ધોળકા રૂરલ પોલીસે દારૂબંધી કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી, ₹1.45 લાખથી વધુનો વિદેશી તથા દેશી દારૂ જપ્ત

રિપોર્ટર: શંભુભાઈ લીમ્બાચીયા

 અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં દારૂબંધી કાયદાનો ભંગ કરનારાઓ સામે ધોળકા રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના તેમજ વિદેશી બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 26 બોટલો અને 5 બીયર ટીન સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા દારૂ તથા બીયરની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,45,775/- થતી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકા રૂરલ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી મળી હતી. જે બાદ પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી અને સંબંધી સ્થળે રેડ કરી આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસે દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા, જેને કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તે બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

આ સફળ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એન. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડી-સ્ટાફના શ્રી એસ.આર. મકરાણી તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં અ.હે.કો. સૌરભકુમાર કનુભાઈ, આ.પો.કો. એઝાઝઅહેમદ સાબીરહુસેન, આ.પો.કો. પ્રતાપભાઈ કમાભાઈ, અ.પો.કો. કિર્તીકુમાર ઈશ્વરભાઈ તથા આ.પો.કો. કનુભાઈ કાળુભાઈનો સમાવેશ થાય છે.

ધોળકા રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી દારૂબંધી કાયદાનો કડક અમલ થઈ રહ્યો હોવાનો સંદેશો ફરી એકવાર મળ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર દારૂના વેચાણ અને સંગ્રહ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *