Blog

  • લોકલ ટ્રેનમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા: દરવાજો બંધ કરવાના વિવાદમાં જીવ લીધો, CCTVમાં આરોપી આરામથી ફરાર થતો કેદ

    મુંબઈ લોકલમાં ફરી લોહિયાળ ઘટના

    મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 22 વર્ષીય મયંક રમેશ લોહારની એક અજ્ઞાત મુસાફરે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી.

    દરવાજો બંધ કરવાના મુદ્દે થયો ઝઘડો

    મયંક વિરારનો રહેવાસી હતો અને અંધેરીમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે ભારે વરસાદને કારણે ફર્સ્ટ ક્લાસ એસી કોચનો દરવાજો બંધ કરવા બાબતે અન્ય મુસાફર સાથે તેની બોલાચાલી થઈ હતી. સામાન્ય દલીલ થોડા જ સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ અને આરોપીએ ચપ્પુ વડે મયંકના પેટમાં અનેક ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ કોચમાં લોહી વહી ગયું હતું અને મયંકનું ગંભીર હાલતમાં મોત થયું હતું.

    મુસાફરોને પણ ચપ્પુ બતાવી ડરાવ્યા

    ઘટના બાદ ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીએ ચપ્પુ બતાવીને લોકોને ડરાવી દીધા હતા. રાત્રે 11:04 વાગ્યે ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6 પર પહોંચી ત્યારે ટ્રેન સંપૂર્ણ ઊભી રહે તે પહેલાં જ આરોપી નીચે કૂદી ગયો હતો.

    CCTVમાં કેદ થયો આરોપી

    સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે. વીડિયોમાં બ્લેક ટી-શર્ટ પહેરેલો આરોપી અત્યંત શાંતિથી પોતાના વાળ સરખા કરતો સ્ટેશનની બહાર નીકળતો જોવા મળે છે. હત્યા કર્યા બાદ પણ તેના ચહેરા પર કોઈ ભય કે અફસોસ દેખાતો નહોતો. હાલમાં આરોપી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

    રેલવેએ જાહેર કરી કાર્યવાહી ટાઈમલાઈન

    પશ્ચિમ રેલવેએ સમગ્ર ઘટનાની વિગતવાર ટાઈમલાઈન જાહેર કરી છે.

    • 11:04 વાગ્યે ટ્રેન બોરીવલી સ્ટેશન પહોંચી.
    • 11:07 વાગ્યે GRP અને RPFના જવાનો કોચમાં પહોંચ્યા.
    • 11:10 વાગ્યે સ્ટ્રેચર અને મેડિકલ ટીમ આવી.
    • 11:22 વાગ્યે ઈમરજન્સી મેડિકલ રૂમમાં સારવાર શરૂ કરાઈ.
    • 11:42 વાગ્યે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો.
    • 11:52 વાગ્યે કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ પહોંચાડાયો.

    રેલવે પ્રશાસનનું કહેવું છે કે બચાવ અને સારવારમાં કોઈ વિલંબ થયો નહોતો.

    મુસાફરોની સુરક્ષા સામે ફરી સવાલ

    આ ઘટનાએ મુંબઈ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા લાખો લોકોની સુરક્ષા સામે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગયા વર્ષે પણ એક પ્રોફેસરની લોકલ ટ્રેનમાં હત્યા થઈ હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ સુરક્ષા ચેકિંગ અને રેલવે સુરક્ષા દળોની કામગીરી પર સવાલ ઊભા કરી રહી છે. હાલ બોરીવલી GRP પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    ભારે વરસાદે પણ વધારી મુશ્કેલી

    આ ઘટનાની વચ્ચે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 7.8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

  • ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર મામલે ન્યાયિક તપાસના આદેશ: પોલીસ કાર્યવાહિ પર ઉઠ્યા સવાલો

    ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર બાદ બિહારમાં રાજકીય ગરમાવો

    બિહારના ભોજપુર જિલ્લામાં 28 વર્ષીય ભરત ભૂષણ તિવારીના એન્કાઉન્ટર બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. પોલીસ કાર્યવાહિ પર સતત સવાલો ઉઠતા હવે રાજ્ય સરકારે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જાહેરાત કરી છે કે નિવૃત્ત હાઈકોર્ટના જજની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ હાથ ધરાશે, જેથી ઘટનાના તમામ પાસાઓની પારદર્શક રીતે તપાસ થઈ શકે.

    કોણ હતા ભારત ભૂષણ તિવારી?

    ભરત ભૂષણ તિવારી ભોજપુર જિલ્લાના બિલૌટી ગામના રહેવાસી હતા. સ્થાનિક સ્તરે તેઓ ગરીબો, પૂરપીડિતો અને વંચિત વર્ગોના પ્રશ્નો સોશિયલ મીડિયા તથા સરકારી તંત્ર સમક્ષ ઉઠાવવા માટે જાણીતા હતા. ગામલોકો તેમને સામાજિક કાર્યકર તરીકે ઓળખતા હતા.

    પોલીસનું વર્ઝન શું છે?

    બિહાર પોલીસના જણાવ્યા અનુસાર, 17 જૂને માહિતી મળી હતી કે ભરત ભૂષણ તિવારી ગામમાં પિસ્તોલ સાથે જાહેરમાં ફાયરિંગ કરી રહ્યા હતા. માહિતીના આધારે પોલીસ અને STFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દાવો કર્યો છે કે અનેક વખત સરેન્ડર કરવા કહેવા છતાં તિવારીએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આત્મરક્ષામાં જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તિવારીના પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. સ્થળ પરથી પિસ્તોલ, જીવતા કારતૂસ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.

    વાયરલ વીડિયોથી ઊભા થયા સવાલો

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં તિવારી ગોળીબાર પહેલા હથિયાર ફેંકતા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો બાદ એન્કાઉન્ટરની પ્રક્રિયા અને પોલીસની કાર્યવાહિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

    ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

    ઘટનાને લઈને ઉઠેલા વિવાદ બાદ પોલીસે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનના SHOનો પણ સમાવેશ થાય છે. પોલીસ વિભાગે ઘટનાની આંતરિક તપાસ પણ શરૂ કરી છે.

    BJPની અંદરથી પણ ઉઠ્યા અવાજ

    આ મામલે સત્તારૂઢ BJPના કેટલાક નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ ઘટનાને દુઃખદ ગણાવી અને વહીવટી બેદરકારીની આશંકા વ્યક્ત કરી છે. શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું કે જો બિનઘાતક વિકલ્પ ઉપલબ્ધ હતો તો તેનો ઉપયોગ કરવો જોઈએ હતો. BJP નેતા ઋતુરાજ સિંહાએ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે, પરંતુ રક્ષકો ભક્ષક ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

    ગામમાં વિરોધ પ્રદર્શન

    એન્કાઉન્ટર બાદ બિલૌટી ગામમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહ રસ્તા પર મૂકી આરા-બક્સર ફોરલેન હાઇવે જામ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ આ ઘટનાને ફેક એન્કાઉન્ટર ગણાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી હતી.

    સુપ્રીમ કોર્ટમાં અરજી

    આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં CBI તપાસ, સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે FIR અને નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર કમિટીની રચનાની માંગ કરવામાં આવી છે.

  • પ્રેમનો ઢોંગ, પછી મોતનો ખેલ! મંગેતરે જ કરી કેતનની હત્યા, લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી ખીણમાં ફેંક્યો

    પ્રેમકથાનો દુઃખદ અંત, મંગેતરે જ રચી મોતની સ્ક્રિપ્ટ

    રાજા રઘુવંશી કેસ બાદ હવે વધુ એક ચોંકાવનારો પ્રેમ અને વિશ્વાસઘાતનો કિસ્સો સામે આવ્યો છે. કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલ સોશિયલ મીડિયા પર એક પરફેક્ટ કપલ તરીકે જાણીતા હતા. પરંતુ આ પ્રેમકથાનો અંત એટલો ભયાનક હશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેતનની હત્યા પાછળ તેની જ મંગેતર સિયા અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીનો હાથ હોવાની આશંકા છે.

    જન્મદિવસ પહેલાં કેતને આપ્યું હતું સરપ્રાઈઝ

    હત્યાના લગભગ એક મહિના પહેલાંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેતન સિયાને ફૂલ આપતો, સરપ્રાઈઝ ડેકોરેશન બતાવતો અને ખુશ કરવા માટે ખાસ આયોજન કરતો જોવા મળે છે. તે સમયે બંને વચ્ચે ખૂબ પ્રેમભર્યો સંબંધ દેખાઈ રહ્યો હતો. સિયાના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી, જેના કારણે કોઈને પણ તેના મનમાં ચાલી રહેલા કાવતરાનો અંદાજ આવી શકે તેમ નહોતો.

    પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હોવાનું પરિવારનો દાવો

    કેતનના પિતા વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ, 14 જૂને સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ હતી. ત્યાં તેણે પ્રથમ વખત કેતનને ખીણ તરફ ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેતને ઝાડી પકડી લેતા તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સિયાએ “સાપ છે… સાપ છે…” કહીને વાતને બીજી દિશામાં વાળી દીધી હતી અને કેતનને ગળે લગાવી દીધો હતો. પરિવારના દાવા પ્રમાણે આ હત્યાનો “પ્લાન A” હતો, જે નિષ્ફળ ગયો.

    પ્રી-બર્થડે સેલિબ્રેશન બન્યું મોતનું કારણ

    19 જૂનના જન્મદિવસ પહેલાં સિયાએ કેતનને પ્રી-બર્થડે સેલિબ્રેશનના બહાને ફરી લોહગઢ કિલ્લા પર બોલાવ્યો હતો. પોલીસ અનુસાર, આ વખતે સિયાનો કથિત પ્રેમી ચેતન ચૌધરી પણ ગુપ્ત રીતે ત્યાં પહોંચ્યો હતો. તપાસ દરમિયાન CCTV ફૂટેજમાં ચેતન કિલ્લા તરફ જતો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે.

    ફોટો પાડતા કેતનને ખીણમાં ધક્કો માર્યો

    તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, કેતન કિલ્લા પર મોબાઈલથી ફોટોગ્રાફી કરી રહ્યો હતો ત્યારે સિયાએ તેને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો. ઘટના બાદ સિયાએ જ પોલીસને ફોન કરીને જણાવ્યું કે કેતનનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં પડી ગયો છે. શરૂઆતમાં આ અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમ પર શંકા ઊભી થઈ.

    ચેતનને બચાવવા મોબાઈલ ઘરે મૂકી ગયો હતો

    પોલીસના જણાવ્યા મુજબ, ચેતન ચૌધરીએ પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલ પોતાના ઘરે જ રાખ્યો હતો. તે ઉપરાંત તેણે કપડાં પણ બદલ્યા હતા અને ભારે ગરમીમાં હૂડી પહેરીને કિલ્લા તરફ ગયો હતો. CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓએ તપાસને નવી દિશા આપી.

    ‘પ્લાન C’ પણ તૈયાર હોવાનું પરિવારનો આક્ષેપ

    કેતનના પરિવારનો આરોપ છે કે જો લોહગઢ કિલ્લા પર હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોત તો સિયા અને ચેતન મહાબળેશ્વરમાં હત્યાનું કાવતરું અમલમાં મૂકવાના હતા. પરિવારનું કહેવું છે કે સિયાએ સંપૂર્ણ આયોજન સાથે આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.

    ફેબ્રુઆરી પછી સંબંધોમાં તણાવ આવ્યો હતો

    પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીમાં લગ્ન નક્કી થયા બાદ બંને વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને મતભેદો અને ઝઘડા શરૂ થયા હતા. આ તમામ પાસાઓને આધારે પુણે રૂરલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારી અને કેસની ગૂંચ ઉકેલવાનો દાવો કર્યો છે.

    સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ, હકીકતમાં હત્યાનું કાવતરું

    સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો અને વીડિયો જોઈને કોઈને વિશ્વાસ ન આવે કે આ સંબંધનો અંત હત્યામાં થશે. પ્રેમ, વિશ્વાસ અને સંબંધોના નામે થયેલી આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.

  • એપલ-ટેસ્લાના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ સહિત 2 લાખથી વધુ ફાઇલો હેકર્સે જાહેર કરી

    ટાટા ઇલેક્ટ્રોનિક્સ પર મોટો સાયબર હુમલો

    ટાટા ગ્રુપની કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સને લઈને મોટો સાયબર સુરક્ષા ભંગ સામે આવ્યો છે. હેકર્સે કંપનીનો સંવેદનશીલ ડેટા ચોરીને ડાર્ક વેબ પર લીક કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, 630GB જેટલો ડેટા અને 2 લાખથી વધુ ફાઇલો હેકર્સના હાથે લાગ્યા છે, જેમાં એપલ અને ટેસ્લા જેવા વૈશ્વિક ટેક જાયન્ટ્સ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ સામેલ છે.

