Category: Uncategorized

  • ભર ઉનાળે ભાઉપુરામાં ગટરનાં પાણીની નદીઓ, દુર્ગંધથી લોકો ત્રાહિમામ

    ભર ઉનાળે ભાઉપુરામાં ગટરનાં પાણીની નદીઓ
    મહેસાણા જિલ્લાના કડી શહેરના ભાઉપુરા વિસ્તારમાં ભર ઉનાળે ગટર લાઇન ઉભરાતા રસ્તાઓ પર ગંદા પાણીનો ભરાવો થયો છે. સમગ્ર વિસ્તારમાં ગટરનાં પાણી નદીની જેમ વહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.

     રસ્તાઓ પર ગંદુ પાણી, લોકોને હાલાકી
    ગટરનું પાણી રસ્તાઓ પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

    અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહિમામ
    ઉભરાતી ગટર અને ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે દુર્ગંધના કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

     રોગચાળાનો ભય વધ્યો
    ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ખતરો વધ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

    પાલિકા સામે લોકોમાં ભારે આક્રોશ
    સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કડી પાલિકા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોનું કહેવું છે કે ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ રહી છે.

     ગંદકીથી સ્થાનિકો પરેશાન
    વિસ્તારમાં સતત ગંદકી અને ગટરનાં પાણી ભરાતા રોજિંદું જીવન પ્રભાવિત બન્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે લાંબા સમયથી આ સમસ્યા યથાવત છે છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.

     ઉગ્ર વિરોધની ચીમકી
    સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કડી પાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

  • કચ્છના દરિયામાંથી ₹1180 કરોડનું કોકેઈન ઝડપાયું, ATS-કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન

    મુંદ્રા નજીક દરિયામાં મોટી ડ્રગ્સ કાર્યવાહી
    ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કચ્છના મુંદ્રા નજીકથી 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે ₹1180 કરોડ હોવાનું કહેવાઈ રહ્યું છે.

    ‘યુરોપ’ નામના કાર્ગો શીપ પર દરોડો
    એજન્સીઓને બાતમી મળી હતી કે મુંદ્રા તરફ આવી રહેલા ‘યુરોપ’ નામના કાર્ગો શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે. માહિતીના આધારે દરિયામાં જ ઓપરેશન ચલાવી તપાસ હાથ ધરતા કોકેઈનના પેકેટો મળી આવ્યા હતા.

    બ્રાઝીલથી શરૂ થઈ હતી ડ્રગ્સની સફર
    પ્રાથમિક તપાસ મુજબ કોકેઈનનો જથ્થો બ્રાઝીલથી શીપમાં લોડ કરાયો હતો. ત્યારબાદ કાર્ગો શીપ લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને કરાંચી થઈને મુંદ્રા પહોંચ્યું હતું.

    નાની બોટ મારફતે ડિલિવરીનો પ્લાન
    તપાસમાં સામે આવ્યું છે કે મુંદ્રા નજીક પહોંચ્યા બાદ શીપમાંથી નાની બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો બહાર કાઢીને આગળ સપ્લાય કરવાનો પ્લાન હતો. આ જથ્થો અંતે દિલ્હી પહોંચાડવાનો હતો.

    ત્રણ આરોપી ઝડપાયા
    ATSએ આ કેસમાં કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક આરોપી બોટમાંથી ઝડપાયો હતો, જ્યારે દિલ્હીમાંથી બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

    ઝડપાયેલા આરોપીઓના નામ

    • જુમા નાસીર ઓમાર
    • કેલ્વિન ચુકવામા
    • બ્યારુહંગા જેમ્સ

    એક આરોપી દરિયામાં કૂદી ફરાર
    ઓપરેશન દરમિયાન એક શખ્સ દરિયામાં કૂદી ગયો હતો. હાલ કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે.

    6 પેકમાંથી 5 મળી આવ્યા
    એજન્સીઓને કુલ 6 પેક હોવાની માહિતી મળી હતી, પરંતુ હાલ 5 પેક જ કબજે થયા છે. એક પેક દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    સેટેલાઈટ ફોન અને Apple ટેબ જપ્ત
    પોલીસે આરોપીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને Appleનું ટેબ પણ કબજે કર્યું છે. ડિજિટલ ડેટાના આધારે હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે

    .દિલ્હી કનેક્શનની તપાસ શરૂ
    ATSના જણાવ્યા મુજબ ડ્રગ્સનો જથ્થો દિલ્હીના દ્વારકા વિસ્તારમાં રહેતા વિદેશી નાગરિકોને પહોંચાડવાનો હતો. હવે દિલ્હીથી આગળ આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પૂછપરછ ચાલી રહી છે.

    ગુજરાતના દરિયાઈ માર્ગનો ફરી દુરુપયોગ કરવાનો પ્રયાસ
    છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવાના અનેક પ્રયાસો સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે.

  • સાંસદ મયંક નાયક વિશે બેફામ વાણી વિલાસ : પિન્ટુ પટેલે ભાજપની શિસ્તને જ જાહેરમાં ફાડી નાખી, અપમાનજનક ઓડિયો બાદ સાંસદ મયંક નાયક માટે સહાનુભૂતિનો માહોલ

    મહેસાણા

        મહેસાણા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અંદરખાને સળગતી જૂથવાદ અને અહંકારની આગ હવે ખુલ્લેઆમ ધગધગતી દેખાઈ રહી છે. ભાજપના રાજ્યસભા સાંસદ મયંક નાયક વિરુદ્ધ સામાજિક આગેવાન તરીકે ઓળખાતા પિન્ટુ પટેલનો વાયરલ થયેલો ઓડિયો માત્ર એક વ્યક્તિની ઉશ્કેરાયેલી ભાષા નથી, પરંતુ મહેસાણા જિલ્લાના રાજકારણમાં ઊંડે સુધી ઘૂસી ગયેલી “હું જ બધું” વાળી માનસિકતાનું જીવતું ઉદાહરણ બની ગયો છે.

