Blog
-
બેંગલુરુના ડે-કેરમાં ક્રૂરતાની હદ: રડતા બાળકોને વોશિંગ મશીનમાં બંધ કરાયા, 5 આયા સામે FIR
Capgemini કેમ્પસના ડે-કેરમાં બાળકો પર અત્યાચારનો આરોપ
કર્ણાટકની રાજધાની બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં આવેલા Capgemini Technology Services India Limitedના ઓન-કેમ્પસ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે અમાનવીય વર્તન કરાયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે પાંચ કેરગિવર વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે.
વોશિંગ મશીનમાં બંધ કરવા સહિત ક્રૂરતાના આરોપ
ફરિયાદ મુજબ, રડતા બાળકોને ડરાવવા માટે વોશિંગ મશીનમાં બંધ કરી દેવામાં આવતા હતા. ઉપરાંત બાળકોને ટોયલેટમાં બંધ કરવા, પાણી ભરેલી સાંકડી જગ્યામાં ધકેલવા અને ટોયલેટ જેટ સ્પ્રેથી પાણી છાંટવા જેવી અમાનવીય હરકતો પણ કરવામાં આવતી હોવાનો આરોપ છે. કેટલાક વીડિયોમાં બાળકોના મોઢામાં બળજબરીથી પાણી છોડવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.
વાયરલ વીડિયો બાદ બાળ સુરક્ષા વિભાગ સક્રિય
જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીને વોટ્સએપ મારફતે વીડિયો મળ્યા બાદ મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ HAL પોલીસ સ્ટેશને 29 જૂને પાંચ કેરગિવર સામે ગુનો નોંધ્યો. આરોપીઓમાં મંજુલા, વિજયલક્ષ્મી, ભાવની, સિંધુ અને બિંદુના નામ સામેલ છે.
પોલીસે તપાસ શરૂ કરી, વીડિયો ફોરેન્સિક તપાસમાં
પોલીસે જણાવ્યું છે કે વાયરલ વીડિયોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. ડે-કેરના સંચાલન અને મેનેજમેન્ટની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. સંબંધિત તમામ લોકોને પૂછપરછ માટે નોટિસ પાઠવવામાં આવશે.
Capgeminiએ ડે-કેર તાત્કાલિક બંધ કર્યું
ઘટના સામે આવ્યા બાદ Capgeminiએ સાવચેતીના ભાગરૂપે બેંગલુરુ કેમ્પસમાં આવેલું ડે-કેર સેન્ટર તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે તે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને કર્મચારીઓ તથા તેમના પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
-
રશિયાનો કીવ પર સૌથી મોટો હવાઈ હુમલો: ડ્રોન-મિસાઈલના વરસાદથી હડકંપ, પોલેન્ડ પણ હાઈ એલર્ટ પર
કીવ પર રશિયાનો જોરદાર હવાઈ હુમલો
રશિયાએ ગુરુવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો. ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો વડે કરાયેલા હુમલાથી સમગ્ર શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
આખી રાત સાયરન, હજારો લોકો બંકરોમાં પહોંચ્યા
હુમલો શરૂ થતાં જ સમગ્ર કીવમાં એર રેડ સાયરન વાગવા લાગ્યા. હજારો નાગરિકો જીવ બચાવવા માટે મેટ્રો સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ બંકરોમાં આશરો લેવા મજબૂર બન્યા. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ આખી રાત મિસાઈલોને નિષ્ક્રિય કરવાની કામગીરીમાં લાગી રહી.
હોટલ, રહેણાંક ઈમારતો અને એમ્બ્યુલન્સ સ્ટેશનને નુકસાન
હુમલામાં મધ્ય કીવની એક હોટલમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે 9 માળની રહેણાંક ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થયો હતો. એક એમ્બ્યુલન્સ સ્ટેશન પણ હુમલાનો ભોગ બન્યું, જેમાં એક પેરામેડિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.
ઝેલેન્સકીએ વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો
પરિસ્થિતિની ગંભીરતાને જોતા યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ આયર્લેન્ડનો સત્તાવાર પ્રવાસ અધવચ્ચેથી ટૂંકાવી તાત્કાલિક દેશ પરત ફરવાનો નિર્ણય લીધો.
પોલેન્ડે સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યું
રશિયન હુમલો પશ્ચિમ યુક્રેનની નજીક થતાં નાટો સભ્ય દેશ પોલેન્ડે પોતાની વાયુસેના અને સૈન્યને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ હુમલો યુદ્ધને વધુ ગંભીર તબક્કામાં લઈ જઈ શકે છે.
-
વરસાદે બગાડી ભારત-ઈંગ્લેન્ડની પ્રથમ T20: અભિષેકની તોફાની ફિફ્ટી અને શ્રેયસના અડધા સદી બાદ મેચ રદ
વરસાદે ભારતની જીતની આશા પર ફેરવ્યું પાણી
ચેસ્ટર-લે-સ્ટ્રીટના રિવરસાઈડ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા, પરંતુ સતત વરસાદને કારણે ઈંગ્લેન્ડની ઇનિંગ શરૂ થઈ શકી નહોતી.
ભારતની શરૂઆત રહી નિરાશાજનક
ભારતને બીજી જ ઓવરમાં બે મોટા ઝટકા લાગ્યા હતા. સંજૂ સેમસન માત્ર 1 રન બનાવી આઉટ થયો, જ્યારે ઈશાન કિશન ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો.
અભિષેક શર્માની તોફાની બેટિંગ
શરૂઆતના ઝટકા બાદ અભિષેક શર્માએ આક્રમક અંદાજમાં માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 24 બોલમાં 59 રનની ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી 100 છગ્ગા પૂરા કરનાર ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન મેળવ્યું.
શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે રચ્યો રેકોર્ડ
કેપ્ટન શ્રેયસ અય્યરે 38 બોલમાં પોતાની 9મી T20I ફિફ્ટી નોંધાવી. તેઓ ઈંગ્લેન્ડની ધરતી પર T20 આંતરરાષ્ટ્રીયમાં 50થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા.
શિવમ દુબેની ઝડપી ઇનિંગ, મહમૂદે લીધી 3 વિકેટ
અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 42 રનની ઇનિંગ રમી. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
બીજી T20 હવે 4 જુલાઈએ
પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ જતા પાંચ મેચોની શ્રેણી હજુ 0-0થી બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 4 જુલાઈએ રમાશે.
-
ભારત-જાપાન સંબંધોમાં નવો અધ્યાય: મોદી-તકાઈચી બેઠકમાં ડિફેન્સ, AI અને રોકાણ સહિત અનેક MoC પર હસ્તાક્ષર
મોદી-તકાઈચી બેઠકથી ભારત-જાપાન સંબંધોને નવી દિશા
ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સના તકાઈચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બંને દેશોએ વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહમતિ વ્યક્ત કરી.
ડિફેન્સ, AI અને સેમિકન્ડક્ટર સહિત અનેક MoC પર હસ્તાક્ષર
બેઠક દરમિયાન સંરક્ષણ, ફાર્માસ્યુટિકલ, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સપ્લાય ચેઇન, રોકાણ અને ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે અનેક મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
PM મોદીએ સના તકાઈચીને ‘નાની બહેન’ કહી કર્યું સ્વાગત
સંયુક્ત પત્રકાર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સના તકાઈચીનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં તેમને પોતાની “નાની બહેન” તરીકે સંબોધ્યા. તેમણે જણાવ્યું કે સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેમની ભારત મુલાકાત બંને દેશોના સંબંધોમાં નવું પ્રકરણ શરૂ કરશે.
ભારત-જાપાન ભાગીદારી પરસ્પર વિશ્વાસ પર આધારિત
PM મોદીએ જણાવ્યું કે વૈશ્વિક પડકારોના સમયમાં ભારત અને જાપાન વચ્ચેનો પરસ્પર વિશ્વાસ બંને દેશોની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. છેલ્લા કેટલાક દાયકાઓથી જાપાને ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઇન્ડો-પેસિફિકમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા
બંને દેશોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત વ્યવસ્થાને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બંને નેતાઓએ જણાવ્યું કે ભારત-જાપાન ભાગીદારી માત્ર આર્થિક સહયોગ નહીં પરંતુ લોકશાહી મૂલ્યો અને સમાન હિતો પર આધારિત મજબૂત સંબંધ છે.
-
માંજલપુર પેટાચૂંટણીની તારીખો જાહેર: 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે આવશે પરિણામ
માંજલપુર પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર
ચૂંટણીપંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે હવે ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.
મહત્વની તારીખો
-
6 જુલાઈ 2026 – ચૂંટણીની નોટિફિકેશન
-
13 જુલાઈ – ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ
-
14 જુલાઈ – ઉમેદવારીપત્રોની ચકાસણી
-
16 જુલાઈ – ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
-
30 જુલાઈ – મતદાન
-
3 ઓગસ્ટ – મતગણતરી અને પરિણામ
-
4 ઓગસ્ટ – ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
રાજકીય પક્ષોમાં ચહલપહલ
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારની પસંદગી અને ચૂંટણી રણનીતિને લઈને મથામણ શરૂ કરી છે. આચારસંહિતા પણ તાત્કાલિક અમલમાં આવી ગઈ છે.
ભાજપમાં કોણ બનશે ઉમેદવાર?
ભાજપમાંથી ડો. જયપ્રકાશ સોની, ડો. વિજય શાહ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ પટેલ, સ્નેહલ પટેલ, હિરેન સુખડિયા તેમજ મયંક પટેલના નામો સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે.
યોગેશ પટેલનો રાજકીય વારસો
યોગેશ પટેલ સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો વિરલ રેકોર્ડ ધરાવતા હતા. રાવપુરા બાદ માંજલપુર બેઠક પરથી પણ તેમણે સતત જીત મેળવી હતી અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવ્યો હતો.
-
-
એસ.ટી.ના કર્મચારીની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાને સલામ: બેચરાજીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો
રિપોર્ટર: રાજભા સોલંકી
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.)ના મહેસાણા વિભાગ હેઠળ બેચરાજી ડેપોમાં એ.ટી.આઈ. તરીકે ફરજ બજાવતા ઈસ્માઈલભાઈ અલ્લારખા ડોગા 30 વર્ષની નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક સેવા પૂર્ણ કરીને તા. 30 જૂન, 2026ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની લાંબી અને સમર્પિત સેવાના સન્માનરૂપે તા. 1 જુલાઈ, 2026ના રોજ બેચરાજી ખાતે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેચરાજીના શંખલપુર રોડ સ્થિત ઉમિયા વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.ટી. મહેસાણા વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ એસ. ચૌધરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન બેચરાજી ડેપોના મેનેજર ગુંજનભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં બેચરાજીના ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, તાલુકા મહામંત્રી લક્ષ્મણસિંહ સોલંકી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી ગોવિંદસિંહ સોલંકી, દેલપુરાના પૂર્વ સરપંચ વિષ્ણુભા પૃથ્વીરાજ સોલંકી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, એસ.ટી.ના અધિકારીઓ, કર્મચારીઓ અને શુભેચ્છકોએ હાજરી આપી હતી.
વક્તાઓએ ઈસ્માઈલભાઈ ડોગાની 30 વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી તેમના પ્રામાણિક સ્વભાવ, ફરજનિષ્ઠા અને મુસાફર સેવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં પરિવારજનો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ ભાવુક વાતાવરણ વચ્ચે ઈસ્માઈલભાઈને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
-
સુરત પોલીસના નિવૃત્તિ સમારોહમાં ડાયરાની ધૂમ: કીર્તિદાન-મૈથિલી ઠાકુર પર ઉડ્યા નોટોના વરસાદ
અનોખો નિવૃત્તિ સમારોહ
સુરત પોલીસ વિભાગના નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવીના વિદાય સમારોહને યાદગાર બનાવવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિગ્ગજ કલાકારો એક જ મંચ પર
કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, લોકગાયક કીર્તિદાન ગઢવી અને લોકગાયિકા તેમજ બિહારના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે પોતાની રજૂઆત કરી હતી. ત્રણેય કલાકારોની જુગલબંધી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી.
મંચ પર ઉડ્યા નોટોના વરસાદ
લોકગીતો અને ભજનોની રજૂઆત દરમિયાન ઉપસ્થિત પોલીસ કર્મીઓ અને ચાહકોએ ઉત્સાહમાં આવી મંચ પર નોટો ઉડાડી હતી. ડાયરાની પરંપરા મુજબ થયેલા આ દૃશ્યો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
PI જયરાજસિંહ ગઢવીને અપાઈ અનોખી વિદાય
નિવૃત્ત PI જયરાજસિંહ ગઢવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી અને તેમની સેવાઓને યાદ કરી હતી.
વીડિયો થયા વાયરલ
કાર્યક્રમના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને કલાકારોની રજૂઆત અને નોટોના વરસાદના દૃશ્યોને લઈને લોકોમાં ચર્ચા જામી છે.
-
GMCની મોટી કાર્યવાહી: સુરત-અમદાવાદના 3 જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 13 મહિના માટે સસ્પેન્ડ
GMCની ઐતિહાસિક કાર્યવાહી
ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC)એ મેડિકલ એથિક્સના ભંગ બદલ રાજ્યના ત્રણ જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરી છે. સુરતના બે અને અમદાવાદના એક ડોક્ટરને 13 મહિના માટે સસ્પેન્ડ કરી તેમનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.
આ ત્રણ ડોક્ટરો સામે કાર્યવાહી
સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોમાં:
-
ડો. જગદીશકુમાર સખિયા (સુરત)
-
ડો. અમી શાહ (સુરત)
-
ડો. ગીતા પટેલ (અમદાવાદ)
નો સમાવેશ થાય છે.
શું છે સમગ્ર મામલો?
આ ત્રણેય ડોક્ટરો વર્ષ 2014 અને 2024 દરમિયાન ફ્રાન્સના પેરિસમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા. આરોપ છે કે તેમના વિદેશ પ્રવાસ, એર ટિકિટ, હોટેલ અને અન્ય ખર્ચ ફાર્મા કંપની AbbVie Healthcare India Pvt. Ltd. દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
મેડિકલ એથિક્સનો ભંગ
મેડિકલ કાઉન્સિલના નિયમો મુજબ કોઈપણ ડોક્ટર ફાર્મા અથવા બાયોટેક કંપની પાસેથી સ્પોન્સરશિપ, મોંઘી ભેટ, વિદેશ પ્રવાસ અથવા અન્ય આર્થિક લાભ સ્વીકારી શકતા નથી. GMCએ આને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રેગ્યુલેશન-2002ની કલમ 6.8નો ભંગ ગણાવ્યો છે.
13 મહિના સુધી નહીં કરી શકે પ્રેક્ટિસ
આદેશ મુજબ આગામી 13 મહિના સુધી ત્રણેય ડોક્ટરો દેશના કોઈપણ ભાગમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે નહીં. તેઓ ક્લિનિક પર ડોક્ટર તરીકેનું બોર્ડ પણ લગાવી શકશે નહીં. જોકે સસ્પેન્શન પૂર્ણ થયા બાદ તેઓ ફરી રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકશે.
NMCમાં અપીલનો વિકલ્પ ખુલ્લો
ગુજરાત મેડિકલ કાઉન્સિલે નિર્ણય પહેલાં ડોક્ટરોને નોટિસ આપી સ્પષ્ટતા માંગેલી હતી. હવે તેઓ ઇચ્છે તો નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ આ નિર્ણય સામે અપીલ કરી શકે છે.
-
-
અમિત શાહના નેતૃત્વમાં 12 જુલાઈએ હરિયાળી મહાઅભિયાન: ગાંધીનગર લોકસભામાં એક જ દિવસે 1 કરોડ વૃક્ષો વાવાશે
12 જુલાઈએ હરિયાળી મહાઅભિયાન
ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણ સામે લડવા માટે ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ વિશાળ વૃક્ષારોપણ અભિયાન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
એક જ દિવસે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદના મેયર હિતેશ બારોટના જણાવ્યા મુજબ હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત 12 જુલાઈના રોજ એકસાથે 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં બનાવાયેલા 100થી વધુ ઓક્સિજન પાર્ક પણ લોકો માટે ખુલ્લા મુકવામાં આવશે.
400 સ્થળોએ થશે વૃક્ષારોપણ
આ અભિયાન માટે ગાંધીનગર લોકસભામાં અંદાજે 400 પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં માત્ર અમદાવાદમાં જ 38 સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. દરેક પ્લોટની જવાબદારી અલગ-અલગ કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે.
NGO, ધાર્મિક સંસ્થાઓ અને બિલ્ડરો પણ જોડાશે
વૃક્ષારોપણ અભિયાનમાં વિવિધ NGO, ધાર્મિક સંસ્થાઓ, સ્વામિનારાયણ સંસ્થા, ભાગવત વિદ્યાપીઠ, બિલ્ડરો સહિત અનેક સંસ્થાઓ ભાગ લેશે. ગૌચરની જમીન અને ખાલી પ્લોટમાં પણ મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવામાં આવશે.
11.25% વધ્યું ગ્રીન કવર
વર્ષ 2019થી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા હરિયાળી લોકસભા અભિયાનથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ગ્રીન કવરમાં 11.25 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવાયું છે.
નાગરિકોને વૃક્ષારોપણ માટે અપીલ
સોસાયટી અને ફ્લેટના રહેવાસીઓને ઓછામાં ઓછા 11 અને ગ્રામ્ય વિસ્તારોમાં 50 જેટલા વડ, પીપળો, લીમડો, જાંબુ અને બોરસલી જેવા ઓક્સિજન આપતા વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરવામાં આવી છે.
ઓનલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા
નાગરિકો ગાંધીનગર લોકસભાની સત્તાવાર વેબસાઈટ પર વ્યક્તિગત અથવા સંસ્થા તરીકે રજિસ્ટ્રેશન કરાવીને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈ શકે છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર-ટુ-ડોર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે.
મુખ્ય સ્થળોએ કેટલા વૃક્ષો વાવાશે?
-
સાણંદ (મખિયાવ) – 10 લાખ
-
સરખેજ (મકતમપુરા) – 8.50 લાખ
-
પીપળજ (ગાંધીનગર) – 6 લાખ
-
સાયન્સ સિટી – 4 લાખ
-
સાબરમતી રેલવે કોલોની – 60 હજાર
-
કલોલ – 60 હજાર
-
ગોતા – 50 હજાર
-