    ‘વર્લ્ડ લીક્સ’ ગ્રુપે લીધી જવાબદારી

    સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ ‘વર્લ્ડ લીક્સ’ નામના રેન્સમવેર ગ્રુપે આ ડેટા લીકની જવાબદારી સ્વીકારી છે. આ ગ્રુપ અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર સાયબર હુમલાના દાવા કરી ચૂક્યું છે. ડાર્ક વેબ પર પ્રકાશિત માહિતી મુજબ લીક થયેલા ડેટામાં હજારો ફોલ્ડર્સ અને દસ્તાવેજો સામેલ છે.

    એપલ અને ટેસ્લાના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ પણ સામેલ

    લીક થયેલા ડેટામાં એપલના કમ્પોનન્ટ ડિઝાઇન, મટીરીયલ સ્પેસિફિકેશન અને ક્વોલિટી ઇન્સ્પેક્શન સંબંધિત દસ્તાવેજો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ટેસ્લાના કેટલાક પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા ટેક્નિકલ દસ્તાવેજો અને ‘ટ્રેડ સિક્રેટ’ તરીકે ચિહ્નિત ફાઇલો પણ લીક થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    કર્મચારીઓની વ્યક્તિગત માહિતી પણ જાહેર થઈ

    સાયબર સુરક્ષા સંશોધકોના જણાવ્યા અનુસાર, ડેટામાં વર્ષો જૂના ઇમેઇલ્સ, ઇવેન્ટ લોગ્સ તેમજ કેટલાક કર્મચારીઓના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની નકલો પણ સામેલ છે. આ માહિતી ડાર્ક વેબ પર ઘણા દિવસોથી ઉપલબ્ધ હોવાનું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે.

    ટાટા ઇલેક્ટ્રોનિક્સનું નિવેદન

    ટાટા ઇલેક્ટ્રોનિક્સે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે કંપની આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની તેમના દૈનિક બિઝનેસ ઓપરેશન્સ પર કોઈ અસર થઈ નથી અને તમામ કામગીરી સામાન્ય રીતે ચાલુ છે.

    ખંડણીની માંગણી થયાની ચર્ચા

    કેટલાક અહેવાલો મુજબ સાયબર હુમલા બાદ કંપનીને ખંડણી માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે ટાટા ઇલેક્ટ્રોનિક્સે આ મુદ્દે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. એપલ પણ આ સમગ્ર મામલાની આંતરિક તપાસ કરી રહ્યું હોવાનું જણાવવામાં આવે છે.

    હોસુર પ્લાન્ટ સંબંધિત ફાઇલો પણ લીક

    લીક થયેલા ડેટામાં તમિલનાડુના હોસુર સ્થિત ટાટાના આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે જોડાયેલી ફાઇલો પણ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઉત્પાદિત થનારા કુલ આઇફોનમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સનો હિસ્સો અંદાજે 33 ટકા જેટલો છે.

    ડાર્ક વેબ શું છે?

    ડાર્ક વેબ ઇન્ટરનેટનો એવો ભાગ છે જે સામાન્ય સર્ચ એન્જિન દ્વારા દેખાતો નથી. તેને ઍક્સેસ કરવા માટે ખાસ બ્રાઉઝર અને નેટવર્કની જરૂર પડે છે. ઘણા કિસ્સાઓમાં ચોરાયેલો ડેટા, ગેરકાયદેસર વ્યવહારો અને સાયબર ગુનાઓ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ માટે ડાર્ક વેબનો ઉપયોગ થતો હોય છે.

    રેન્સમવેર એટેક શું છે?

    રેન્સમવેર એટેકમાં હેકર્સ કોઈ કંપની અથવા વ્યક્તિના ડેટા પર કબજો મેળવી તેને જાહેર કરવાની અથવા બ્લોક કરવાની ધમકી આપે છે અને બદલામાં ખંડણીની માંગ કરે છે. તાજેતરના વર્ષોમાં વિશ્વભરમાં આવા હુમલાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

  • CM બન્યા પછી વિજય-ત્રિશાના સંબંધોમાં તિરાડની ચર્ચા: ઇન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કર્યાની અટકળો

    વિજય-ત્રિશાના સંબંધોને લઈને નવી અટકળો

    સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી અભિનેતા વિજય અને અભિનેત્રી ત્રિશાના સંબંધોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હવે વિજયના જન્મદિવસ બાદ ફરી એકવાર બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળોએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ત્રિશાએ વિજયને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને આ વર્ષે તેમના જન્મદિવસે કોઈ શુભેચ્છા સંદેશ પણ શેર કર્યો નથી.

