અમદાવાદમાં બિલ્ડિંગ મંજૂરીના નિયમો કડક: વરસાદી પાણીનું નેટવર્ક નહીં હોય તો પ્રોજેક્ટ અટકી શકે

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ્સનું પ્રમાણ ઝડપથી વધ્યું છે. શહેરના વિસ્તારોમાં ઝડપથી થઈ રહેલા બાંધકામ વચ્ચે હવે બિલ્ડરો માટે નિયમોનું પાલન વધુ મહત્વનું બનશે. ખાસ કરીને વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા વિના બિલ્ડિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવાના મામલે તંત્ર કડક અભિગમ અપનાવી રહ્યું છે. હવે કોઈ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નેટવર્ક ઉપલબ્ધ નહીં હોય તો તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની મંજૂરી અટકી શકે છે. નવી બિલ્ડિંગ મંજૂરી પ્રક્રિયામાં ડ્રેનેજ તેમજ સ્ટોર્મ વોટર એટલે કે વરસાદી પાણીના નેટવર્કને પણ ધ્યાનમાં લેવામાં આવશે. માત્ર બાંધકામ માટેની જગ્યા અને અન્ય જરૂરી મંજૂરીઓ પૂરતી નહીં રહે, પરંતુ પ્રોજેક્ટ જે વિસ્તારમાં બની રહ્યો છે ત્યાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેટલી યોગ્ય છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ નિર્ણય પાછળ ચોમાસા દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સર્જાતી જળભરાવની સ્થિતિને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.

બોપલ, ઘુમા અને શેલામાં 5 દિવસ સુધી પાણી ભરાયા

તાજેતરમાં બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. 23 અને 24 જુલાઈના રોજ આ વિસ્તારોમાં આશરે 10થી 18 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેના પગલે લગભગ 300 જેટલા સ્થળોએ પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે તંત્રને લાંબો સમય લાગ્યો હતો.

બોપલ અને ઘુમાની અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું. આ વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં અંદાજે ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે શેલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ ગંભીર બની હતી અને પાણી કાઢવામાં લગભગ પાંચ દિવસનો સમય લાગ્યો હતો.

15 વર્ષથી શેલામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન

શેલાનું ઉદાહરણ આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે શેલાને વર્ષ 2009માં ઓડામાં સામેલ કરવામાં આવવાનું હતું. તેમ છતાં, લાંબા સમય બાદ પણ અહીં વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા ઉભી થઈ નથી. પરિણામે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ ગંભીર બની જાય છે.

134 કરોડના સ્ટોર્મ વોટર અને 240 કરોડના ડ્રેનેજ પ્લાન

ઘુમા, શેલા, ગોધાવી અને મણિપુર જેવા વિસ્તારોમાં જળભરાવની સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2024માં ઓડાએ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ વિસ્તારો માટે આશરે 134 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર નેટવર્ક અને 240 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, હજુ સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી.

હવે વરસાદી પાણીના નિકાલના નેટવર્કને બિલ્ડિંગ મંજૂરી સાથે જોડવાનો અભિગમ અપનાવવામાં આવતા બોપલ, ઘુમા, શેલા સહિતના વિસ્તારોમાં બાંધકામની મંજૂરી પ્રક્રિયા પર તેની સીધી અસર જોવા મળી શકે છે. એક તરફ શહેરમાં સતત વધી રહેલા બાંધકામ અને બીજી તરફ વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા વચ્ચે તંત્રનો આ નિર્ણય જળભરાવની સમસ્યા ઘટાડવા માટે કેટલો અસરકારક સાબિત થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *