અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો બનાવ સામે આવ્યો, AMCએ લારી જપ્ત કરી ફટકાર્યો દંડ

રાણીપમાં પાણીપુરીને લઈ વિવાદ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડીમાર્ટ પાસે ઊભેલી પાણીપુરીની લારી ફરી ચર્ચામાં આવી છે. યુવતીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે પાણીપુરી ખાતા સમયે પહેલા વાળ અને બાદમાં હાડકાં જેવો ટુકડો નીકળ્યો હતો.

માતા સાથે પાણીપુરી ખાવા ગઈ હતી યુવતી
માહિતી મુજબ યુવતી શુક્રવારે સાંજે પોતાની માતા સાથે પાણીપુરી ખાવા માટે પહોંચી હતી. શરૂઆતમાં એક પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો, પરંતુ તેમણે તે સમયે વાતને ગંભીરતાથી લીધી નહોતી.

છેલ્લી પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું
યુવતીના જણાવ્યા અનુસાર છેલ્લી પાણીપુરી ખાતા સમયે અંદરથી હાડકાં જેવો કઠોર ટુકડો બહાર આવ્યો હતો. યુવતીએ લારીવાળાને ફરિયાદ કરતા તેણે શરૂઆતમાં “આ લાકડું છે” કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

વીડિયોમાં લારીવાળાની માફી
વીડિયોમાં યુવતી કહે છે કે આસપાસના અન્ય લોકોએ પણ તે હાડકું હોવાનું જણાવ્યું હતું. બાદમાં લારીવાળાએ તેને કાપીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટુકડો કપાયો નહોતો. ત્યારબાદ તેણે પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળે છે.

AMCએ કરી કાર્યવાહી
વીડિયો વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ અને એસ્ટેટ વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીમાં બેદરકારી સામે આવતા પાણીપુરીની લારી જપ્ત કરવામાં આવી હતી.

₹10 હજારનો દંડ ફટકારાયો
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદના આધારે કાર્યવાહી કરીને લારીચાલક સામે ₹10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. હાલ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *