Category: Stock Market

  • સરકારી કચેરીમાં ખુલ્લો સોદો : “₹2,000 આપો તો ફાઈલ મળશે!” વિસનગર તાલુકા સેવા સદનમાં ભ્રષ્ટાચારનો પડદાફાશ, હોમગાર્ડ ઇન્ચાર્જ ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા

    સરકારી કચેરીઓ નાગરિકોને સેવા આપવા માટે હોય છે કે પછી લાંચ વસૂલવાના અડ્ડા? વિસનગર તાલુકા સેવા સદનમાં સામે આવેલો તાજો લાંચકાંડ આ પ્રશ્નને ફરી એકવાર જીવંત કરે છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ગાંધીનગર એકમે એવી કાર્યવાહી કરી છે, જે ભ્રષ્ટાચાર સામે સિસ્ટમમાં છુપાયેલા “ફાઈલ-દલાલો” માટે લાલ નિશાની સમાન છે.

    હોમગાર્ડ યુનિટ વિસનગરના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ હરેશકુમાર મંગળદાસ રાઠોડને ACBએ ₹2,000ની લાંચ લેતા રંગેહાથ પકડી લીધા છે. આ ગુનો તા. 02/01/2026ના રોજ નોંધાયો છે.

    હકદાર કામ પણ ‘ભાવ’ જોઈને!

    ફરિયાદી કોઈ ગુનેગાર નહીં, પરંતુ એક જાગૃત નાગરિક છે. તેમણે નિયમ મુજબ હોમગાર્ડ યુનિટ વિસનગરમાંથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી માટે અરજી કરી હતી. અરજી મંજૂર થઈ, બદલી પણ થઈ — એટલે કે બધું કાયદેસર.

    પરંતુ અહીંથી શરૂ થયો “અંદરખાને” ચાલતો ભ્રષ્ટાચારનો ખેલ. બદલીના ફાઈલના જરૂરી કાગળો આપવા માટે આરોપી અધિકારીએ ફરીયાદી પાસે ₹2,000ની લાંચની સીધી માંગણી કરી. સંદેશ સ્પષ્ટ હતો — લાંચ નહીં, તો ફાઈલ નહીં!

    ફાઈલ હવે સરકારી નહીં, ખાનગી મિલકત?

    આ ઘટના એ ગંભીર સવાલ ઊભો કરે છે કે, શું સરકારી ફાઈલ કોઈ અધિકારીની ખાનગી મિલકત છે? શું નાગરિકને પોતાના જ હકના દસ્તાવેજો મેળવવા માટે લાંચ આપવી ફરજિયાત બની ગઈ છે? વિસનગર તાલુકા સેવા સદનમાં બેઠેલા આ અધિકારીએ સરકારી સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.

    લાંચ નહીં આપી, કાયદાનો સહારો લીધો

    ફરિયાદી લાંચ આપવા તૈયાર ન થયા. તેમણે સીધો સંપર્ક કર્યો ACB ગાંધીનગર એકમનો. ફરિયાદ સાચી હોવાનું પ્રાથમિક ચકાસણી બાદ ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું.

    છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹2,000ની લાંચ સ્વીકારી, એટલામાં જ ACBની ટીમે કાર્યવાહી કરી. આરોપીને ઓફિસમાં જ પકડી લેવામાં આવ્યા, અને લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી.

    લાંચની સંપૂર્ણ વિગતો

    લાંચની માંગણી: ₹2,000

    લાંચ સ્વીકારેલ: ₹2,000

    લાંચ રિકવર: ₹2,000

    ગુનાનું સ્થળ

    આરોપીની ઓફિસ,

    તાલુકા સેવા સદન,

    વિસનગર, જી. મહેસાણા

    ACBનું ચોક્કસ અને અસરકારક ઓપરેશન

    આ ટ્રેપ કાર્યવાહી શ્રી એચ.બી. ચાવડા, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ACB ગાંધીનગર એકમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ઉપર શ્રી એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ACB ગાંધીનગર એકમનું સુપરવિઝન હતું. જ્યારે સમગ્ર એકમની કમાન શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, ACB અમદાવાદ પાસે હતી.

    ભ્રષ્ટાચારીઓને કડક ચેતવણી

    આ કાર્યવાહી માત્ર એક અધિકારી સામેની કાર્યવાહી નથી, પરંતુ સરકારી કચેરીઓમાં બેઠેલા દરેક લાંચિયા માટે કડક સંદેશ છે. “નાનું કામ, નાની લાંચ” જેવી માનસિકતા હવે ACBના રડારમાં છે.

    એક જાગૃત નાગરિકની હિંમત અને ACBની ત્વરિત કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે, જો નાગરિક બોલે — તો ભ્રષ્ટાચાર ડગે.

  • રૂ.25 હજારના ઇનામી કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈ પર SMCનું ફાયરિંગ : દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ

    ચાલુ ગાડીમાં ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં ગોળી – PSI પર જીવલેણ હુમલા બાદ જવાબી કાર્યવાહી

    અહેવાલ:નિસર્ગ પટેલ (9712990832)

    ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા પ્રોહીબીશન માફિયા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો અને ₹25,000ના રોકડ ઇનામ વાળો ફરાર કુખ્યાત બુટલેગર અશોક બિશ્નોઈને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન દાહોદ નજીક એન્કાઉન્ટર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આરોપી દ્વારા પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવતા જવાબમાં SMC દ્વારા તેના પગમાં ગોળી મારવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

    આસામના દિસપુરથી ધરપકડ, ગુજરાત સુધી ટ્રાન્ઝિટ દરમિયાન ઘટના

    પોલીસ સૂત્રો મુજબ, અશોક બિશ્નોઈ ગુજસીટોક એક્ટ અને પ્રોહીબીશન સહિતના 27થી વધુ ગંભીર ગુનાઓમાં વાંછિત હતો. ગુજરાતભરમાં પ્રોહીબીશન નેટવર્કનો મુખ્ય સુત્રધાર ગણાતો આ આરોપી પોતાની ઓળખ બદલીને આસામના ગુહાટી જિલ્લાના દિસપુર વિસ્તારમાં પેલેસિયો હોટલમાં રહેતો હતો.

    સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી ચોક્કસ માહિતીના આધારે પીએસઆઈ કે.ડી. રવિયા અને પીએસઆઇ વી.એન.જાડેજા ની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોલીસ તપાસમાં સહયોગ ન આપતો હોવાથી SMC PI આર.જી. ખાંટની ટીમને સહયોગ માટે મોકલવામાં આવી હતી. આરોપીને ત્યાંથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ નજીક ગંભીર બનાવ બન્યો.

    ચાલુ ગાડીમાં PSI કે.ડી.રવિયા પર જીવલેણ હુમલો

    પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્ઝિટ દરમિયાન આરોપી અશોક બિશ્નોઈએ અચાનક ચાલુ ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે ડ્રાઇવરના સીટ બેલ્ટનો ઉપયોગ કરી ગાડી ચલાવી રહેલા પોલીસ અધિકારી PSI કે.ડી. રવિયા ને ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ અધિકારીનું જીવન જોખમમાં મુકાયું હતું.

    પરિસ્થિતિ ગંભીર બનતા અને આત્મરક્ષા જરૂરી બનતાં PI આર.જી. ખાંટ દ્વારા આરોપીના પગમાં ગોળી મારવામાં આવી, જેથી આરોપી નિષ્ક્રિય થયો અને વધુ નુકસાન ટળ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

    આરોપી ઘાયલ, Zydus હોસ્પિટલમાં સારવાર

    ફાયરિંગ બાદ અશોક બિશ્નોઈ ઘાયલ હાલતમાં જમીન પર પડી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે દાહોદની Zydus હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આરોપીની હાલત સ્થિર છે.

    આ ઘટનામાં PSI કે.ડી. રવિયા સહિત કોઈપણ પોલીસ કર્મચારીને ઇજા પહોંચી નથી અને તમામ પોલીસ અધિકારીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

    એન્કાઉન્ટર જેવી સ્થિતિએ અનેક પ્રશ્નો ઊભા કર્યા

    દાહોદ નજીક સર્જાયેલી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તેને કાયદેસર આત્મરક્ષાની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે, પરંતુ ઘટનાની પરિસ્થિતિને કારણે તેને એન્કાઉન્ટર જેવી સ્થિતિ તરીકે પણ જોવામાં આવી રહી છે.

