પ્રથમ સામાન્ય સભામાં જ સર્જાયો વિવાદ
મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ વિવાદ સર્જાયો હતો. ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર દ્વારા કમિટીઓની રચના દરમિયાન કમિશનર અને અન્ય અધિકારીઓને થોડા સમય માટે બહાર જવા કહેવામાં આવતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપ તથા કોંગ્રેસના સભ્યો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
‘અમે પક્ષનું કામ કરી લઈએ, તમે બહાર જાવ’
કમિટીઓના સભ્યોના નામ જાહેર કરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોર ઉભા થયા હતા. આ દરમિયાન તેમણે કમિશનર અને અધિકારીઓને બાજુના ચેમ્બરમાં જવા અને પક્ષની અંદરની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય આપવા જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ નિવેદન બાદ વિપક્ષે કડક વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ વધતા ભગાજી ઠાકોર પોતાના સ્થાન પર બેસી ગયા હતા.
વિપક્ષે કહ્યું- લોકશાહી માટે કલંક સમાન ઘટના
કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે આ ઘટનાને લોકશાહી માટે કલંકિત કરનારી ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય સભા મહાનગરપાલિકાનું સત્તાવાર મંચ છે, કોઈ રાજકીય પક્ષની આંતરિક બેઠક નથી. તેમણે વધુમાં કહ્યું કે કમિશનર અને અધિકારીઓને સભામાંથી બહાર જવા કહેવું નિયમ વિરુદ્ધ છે અને આવી ઘટના પ્રશાસનિક પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરે છે.
ભગાજી ઠાકોરનો ખુલાસો
વિવાદ બાદ ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીના જવાબદાર તરીકે મેન્ડેટ આપવાની પ્રક્રિયા તેમની ફરજનો ભાગ છે. તેમણે કહ્યું કે દરેક પક્ષ પોતાના દંડકને મેન્ડેટ આપે છે અને ત્યારબાદ તેઓ પ્રક્રિયામાં હાજર રહેતા નથી.
તેમણે દાવો કર્યો કે વિપક્ષના કેટલાક સભ્યોએ મુદ્દાને અનાવશ્યક રીતે ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રથમ સામાન્ય સભામાં અનેક મહત્વના ઠરાવો મંજૂર
વિવાદ વચ્ચે સામાન્ય સભામાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા.
- કાયમી કર્મચારીઓના વેતનમાંથી 10 ટકા NPS કપાતને મંજૂરી
- લાયક કર્મચારીઓને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ
- ફાયર વિભાગમાં બે ખાલી જગ્યાઓ પર ભરતીને મંજૂરી
- ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ત્રણ સફાઈ કર્મચારીઓના વારસદારોને રહેમરાહે નોકરી
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ વિકાસ કામોને મંજૂરી
- ગરીબ અને પછાત વર્ગની સોસાયટીઓને વિશેષ રાહત
- વિવિધ વહીવટી કમિટીઓની રચના
સંચાલનના નિયમો અંગે અજાણપણું સામે આવ્યું
પ્રથમ સામાન્ય સભામાં સર્જાયેલા વિવાદ બાદ એવું પણ જોવા મળ્યું કે મહાનગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓ સામાન્ય સભાના નિયમો અને પ્રક્રિયાઓ અંગે પૂરતા અવગત ન હોવાનું જણાયું હતું.







