Tag: #KirtiPatel #Surat #LandGrabbing #CrimeNews #GujaratNews #PunaPolice #BreakingNews #SuratCrime #SamacharDiary24x7 #GujaratCrime

  • સુરતમાં કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો વધુ એક ગુનો, વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યાનો આરોપ

    કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો

    સુરતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં આરોપ છે કે ભાડેથી લીધેલા ફ્લેટનું ભાડું ચૂકવ્યા વગર ફ્લેટ પર ગેરકાયદેસર કબજો જાળવી રાખ્યો અને મકાનમાલિકને ધમકીઓ આપી.

    આ કેસની તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

    વૃદ્ધ દંપતીના ફ્લેટ અંગે શું છે સમગ્ર મામલો?

    ફરિયાદ મુજબ ડુંભાલ વિસ્તારમાં આવેલી કુશલ દર્શન વાટીકામાં ફ્લેટ નંબર 203 વર્ષ 2016માં વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ખરીદ્યો હતો.

    વર્ષ 2019માં સોસાયટીના પ્રમુખની ઓળખાણથી આ ફ્લેટ કીર્તિ પટેલને દર મહિને રૂ. 9,500ના ભાડે આપવામાં આવ્યો હતો. જોકે ફરિયાદ મુજબ કીર્તિ પટેલે ભાડા કરાર માટે જરૂરી દસ્તાવેજો પૂરા કર્યા નહોતા અને સમયસર ભાડું પણ ચૂકવ્યું નહોતું.

    ફ્લેટ ખાલી કરવાની માંગ પર ધમકી આપ્યાનો આરોપ

    ફરિયાદમાં જણાવ્યા મુજબ મકાનમાલિકે અનેક વખત ફ્લેટ ખાલી કરવા રજૂઆત કરી હતી.

    આક્ષેપ છે કે કીર્તિ પટેલે ફ્લેટ ખાલી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે, “હું લાઇટ બિલ ભરું છું, ફ્લેટ ખાલી નહીં કરું. તમારાથી થાય તે કરી લો.”

    ફરિયાદ મુજબ મકાનમાલિક ફરી ફ્લેટ ખાલી કરાવવા આવતા “બીજીવાર આવશો તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ ગભરાયેલા વૃદ્ધ દંપતીએ પોલીસનો સંપર્ક કર્યો.

    કોરોના અને અન્ય કારણો આપી ભાડું ન ચૂકવ્યાનો આક્ષેપ

    ફરિયાદ અનુસાર કીર્તિ પટેલે શરૂઆતમાં બીજું મકાન શોધી લેવાનું કહી સમય માંગ્યો હતો. ત્યારબાદ કોરોના મહામારી સહિતના વિવિધ કારણો દર્શાવી ફ્લેટ ખાલી કર્યો નહોતો અને ભાડું પણ ચૂકવ્યું નહોતું.

    આ તમામ આક્ષેપોના આધારે પોલીસે હવે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

    ગઈકાલે અન્ય કેસમાં પણ થઈ હતી ધરપકડ

    ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલની ગઈકાલે બદનક્ષી અને ધમકીના અન્ય એક કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે લેન્ડ ગ્રેબિંગનો નવો ગુનો નોંધાતા તેમની કાનૂની મુશ્કેલીઓ વધુ વધી છે.

    પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.