    પ્રોહીબીશન નેટવર્ક પર મોટો પ્રહાર

    અશોક બિશ્નોઈની ધરપકડને રાજ્યમાં સક્રિય પ્રોહીબીશન નેટવર્ક સામે મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રો જણાવે છે કે આરોપીની પૂછપરછ બાદ તેના સંપર્કમાં રહેલા અન્ય બુટલેગરો, સપ્લાય ચેન, નાણાકીય લેવડદેવડ અને આંતરરાજ્ય કડી અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

    સ્ટેટ મોનીટરીંગ સેલે આ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં પ્રોહીબીશન માફિયા સામે વધુ કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    પોલીસની કાર્યવાહી સામે જનદૃષ્ટિ

    એક તરફ આ ઘટના પોલીસની સજાગતા અને ઝડપી કાર્યવાહી દર્શાવે છે, તો બીજી તરફ બળપ્રયોગની મર્યાદા અને પારદર્શિતા અંગે ચર્ચા પણ જગાવી છે. હવે સૌની નજર એ પર છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કેવી રીતે આગળ વધે છે અને પ્રોહીબીશન નેટવર્ક સામે કેટલી મોટી કાર્યવાહી થાય છે.

  • ભરૂચ : અંકલેશ્વરમાં રોડ માર્જિન પર આવેલા ધાર્મિક બાંધકામો સામે નગરપાલિકાની કાર્યવાહી તેજ, 7 દિવસમાં હટાવવાની નોટિસ

    રિપોર્ટ : મેહુલ પટેલ અંકલેશ્વર, ભરૂચ

       ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રોડને અડીને આવેલા ધાર્મિક બાંધકામો સામે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ચુકાદા અને રાજ્ય સરકારના આદેશના અમલીકરણ અંતર્ગત અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે તથા રોડ માર્જિન વિસ્તારમાં આવેલા ધાર્મિક દબાણોને દૂર કરવા નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે.

    આ કાર્યવાહી હેઠળ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ ચાર ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં બે મંદિર, એક મસ્જિદ અને એક દરગાહનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ગત તારીખ 7 જુલાઈ 2025ના રોજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ તબક્કે આ ધાર્મિક બાંધકામોને સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

    નગરપાલિકાએ પ્રથમ નોટિસમાં 10 દિવસની સમયમર્યાદા આપી હતી, પરંતુ ચાર મહિના જેટલો સમય વીતી જવા છતાં પણ આ ધાર્મિક દબાણો દૂર ન થતા હવે તંત્ર દ્વારા પુનઃ કડક નોટિસ આપવામાં આવી છે. નવી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે જો 7 દિવસની અંદર સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા બળપૂર્વક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    પ્રાપ્ત માહિતી મુજબ ચૌટા નાકા વિસ્તારમાં આવેલ એકનાથલીંગ મહાદેવ મંદિર તેમજ જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં આવેલી બે દરગાહ અને એક મંદિર રોડ માર્જિનમાં આવતા હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું. આ ધાર્મિક બાંધકામોના કારણે ટ્રાફિક સમસ્યા, જાહેર સલામતી અને માર્ગ વિકાસમાં અડચણ ઊભી થતી હોવાની રજૂઆતો અગાઉથી કરવામાં આવી રહી હતી.

    નગરપાલિકાના સૂત્રો અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોઈપણ જાહેર માર્ગ, હાઇવે કે રોડ માર્જિન પર નવા કે જૂના ધાર્મિક દબાણો રાખવા ગેરકાયદેસર છે અને આવા બાંધકામોને તબક્કાવાર દૂર કરવાની ફરજ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પર છે. આ જ અનુક્રમે અંકલેશ્વર નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવાયું છે.

    હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની છે. આગામી 7 દિવસ દરમિયાન ધાર્મિક સ્થળોના સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે બાંધકામો દૂર કરવામાં આવશે કે નહીં તેના પર તમામની નજર ટકેલી છે. જો સમયમર્યાદા બાદ પણ કાર્યવાહી નહીં થાય તો અંકલેશ્વરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • સાબરકાંઠાના ગાંભોઇ વિસ્તારમાંથી LCBની મોટી કાર્યવાહી, દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ – ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

    રિપોર્ટ: કુલદીપ ભાટીયા : સાબરકાંઠા

    આગામી 31 ડિસેમ્બરના પર્વને ધ્યાને રાખીને રાજ્યમાં બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવનની શક્યતા વધતી હોવાને પગલે સાબરકાંઠા જિલ્લામાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારથી દારૂ ભરેલી ટ્રક પકડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 1,01,76,750/- જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને LCBના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.કે. જોષી, પો.સ.ઇ. આર.જે. જાડેજા સહિત LCB શાખાની ટીમ ગાંભોઇ વિસ્તારમાં પ્રોહિબિશન વોચમાં હતી.

    આ દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટર ડી.સી. સાકરીયા અને અ.હે.કો. અમરતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, “એક ટ્રક નંબર RJ-18-GA-5196 શામળાજી તરફથી બટાકા ભરેલા કંતાનના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહ્યો છે.” આ બાતમીને આધારે LCB દ્વારા શામળાજી–અમદાવાદ હાઇવે રોડ પર આગીયોલ ગામની સીમમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

    નાકાબંધી દરમ્યાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ કરવામાં આવી. ટ્રકના ચાલકનું નામ બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણ (ઉંમર દર્શાવેલ મુજબ), રહેવાસી લુનકરનસર વોર્ડ નંબર-9, જોગીયા બસ્તી, તાલુકો લુનકરનસર, જિલ્લો બિકાનેર (રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું. પ્રાથમિક તપાસ દરમિયાન ટ્રક પર લગાવવામાં આવેલ રજીસ્ટ્રેશન નંબર શંકાસ્પદ લાગતા તપાસ કરતાં ટ્રકનો ખરો નંબર RJ-18-GA-5195 હોવાનું બહાર આવ્યું, જ્યારે આગળની નંબર પ્લેટ પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.

    ટ્રકના પાછળના ભાગની તપાસ કરતાં બટાકા ભરેલા કંતાનના કોથળાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 503 પેટીઓ મળી આવી, જેમાં કુલ 20,436 બોટલો હોવાનું નોંધાયું. પોલીસે દારૂની કિંમત અંદાજે રૂ. 81,06,000/- હોવાનું જણાવ્યું છે.

    આ ઉપરાંત પોલીસે ટ્રક કિમત રૂ. 20,00,000/-, મોબાઇલ ફોન નંગ-2 (કિંમત રૂ. 15,000/-), રોકડ રૂ. 1,500/-, બટાકા ભરેલા કંતાનના કોથળા નંગ-215 (કિંમત રૂ. 53,750/-), GPS ડિવાઇસ નંગ-1 (કિંમત રૂ. 500/-), તેમજ બિલ્ટી અને વાહનના દસ્તાવેજોની ફાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તમામ મળી કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,01,76,750/- થાય છે.

    પોલીસે ટ્રક ચાલક બિરબલનાથ રેખનાથ હુનતનાથ ચૌહાણને ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ઝડપી લીધો છે. સાથે જ પોતાના કબજાની ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    LCB દ્વારા કરાયેલી આ મોટી કાર્યવાહીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, નવા વર્ષની ઉજવણીને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ અને ઓપરેશનો સતત ચાલુ રહેશે.

  • સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી પર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, બે આરોપી ઝડપાયા – એક ફરાર

    રિપોર્ટ: ભાવિક પટેલ.અમદાવાદ

          અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કડીમાં સરખેજ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સરખેજ–ઇસ્કોન–આંબલી બોપલ રોડ પર આવેલી મહિન્દ્રા પરમ ઓટો મોબાઇલની બાજુમાં માટી અને સુકડીના ઢગલા પાછળ પાર્ક કરેલી એક કારમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

    પોલીસે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ 02 કિલો 763 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,38,150/- જેટલી થાય છે.

    આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઇલ ફોન, પ્લાસ્ટિકના ડબ્બા, રોકડ રકમ સહિતનો અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂપિયા 2,18,360/- હોવાનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    પકડાયેલા આરોપીઓમાં પ્રથમ નામ ગૌરવ ઉર્ફે મોનુ હસમુખલાલ ઠક્કર (ઉંમર 28) છે, જે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બીજો આરોપી લાવેશ પુષ્કરસિંહ જાડેજા (ઉંમર 22) છે, જે મૂળ અમરેલી જિલ્લાના વિજયનગર તાલુકાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ કોઈપણ પ્રકારના પાસ કે પરમિટ વિના ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોનું વેચાણ કરતા હતા.

    આ કેસમાં ત્રીજો આરોપી હિતેશ રાજપૂત ફરાર હોવાનું પોલીસએ જણાવ્યું છે, જે ઉંઝા તાલુકો, મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેની ધરપકડ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક ચલાવતી હતી અને આ હેરાફેરી પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા નકારી શકાય નહીં.

    આ સમગ્ર મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલમ 8(સી), 20(બી) અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવાં ઓપરેશનો ભવિષ્યમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે. શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

  • શ્રી એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા NEP-2020 અંતર્ગત કૌશલ્ય આધારિત શિક્ષણ તરફ મહત્વપૂર્ણ પહેલ, વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપના દ્વાર ખુલ્યા

    રિપોર્ટ: વિજયભાઈ કુનિતયા, ભાયાવદર

          નવી શિક્ષણ નીતિ – 2020 (NEP-2020) ના અમલીકરણ બાદ દેશભરમાં શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક બદલાવ જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે માત્ર પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓ સુધી સીમિત રહેલું શિક્ષણ હવે કૌશલ્ય, પ્રેક્ટિકલ જ્ઞાન અને રોજગારક્ષમતાને કેન્દ્રમાં રાખીને આગળ વધી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ ભાયાવદર સ્થિત શ્રી એચ.એલ. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કરવામાં આવી છે.

    કોલેજ દ્વારા ધોરાજી વિસ્તારના ત્રણ પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત આર્ટસ અને કોમર્સ વિભાગના કુલ 63 વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને ઓન-જોબ ટ્રેનિંગ (OJT) ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ MOUના પરિણામે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથેસાથે ઉદ્યોગોના વાસ્તવિક કામકાજનો અનુભવ પ્રાપ્ત થશે.

    આ સમજૂતી કરાર હેઠળ ત્રણ અગ્રણી કંપનીઓને “સ્કિલ નોલેજ પ્રોવાઇડર” તરીકે જોડવામાં આવી છે. જેમાં પટેલ એગ્રી એક્સપોર્ટ (નટ બટ) દ્વારા એગ્રી એક્સપોર્ટ અને પ્રોસેસિંગ ક્ષેત્રે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. રંગોલી ડેલાઈટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ફૂડ ઇન્ડસ્ટ્રીના સંચાલન, વહીવટ અને ગુણવત્તા નિયંત્રણની સમજ આપવામાં આવશે, જ્યારે ઝપોલી ફૂડ્સ (ઝપોલી બેકર્સ) દ્વારા મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ અને સપ્લાય ચેન મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવશે. દરેક એકમમાં 21 વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપનો અવસર આપવામાં આવશે.

    NEP-2020 ના માર્ગદર્શિકા મુજબ, આ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો અભિન્ન ભાગ રહેશે. વિદ્યાર્થીઓ દરેક સેમેસ્ટર દીઠ ન્યૂનતમ 120 કલાક ઉદ્યોગોમાં ઇન્ટર્નશિપ કરશે, જેને શૈક્ષણિક ક્રેડિટ તરીકે ગણવામાં આવશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર થિયરી જ્ઞાન પૂરતું નહીં રાખી, પરંતુ ઉદ્યોગોની વાસ્તવિક કાર્યપદ્ધતિ સાથે પરિચિત કરી તેમને રોજગારક્ષમ બનાવવાનો છે.

    આ સમગ્ર પહેલને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય ડો. એમ.ડી. સવસાણી અને કેમ્પસ ડિરેક્ટર પ્રો. વી.વી. સુતરીયાનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળ્યું છે. MOU ની સમગ્ર પ્રક્રિયાને સુચારૂ રીતે અમલમાં લાવવામાં નોડલ ઓફિસર પ્રો. ડો. ધવલ આરદેશણાએ મહત્વની ભૂમિકા ભજવી છે. કંપનીઓ તરફથી એચ.આર. મેનેજર રેનિશ વચ્છાણી (પટેલ એગ્રી એક્સપોર્ટ) તથા કોમલ મહેતા (રંગોલી ડેલાઈટ્સ અને ઝપોલી ફૂડ્સ) એ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ તાલીમ અને શીખવાનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરુ પાડવાની ખાતરી આપી છે.

    આ નિર્ણય ખાસ કરીને ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશાસ્પદ સાબિત થવાનો છે. સ્થાનિક ઉદ્યોગોમાં જ આધુનિક તાલીમ મળતા વિદ્યાર્થીઓને મોટા શહેરોમાં સ્થળાંતર કર્યા વિના જ કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો મળશે. કોલેજની આ પહેલ NEP-2020 ના “શિક્ષણ સાથે કૌશલ્ય” ના ઉદ્દેશ્યને સાકાર કરતી એક ઉદાહરણરૂપ કામગીરી તરીકે જોવામાં આવી રહી છે.

  • ધોળકા રૂરલ પોલીસે દારૂબંધી કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી, ₹1.45 લાખથી વધુનો વિદેશી તથા દેશી દારૂ જપ્ત

    રિપોર્ટર: શંભુભાઈ લીમ્બાચીયા

     અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે ધોળકા રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના તેમજ વિદેશી બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 26 બોટલો અને 5 બીયર ટીન સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા દારૂ તથા બીયરની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,45,775/- થતી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળી હતી. જે બાદ પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને સંબંધી સ્થળે રેડ કરી આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસે દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યા છે.

    આ સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

    આ સફળ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એન. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડી-સ્ટાફના શ્રી એસ.આર. મકરાણી તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં અ.હે.કો. સૌરભકુમાર કનુભાઈ, આ.પો.કો. એઝાઝઅહેમદ સાબીરહુસેન, આ.પો.કો. પ્રતાપભાઈ કમાભાઈ, અ.પો.કો. કિર્તીકુમાર ઈશ્વરભાઈ તથા આ.પો.કો. કનુભાઈ કાળુભાઈનો સમાવેશ થાય છે.

    ધોળકા રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી દારૂબંધી કાયદાનો કડક અમલ થઈ રહ્યો હોવાનો સંદેશો ફરી એકવાર મળ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર દારૂના વેચાણ અને સંગ્રહ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

  • કડીમાં કાયદાનો દબદબો: પીઆઈ એ.એન. સોલંકીની કામગીરીને જિલ્લા પોલીસ વડાની ખુલ્લી પ્રશંસા

    અહેવાલ:નિસર્ગ પટેલ

    જનસંપર્ક, ઝડપી કાર્યવાહી અને ઝીરો ટોલરન્સથી કડી પોલીસ બની નાગરિકોની વિશ્વસનીય ઢાલ

    મહેસાણા જિલ્લાના મહત્વના તાલુકા એવા કડીમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. તેનું મુખ્ય કારણ કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. સોલંકીની અસરકારક, સક્રિય અને જનકેન્દ્રિત કામગીરી માનવામાં આવે છે. ગુનાહિત તત્વો સામે કડક વલણ અને સામાન્ય નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમના કારણે આજે કડી વિસ્તારમાં ક્રાઈમ રેટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

    ફરિયાદી-અરજદારોને પ્રથમ પ્રાથમિકતા

    પીઆઈ એ.એન. સોલંકીએ કાર્યભાર સંભાળ્યા બાદ પોલીસ સ્ટેશનને માત્ર ફરિયાદ નોંધાવવાની જગ્યા નહીં, પરંતુ ન્યાય મળવાનો વિશ્વાસનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ સ્ટેશનમાં આવનાર દરેક ફરિયાદી અને અરજદારને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની રજૂઆત અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જેના કારણે અગાઉ પોલીસ સ્ટેશન સુધી આવતાં ખચકાતા નાગરિકોમાં હવે આત્મવિશ્વાસ વધ્યો છે.

    અડિંગો જમાવનાર અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી

    શહેરના જાહેર સ્થળો, ચોક-ચોરાહા અને બજાર વિસ્તારોમાં અડિંગો જમાવીને બેઠેલા અને સામાન્ય નાગરિકોને હેરાન કરતા સીઝરો સામે પીઆઈ એ.એન. સોલંકીએ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. નિયમિત પેટ્રોલિંગ, અચાનક ચેકિંગ અને કાયદેસર કાર્યવાહીથી આવા તત્વોમાં પોલીસનો ભય જોવા મળી રહ્યો છે. પરિણામે મહિલાઓ, વેપારીઓ અને વડીલોને જાહેર સ્થળોએ વધુ સુરક્ષાનો અનુભવ થવા લાગ્યો છે.

    ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાની દિશામાં પગલાં

    કડી શહેરમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનચાલન મોટો પડકાર હતો. ખાસ કરીને યુવાનો દ્વારા ફૂલ સ્પીડ વાહન ચલાવવું, હેલ્મેટ વિના ડ્રાઇવિંગ અને ટ્રિપલ સવારી જેવી પ્રવૃત્તિઓથી અકસ્માતનો ભય રહેતો હતો. પીઆઈ એ.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડિટેક્શન ડ્રાઇવ, મેમો કાર્યવાહી અને નિયમિત ચેકિંગ શરૂ કરવામાં આવ્યા. જેના પરિણામે હવે માર્ગો પર શિસ્ત વધતી જોવા મળી રહી છે.

    ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી

    ચોરી, ઝઘડા, ધમકી અને અન્ય નાના-મોટા ગુનાઓમાં પીઆઈ એ.એન. સોલંકીની ટીમ દ્વારા ઝડપી તપાસ અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓને ઝડપથી ઝડપી લેવાતા હોવાના કારણે ગુનેગારોમાં પોલીસનો દબદબો વધ્યો છે.

    સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ

    આધુનિક સમયમાં વધતા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને કડી પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. પીઆઈ એ.એન. સોલંકીની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં લોકોને ઓટીપી ફ્રોડ, ફેક લિંક્સ, ઓનલાઈન ઠગાઈથી બચવા માટે જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાયબર ક્રાઇમ હેલ્પલાઈન અને ફરિયાદ પ્રક્રિયા અંગે માહિતી આપવાથી ઘણા લોકો સમયસર સાવચેત બન્યા છે.

    વરિષ્ઠ અધિકારીઓની ખુલ્લી પ્રશંસા

    મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પણ કડી પીઆઈ એ.એન. સોલંકીની કામગીરીને ખુલ્લેઆમ બિરદાવવામાં આવી હતી. જિલ્લામાં કડી વિસ્તારનો ક્રાઈમ રેટ ઘટવો, નાગરિકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ અને પોલીસ પ્રત્યે વધતો જનવિશ્વાસ – આ તમામ બાબતોને પીઆઈની સફળ કામગીરી તરીકે ગણાવવામાં આવી હતી.

    નાગરિકોમાં વિશ્વાસ, ગુનેગારોમાં ભય

    આજે કડીમાં પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે. એક તરફ સામાન્ય નાગરિકોને સુરક્ષાનો અનુભવ થાય છે, તો બીજી તરફ અસામાજિક તત્વોમાં પોલીસ કાર્યવાહીનો ભય સ્પષ્ટ રીતે જોવા મળે છે.

    નિષ્કર્ષ

    પીઆઈ એ.એન. સોલંકીની આગેવાની હેઠળ કડી પોલીસ સ્ટેશન માત્ર કાયદો અમલમાં લાવનાર એકમ નહીં, પરંતુ શાંતિ, સુરક્ષા અને ન્યાયનો વિશ્વસનીય આધાર બનતું જઈ રહ્યું છે. જો આ જ રીતે સક્રિયતા અને કડકાઈ જાળવવામાં આવે, તો આવનારા સમયમાં કડી શહેર જિલ્લાનું એક આદર્શ સુરક્ષિત શહેર બનશે – એવું કહેવું અતિશયોક્તિ નથી.

  • સામખિયાળી વિસ્તારમાં ચોરીના ડીઝલના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો

    રિપોર્ટર: ફારૂક ઝાબઈ

        સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા છળકપટથી મેળવેલા ડીઝલના જથ્થા સામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી વિશ્વસનીય બાતમીના આધારે એલ.સી.બી. ટીમે શિકારપુર સીમ, નેશનલ હાઇવે પર આવેલી મહાદેવ હોટલ સામેની એક દુકાનમાં દરોડો પાડ્યો હતો.

    દરોડા દરમિયાન પોલીસે દુકાનમાં હાજર રમેશ લખુભાઈ ભરવાડ પાસેથી ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તપાસ દરમિયાન આરોપી ડીઝલના માલિકી અંગે કોઈ પણ આધારભૂત દસ્તાવેજો અથવા કાયદેસર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પરિણામે પોલીસે ડીઝલ ચોરીનું હોવાનું નિશ્ચિત કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

    પોલીસ દ્વારા આરોપી પાસેથી કુલ ૧૮૦ લીટર ડીઝલ કબ્જે કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૧૫,૩૦૦ થાય છે. આ સાથે આરોપી રમેશ લખુભાઈ ભરવાડ, ઉંમર ૩૧ વર્ષ, રહે. જુના કટારીયા, તાલુકો ભચાઉને અટકાયત કરવામાં આવી હતી.

    આ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે કેસ સામખિયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ડીઝલની ચોરી અને ગેરકાયદેસર વેચાણ જેવી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને આવા ગુનાઓ પર અંકુશ લાવવા માટે આગલા દિવસોમાં પણ તપાસ અને દરોડા ચાલુ રહેશે.

    ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે આસપાસ ચોરીના ઈંધણના ગેરકાયદેસર વેપાર અંગે અગાઉ પણ ફરિયાદો મળી હતી, જેને પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ઈંધણ વ્યવહાર કરતા તત્વોમાં ચેતવણી પ્રસરી છે.

    પકડાયેલ આરોપી:
    રમેશ લખુભાઈ ભરવાડ
    રહે. જુના કટારીયા, તા. ભચાઉ (ઉ.વ. ૩૧)

    કબ્જે કરેલ મુદ્દામાલ:
    ડીઝલ – ૧૮૦ લીટર
    કિંમત – રૂ. ૧૫,૩૦૦/-

  • ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરે જુગારધામ ઝડપાયું: પોલીસે 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

    રિપોર્ટર: વિજયભાઈ કુનિતયા:ભાયાવદર (રાજકોટ ગ્રામ્ય)    

          રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસ દ્વારા વોરંટ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જુગારધામનો પર્દાફાશ થતાં કુલ 6 શખ્સોને રૂ. 2.74 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.ભાયાવદર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, 24 ડિસેમ્બરની રાત્રિના સમયે પોલીસ ટીમે પૂર્વયોજિત માહિતીના આધારે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઘર અંદર કેટલાક શખ્સો પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તાનો ઉપયોગ કરી ‘તેરપત્તી સીકીડીકી’ (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

          પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ રૂ. 1,04,510, છ મોબાઈલ ફોન (કિંમત અંદાજે રૂ. 40,000) તથા ચાર મોટરસાયકલ (કિંમત અંદાજે રૂ. 1,30,000) સહિત કુલ રૂ. 2,74,510નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ કેસમાં પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે જુગાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલ વાછાણી (મુખ્ય સંચાલક), ચંદ્રેશ વાછાણી, દીનેશ કનેરીયા, હીરેન માકડીયા અને જયેશ ભાલોડીયાનો સમાવેશ થાય છે. જ્યારે એક સિનિયર સિટિઝન કીશોર માકડીયાને નોટિસ આપી છોડવામાં આવ્યા છે. અન્ય પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    ઉલ્લેખનીય છે કે, જાહેર જીવન સાથે સંકળાયેલા વ્યક્તિના ઘરે જુગારધામ ઝડપાતા ભાયાવદર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર સર્જાઈ છે. પોલીસ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.

    ભાયાવદર પોલીસે જણાવ્યું છે કે જુગાર જેવી સામાજિક બુરાઈઓને નાબૂદ કરવા માટે સતત ચેકિંગ અને દરોડાની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.