Blog

  • મેસ્કોટ ઇંડસ્ટ્રિયલ પાર્કની ‘Haitian Huayuan India Pvt Ltd’ કંપનીમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી: ૨૦૦થી વધુ વૃક્ષો વાવી પ્રકૃતિની રક્ષાનો સંકલ્પ લેવાયો

    પર્યાવરણ પ્રત્યે ની જવાબદારી સમજી ભવ્ય ઉજવણી કરતી HAITIAN HUAYUAN INDIA PVT LTD ના કર્મચારીઓ

    SAMACHAR DIARY 24X7, કડી: આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે પણ પર્યાવરણની જાળવણી માટે અદભુત જાગૃતિ જોવા મળી છે.

    મેસ્કોટ ઇંડસ્ટ્રિયલ પાર્ક ખાતે આવેલી પ્રખ્યાત કંપની હૈતિયાંન હુયાઉયાન ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે પર્યાવરણ દિવસ નિમિત્તે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ૨૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર અને જાણવણી:

    કંપની દ્વારા પર્યાવરણની સુરક્ષા અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે પરિસરમાં ૨૦૦ થી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

    વૃક્ષારોપણની સાથે સાથે દરેક કર્મચારીઓએ પર્યાવરણને બચાવવા અને પ્રકૃતિનું જતન કરવા માટે સામૂહિક પહેલ કરી હતી.

     

     

     

     

     

     

     

     

     

    ટોચના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ:

    આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની ઉજવણી કંપનીના ઉચ્ચ અધિકારી શ્રી લી મીન સાહેબ,ઝોંગ સાહેબ, પૂજાબેન જયસ્વાલ તથા કંપનીના સલામતી અધિકારી (Safety Officer) વિકાસભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

    આ અવસરે સમગ્ર કંપની પરિવાર અને કર્મચારીઓએ સાથે મળીને પ્રકૃતિ રક્ષાના આ યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

    વૃક્ષારોપણ કાર્યક્રમ નો અનેરો ઉત્સાહ

    આગામી સમયમાં પણ જાગૃતિ અભિયાન ચાલુ રહેશે:

    આ ખાસ દિવસે કંપનીના મુખ્ય અધિકારી શ્રી પૂજાબેન જયસ્વાલ અને સેફ્ટી વિભાગના અધિકારી શ્રી વિકાસભાઈ પટેલે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

    તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે, કંપની આગામી સમયમાં પણ પર્યાવરણની જાગૃતિ ફેલાવવા માટે સતત નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે, જેથી સમાજમાં પ્રકૃતિ પ્રત્યે સકારાત્મક સંદેશ આપી શકાય.

    #WorldEnvironmentDay #EnvironmentFriendly
    #Kadi
    #Kadinews
    #MascotIndustrialPark #HaitianHuayuan #TreePlantation #SamacharDiary24X7 #GujaratiNews

  • કેન્દ્રીય કેબિનેટના મોટા નિર્ણયો: કરોડોના પ્રોજેક્ટ્સને મંજૂરી, વાહનધારકો અને એરલાઈન્સને મળશે મોટી રાહત

    કેન્દ્રીય કેબિનેટનો મેગા નિર્ણય: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને એવિએશન ક્ષેત્રને મળશે મોટો બૂસ્ટ

    કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં દેશના વિકાસને નવી ગતિ આપતા અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કુલ ₹39,290 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને એવિએશન ક્ષેત્રને મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે.

    એવિએશન સેક્ટરને મોટી રાહત

    મધ્ય-પૂર્વમાં સર્જાયેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી ક્રૂડ ઓઇલની કિંમતોના કારણે એવિએશન ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. એરલાઈન્સને મોંઘા ભાવે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ખરીદવું પડી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ATFની કિંમતોમાં અતિશય વધારો અટકાવવા માટે ₹10,000 કરોડના પ્રાઈઝ સ્ટેબિલાઈઝેશન ફંડને મંજૂરી આપી છે. આ પગલાથી એરલાઈન્સને રાહત મળશે અને મુસાફરો પર વધતા ભાડાનો બોજ ઓછો થઈ શકે છે.

    જૂના વાહનો બદલવા માટે ખાસ યોજના

    કેબિનેટે જૂના વાહનોને તબક્કાવાર હટાવીને નવા અને પર્યાવરણમૈત્રી વાહનોને પ્રોત્સાહન આપવા માટે ₹5,041 કરોડની વિશેષ યોજનાને મંજૂરી આપી છે.આ યોજના દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકારો તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રાલયના સહયોગથી અમલમાં મૂકવામાં આવશે.

    નવું વાહન ખરીદનારને મળશે અનેક લાભ

    યોજનાના ભાગરૂપે જૂના વાહનો સ્ક્રેપ કરીને નવા વાહનો ખરીદનાર લોકોને વિવિધ પ્રકારની રાહતો આપવામાં આવશે.વાહન લોનના વ્યાજ દરમાં 5 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ માટે આગામી પાંચ વર્ષ સુધી ડિસ્કાઉન્ટ વાઉચર મળશે.વાહન ઉત્પાદક કંપનીઓ પણ વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરશે. સાથે જ રાજ્ય સરકારો નવા વાહનો પર રોડ ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપશે અને રજિસ્ટ્રેશન ફી પણ માફ કરવામાં આવશે.

    કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી

    કેબિનેટે રામેશ્વરમ, કોણાર્ક અને પારાદીપને જોડતા મહત્વાકાંક્ષી કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. ₹8,301 કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારશે, વેપાર-પરિવહનને વેગ આપશે અને પર્યટન ક્ષેત્રને પણ લાભ પહોંચાડશે.

    વિવિધ રાજ્યોમાં નવા હાઈવે પ્રોજેક્ટ્સ

    બિહાર, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ અનેક નવા ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે, મુસાફરી વધુ સરળ બનશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.

    આર્થિક વિકાસને મળશે નવી ગતિ

    કેન્દ્ર સરકારના આ નિર્ણયોનો સીધો લાભ પરિવહન, ઉદ્યોગ, એવિએશન અને સામાન્ય નાગરિકોને મળશે. એક તરફ એરલાઈન્સને ઇંધણના વધતા ખર્ચ સામે રાહત મળશે તો બીજી તરફ સામાન્ય લોકો માટે નવા વાહનો ખરીદવા વધુ સરળ બનશે.વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને માર્ગ વિકાસ યોજનાઓ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 15 વર્ષની ઉંમરે IPLમાં ધૂમ મચાવનાર વૈભવ સૂર્યવંશી પર IIM ઈન્દોર કરશે અભ્યાસ

    વૈભવ સૂર્યવંશીની સફળતાનો ફોર્મ્યુલા હવે બનશે અભ્યાસનો વિષય

    ક્રિકેટ જગતમાં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ચર્ચામાં આવેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પરંતુ શિક્ષણ અને મેનેજમેન્ટ ક્ષેત્ર માટે પણ અભ્યાસનો વિષય બનવા જઈ રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) ઈન્દોરે વૈભવ સૂર્યવંશીને કેન્દ્રમાં રાખીને વિશેષ કેસ સ્ટડી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

    દેશની પ્રથમ મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટડી

    આ અભ્યાસ માત્ર ક્રિકેટ પૂરતો મર્યાદિત નહીં રહે. રમતગમત, મનોવિજ્ઞાન, મેનેજમેન્ટ અને માનવ વિકાસના નિષ્ણાતો મળીને વૈભવની સફળતાના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરશે. અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે નાની ઉંમરમાં અસાધારણ સફળતા મેળવવા પાછળ કયા પરિબળો જવાબદાર હોય છે.

    વૈભવ મોડેલ પર થશે સંશોધન

    IIM ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ રોયના જણાવ્યા મુજબ ‘વૈભવ મોડેલ’ દ્વારા પ્રતિભા, મહેનત, પરિવારનો સહકાર, કોચિંગ, માનસિક મજબૂતી અને દબાણમાં નિર્ણય લેવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવશે. સાથે જ એવી પરિસ્થિતિઓ પણ સમજવામાં આવશે જે યુવા પ્રતિભાઓને વિશ્વસ્તરે પહોંચાડવામાં મદદરૂપ બને છે.

    72 છગ્ગા ફટકારી તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

    IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેમણે સમગ્ર સિઝનમાં 72 છગ્ગા ફટકારીને દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલનો 59 છગ્ગાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ સિદ્ધિ સાથે તેઓ એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યા.

    776 રન સાથે જીત્યો ઓરેન્જ કેપનો તાજ

    રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવે 16 ઇનિંગ્સમાં 776 રન નોંધાવ્યા હતા. 48.50ની સરેરાશ અને 237.30ના સ્ટ્રાઈક રેટ સાથે તેઓ સિઝનના સૌથી સફળ બેટર સાબિત થયા હતા. તેમના નામે એક સદી અને પાંચ અડધી સદી પણ નોંધાઈ હતી.

    માત્ર 0.3 સેકન્ડમાં નિર્ણય લેવાની ક્ષમતા

    વૈભવની સફળતા પાછળ તેમની ઝડપી વિચારશક્તિ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ક્રિકેટ વિશ્લેષકોના જણાવ્યા મુજબ તેઓ બોલર સામે માત્ર 0.3 સેકન્ડમાં શોટ પસંદ કરવાનો નિર્ણય લઈ લે છે. આ જ કારણ છે કે બોલરોને તેમની સામે યોજના બનાવવાનો પૂરતો સમય મળતો નથી.

    કોચ અને પરિવારનો મહત્વનો ફાળો

    બાળપણથી વૈભવની પ્રતિભાને ઘડવામાં તેમના કોચ મનીષ ઓઝાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હાલ રાજસ્થાન રોયલ્સના ટેક્નિકલ સ્ટાફ અને ક્રિકેટ નિષ્ણાતો પણ તેમની ટેકનિકને વધુ મજબૂત બનાવવા સતત કામ કરી રહ્યા છે. પરિવારના ત્યાગ અને સતત પ્રોત્સાહનને પણ તેમની સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

    પ્રસિદ્ધિ અને દબાણની અસરનો પણ અભ્યાસ થશે

    IIM ઈન્દોરનો અભ્યાસ માત્ર સફળતા સુધી મર્યાદિત નહીં રહે. નાની ઉંમરમાં મળતી પ્રસિદ્ધિ, સોશિયલ મીડિયા દબાણ, આર્થિક લાભ અને માનસિક પડકારો જેવા મુદ્દાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. સંશોધન દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે યુવા પ્રતિભાઓને લાંબા ગાળે કેવી રીતે સફળ બનાવી શકાય.

    કોર્પોરેટ જગત માટે પણ બનશે માર્ગદર્શિકા

    અભ્યાસના તારણો માત્ર રમતગમત પૂરતા મર્યાદિત નહીં રહે પરંતુ કોર્પોરેટ જગતમાં ટેલેન્ટ મેનેજમેન્ટ અને લીડરશિપ ડેવલપમેન્ટ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે વૈભવનું મોડેલ ભવિષ્યમાં પ્રતિભા વિકાસ માટે એક મહત્વપૂર્ણ કેસ સ્ટડી બની શકે છે.

    5 એવોર્ડ સાથે IPL સિઝનનો સૌથી મોટો સ્ટાર

    IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ ઓરેન્જ કેપ, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન સહિત કુલ પાંચ એવોર્ડ પોતાના નામે કર્યા હતા. માત્ર 15 વર્ષની ઉંમરે મળેલી આ સફળતાએ તેમને વૈશ્વિક ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.

  • ગુજરાતમાં 2030 સુધી તમામ શહેરો બનશે વાયર ફ્રી, દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ પણ શરૂ થશે

    ગુજરાતમાં વિકાસને નવી દિશા: વાયર ફ્રી સિટી મિશન અને સર્વિસ કમિશનરેટની મોટી જાહેરાત

    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ગુજરાતના શહેરી વિકાસ, આધુનિક સુવિધાઓ અને સેવા ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકની શરૂઆતમાં વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

    2030 સુધી ગુજરાતના તમામ શહેરો બનશે વાયર ફ્રી

    રાજ્ય સરકારે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્માર્ટ અને ગ્રીન સિટી વિઝનને આગળ વધારવાના ઉદ્દેશ સાથે આ યોજના અમલમાં મુકવામાં આવશે. મિશનના પ્રથમ તબક્કા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોમાં હાલના ઓવરહેડ વીજ વાયર નેટવર્કને તબક્કાવાર રીતે ભૂમિગત કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે.

    હજારો કિલોમીટર નેટવર્ક થશે અંડરગ્રાઉન્ડ

    આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન અને 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન વીજ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ કામગીરીથી ચોમાસા અને વાવાઝોડા દરમિયાન વાયર તૂટવા, શોર્ટ સર્કિટ થવા અને વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે જ શહેરોની સુંદરતા, ટ્રાફિક સલામતી અને જાહેર સુરક્ષામાં પણ વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

    દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ ગુજરાતમાં શરૂ થશે

    કેબિનેટ બેઠકમાં લેવાયેલો બીજો મહત્વપૂર્ણ નિર્ણય સેવા ક્ષેત્ર સાથે જોડાયેલો છે. રાજ્ય સરકારે દેશનું પ્રથમ ‘સર્વિસ કમિશનરેટ’ સ્થાપવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ ક્ષેત્ર માટે જેમ અલગ કમિશનરેટ કાર્યરત છે, તેવી જ રીતે હવે પ્રવાસન, માહિતી પ્રૌદ્યોગિકી, ડિજિટલ સેવાઓ, કન્સલ્ટિંગ, ફિનટેક અને અન્ય સેવા ક્ષેત્રોના વિકાસ માટે વિશેષ કમિશનરેટ બનાવવામાં આવશે.

    રોકાણ અને રોજગારીને મળશે વેગ

    સર્વિસ કમિશનરેટ દ્વારા નવી નીતિઓ ઘડવામાં આવશે, વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે પ્રયાસો થશે અને સેવા ક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પગલાથી રાજ્યમાં રોજગારીની તકો વધશે અને ગુજરાતના કુલ આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો મળશે.

    નીતિ આયોગ બેઠક માટે તૈયારીઓ તેજ

    રાજ્ય સરકાર દ્વારા આગામી નીતિ આયોગની બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટ બેઠક દરમિયાન તમામ વિભાગોને તેમના ક્ષેત્ર મુજબના વિકાસ સૂચનો અને યોજનાઓ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.

    સૂર્યઘર યોજનામાં ગુજરાતને રાષ્ટ્રીય ગૌરવ

    પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને દેશના શ્રેષ્ઠ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. 4 જૂને નવી દિલ્હીમાં યોજાનારા સમારોહમાં રાજ્યને આ સન્માન એનાયત કરવામાં આવશે.

    પ્રાકૃતિક ખેતી માટે મહાભિયાન શરૂ

    કૃષિ વિભાગ દ્વારા 1 જૂનથી 30 જૂન સુધી ‘ખેતી બચાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંકલ્પ મિશન અંતર્ગત આગામી એક વર્ષમાં વધુ પાંચ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપશે.

    ખેડૂતોના પ્રશ્નો અને ટેકાના ભાવ મુદ્દે ચર્ચા

    ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદી સંબંધિત ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે. નોંધાયેલા ખેડૂતોની સંખ્યા વધતા રાજ્યને મળતો ખરીદી ક્વોટા પણ વધ્યો છે. વધુ ક્વોટા મેળવવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા ચાલુ હોવાનું જણાવાયું છે.

    બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે ગૃહ વિભાગ આપશે માહિતી

    રાજ્યમાં ચાલી રહેલા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધના સર્ચ અભિયાન અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે આ મામલે વિગતવાર માહિતી ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

    વિકાસ, ટેક્નોલોજી અને સેવા ક્ષેત્રને પ્રાધાન્ય

    વાયર ફ્રી સિટી મિશન અને સર્વિસ કમિશનરેટ જેવા નિર્ણયો રાજ્યના આધુનિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આગામી વર્ષોમાં ગુજરાતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને રોકાણમૈત્રી રાજ્ય બનાવવા માટે આ નિર્ણયો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

  • ગુજરાતની નવી STI નીતિથી લઈને AI ક્રાંતિ સુધી: ટેક દુનિયામાં 5 મોટા ફેરફાર, નોકરીઓ અને ટેક્નોલોજીનું ભવિષ્ય બદલાશે

    ગુજરાત સરકારની નવી STI નીતિ 2026-31 જાહેર

    ગુજરાત સરકાર દ્વારા નવી વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન નીતિ જાહેર કરવામાં આવી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ રાજ્યને વૈશ્વિક જ્ઞાન અને સંશોધન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. નીતિ હેઠળ ₹1000 કરોડનું વિશેષ ઇનોવેશન ફંડ બનાવવામાં આવશે, જેનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેક્નોલોજી અને 6G જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં સંશોધન માટે થશે.

