અમદાવાદમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
આફ્રિકન દેશો યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં ઇબોલા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા છે. અમદાવાદ પહોંચેલા 11 લોકોને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
11 લોકો હોમ આઇસોલેશનમાં
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 નાગરિકોને સેલ્ફ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમાં થલતેજ વિસ્તારમાં રહેતા 10 અને જોધપુર વિસ્તારનો 1 વ્યક્તિ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
કોઈમાં લક્ષણો નથી
AMC આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી. તેમજ તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું નથીSVP હોસ્પિટલમાં 60 બેડનો વોર્ડ તૈયાર
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે SVP હોસ્પિટલમાં અલગથી 60 બેડનો ક્વોરન્ટાઈન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જો કોઈ શંકાસ્પદ દર્દી મળે તો તેને તાત્કાલિક ત્યાં ખસેડવામાં આવશે.
એરપોર્ટ પર સઘન સ્ક્રીનિંગ શરૂ
અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા મુસાફરોનું ખાસ સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. સાંજે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી આરોગ્ય ટીમો સતત ચકાસણી કરી રહી છે.
SDF ફોર્મ ફરજિયાત કરાયું
DGCA અને સિવિલ એવિએશન મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ હવે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત બનાવાયું છે. ફ્લાઇટમાં જ આરોગ્ય સંબંધિત જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.
24 કલાક આરોગ્ય ટીમ તૈનાત
એરપોર્ટ પર 24×7 ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ તૈનાત રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે SOPનું કડક પાલન કરવાની સૂચના આપી છે.
હાલ એકપણ પોઝિટિવ કેસ નથી
આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ અમદાવાદમાં ઇબોલાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. માત્ર સાવચેતીના ભાગરૂપે હોમ આઇસોલેશન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઇબોલા કેવી રીતે ફેલાય છે?
ઇબોલા વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી અથવા શરીરના અન્ય પ્રવાહી સંપર્કથી ફેલાય છે. WHO અનુસાર આ રોગમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોઈ શકે છે.
કોંગોમાં સ્થિતિ ગંભીર
કોંગોમાં ઇબોલાના કારણે અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યાં 246થી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા WHOએ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
રાજ્ય સરકાર અને AMC વચ્ચે સંકલન
AMC, રાજ્ય આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સતત સંકલન રાખીને કામગીરી ચાલી રહી છે.