     ઓડિયોમાં જે રીતે પિન્ટુ પટેલ પોતાના જ પક્ષના સાંસદને “ઝીરો” ગણાવી રહ્યા છે, “અમારે તેમને ગણવાના નથી” જેવી ભાષા વાપરી રહ્યા છે અને “ફક્ત રજની પટેલની જ પોસ્ટ મૂકવાની” જેવી ધમકીભરી વાતો કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે મહેસાણા ભાજપમાં કેટલાક લોકો હવે સંગઠનથી પણ ઉપર હોવાનો ભ્રમ પાળી બેઠા છે.

    “રજની પટેલ સિવાય બીજાનો ફોટો નહીં” : શું ભાજપ હવે ખાનગી મિલ્કત બની ગયું?

      વાયરલ ઓડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પિન્ટુ પટેલ ખુલ્લેઆમ કહેતા સંભળાય છે કે રજની પટેલ સિવાય બીજા કોઈ નેતાની પોસ્ટ મૂકનાર તેમના માટે દુશ્મન સમાન ગણાશે. આ નિવેદન માત્ર રાજકીય અહંકાર નથી, પરંતુ પક્ષની સામૂહિક નેતાગીરી સામે ખુલ્લી બગાવત તરીકે જોવામાં આવી રહ્યું છે.

    પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ભાજપ હવે કેટલાક વ્યક્તિઓની ખાનગી મિલ્કત બની ગયું છે?

    શું પક્ષના  સાંસદનું પણ સન્માન નહીં રહે?

    શું વ્યક્તિપૂજા એટલી હદે પહોંચી ગઈ છે કે પોતાના જ પક્ષના નેતાઓને અપમાનિત કરવું હવે સામાન્ય બની ગયું છે?

    મહેસાણા ભાજપમાં ચાલી રહેલા આ આંતરિક ઝઘડાએ હવે પક્ષની શિસ્ત અને નેતૃત્વ બંનેને કટઘરામાં ઉભું કરી દીધા છે.

    તૃષા પટેલના પ્રમુખપદ પાછળનું “પાવર સર્કિટ” ફરી ચર્ચામાં

      વાયરલ ઓડિયો બાદ હવે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષા પટેલનું નામ પણ ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. રાજકીય ગલિયારામાં વર્ષોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે તૃષા પટેલનું પ્રમુખપદ માત્ર લોકશાહી પ્રક્રિયાનો પરિણામ નહોતું, પરંતુ પાછળથી કેટલાક પ્રભાવશાળી રાજકીય ચહેરાઓની સીધી રાજકીય ગોઠવણી કામ કરી રહી હતી.

      હવે જ્યારે તેમના પતિ પિન્ટુ પટેલ ખુદ પક્ષના સાંસદ સામે બેફામ ભાષામાં હુમલો કરતા સંભળાઈ રહ્યા છે ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સત્તાનો અહંકાર હવે એટલો વધી ગયો છે કે પક્ષની શિસ્ત અને મર્યાદાનો પણ ભંગ થવા લાગ્યો છે?

    રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો કોઈ સામાન્ય કાર્યકરે પોતાના સાંસદ વિશે આવી ભાષા વાપરી હોત તો કદાચ કલાકોમાં કાર્યવાહી થઈ ગઈ હોત. પરંતુ અહીં મામલો “પ્રભાવશાળી કેમ્પ” સાથે જોડાયેલો હોવાથી સમગ્ર ઘટનાને લઈને ભાજપનું મૌન પણ ચર્ચાનો વિષય બન્યું છે.

    મહેસાણા ભાજપમાં સંગઠન નહીં, કેમ્પ રાજકારણ?

      મહેસાણા જિલ્લાનું રાજકારણ છેલ્લા ઘણા વર્ષોથી જૂથવાદ માટે કુખ્યાત રહ્યું છે. એક તરફ નીતિન પટેલ કેમ્પ, બીજી તરફ રજની પટેલ સમર્થકો અને હવે નવા નેતાઓ વચ્ચે ચાલી રહેલા અદૃશ્ય યુદ્ધે ભાજપની અંદરની હકીકત બહાર લાવી દીધી છે.

      વાયરલ ઓડિયો એ સાબિત કરી દીધું છે કે મહેસાણા ભાજપમાં હવે સંગઠન કરતા વ્યક્તિગત વફાદારી વધુ મહત્વની બની ગઈ છે. કોણ કયા નેતાનો માણસ છે તેના આધારે રાજકીય સંબંધો નક્કી થઈ રહ્યા છે. વિકાસ, જનતા અને પક્ષની વિચારધારા પાછળ રહી ગઈ છે જ્યારે “મારો નેતા જ સર્વોપરી” વાળી રાજકીય સંસ્કૃતિ હાવી થઈ ગઈ છે.

    મયંક નાયક સામે આક્રમકતા પાછળ શું છે રાજકીય ડર?

     રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા એ પણ ચાલી રહી છે કે શું મયંક નાયકનો વધતો પ્રભાવ કેટલાક જૂના રાજકીય ગૃપોને અસ્વસ્થ કરી રહ્યો છે?

    શું મહેસાણા ભાજપમાં નવી નેતાગીરી ઊભી થવાના ભયથી આ પ્રકારની આક્રમક ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે?

    કે પછી આવનારા સમયમાં રાજકીય સમીકરણો બદલાય તે પહેલાં દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે?

    આ બધા પ્રશ્નો વચ્ચે પિન્ટુ પટેલનો વાયરલ ઓડિયો હવે માત્ર વ્યક્તિગત વિવાદ નહીં પરંતુ મહેસાણા ભાજપના આંતરિક સત્તાસંઘર્ષનું પ્રતિક બની ગયો છે.

    હવે ભાજપ પાસે માત્ર બે રસ્તા

    હવે ભાજપના ઉચ્ચ નેતૃત્વ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પક્ષ શિસ્ત બધાને માટે સમાન છે કે ફક્ત સામાન્ય કાર્યકરો માટે જ?

      જો પિન્ટુ પટેલ સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો એ સ્પષ્ટ સંદેશ જશે કે મહેસાણા ભાજપમાં કેટલાક “અસ્પૃશ્ય” રાજકીય ચહેરાઓ છે જેમને પક્ષથી પણ ઉપર માનવામાં આવે છે. અને જો કાર્યવાહી થશે તો એ પણ સાબિત થશે કે પક્ષ હવે આંતરિક ગંદકી સાફ કરવા માટે મજબૂર બન્યો છે.

    હાલ એક વાત ચોક્કસ છે — મહેસાણા ભાજપમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ હવે બંધ દરવાજાની અંદર રહ્યું નથી. વાયરલ ઓડિયોએ આખા જિલ્લાને બતાવી દીધું છે કે સત્તાના રાજકારણમાં હવે શબ્દોની મર્યાદા, પક્ષની શિસ્ત અને રાજકીય સંસ્કાર બધું જ તૂટી રહ્યું છે.

  • માંડલ તાલુકા પંચાયતની નવી ટીમ જાહેર, હવે વિકાસના વચનોને લઈને લોકોની નજર

    રિપોર્ટર : રાજભા સોલંકી

    માંડલ…

       માંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના વિવિધ મહત્વપૂર્ણ પદોની વરણી કરવામાં આવતા તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ ભાજપ દ્વારા સર્વસંમતિથી વિવિધ પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. નવનિયુક્ત પદાધિકારીઓને તાલુકા ભરના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ શુભેચ્છાઓ પાઠવી વિકાસલક્ષી કામગીરી માટે આશાવાદ વ્યક્ત કર્યો છે.

    માંડલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો જીતતા સત્તા પર મજબૂત પકડ બનાવી હતી. બહુમતી મળ્યા બાદ પક્ષની આંતરિક ચર્ચા અને સહમતિના આધારે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક જેવા મહત્વપૂર્ણ પદો માટે વરણી કરવામાં આવી હતી.

    આ રહ્યા માંડલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓ

    પ્રમુખ તરીકે કડવાસણ ગામના મનુભાઈ ડોડીયા

    ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલાપુર ગામના ચેતનાબા સંજુભા સોલંકી

    કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાસણા ગામના સુમનભાઈ પટેલ

    શાસક પક્ષના નેતા તરીકે શેર ગામના હરિકૃષ્ણ પટેલ

    દંડક તરીકે કાચરોલ ગામના કૈલાસબેન કિશોરસિંહ ઠાકોર

    ની વરણી કરવામાં આવી છે.

    ગ્રામ્ય વિકાસના મુદ્દાઓ પર રહેશે ખાસ ધ્યાન

    નવનિયુક્ત પદાધિકારીઓએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સમસ્યા, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ વ્યવસ્થા તેમજ સ્વચ્છતા જેવા પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે.

    ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, ગટર અને મૂળભૂત સુવિધાઓને લઈને ઉઠતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને નવી ટીમ સામે લોકોની અપેક્ષાઓ વધી છે. તાલુકાના લોકો હવે વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવાની આશા રાખી રહ્યા છે.

    કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ

    વરણી જાહેર થતાં જ તાલુકાના વિવિધ ગામોમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં કાર્યકરો દ્વારા મીઠાઈ વહેંચી ઉજવણી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    રાજકીય વિશ્લેષકોના મત મુજબ તાલુકા પંચાયતની આ નવી ટીમ આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. હવે લોકોની નજર નવી ટીમ કેટલા અસરકારક રીતે કામગીરી કરે છે તેના પર રહેશે.

     


     

  • મહેસાણામાં ખનીજ માફિયાનો આતંક : રાત્રિ ચેકિંગ બાદ અધિકારીઓ પર ધોકા વડે હુમલો,પોલીસ વિભાગની કામગીરી શંકાસ્પદ

    રાત્રિના ખનીજ ચેકિંગ બાદ મહેસાણા શહેરમાં સર્જાયો હંગામો

    મહેસાણા શહેરમાં ખનીજ વાહનોના ચેકિંગ દરમ્યાન ફરજ બજાવી પરત ફરી રહેલી ટીમ ઉપર હુમલો અને ધમકીની ગંભીર ઘટના સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સરકારી કામગીરી દરમિયાન બોલાચાલી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

    ઉંઝામાં ખનીજ વાહનોનું ચેકિંગ કરી પરત ફરી રહી હતી ટીમ

    ફરિયાદ મુજબ, મહેસાણા ખાતે રહેતા અને મૂળ કચ્છ જિલ્લાના દેવપર ગામના રહેવાસી દીલીપભાઈ લખુભાઈ દેવાભાઈ રબારી તથા તેમની સાથેના અધિકારીઓ ગત ૨૧ મેની મધરાતે ઉંઝા વિસ્તારમાં ખનીજ વાહનોનું ચેકિંગ કરવા માટે ગયા હતા. ટીમે ચાર ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાંથી ત્રણ ડમ્પરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે એક ડમ્પર કાયદેસર દસ્તાવેજો ધરાવતું હોવાને કારણે મુક્ત કરવામાં આવ્યું હતું.

    ચેકિંગ પૂર્ણ કર્યા બાદ ટીમ વહેલી સવારે આશરે ૩:૩૦ વાગ્યે મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલા રીયા હોન્ડા શોરૂમ અને વન ટેન હોટલ નજીક પહોંચી હતી.

    બલેનો કારમાં આવેલા શખ્સોએ કર્યો બખેડો

    આ દરમિયાન બ્લ્યુ કલરની બલેનો કારમાં આવેલા બે શખ્સોએ ટીમ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આરોપીઓમાં ગોવિંદ રૂપાજી ઠાકોર રહે-સાંપ્રા તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ અને અન્ય એક “સગલા” નામનો શખ્સ સામેલ હોવાનું જણાવાયું છે.

    ફરિયાદ અનુસાર, “સગલા” નામના શખ્સે ટીમ સાથે અપશબ્દો બોલી ઉશ્કેરાટભર્યો માહોલ ઉભો કર્યો હતો. બાદમાં ગોવિંદ ઠાકોર કારમાંથી ધોકો લઈ આવ્યો અને ટીમના સાહેદ વિકાસ જુડાળ સાથે મારામારી કરી હતી.

    “ઘરે આવી જાનથી મારી નાખીશું” : ખુલ્લી ધમકીનો આક્ષેપ

    ઘટના દરમિયાન આરોપીઓએ સરકારી કર્મચારીઓને ધમકાવતા કહ્યું હતું કે, “તને જોઈ લઈશું, તારા ઘરે આવી જાનથી મારી નાખીશું.” એટલું જ નહીં, “તું સરકારી સાહેબ હોય તો તારા ઘરનો” તેમજ “તમારે જે થાય એ કરી લેજો, FIR કરવી હોય તો કરી લેજો” જેવા ઉશ્કેરણીજનક શબ્દો પણ ઉચ્ચાર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

    સ્થળ ઉપર વધુ લોકોને બોલાવવાની ધમકી આપવામાં આવતા થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. ત્યારબાદ બંને શખ્સો બ્લ્યુ બલેનો કારમાં બેસી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

    સરકારી ફરજમાં રૂકાવટ અને હથિયારબંધી જાહેરનામાના ભંગનો ગુનો

    સમગ્ર ઘટનાને લઈને મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ દ્વારા સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી, ધમકી તથા જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી કામગીરી દરમિયાન અધિકારીઓ પર હુમલા જેવી ઘટનાઓ સામે આવતા ખનીજ માફિયા અને અસામાજિક તત્વોના બેફામ વલણ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

  • પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું, 9 દિવસમાં ₹5 સુધીનો વધારો

    ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
    દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘું થઈ ₹99.51 પ્રતિ લિટર થયું છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને ₹92.49 પ્રતિ લિટર પહોંચ્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ₹99.07 અને ડીઝલ ₹94.99 પ્રતિ લિટર થયો છે.

    9 દિવસમાં ત્રીજો વધારો
    છેલ્લા 9 દિવસમાં ઈંધણના ભાવમાં આ ત્રીજો વધારો નોંધાયો છે. 15 મેના રોજ પ્રતિ લિટર ₹3નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 19 મેના રોજ સરેરાશ 90 પૈસાનો વધારો થયો હતો. હવે ફરી વધારા બાદ કુલ વધારો લગભગ ₹5 સુધી પહોંચી ગયો છે.

    CNGના ભાવમાં પણ વધારો
    દિલ્હી-NCRમાં CNGના ભાવમાં પણ ₹1 પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં CNGના દરોમાં આ ત્રીજો વધારો છે. નવા ભાવ બાદ દિલ્હીમાં CNG ₹81.09 પ્રતિ કિલો મળી રહી છે.

    દૈનિક જીવન પર પડશે સીધી અસર
    ઈંધણના ભાવ વધતા હવે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે શાકભાજી, ફળ, અનાજ અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે. સાથે જ બસ, ઓટો અને સ્કૂલ વાહનોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.

    ખેડૂતોનો ખર્ચ વધશે
    ડીઝલ મોંઘું થતાં ટ્રેક્ટર, પંપસેટ અને ખેતી સંબંધિત સાધનો ચલાવવાનો ખર્ચ પણ વધશે. જેના કારણે કૃષિ ઉત્પાદન પર અસર પડી શકે છે.

    ક્રૂડ ઓઈલના ભાવ વધતા દબાણ
    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. ઈરાન-અમેરિકા તણાવ પહેલા ક્રૂડ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ હતું, જે હવે 100 ડોલરને પાર પહોંચી ગયું છે. જેના કારણે સરકારી ઓઈલ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું હોવાનું કહેવાય છે.

    તેલ કંપનીઓને ભારે નુકસાનનો દાવો
    સરકારી આંકડા મુજબ ઇન્ડિયન ઓઈલ, BPCL અને HPCL જેવી કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને LPG વેચાણમાં દર મહિને આશરે ₹30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે.

    PM મોદીની અપીલ
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈંધણનો ઉપયોગ સંયમથી કરવા અપીલ કરી હતી. તેમણે લોકોને જરૂરી હોય ત્યારે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

  • દાલોદ-કુણપુર હાઈવે પર એમ.જી.આર.એસ. કંપનીના કમ્પાઉન્ડમાં પ્રોહિબિશન રેડ : ₹1.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો – મુખ્ય સપ્લાયર ફરાર

    રિપોર્ટર : રાજભા સોલંકી

    578 નંગ દારૂ-બિયરનો જથ્થો કબ્જે, ઓડિશાના શ્રમિકની ઓરડીમાંથી ખુલ્યો ગેરકાયદેસર સ્ટોક

    એક આરોપી ઝડપાયો, મુખ્ય સપ્લાયર ફરાર : ઔદ્યોગિક વિસ્તારોમાં દારૂના નેટવર્કની ચર્ચા ગરમ

    અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના માંડલ તાલુકામાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતી વધુ એક મોટી ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દાલોદ-કુણપુર હાઈવે પર આવેલી એમ.જી.આર.એસ. કંપનીના કમ્પાઉન્ડમાં માંડલ પોલીસ દ્વારા હાથ ધરાયેલી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી ₹1,30,976 કિંમતનો 578 નંગ વિદેશી દારૂ અને બિયરના ટીન કબ્જે કર્યા હતા. આ કેસમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે દારૂનો મુખ્ય સપ્લાયર ગણાતો શખ્સ હાલ પણ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

    આ ઘટનાએ માત્ર પ્રોહિબિશન કાયદાના અમલ સામે જ નહીં પરંતુ માંડલ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

    પેટ્રોલિંગ દરમિયાન મળી ચોક્કસ બાતમી

    પોલીસ ફરિયાદ મુજબ તા. 21 મે 2025ના રોજ માંડલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે દાલોદ-કુણપુર રોડ ઉપર આવેલી એમ.જી.આર.એસ. કંપનીના કમ્પાઉન્ડમાં આવેલી પતરાની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે.

    બાતમી વિશ્વસનીય લાગતા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ નજીકના વિસ્તારમાંથી બે પંચ સાક્ષીઓને સાથે રાખવામાં આવ્યા હતા અને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા બાદ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.

    કંપની કમ્પાઉન્ડમાં પોલીસની એન્ટ્રી બાદ ખળભળાટ

    પોલીસ ટીમ દાલોદ-કુણપુર હાઈવે ઉપર આવેલી એમ.જી.આર.એસ. કંપનીના કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે ત્યાં કામદારોમાં પણ અચાનક દોડધામ મચી ગઈ હતી. પોલીસે કમ્પાઉન્ડમાં આવેલી પતરાની ઓરડી તરફ આગળ વધી તપાસ શરૂ કરી હતી.

    ઓરડીમાં હાજર વ્યક્તિએ પોતાનું નામ શ્રીરામ કુદ્દુલ મુંડા હોવાનું જણાવ્યું હતું. તેણે પોતે મૂળ ઓડિશા રાજ્યના કેન્દુઝર જિલ્લાના ભાગામુડા ગામનો રહેવાસી હોવાનું અને હાલ કંપનીના કમ્પાઉન્ડમાં રહી મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

    પરંતુ પોલીસને ઓરડીની અંદર દેખાતા કેટલાક પુંઠાના બોક્સ શંકાસ્પદ લાગતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

    બોક્સ ખુલતા પોલીસ પણ દંગ રહી ગઈ

    પંચોની હાજરીમાં જ્યારે બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે અંદરથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા. સામાન્ય મજૂરની ઓરડીમાં આટલો મોટો જથ્થો મળતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

    પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો :

    ઓરેન્જ હીલ વોડકા (750 એમ.એલ.) – 228 બોટલ

    ઓરેન્જ હીલ વોડકા (180 એમ.એલ.) – 230 બોટલ

    વ્હાઇટલેસ વોડકા (180 એમ.એલ.) – 99 બોટલ

    કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર (500 એમ.એલ.) – 24 ટીન

    આ રીતે કુલ 578 નંગ દારૂ અને બિયરના જથ્થાની કિંમત ₹1,30,976 થતી હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

    “માત્ર દેખરેખ રાખવાનું કહ્યું હતું” – આરોપીનો દાવો

    સ્થળ પરથી ઝડપાયેલા શ્રીરામ કુદ્દુલ મુંડાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

    તેના જણાવ્યા મુજબ દાલોદ ગામના કીર્તનસિંહ ઉર્ફે પિન્ટુ નવલસિંહ ઝાલા, જે અગાઉ એમ.જી.આર.એસ. કંપનીમાં નોકરી કરતા હતા, તેઓ અંદાજે બે દિવસ પહેલા આ દારૂનો જથ્થો ઓરડીમાં મૂકી ગયા હતા. આરોપીએ દાવો કર્યો હતો કે તેને માત્ર જથ્થાની દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

    આ નિવેદન બાદ પોલીસને હવે માત્ર એકલદોકલ દારૂના જથ્થા નહીં પરંતુ પાછળ કોઈ ગોઠવાયેલું નેટવર્ક સક્રિય હોવાની આશંકા વધુ મજબૂત બની છે.

    ઔદ્યોગિક વિસ્તારોમાં દારૂના ગેરકાયદેસર વેપારની શંકા

    સ્થાનિકોમાં ચર્ચા છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં બહારથી આવતા મજૂરો અને કામદારોની આડમાં ગેરકાયદેસર દારૂનો વેપાર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે કંપની કમ્પાઉન્ડ, મજૂરોની ઓરડીઓ અને ગોડાઉનનો ઉપયોગ સ્ટોક પોઈન્ટ તરીકે થઈ રહ્યો હોઈ શકે છે.

    ખાસ કરીને હાઈવે નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રિના સમયે થતી અવરજવર અને બહારથી આવતા વાહનો અંગે પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

    પોલીસ હવે નેટવર્ક સુધી પહોંચશે ?

    આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મુખ્ય આરોપી ગણાતો કીર્તનસિંહ ઉર્ફે પિન્ટુ ઝાલા હાલ પણ ફરાર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

    પોલીસ હવે માત્ર દારૂના જથ્થા સુધી મર્યાદિત ન રહી સમગ્ર સપ્લાય ચેઇન, માલ ક્યાંથી આવ્યો, કોના માટે સ્ટોક કરવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.

    એફ.એસ.એલ. તપાસ માટે સેમ્પલ સીલ

    પોલીસ દ્વારા દરેક બ્રાન્ડમાંથી એક-એક બોટલના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને એફ.એસ.એલ. તપાસ માટે સીલબંદ કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ પંચોની હાજરીમાં કાયદેસર રીતે કબ્જે કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

    માંડલ પોલીસે ઝડપાયેલા આરોપી શ્રીરામ કુદ્દુલ મુંડા તેમજ ફરાર આરોપી કીર્તનસિંહ ઉર્ફે પિન્ટુ નવલસિંહ ઝાલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી), 81 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    અનેક સવાલો હજુ બાકી

    આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે :

    શું કંપની કમ્પાઉન્ડનો ઉપયોગ ગેરકાયદેસર સ્ટોરેજ માટે થઈ રહ્યો હતો ?

    શું ઔદ્યોગિક વિસ્તારોમાં દારૂનું મોટું નેટવર્ક સક્રિય છે ?

    શું બહારથી આવતા મજૂરોને ઢાલ બનાવી દારૂનો વેપાર ચાલી રહ્યો છે ?

    શું સ્થાનિક સ્તરે કોઈ મોટા માથાઓની સંડોવણી છે ?

    હાલ માંડલ પોલીસની કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને હવે ફરાર આરોપીની ધરપકડ બાદ કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

     

  • જાલીસણા બસ સ્ટેશન પાસે ગંદકીનો કબજો : ગ્રામ પંચાયત સૂઈ રહી, લોકો દુર્ગંધમાં જીવવા મજબૂર

    રિપોર્ટર : રાજભા સોલંકી

    જાપાની મહેમાનો આવતા ગામમાં ગંદકીના દ્રશ્યો શરમજનક

    બસ સ્ટેશન પાસેના તળાવમાં દુર્ગંધ, કચરાના ઢગલા અને મચ્છરોનો આતંક : ગ્રામ પંચાયતના અણગઢ વહીવટ સામે લોકોમાં ઉગ્ર રોષ

    માંડલ તાલુકાના વિકસતા જાલીસણા ગામમાં એક તરફ ઔદ્યોગિક વિકાસના મોટા મોટા દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ ગામના મુખ્ય પ્રવેશદ્વાર સમાન બસ સ્ટેશન નજીક આવેલ તળાવ ગંદકીના ભરડામાં ધકેલાઈ ગયું છે. તળાવની આસપાસ ફેલાયેલી અસ્વચ્છતા, ગંદુ પાણી, પ્લાસ્ટિકના કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધને કારણે ગામની પ્રતિષ્ઠા ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઉભરી રહેલા ગામમાં આવી સ્થિતિ સામે આવતા સ્થાનિકો હવે ખુલ્લેઆમ ગ્રામ પંચાયતના વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

    બસ સ્ટેશન નજીક ગંદકીથી મુસાફરો ત્રાહિમામ

    જાલીસણા બસ સ્ટેશન પાસે આવેલ તળાવ આજુબાજુના વિસ્તારમાં ગટર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રોજબરોજ મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને કામદારો અહીંથી અવરજવર કરતા હોવા છતાં સફાઈની કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી. બસની રાહ જોતા મુસાફરોને દુર્ગંધ અને ગંદકી વચ્ચે ઊભા રહેવાની ફરજ પડી રહી છે.

    સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. તળાવમાં પાણી કરતાં વધુ કચરો અને ગંદકી જોવા મળી રહી છે. કેટલાક લોકો દ્વારા બેફામ રીતે ઘરેલુ કચરો, પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ અહીં ફેંકાતા પરિસ્થિતિ વધુ બગડી રહી છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે.

    ઇન્ડસ્ટ્રીયલ વિકાસ વચ્ચે સ્વચ્છતા ગાયબ

    જાલીસણા ગામ છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપથી વિકાસ પામતું ગામ માનવામાં આવે છે. ગામની આસપાસ વિવિધ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એકમો કાર્યરત છે. વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું પણ અહીં સતત અવરજવર રહે છે. ખાસ કરીને ગામમાં આવેલી જાપાની હોટલોમાં વિદેશી મહેમાનો રોકાતા હોવાના કારણે જાલીસણા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી રહ્યું છે.

    પરંતુ બસ સ્ટેશન નજીક જ ગંદકીથી ભરાયેલ તળાવ ગામની છબી ઉપર કાળો ડાઘ બની રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. “એક બાજુ વિદેશી મહેમાનો માટે ફાઇવ સ્ટાર સુવિધાઓની વાતો થાય છે અને બીજી બાજુ ગામના મુખ્ય વિસ્તારમાં ગંદકીના ઢગલા દેખાય છે,” તેવી ટિપ્પણીઓ હવે ગામમાં ચર્ચાનો વિષય બની છે.

    ગ્રામ પંચાયત સામે લોકોના ગંભીર આક્ષેપ

    સ્થાનિક રહેવાસીઓએ સરપંચ, તલાટી અને ગ્રામ પંચાયતના વહીવટ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં માત્ર કાગળ ઉપર સફાઈના દાવા કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા એકદમ વિપરીત છે. ગામમાં સ્વચ્છતા માટેના બજેટ અને કામગીરી અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

    સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તળાવની આસપાસ ઘાસ-ઝાડીઓ ઊગી ગઈ છે, ગંદુ પાણી જમા થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ઉનાળાની ગરમીમાં દુર્ગંધ અસહ્ય બની જાય છે. નજીકના દુકાનદારો અને રહેવાસીઓ માટે પરિસ્થિતિ માથાનો દુખાવો બની ગઈ હોવાનું કહેવાય છે.

    ચેપી રોગોની ભીતિ, તંત્ર હજુ મૌન

    તળાવની હાલતને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને સાંજના સમયે મચ્છરોનો ભારે ઉપદ્રવ રહેતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત સમયસર પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં ગંભીર આરોગ્ય સંકટ ઉભું થઈ શકે છે તેવી ચિંતા સ્થાનિકોમાં વધી રહી છે.

    એક બાજુ “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત સરકાર ગામડાઓને સ્વચ્છ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરી રહી છે, ત્યારે વિકસતા જાલીસણા ગામમાં આવી પરિસ્થિતિ સામે આવતા સરકારી અભિયાનોની વાસ્તવિકતા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

    હવે ગ્રામજનોની ચેતવણી

    સ્થાનિક લોકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ, કચરાના નિકાલની વ્યવસ્થા અને નિયમિત દેખરેખ શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆતથી લઈને વિરોધ પ્રદર્શન સુધીના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ સુધી મુદ્દો પહોંચાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી રહી છે.

    હાલ જાલીસણા બસ સ્ટેશન નજીકનું તળાવ ગામમાં ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર માત્ર આશ્વાસનો આપે છે કે ખરેખર ગંદકી દૂર કરવા મેદાનમાં ઉતરે છે.

     

  • ગંદકીના કબજામાં માંડલની ઐતિહાસિક ઓળખ, તંત્રની ઘોર નિંદ્રા થી લોકોમાં ઉગ્ર રોષ

    રિપોર્ટર:- રાજભા સોલંકી (માંડલ)

    એક સમયના રાજાશાહી ગૌરવ અને ઐતિહાસિક ઓળખનું પ્રતિક ગણાતો માંડલનો ગઢનો દરવાજો આજે ગંદકી, બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાનો જીવતો પુરાવો બની ગયો છે. ઐતિહાસિક ધરોહર તરીકે ઓળખાતું આ સ્થળ હાલ કચરાના ઢગલા, ઝાડઝાંખર, ગટરના દુર્ગંધભર્યા માહોલ અને બિનજવાબદાર વહીવટના કારણે નર્કાગારમાં ફેરવાઈ ગયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ગંદકી કોઈ અંતરિયાળ વિસ્તારમાં નહીં પરંતુ ગ્રામ પંચાયત, સિવિલ કોર્ટ અને શાળાની વચ્ચે વર્ષોથી યથાવત્ જોવા મળી રહી છે.

    સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં જવાબદાર તંત્ર માત્ર દેખાવડી સફાઈ અને કાગળ પરના અભિયાનોથી સંતોષ માની રહ્યું છે, જ્યારે હકીકતમાં ઐતિહાસિક સ્મારકની આસપાસનું દૃશ્ય સ્વચ્છતા અભિયાનના દાવાઓને ખુલ્લો પડકાર ફેંકી રહ્યું છે. લોકોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં સરકાર વારસા સંવર્ધન અને પર્યટન વિકાસની મોટી મોટી જાહેરાતો કરે છે, ત્યાં માંડલની ધરોહર ગંદકીમાં સડી રહી છે.

    ઐતિહાસિક ગૌરવ ઉપર ગંદકીનું સામ્રાજ્ય

    માંડલના ગઢના ચોક પાસે આવેલ ઐતિહાસિક દરવાજો રાજવી સમયની સ્થાપત્ય કળા અને નગરના ઇતિહાસની ઓળખ તરીકે માનવામાં આવે છે. દરવાજાની બાજુમાં ઉભેલું લાલ પથ્થરનું સ્મારક રાષ્ટ્રીય પ્રતિકોથી સુશોભિત છે, જેમાં કમળ, મોર, સિંહ અને અશોકચક્રની કોતરણી કરવામાં આવી છે. સ્મારક ઉપર કંડારાયેલ ઐતિહાસિક લખાણ આજે ધૂળ, કાઈ અને અવગણનાના કારણે લગભગ અદૃશ્ય બની ગયું છે.

    પરંતુ આ ઐતિહાસિક સ્મારકની આજુબાજુનું દૃશ્ય અત્યંત ચોંકાવનારું છે. કચરાના ઢગલાઓ વચ્ચે ઝેરી દુર્ગંધ ફેલાઈ રહી છે. બાવળ, જંગલી ઝાડીઓ અને ગંદકીના કારણે આખો વિસ્તાર બેદરકારીનો અડ્ડો બની ગયો છે. સ્થાનિકોના કહેવા મુજબ વર્ષોથી સ્મારક વિસ્તારની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. માત્ર રસ્તાની ઉપરછલ્લી સફાઈ કરીને જવાબદારી પૂર્ણ કરાઈ રહી છે.

    કોર્ટ, કચેરી અને શાળા વચ્ચે જ ગંદકીનું સામ્રાજ્ય

    આ વિસ્તાર સામાન્ય નહીં પરંતુ માંડલના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક ગણાય છે. ગ્રામ પંચાયત કચેરી, સિવિલ કોર્ટ, શાળા અને મુખ્ય માર્ગની વચ્ચે જ આ ગંદકી વર્ષોથી ફેલાયેલી હોવા છતાં કોઈ અધિકારીને સ્થિતિ સુધારવાની જરૂરિયાત અનુભવાતી નથી.

    કોર્ટમાં આવતા વકીલો, અરજદારો અને ગ્રામજનોને દરરોજ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. બીજી તરફ, નજીકમાં આવેલી શાળાના બાળકો માટે પણ આ પરિસ્થિતિ આરોગ્ય માટે જોખમી બની રહી છે. સ્થાનિકોનો સવાલ છે કે જ્યારે સરકારી કચેરીઓની બાજુમાં જ આવી દુર્દશા હોય ત્યારે ગામના અન્ય વિસ્તારોની હાલત કેટલી ભયંકર હશે?

    “સ્વચ્છતા અભિયાન” માત્ર બેનર પૂરતું?

    સ્થાનિકોમાં એવો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન હવે માત્ર ફોટોશૂટ અને બેનર પૂરતું સીમિત બની ગયું છે. ગ્રામ પંચાયત દ્વારા સફાઈ પાછળ ખર્ચ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. લોકોનું કહેવું છે કે જો જવાબદાર તંત્ર ઈમાનદારીથી કામગીરી કરતું હોત તો ઐતિહાસિક ધરોહર પાસે વર્ષોથી કચરાના ઢગલા ન જમાતા.

    સ્થાનિકો અનુસાર રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ કચરો ફેંકવામાં આવે છે, પરંતુ તેને રોકવા માટે કોઈ સીસીટીવી, દંડાત્મક કાર્યવાહી કે દેખરેખ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. પરિણામે આખો વિસ્તાર ધીમે ધીમે ગંદકીના કબજામાં જતો રહ્યો છે.

    વારસાના જતનમાં ઘોર બેદરકારી?

    વારસા સંરક્ષણના દાવાઓ વચ્ચે માંડલની આ સ્થિતિ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. ઐતિહાસિક સ્મારકો માત્ર પથ્થરની ઇમારતો નથી, પરંતુ તે એક નગરની ઓળખ અને સાંસ્કૃતિક વારસાની જીવંત નિશાની હોય છે. છતાં અહીં સંવર્ધન, રંગરોગાન, માહિતી બોર્ડ, લાઇટિંગ કે સુરક્ષા જેવી કોઈ સુવિધા જોવા મળતી નથી.

    સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે આ સ્મારકને હેરિટેજ તરીકે વિકસાવવામાં આવે, આસપાસ હરિયાળી અને બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમજ નિયમિત સફાઈ માટે જવાબદાર અધિકારીઓ નક્કી કરવામાં આવે.

    લોકોની માંગ : તાત્કાલિક કાર્યવાહી કરો

    નાગરિકોએ તંત્ર સમક્ષ કેટલીક તાત્કાલિક માંગણીઓ મૂકી છે :

    સ્મારક અને ગઢના દરવાજા આસપાસ તાત્કાલિક સંપૂર્ણ સફાઈ

    કચરાના ઢગલા અને ઝાડઝાંખર દૂર કરવાની કાર્યવાહી

    નિયમિત સફાઈ માટે કાયમી વ્યવસ્થા

    સ્મારકનું રંગરોગાન અને સંવર્ધન

    કચરો ફેંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી

    હેરિટેજ સ્થળ તરીકે વિકાસ યોજના જાહેર કરવી

    ચોતરફ સુરક્ષા જાળી અને લાઇટિંગ વ્યવસ્થા ઉભી કરવી

    હવે પ્રશ્ન માત્ર સફાઈનો નહીં, સંસ્કૃતિના જતનનો

    માંડલની આ સ્થિતિ માત્ર ગંદકીનો મુદ્દો નથી, પરંતુ ઐતિહાસિક વારસાના અપમાનનો પ્રશ્ન બની ગયો છે. વર્ષોથી બેદરકારીનો ભોગ બનેલી આ ધરોહર આજે તંત્રની નિષ્ફળતા સામે મૌન સાક્ષી બની ઉભી છે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ માત્ર કાગળ ઉપરની કામગીરીથી સંતોષ માનશે કે પછી ખરેખર ધરોહરના

     

  • ગંદકીના ભરડામાં માંડલની ઐતિહાસિક ધરોહર, ગઢના દરવાજા પાસે નર્ક જેવી સ્થિતિ

    ગઢના દરવાજા પાસે ગંદકીનો ઢગલો
    માંડલ નગરની ઓળખ ગણાતા ઐતિહાસિક ગઢના દરવાજા અને તેની બાજુમાં આવેલા સ્મારકની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વર્ષોથી યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે સમગ્ર વિસ્તાર કચરો, ઝાડઝાંખર અને અસહ્ય દુર્ગંધથી ઘેરાઈ ગયો છે.

    ઐતિહાસિક સ્મારકનું અસ્તિત્વ જોખમમાં
    ગઢના ચોક પાસે આવેલું આ સ્મારક રાજાશાહી સમયની ઐતિહાસિક ઓળખ ધરાવે છે. લાલ પથ્થર પર રાષ્ટ્રીય પ્રતિકો જેવી કે કમળ, મોર, સિંહ અને અશોકચક્રની કોતરણી કરવામાં આવી છે. જોકે જાળવણીના અભાવે સ્મારક પરનું ઐતિહાસિક લખાણ હવે અદૃશ્ય થવા લાગ્યું છે.

    સ્મારક આસપાસ ગંદકી અને ઝાડીઓનો કબજો
    સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મારકની આજુબાજુમાં વર્ષોથી કચરાના ઢગલા ખડકાયા છે. બાવળ અને ઝાડીઓ ઉગી નીકળતાં સમગ્ર વિસ્તાર બેદરકારીનું ચિત્ર રજૂ કરી રહ્યો છે. દુર્ગંધના કારણે લોકો માટે ત્યાં ઉભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

    શાળા અને કોર્ટ વચ્ચે જ ખરાબ સ્થિતિ
    આ વિસ્તારની આસપાસ ગ્રામ પંચાયત કચેરી, સિવિલ કોર્ટ અને પ્રાથમિક શાળા આવેલી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે, છતાં સફાઈ વ્યવસ્થાની હાલત અત્યંત ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે. શાળાઓ શરૂ થવાના કારણે બાળકોના આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

    તંત્ર સામે લોકોમાં ભારે રોષ
    સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર માત્ર કાગળ પર સફાઈના દાવા કરે છે, પરંતુ હકીકતમાં ઐતિહાસિક ધરોહર ગંદકીમાં સડી રહી છે. નાગરિકોએ સ્મારક વિસ્તારની તાત્કાલિક સફાઈ, ઝાડઝાંખર દૂર કરવી અને નિયમિત જાળવણી શરૂ કરવાની માંગ કરી છે.

    સૌંદર્યીકરણ અને સંવર્ધનની માંગ
    લોકોએ સ્મારક આસપાસ જાળીનું રંગરોગાન, લાઇટિંગ અને પરિસરને સ્વચ્છ બનાવી ઐતિહાસિક વારસાનું સંવર્ધન કરવાની પણ માંગ ઉઠાવી છે.