહાય યોજના – ખરીદી પર 50% સુધી રાહત અને રૂ.51 લાખ સબસીડી

    નિસર્ગ પટેલ….

    કડી:

    કડી માર્કેટયાર્ડ દ્વારા સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત સ્થાનિક અને ખેડૂતોને ખરીદી પર 50 ટકા સુધીની રાહત, રૂ.51 લાખ સુધીની સહાય, અને ઈનામી ડ્રો યોજનાનું લાભ આપવામાં આવશે.

     

      રાજ્ય સરકારની પહેલ સાથે કડી માર્કેટ યાર્ડે 22 ઘર વપરાશની અને ખેત ઉપયોગી ચીજવસ્તુઓની ખરીદી પર ખાસ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.તેમજ, ₹15,000થી વધુ કિંમતની ખરીદી કરનાર ગ્રાહકોને ઇનામી ડ્રો યોજનામાં સામેલ કરવામાં આવશે, જેમાં વિજેતાઓને રૂપિયા 51,000 થી 11,000 સુધીના નાણાંના પુરસ્કાર આપવામાં આવશે.

     ઈનામી ડ્રો યોજનાની વિગતો

    પ્રથમ સ્થાન: ₹51,000

    દ્વિતીય સ્થાન: ₹41,000

    ત્રીજું સ્થાન: ₹31,000

    અન્ય પાંચ વિજેતાઓ: દરેકને ₹11,000 પ્રોત્સાહક રકમ

    ડ્રો માટે રજિસ્ટ્રેશન 12 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લું રહેશે.

    ખેડૂત પરિવારોને એક જ વખત ₹1,000 સુધીની સબસીડી મેળવવાની સુવિધા રહેશે.

    રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં 8 અ ના ઉતારા, રેશનકાર્ડ અને આધારકાર્ડ જરૂરી રહેશે.

    પસંદ કરેલી ચીજવસ્તુની ડિલિવરી બાદ જ રૂ.1,000 સુધીની સબસીડીની ચુકવણી કરવામાં આવશે.

     ઉપસ્થિતિ અને કાર્યક્રમનું આયોજન

    આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા:

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ

    કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા

    મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ

    જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પી.કે. પરમાર

    કડી માર્કેટયાર્ડના ચેરમેન ગોવિંદભાઈ પટેલ અને વાઇસ ચેરમેન હિમાંશુભાઈ ખમાર

    જીગ્નેશભાઈ પટેલ (શહેર ભાજપ),જીગ્નેશ પટેલ (ખોડિયાર મેડિકલ) ,નિલેશભાઈ નાયક

    સાથે જ સામાજિક અને ખેડૂત આગેવાનો તેમજ સ્થાનિક વેપારીઓ

    કાર્યક્રમ દરમિયાન રક્તદાતાઓ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવ્યું.

     સ્વદેશી અભિયાન અને સ્થાનિક ઉત્પાદન માટે મહત્વ

      કડી માર્કેટયાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પહેલના મુખ્ય હેતુ છે:સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું.નાગરિકો અને ખેડૂતોને સબસીડી અને રાહત આપીને ખરીદીની સરળતા સુનિશ્ચિત કરવી.સ્વદેશી ઉત્પાદનોની ખરીદી દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને આગળ વધારવું.સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવું. યાર્ડના સેક્રેટરી કમલેશ ત્રિવેદીએ જણાવ્યું કે આ યોજના ખેડૂતો, નાગરિકો અને સ્થાનિક વેપારીઓ માટે સમાન લાભ સાથેનું આયોજન છે અને આવનારા વર્ષોમાં આ યોજનાને વધુ વિસ્તૃત કરવાની યોજના છે.

    ઉત્સાહભેર આવનારા દિવસો માટે તૈયારી

      કડી માર્કેટયાર્ડમાં સબસીડી યોજના અને ઈનામી ડ્રો યોજનાને લઈને લોકોમાં ઉત્સાહ છે.ગ્રાહકો 12 થી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન માટે માર્કેટયાર્ડમાં આવીને પોતાના પસંદગીના પ્રોડક્ટ માટે નોંધણી કરી રહ્યા છે.આ પગલાથી સ્થાનિક બજારમાં વેચાણમાં વધારો થશે અને ખેડૂતો અને નાગરિકોને સીધો લાભ મળશે.આ પહેલનું મુખ્ય સંદેશ એ છે કે: “સ્વદેશી ખરીદી – દેશનો વિકાસ”.

        આ રીતે કડી માર્કેટયાર્ડ સ્વદેશી ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતમાં આગળ આવેલા ઉદ્યોગોને પ્રેરણા આપશે.

  • ખાવડ ગામે પોલિયો રવિવાર અભિયાનનો પ્રારંભ – સરપંચ બળદેવજી ઠાકોરના હસ્તે બુથનું ઉદ્ઘાટન

    કડી..

         દેશભરમાં ચાલી રહેલા પોલિયો રવિવાર અંતર્ગત આજે ખાવડ ગામમાં પણ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાવડના આરોગ્ય વિભાગ દ્વારા ઘૂઘલા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પોલિયો બુથનું ઉદ્ઘાટન ગામના માનનીય સરપંચ શ્રી બળદેવજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું.

     પોલિયો મુક્ત ભારતના સંકલ્પ તરફ એક વધુ પગલું

       કાર્યક્રમમાં આરોગ્ય કર્મચારી ભાવિનભાઈ પરમાર, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને પોલિયો સામે સુરક્ષિત રાખવા માટે “બે બૂંદ જીવનની” સૂત્ર સાથે રસીકરણ કરવામાં આવ્યું.આ અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી રહી છે.ગામના તમામ ખૂણાઓ સુધી આરોગ્ય કર્મચારીઓ પહોંચે તે માટે વિશેષ ટીમો બનાવીને કાર્યરત રાખવામાં આવી છે.

     સરપંચ બળદેવજી ઠાકોરનો સંદેશ

      કાર્યક્રમની શરૂઆત વખતે સરપંચશ્રીએ જણાવ્યું કે —“દરેક બાળક સુધી પોલિયો ની રસીના બે બૂંદ પહોંચે એ જ આપણી સાચી જીત છે.” તેમણે ગ્રામજનોને અપીલ કરી કે કોઈપણ બાળક પોલિયો રસી વિના ન રહી જાય તે માટે સૌ એક થઈને સહકાર આપે.

     ગામજનોમાં ઉત્સાહ

       પોલિયો રવિવારને લઈને ખાવડ ગામમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો.આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓએ ઘરોમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાવી અને માતા-પિતાને બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા.

     રાષ્ટ્રીય અભિયાનનો ભાગ

       આ પોલિયો રવિવાર અભિયાન રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ યોજાય છે,જેનુ ઉદ્દેશ્ય ભારતમાં પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.ખાવડ ગામે આજના કાર્યક્રમ દ્વારા આ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.

  • “પૈસા વાળા દારૂ પીવે છે, મોટી ગાડીઓમાં મોજ કરે છે, એક્સિડન્ટ કરી લોકોને મારી નાખે છે પરંતુ છેવાડાનો માણસ હજી તળિયે છે” – વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સમાં ગણપતભાઈ પટેલનું સ્ફોટક નિવેદન

    મહેસાણા..

       વાઇબ્રન્ટ ગુજરાતની વૈશ્વિક ઓળખ હવે રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય આ કાર્યક્રમમાં ઉદ્યોગ, શિક્ષણ અને સમાજના અનેક ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પરંતુ કાર્યક્રમની વચ્ચે એક નિવેદને સૌનું ધ્યાન ખેંચ્યું — ગણપત યુનિવર્સિટીના સંસ્થાપક ગણપતભાઈ પટેલનું સ્ફોટક નિવેદન.

    ગણપતભાઈ પટેલે પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,

    “આજે પૈસા વાળા લોકો દારૂ પીવે છે, મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય છે, મોજ મસ્તી કરે છે. એક્સિડન્ટ કરી લોકોને મારી નાખે છે પરંતુ છેવાડાનો માણસ હજી તળિયે છે, વિકાસનો લાભ તેના સુધી પહોંચ્યો નથી. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે ગામડાનો સામાન્ય માણસ પોતાના જીવનમાં સુધારો અનુભવે.”

    તેમણે વધુમાં ઉમેર્યું કે,“વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમો પહેલા શહેરોમાં યોજાતા હતા, પરંતુ હવે એ ગામડાઓમાં આવી રહ્યા છે. એ એક સકારાત્મક પરિવર્તન છે. હવે સમય છે કે આપણે છેવાડાના લોકો સુધી તક, શિક્ષણ અને રોજગારની તકો પહોંચાડીએ.”

    ગણપતભાઈ પટેલના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓમાં ચર્ચા જગાઈ હતી. તેમની વાતોમાં એક પ્રકારનો સામાજિક સંદેશ સ્પષ્ટ જોવા મળ્યો — કે વિકાસ માત્ર ઇમારતો, ઉદ્યોગો કે રોકાણથી માપી શકાય નહીં, પરંતુ તે ત્યારે અર્થપૂર્ણ બને જ્યારે તે સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવે.

    ગણપત યુનિવર્સિટી છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ગુજરાતના ઉત્તર પ્રદેશમાં મહત્વનું કેન્દ્ર બની છે. આ રિજનલ કોન્ફરન્સ દ્વારા યુનિવર્સિટી ગ્રામ્ય વિસ્તારો સુધી ઉદ્યોગ અને નવી તકનીક પહોંચાડવાના મિશન પર આગળ વધી રહી છે.

    ગણપતભાઈ પટેલે અંતે જણાવ્યું કે યુનિવર્સિટીનો હેતુ માત્ર વિદ્વાન બનાવવાનો નથી, પરંતુ “માણસ બનાવવાનો” છે — જે સમાજ માટે ઉપયોગી સાબિત થાય અને પોતાનું ગામ, જિલ્લો અને રાજ્ય ગૌરવ અનુભવે તે દિશામાં કામ કરવાનું છે.

    તેમના આ વચનોએ કોન્ફરન્સને એક નવો દિશાસૂચક સંદેશ આપ્યો — કે “વાઇબ્રન્ટ ગુજરાત”નો અર્થ માત્ર રોકાણ નહીં, પરંતુ માનવ વિકાસ અને સમાન તકોનું વિઝન છે.