    એક લાખ સંશોધન નિષ્ણાતો તૈયાર કરવાનો લક્ષ્યાંક

    આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં એક લાખથી વધુ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા સંશોધનકારો તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે. નવી ફેલોશિપ યોજનાઓ દ્વારા યુવાનો અને મહિલા સંશોધકોને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે સાથે રાજ્યમાં સંશોધન અને ઇનોવેશન ક્લસ્ટર્સ ઉભા કરવામાં આવશે.

    BSNL અને Jio વચ્ચે સસ્તા પ્લાન્સની સ્પર્ધા

    ટેલિકોમ ક્ષેત્રમાં વધતી સ્પર્ધા વચ્ચે BSNL અને Jio ગ્રાહકોને અલગ-અલગ સુવિધાઓ સાથે આકર્ષી રહ્યા છે. BSNLનો ₹51નો પ્લાન ઓછા ખર્ચે ડેટા વાપરતા ગ્રાહકો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે, જ્યારે Jio પોતાના પ્લાન્સમાં અનલિમિટેડ કોલિંગ અને વિવિધ ડિજિટલ સેવાઓ સાથે યુવા વર્ગને ટાર્ગેટ કરી રહ્યું છે.

    Apple લાવ્યું નવી પેઢીના AI ફીચર્સ

    Apple દ્વારા નવા અપડેટમાં બેટરી પરફોર્મન્સ સુધારવા સાથે એક ખાસ સુવિધા ઉમેરવામાં આવી છે. હવે ફોનમાં ચાલતા વીડિયો માટે રિયલ ટાઈમ સબટાઇટલ્સ આપમેળે જનરેટ થઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયા ફોનમાં જ થશે, જેના કારણે વપરાશકર્તાનો ડેટા વધુ સુરક્ષિત રહેશે.

    Google Drive બનશે વધુ સ્માર્ટ

    Google Driveમાં હવે એક સાથે અનેક પાનાં સ્કેન કરવાની સુવિધા આપવામાં આવી છે. સાથે જ નવી AI ટેક્નોલોજી ધૂંધળા દસ્તાવેજોને વધુ સ્પષ્ટ બનાવી શકશે. જેના કારણે ઓફિસ અને દસ્તાવેજ સંચાલનનું કામ વધુ સરળ બનશે.

    AIના કારણે બદલાઈ રહ્યું છે જૉબ માર્કેટ

    નવી ટેક્નોલોજી સાથે નોકરીઓનું સ્વરૂપ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે. સામાન્ય ડેટા એન્ટ્રી, રૂટિન કોડિંગ અને ટેમ્પલેટ આધારિત કામોની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ AI ટૂલ્સનો અસરકારક ઉપયોગ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણી ધરાવતા લોકો માટે તકો વધી રહી છે.

    ટેક્નોલોજીનું ભવિષ્ય વધુ ઝડપથી બદલાશે

    ગુજરાતની નવી નીતિ, વૈશ્વિક AI વિકાસ, સ્માર્ટ ઉપકરણો અને ડિજિટલ સેવાઓના નવા અપડેટ્સ એ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી વર્ષોમાં ટેક્નોલોજી દરેક ક્ષેત્રમાં વધુ પ્રભાવશાળી બનવાની છે. જે લોકો સમયસર નવી કુશળતાઓ શીખશે તેઓ જ ભવિષ્યની તકોનો વધુ લાભ મેળવી શકશે.

  • 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની ચેતવણી: ગરમીથી મળશે રાહત, ચોમાસાના આગમનના એંધાણ

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા વરસાદી માહોલ જામ્યો છે.

    11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

    હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અસર

    ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે. સુરત, વલસાડ, આણંદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

    ગરમીમાં નોંધપાત્ર ઘટાડો

    રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી સુધી ઘટ્યું છે.

    અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

    અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના એકથી બે રાઉન્ડ આવી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી થોડા દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. જોકે 6 જૂન બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.

    કેરળમાં ચોમાસાની એન્ટ્રીના એંધાણ

    દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કેરળની નજીક પહોંચી ગયું છે. આગામી દિવસોમાં તેની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    અલ નીનોને લઈને વૈશ્વિક ચિંતા

    વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને આગામી મહિનાઓ માટે હવામાન સંબંધિત ચેતવણી જાહેર કરી છે. અલ નીનોની સ્થિતિ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    કેન્દ્ર સરકારે રાજ્યોને કર્યા સતર્ક

    સંભવિત હવામાન પરિવર્તનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને આગોતરી તૈયારીઓ રાખવા સૂચના આપી છે.

  • માલવીય નગરની હોટેલમાં ભીષણ આગ, 21નાં મોત; જીવ બચાવવા લોકો ઉપરથી કૂદ્યા

    દિલ્હીમાં સવારની શાંતિ વચ્ચે સર્જાઈ મોટી દુર્ઘટના

    રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં બુધવારે સવારે ભયાનક આગની ઘટના સામે આવી છે. એક રેસ્ટોરન્ટમાંથી શરૂ થયેલી આગ થોડી જ વારમાં સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 21 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.

    રેસ્ટોરન્ટથી હોટેલ સુધી આગનો કહેર

    મળતી માહિતી મુજબ સવારે લગભગ 8:50 વાગ્યે લેમન ગ્રીન નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઉપર આવેલા ફ્લોરિશ સ્ટે હોટેલના માળોને પણ ઝપેટમાં લઈ લીધા હતા. ઘટનાના સમયે હોટેલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

    જીવ બચાવવા લોકો ઉપરથી કૂદ્યા

    આગ વધતાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળ પરથી નીચે છલાંગ લગાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પણ બચાવ માટે જમીન પર ગાદલા પાથરી માનવતા દાખવી હતી.

    40થી વધુ લોકોનો રેસ્ક્યૂ

    ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ સતત કામગીરી કરીને 40થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ઘણા લોકોને ધુમાડાની અસર તેમજ ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    વિદેશી નાગરિકો પણ બન્યા ભોગ

    અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોમાં મધ્ય એશિયા અને આફ્રિકન દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જોકે હજુ સુધી તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.

    હોટેલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગાં રોકાયા હતા

    સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાંચ માળની આ હોટેલમાં લગભગ 25 રૂમ હતા. અહીં 50થી વધુ લોકો રોકાયા હતા, જેમાં મોટાભાગના લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનો અને એટેન્ડન્ટ્સ હતા.

    AIIMSમાં ઘાયલોની સારવાર શરૂ

    AIIMS દિલ્હીના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનામાં ઘાયલ થયેલા 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક લોકો બિલ્ડિંગ પરથી કૂદતા ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય લોકોને ધુમાડા અને આગની અસર થઈ છે.

    ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે હાથ ધરી કામગીરી

    દિલ્હી ફાયર સર્વિસને સવારે 8:50 વાગ્યે કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં 7 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા, બાદમાં પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ ગાડીઓ અને કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા.

    મૃત્યુઆંક વધવાની આશંકા

    બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. અનેક લોકો ગંભીર હાલતમાં હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટો ઘેરાવો, 166 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

    રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરનારાઓ સામે કાર્યવાહી તેજ

    ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે પોલીસ તંત્રે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં એકસાથે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

    અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી

    અમદાવાદ શહેરમાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ 300 જેટલા શંકાસ્પદ લોકોને તપાસ માટે લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક ચકાસણીમાં 166 લોકો બાંગ્લાદેશના નાગરિક હોવાનું બહાર આવ્યું છે.

    પૂછપરછમાં સામે આવ્યા નવા ખુલાસા

    તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અહીં રોજગારી કરીને મેળવાતી આવક અલગ અલગ માધ્યમો દ્વારા પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવતી હતી. ત્યારબાદ આ રકમ બાંગ્લાદેશ સુધી પહોંચતી હોવાની માહિતી મળી છે. ડિજિટલ ટ્રાન્સફર અને અન્ય ચેનલોની પણ તપાસ ચાલી રહી છે.

    પોલીસ કમિશનર પહોંચ્યા તપાસ કેન્દ્રે

    આ સમગ્ર કાર્યવાહી વચ્ચે શહેર પોલીસ વડા જી.એસ. મલિક પણ ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા. તેમણે પકડાયેલા લોકોની ઓળખ, ભારતમાં પ્રવેશનો માર્ગ, નિવાસસ્થાન અને રોજગાર અંગે સીધી પૂછપરછ કરી હતી.

    એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ખસ્યા હતા લોકો

    પોલીસના મતે અગાઉ થયેલી કાર્યવાહીઓ બાદ ઘણા લોકો એક જ વિસ્તારમાં રહેવાને બદલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખસી ગયા હતા. કેટલાક ભાડાના મકાનોમાં તો કેટલાક મજૂરોના રહેઠાણોમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા હોવાનું સામે આવ્યું છે.

    પૂર્વ અમદાવાદમાં વધુ સઘન તપાસ

    વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક સ્થળોએ ઓળખપત્રોની ચકાસણી સાથે રહેણાંક અને વ્યવસાયિક એકમોમાં પણ તપાસ કરવામાં આવી હતી.

    સ્પા સેન્ટરો પણ તપાસના ઘેરામાં

    તપાસ દરમિયાન કેટલાક સ્પા સેન્ટરો પણ પોલીસના રડાર પર આવ્યા હતા. અહીં કાર્યરત કેટલીક મહિલાઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ સંચાલકો તપાસ પહેલા જ ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

    મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ

    પકડાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા નોંધપાત્ર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. ઘણા લોકો લાંબા સમયથી શહેરમાં વસવાટ કરતા હોવાની માહિતી સામે આવી છે.

    હવે એજન્ટ નેટવર્ક પર ફોકસ

    પોલીસનું આગામી ધ્યાન આવા લોકોને સરહદ પાર કરાવવામાં મદદ કરનાર એજન્ટો, નકલી દસ્તાવેજો તૈયાર કરનાર ગેંગ અને સ્થાનિક સહયોગીઓ સુધી પહોંચવાનું છે. અનેક કડીઓની તપાસ હાલમાં ચાલી રહી છે.

    અભિયાન હજુ ચાલુ રહેશે

    અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક દિવસની કાર્યવાહી નથી. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચકાસણી અને સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.

  • દિલ્હીમાં ISIના 9 એજન્ટ ઝડપાયા, મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

    દિલ્હીમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ

    રાજધાની દિલ્હીમાં એક મોટા આતંકી હુમલાનું કાવતરું સુરક્ષા એજન્સીઓએ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવતા 9 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.

    હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત

    પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી હથિયારો, હેન્ડ ગ્રેનેડ તેમજ વિસ્ફોટક સામગ્રીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જપ્તી બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

    મહત્વના સ્થળો નિશાને હોવાની આશંકા

    પ્રાથમિક તપાસ મુજબ આ નેટવર્કનો હેતુ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવવાનો હતો. જેમાં સરકારી મંત્રાલયો, સુરક્ષા દળોની સંસ્થાઓ અને મુખ્ય ધાર્મિક સ્થળો પર હુમલાની યોજના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ISI અને દાઉદ નેટવર્ક સાથે કડી

    તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર આરોપીઓના સંપર્કો પાકિસ્તાન સમર્થિત હેન્ડલર્સ અને દાઉદ ઇબ્રાહિમના અંડરવર્લ્ડ નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. એજન્સીઓ હવે આ કડીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

    નેપાળ મૂળના લોકો પણ સામેલ

    સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં કેટલાક નેપાળ મૂળના વ્યક્તિઓ પણ સામેલ છે. તેમને ખાસ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    ફંડિંગ અને ભરતી નેટવર્ક તપાસ હેઠળ

    દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર મોડ્યુલ પાછળના ફંડિંગ નેટવર્ક, ભરતી પ્રક્રિયા અને લોજિસ્ટિક સપોર્ટ સિસ્ટમની તપાસ કરી રહી છે. સાથે જ ભારતમાં કાર્યરત સ્થાનિક સહયોગીઓની ભૂમિકા પણ ચકાસવામાં આવી રહી છે.

    દેશવ્યાપી સુરક્ષા એલર્ટ

    આ ધરપકડો બાદ સુરક્ષા એજન્સીઓએ વિવિધ રાજ્યોમાં સતર્કતા વધારી છે. સંવેદનશીલ વિસ્તારો અને મહત્વના જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    તપાસ હજુ ચાલુ

    અધિકારીઓનું કહેવું છે કે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

  • રણવીર-ફરહાનના વિવાદમાં સલમાન ખાનની એન્ટ્રી, ‘ડૉન 3’ મામલો થાળે પાડવાનો પ્રયાસ

    સલમાન ખાન બન્યા મધ્યસ્થી?

    બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા ‘ડૉન 3’ વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અભિનેતા સલમાન ખાને રણવીર સિંહ અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર વચ્ચે ચાલી રહેલા મતભેદને ઉકેલવા માટે પહેલ કરી હોવાનું સામે આવ્યું છે.

    ‘ડૉન 3’ છોડ્યા બાદ શરૂ થયો વિવાદ

    રણવીર સિંહે અચાનક ‘ડૉન 3’ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ ફિલ્મના નિર્માતાઓ અને રણવીર વચ્ચે તણાવ વધી ગયો હતો. મામલો એટલો આગળ વધ્યો કે ફિલ્મ કર્મચારીઓના સંગઠન FWICE દ્વારા રણવીર સામે નોન-કોઓપરેશન નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી.

    સલમાને બંને પક્ષ સાથે કરી વાત

    અહેવાલો મુજબ સલમાન ખાનના રણવીર સિંહ અને ફરહાન અખ્તર બંને સાથે સારા સંબંધો હોવાથી તેમણે વ્યક્તિગત રીતે બંને સાથે વાતચીત કરી હતી. સલમાને બંનેનો પક્ષ સાંભળીને મામલો વધુ ન વધે તે માટે સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    ક્રિએટિવ મતભેદ સામાન્ય બાબત: સલમાન

    સૂત્રોના જણાવ્યા મુજબ સલમાને ફરહાન અખ્તરને સમજાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સર્જનાત્મક મતભેદો સામાન્ય બાબત છે. આવા મુદ્દાઓને કારણે સંબંધો બગાડવા યોગ્ય નથી અને બંને પક્ષોએ વ્યાવસાયિક સંબંધો જાળવી રાખવા જોઈએ.

    ભવિષ્યમાં ફરી સાથે કામ કરવાની સલાહ

    સલમાન ખાને બંનેને વિવાદ ભૂલીને આગળ વધવાની અને ભવિષ્યમાં ફરી સાથે કામ કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. સલમાનની આ પહેલ બાદ બંને વચ્ચેનો તણાવ ઓછો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    પ્રી-પ્રોડક્શનના ખર્ચે વધાર્યો વિવાદ

    અહેવાલ મુજબ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ‘ડૉન 3’ના પ્રી-પ્રોડક્શન માટે પહેલેથી જ મોટો ખર્ચ કર્યો હતો. કંપનીએ આ ખર્ચને ધ્યાનમાં રાખીને વળતરની માંગ કરી હતી, જેના કારણે મામલો વધુ જટિલ બન્યો હતો.

    રણવીરની નારાજગીના કારણો

    સૂત્રો અનુસાર રણવીર સિંહને લાગતું હતું કે તેમના કરિયરના પડકારજનક સમયમાં પ્રોડક્શન હાઉસ અન્ય અભિનેતાઓને પણ ફિલ્મ માટે વિચારી રહ્યું હતું. આ ઉપરાંત ફિલ્મની સ્ક્રિપ્ટ અને પ્રોજેક્ટની દિશા અંગે પણ તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ ન હતા.

    10 કરોડની ઓફરનો દાવો

    રણવીરની ટીમ તરફથી એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે એક્ટરે એક્સેલને નુકસાન ન થાય તે માટે 10 કરોડ રૂપિયા અને ભવિષ્યની ફિલ્મમાં આર્થિક રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, પ્રોડક્શન હાઉસ સીધું નાણાકીય વળતર ઇચ્છતું હોવાનું કહેવાય છે.