    જન્મદિવસની પોસ્ટ ન આવતા ચર્ચા તેજ

    અગાઉ અનેક પ્રસંગોએ ત્રિશા જાહેરમાં વિજયને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી. પરંતુ 22 જૂને ઉજવાયેલા વિજયના 52મા જન્મદિવસે ત્રિશાની કોઈ પોસ્ટ સામે આવી નહોતી. આ પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની અટકળો શરૂ થઈ ગઈ.

    લગ્નેત્તર સંબંધના આરોપ બાદ ચર્ચા વધી

    થોડા સમય પહેલાં વિજયની પત્ની સંગીતા સોનાર્લિંગમે છૂટાછેડાની અરજી દાખલ કરી હોવાનું ચર્ચામાં આવ્યું હતું. તે સમયે તેમણે કોઈનું નામ લીધા વગર લગ્નેત્તર સંબંધનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ વિજય અને ત્રિશા એક લગ્ન સમારોહમાં સાથે જોવા મળ્યા હતા. બંનેના મેચિંગ ડ્રેસ અને હાજરીએ સોશિયલ મીડિયા પર ચર્ચાને વધુ વેગ આપ્યો હતો.

    અજીત કુમારના ઘરે પણ સાથે પહોંચ્યા હતા

    તાજેતરમાં સાઉથ સુપરસ્ટાર અજીત કુમારની માતાના નિધન બાદ સંવેદના વ્યક્ત કરવા વિજય અને ત્રિશા બંને ચેન્નઈમાં તેમના ઘરે પહોંચ્યા હતા. બંનેની હાજરી અને તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે તેમના સંબંધોને લઈને ચર્ચા તેજ બની હતી.

    વિજયના ઘરેથી નીકળતો વીડિયો થયો હતો વાયરલ

    મે મહિનામાં ત્રિશાના જન્મદિવસ દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ત્રિશા તિરુમાલા મંદિરના દર્શન કર્યા બાદ ચેન્નઈમાં વિજયના નિવાસસ્થાનેથી બહાર નીકળતી જોવા મળી હતી. આ વીડિયો બાદ બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી.

    સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી

    વિજય અને ત્રિશા તરફથી તેમના સંબંધો અથવા બ્રેકઅપ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોને આધારે જ વિવિધ દાવા કરવામાં આવી રહ્યા છે.

  • મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટર સ્ટ્રોક: UAEને બ્રહ્મોસ મિસાઇલ આપવાની તૈયારી

    મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારત બન્યું ડિફેન્સ પાવર

    ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ બાદ મિડલ ઈસ્ટમાં સુરક્ષાની ચિંતાઓ વધી રહી છે. આવા સમયે ભારત પોતાના ડિફેન્સ ક્ષેત્રમાં એક મોટા ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. UAE સાથે બ્રહ્મોસ મિસાઇલ ડીલ અને ઈઝરાયલ સાથે સંયુક્ત શસ્ત્ર ઉત્પાદન અંગેની ચર્ચાઓ ભારતની વધતી વ્યૂહાત્મક તાકાત દર્શાવે છે. એક સમયનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ હવે વૈશ્વિક ડિફેન્સ નિકાસકાર તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યો છે.

    UAEને બ્રહ્મોસ મિસાઇલ આપવાની તૈયારી

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ બાદ ગલ્ફ દેશો પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગે છે. UAE પણ હવે અમેરિકી શસ્ત્રો પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે વૈકલ્પિક અને વિશ્વસનીય ભાગીદારો શોધી રહ્યું છે.

    ભારતની સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ તેની ઝડપ, ચોકસાઈ અને ઘાતક ક્ષમતાને કારણે વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. ફિલિપાઇન્સ પછી હવે UAE પણ આ મિસાઇલ સિસ્ટમમાં રસ દાખવી રહ્યું છે. આ સંભવિત ડીલ માત્ર વેપાર નહીં પરંતુ ભારત-UAE વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

    ઈઝરાયલ સાથે સંયુક્ત શસ્ત્ર ઉત્પાદન પર ભાર

    તાજેતરમાં ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચસ્તરીય ટીમે ભારતની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે સંયુક્ત ઉત્પાદન, ટેકનોલોજી ટ્રાન્સફર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને અદ્યતન રક્ષણ પ્રણાલીઓના વિકાસ અંગે ચર્ચા થઈ હતી.

    ભારત અને ઈઝરાયલ હવે માત્ર ખરીદી-વેચાણના સંબંધોથી આગળ વધીને સહ-ઉત્પાદન અને ત્રીજા દેશોમાં નિકાસ માટે પણ કામ કરી રહ્યા છે. બરાક-8 મિસાઇલ, હેરોન ડ્રોન અને અન્ય અનેક પ્રોજેક્ટ્સમાં બંને દેશો પહેલાથી સફળ ભાગીદારી કરી ચૂક્યા છે.

    ભારતની ડિફેન્સ નિકાસમાં મોટો ઉછાળો

    છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સંરક્ષણ નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ડિફેન્સ નિકાસ ₹38,424 કરોડ સુધી પહોંચી હોવાનું જણાવવામાં આવે છે. સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં આ આંકડો ₹50,000 કરોડ સુધી પહોંચાડવાનો છે. ફિલિપાઇન્સ સહિત અનેક દેશો પહેલાથી ભારતીય ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યા છે. હવે UAE, સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશો પણ ભારતીય ટેકનોલોજીમાં રસ દાખવી રહ્યા છે.

    ભારતને મળશે વ્યૂહાત્મક અને આર્થિક ફાયદો

    UAE અને ઈઝરાયલ બંને સાથે મજબૂત સંબંધો ભારતની મધ્ય પૂર્વ નીતિને વધુ સંતુલિત બનાવે છે. એક તરફ ભારતને અદ્યતન ટેકનોલોજી મળશે તો બીજી તરફ ડિફેન્સ નિકાસ દ્વારા આર્થિક લાભ પણ વધશે. ભારત હવે માત્ર પોતાની સેનાને મજબૂત બનાવતું નથી પરંતુ વિશ્વસનીય શસ્ત્ર સપ્લાયર તરીકે વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

    પડકારો પણ ઓછા નથી

    બ્રહ્મોસ મિસાઇલ પ્રોજેક્ટમાં રશિયાની ભાગીદારી હોવાને કારણે કેટલીક નિકાસ ડીલ માટે મોસ્કોની મંજૂરી જરૂરી બની શકે છે. ઉપરાંત મધ્ય પૂર્વની જટિલ ભૂ-રાજનીતિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે સંતુલિત રાજદ્વારી જાળવવી પડશે.

    તેમ છતાં, ભારતની વધતી ઉત્પાદન ક્ષમતા અને મજબૂત વિદેશ નીતિ તેને વૈશ્વિક ડિફેન્સ માર્કેટમાં વધુ મજબૂત સ્થાન અપાવી શકે છે.

  • પ્રવેશોત્સવનો પ્રારંભ: વડનગરની B.N. હાઈસ્કૂલથી CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ

    મોદીના વતન વડનગરથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

    ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 24મી કડીનો મંગળવારથી ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી આ પહેલનો રાજ્યવ્યાપી પ્રારંભ તેમના વતન વડનગરની ઐતિહાસિક B.N. હાઈસ્કૂલથી કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંથી ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત કરાવી અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો.

    રાજ્યભરની 38,400 શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા

    25 જૂન સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન રાજ્યની અંદાજે 38,400 શાળાઓમાં કુલ 28.58 લાખ બાળકોને પ્રવેશ અપાશે. વડનગર ખાતે મુખ્યમંત્રીએ આંગણવાડીના બે બાળકો સહિત બાલવાટિકા થી ધોરણ-11 સુધીના કુલ 389 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો.

    પ્રેરણા સંકુલની પણ મુલાકાત લીધી

    શાળા પ્રવેશોત્સવ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર સ્થિત ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓની વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી તેમણે બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. પ્રેરણા સંકુલ એ તે જ ઐતિહાસિક શાળાનું પુનઃવિકસિત સ્વરૂપ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.

    1888ની ઐતિહાસિક શાળાનું આધુનિક રૂપાંતર

    1888માં સ્થાપિત આ શાળાનું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આધુનિક શિક્ષણ કેન્દ્ર તરીકે પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. અહીં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સંકુલનો અભ્યાસક્રમ નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે અને દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યો છે.

    ડ્રોપઆઉટ રેશિયો 37%થી ઘટીને 1%થી ઓછો

    કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અગાઉ 100 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે છૂટી જતા હતા, જ્યારે આજે ડ્રોપઆઉટ રેશિયો 1 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે વડનગરની B.N. હાઈસ્કૂલમાં જ 24 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું ફરીથી નામાંકન કરવામાં આવ્યું છે.

    સામાન્ય પરિવારમાંથી પણ વડાપ્રધાન બની શકાય

    મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબિત કર્યું છે કે જો વ્યક્તિમાં ધગશ અને સંકલ્પ હોય તો સામાન્ય પરિવારમાંથી પણ દેશના વડાપ્રધાન સુધીની સફર શક્ય બને છે. તેમણે મોદીના બાળપણના પ્રસંગો યાદ કરતા કહ્યું કે તેઓ શાળાકાળથી જ સૌને સાથે રાખવાની ભાવના ધરાવતા હતા.

    દીકરીઓના શિક્ષણ પર સરકારનો ભાર

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તે માટે સરકાર ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સાથે જ ગુજરાતમાં આવતી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝનો લાભ રાજ્યના યુવાનોને મળે તે માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

    મોબાઈલ અને ટીવીના ઉપયોગ અંગે ટકોર

    મુખ્યમંત્રીએ હળવી શૈલીમાં બાળકોને ટીવી અને મોબાઈલના મર્યાદિત ઉપયોગની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે માતા-પિતાની વાત માનીને સમય મર્યાદા સાથે જ મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરવો જોઈએ.

  • AAP MLA ચૈતર વસાવા દોષિત જાહેર: વન કર્મી પર હુમલા કેસમાં પત્ની સહિત 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા

    ચૈતર વસાવાને કોર્ટનો મોટો ઝટકો

    ગુજરાતના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

    પત્ની સહિત કુલ 9 આરોપીઓ દોષિત

    આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં,  કુલ 10 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તમામ સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવો અને ધમકી આપવાના આરોપો હતા.

    શું હતો સમગ્ર મામલો?

    નવેમ્બર 2023 દરમિયાન નોંધાયેલી ફરિયાદ મુજબ, ચૈતર વસાવા પર આરોપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી. આ કેસમાં હવામાં ફાયરિંગ કરીને ધમકાવવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘટનાના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

    10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

    સરકારી વકીલ વંદનાબેન ભટ્ટના જણાવ્યા અનુસાર, કેસમાં લાગુ થયેલી કેટલીક કલમો હેઠળ આરોપીઓને મહત્તમ 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે. હાલ કોર્ટમાં સજાની સુનાવણી ચાલી રહી છે અને બપોર બાદ તમામ આરોપીઓને કેટલી સજા ફટકારવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.

    કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    ચુકાદાને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત નર્મદા જિલ્લા કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

    રાજકીય ભવિષ્ય પર સવાલો

    ચૈતર વસાવા ગુજરાતમાં AAPના અગ્રણી આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. કોર્ટના આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે સૌની નજર કોર્ટ દ્વારા જાહેર થનારી સજા પર ટકેલી છે.

  • કતાર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ બાદ સુરતનો યુવક લાપતા: પત્નીને છેલ્લે કહ્યું- ‘હું નોકરી પર જઉં છું’, 24 કલાકથી સની પટેલનો કોઈ સંપર્ક નહીં

    કતાર બ્લાસ્ટ બાદ સુરતનો યુવક લાપતા

    કતારના સૌથી મોટા રાસ લાફાન LNG ગેસ પ્લાન્ટમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ દક્ષિણ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરતનો યુવાન સની ચંપકભાઈ પટેલ બ્લાસ્ટ બાદથી લાપતા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નથી.

    બ્લાસ્ટ સમયે નાઇટ ડ્યુટી પર હતો

    સની પટેલ કતારમાં સ્ટેક (Steq) કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો હતો. દુર્ઘટના સમયે તે ગેસ પ્લાન્ટમાં નાઇટ ડ્યુટી પર તૈનાત હતો. બ્લાસ્ટ બાદથી તેનો મોબાઇલ બંધ આવી રહ્યો છે અને તેની કોઈ ભાળ મળી નથી.

    પત્નીને કર્યો હતો છેલ્લો ફોન

    સનીનો નિયમ હતો કે તે રોજ નોકરી પર જતા પહેલાં અને ડ્યુટી પૂર્ણ થયા બાદ પત્નીને ફોન કરતો હતો. દુર્ઘટના બને તે દિવસે પણ તેણે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, “હું નોકરી પર જઉં છું.” ત્યારબાદથી તેનો કોઈ ફોન આવ્યો નથી. કતારમાં બ્લાસ્ટના સમાચાર સામે આવતા જ પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

    મોટો ભાઈ કતારમાં શોધખોળમાં

    સનીનો મોટો ભાઈ રવિ પટેલ પણ કતારમાં જ નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં જ તે પોતાના ભાઈની શોધમાં હોસ્પિટલો, ભારતીય દૂતાવાસ અને પ્લાન્ટ વિસ્તાર સુધી પહોંચી ગયો હતો. જોકે સુરક્ષા કારણોસર પ્લાન્ટમાં પ્રવેશ ન મળતા હજુ સુધી સની અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી.

    પરિવારે સરકાર પાસે મદદ માંગી

    સનીના કાકા અનિલભાઈ ખાટાએ જણાવ્યું કે બ્લાસ્ટની માહિતી મળતા જ પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. કતારમાં રહેલા સનીના ભાઈએ હોસ્પિટલ અને દૂતાવાસમાં તપાસ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરિવારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે સનીને શોધવા માટે મદદની અપીલ કરી છે.

    દક્ષિણ ગુજરાતના અન્ય યુવાનો પણ ટીમમાં હતા

    પ્રાથમિક માહિતી મુજબ સની જે મેન્ટેનન્સ ટીમમાં કામ કરતો હતો તેમાં નવસારીના બે યુવાનો અને દમણનો એક યુવક પણ સામેલ હતો. તેમની સ્થિતિ અંગે પણ હજુ સ્પષ્ટતા થઈ નથી. આ કારણે નવસારી, દમણ અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ચિંતા અને પ્રાર્થનાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.

    ગામમાં પ્રાર્થનાઓનો દોર

    સની પટેલના વતન ગામમાં પરિવારજનો, મિત્રો અને સ્થાનિક લોકો સતત તેના સુરક્ષિત પરત ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. પરિવારજનોને આશા છે કે સની સુરક્ષિત હશે અને ટૂંક સમયમાં તેના સારા સમાચાર મળશે.

  • સુરતમાં પ્રેમલગ્ન કરનાર દંપતીએ ઝેર પી જીવન ટૂંકાવ્યું: ‘લગ્નની તારીખ ન મળતા આ પગલું ભર્યું’, અંતિમ મેસેજમાં લખ્યું- મમ્મીનું ધ્યાન રાખજો

    સુરતમાં પ્રેમી દંપતીનો કરુણ અંત

    સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં પ્રેમલગ્ન કરનાર યુવાન દંપતીએ ઝેરી દવા પી લેતાં દુઃખદ ઘટના સર્જાઈ છે. 23 વર્ષીય માનસી ઉમરેટીયા અને અભય ત્રાડાએ હોટેલના રૂમમાં સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. ઘટનામાં માનસીનું તાત્કાલિક મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા અભયનું પણ બાદમાં મોત થયું હતું.

    હોટેલના રૂમમાં ભર્યું અંતિમ પગલું

    સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલી લા મરીના હોટેલના રૂમ નંબર 103માં બંને મળ્યા હતા. માનસી રોજની જેમ નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ બંને હોટેલમાં મળ્યા અને ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને પરિવારજનો દોડી આવ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ માનસીને મૃત જાહેર કરી હતી.

    અંતિમ મેસેજ વાંચીને પરિવાર સ્તબ્ધ

    મોત પહેલાં બંનેએ પરિવારજનોને ભાવુક મેસેજ મોકલ્યા હતા. માનસીએ પોતાના પિતાને મેસેજ કરીને લખ્યું હતું, “મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ.” જ્યારે અભયે પોતાના ભાઈને મેસેજમાં લખ્યું હતું કે, “માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી એટલે અમે આ પગલું ભરીએ છીએ. તેમાં કોઈની જવાબદારી નથી.”

    બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માનસી અને અભય એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ બે વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં પરિવારોની સંમતિથી સગાઈ પણ થઈ હતી. પરિવારજનો સામાજિક રીત-રિવાજ મુજબ લગ્ન કરાવવાની તૈયારીમાં હતા, પરંતુ લગ્નની તારીખ નક્કી ન થતા બંને ચિંતામાં હતા. પ્રાથમિક તપાસ મુજબ આ જ કારણથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

    બંને પરિવારો સામાન્ય વ્યવસાય સાથે જોડાયેલા

    માનસી છેલ્લા છ મહિનાથી પ્રોપર્ટી સંબંધિત ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે અભય મકાન દલાલીનું કામ કરતો હતો અને તેના પિતા હીરા ઉદ્યોગમાં નોકરી કરે છે.

    પોલીસે તપાસ શરૂ કરી

    સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બંને યુવાનોના મોતથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.