ધોરણ-9ની વિદ્યાર્થિની પર ક્લાસમેટે કર્યો જીવલેણ હુમલો: બાથરૂમમાં બોલાવી હાથની નસો કાપી નાખી, 20 ટાંકા લેવા પડ્યા

SHARE:

આશ્રમ શાળામાં ચોંકાવનારી ઘટના

તાપી જિલ્લાના વાલોડ તાલુકાની અંબાજ હાઈસ્કૂલ (આશ્રમ શાળા)માં ધોરણ-9માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની પર તેની જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થિનીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

શૈક્ષણિક સંસ્થાની અંદર બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બાથરૂમમાં બોલાવી કર્યો હુમલો

પ્રાથમિક માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થિનીએ ભોગ બનનાર બાળકી પાસે શર્ટમાં કંઈક ભરાઈ ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ તેને શાળાના ત્રીજા માળે આવેલા બાથરૂમમાં બોલાવી લઈ ગઈ હતી. બાથરૂમમાં પહોંચ્યા બાદ અચાનક જ તેણે બાળકીનું ગળું પકડી જમીન પર પછાડી દીધી હતી અને પોતાની પાસે છુપાવી રાખેલો ચપ્પુ કાઢીને હાથ પર ઘાતકી હુમલો કર્યો હતો.

હાથની મુખ્ય નસો અને સ્નાયુઓ કપાઈ ગયા

ડોક્ટરોના જણાવ્યા અનુસાર હુમલો અત્યંત ગંભીર હતો. ચપ્પુનો ઘા એટલો ઊંડો હતો કે તે હાડકા સુધી પહોંચી ગયો હતો. હુમલામાં હાથની બંને મુખ્ય ધોરી નસો (અલ્નર આર્ટરી અને રેડિયલ આર્ટરી), મુખ્ય ચેતાતંતુઓ (નર્વ્ઝ) તેમજ સ્નાયુઓને કાર્યરત રાખતા ટેન્ડન્સ કપાઈ ગયા હતા. જેના કારણે બાળકીનો હાથ લગભગ નિષ્ક્રિય બની ગયો હતો.

સુરતમાં જટિલ સર્જરી કરવી પડી

ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને પ્રથમ વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડૉ. સ્નેહલ દીક્ષિત અને તેમની ટીમે તાત્કાલિક સર્જરી કરીને કપાયેલી ધોરી નસો, નર્વ્ઝ અને ટેન્ડન્સનું સફળતાપૂર્વક રિપેરિંગ કર્યું હતું. ઘાની ગંભીરતાને કારણે બાળકીના હાથમાં લગભગ 20 ટાંકા લેવા પડ્યા હતા.

‘ઘા હાડકા સુધી ઊંડો હતો’

ડૉ. સ્નેહલ દીક્ષિતે જણાવ્યું કે, “બાળકીના હાથમાં ઘા છેક હાડકા સુધી ઊંડો હતો. બંને ધોરી નસો અને નર્વ્ઝ સંપૂર્ણ કપાઈ ગઈ હતી. જટિલ સર્જરી કરીને તમામ ભાગોનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. હાલ હાથમાં લોહીનું પરિભ્રમણ સામાન્ય છે.”

મેડમનો ફોન આવતા પરિવાર ચોંકી ઉઠ્યો

ભોગ બનનાર વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી છેલ્લા નવ મહિનાથી આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. શાળામાંથી ફોન આવતા તેઓ તાત્કાલિક નીકળી પડ્યા હતા. ત્યારબાદ ફરી ફોન આવ્યો કે દીકરીને ગંભીર હાલતમાં વ્યારા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે દીકરીએ સમગ્ર ઘટના વિશે જાણકારી આપી હતી.

માત્ર એક અઠવાડિયાનો જ પરિચય

પરિવારના જણાવ્યા અનુસાર હુમલાખોર અને ભોગ બનનાર વિદ્યાર્થિની વચ્ચે કોઈ જૂની અદાવત કે ઝઘડો નહોતો. બંને વચ્ચે માત્ર એક અઠવાડિયાનો જ પરિચય હતો. બાળકી હુમલાખોર વિદ્યાર્થિનીને સારી રીતે ઓળખતી પણ નહોતી.

‘ગુસ્સામાં કોઈને પણ નિશાન બનાવવાનું નક્કી કર્યું’

પિતાના જણાવ્યા મુજબ, આરોપી વિદ્યાર્થિનીએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે તેને અચાનક ભારે ગુસ્સો આવ્યો હતો. ગુસ્સાના આવેશમાં તેણે કોઈને ને કોઈને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એકલી મળેલી બાળકી પર હુમલો કર્યો હતો.

પોલીસે સગીર વિદ્યાર્થિનીને કસ્ટડીમાં લીધી

ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હુમલાખોર સગીર વયની હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે હુમલામાં વપરાયેલું ચપ્પુ કબજે કર્યું છે અને તે શાળામાં કેવી રીતે પહોંચ્યું તેની તપાસ શરૂ કરી છે.

શાળા સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય પર ઉઠ્યા સવાલ

આશ્રમ શાળા જેવી સંસ્થામાં બનેલી આ ગંભીર ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા, શાળા કેમ્પસમાં ચેકિંગ વ્યવસ્થા અને કિશોર વયના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!