ગંદકીના ભરડામાં માંડલની ઐતિહાસિક ધરોહર, ગઢના દરવાજા પાસે નર્ક જેવી સ્થિતિ

ગઢના દરવાજા પાસે ગંદકીનો ઢગલો
માંડલ નગરની ઓળખ ગણાતા ઐતિહાસિક ગઢના દરવાજા અને તેની બાજુમાં આવેલા સ્મારકની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વર્ષોથી યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે સમગ્ર વિસ્તાર કચરો, ઝાડઝાંખર અને અસહ્ય દુર્ગંધથી ઘેરાઈ ગયો છે.

ઐતિહાસિક સ્મારકનું અસ્તિત્વ જોખમમાં
ગઢના ચોક પાસે આવેલું આ સ્મારક રાજાશાહી સમયની ઐતિહાસિક ઓળખ ધરાવે છે. લાલ પથ્થર પર રાષ્ટ્રીય પ્રતિકો જેવી કે કમળ, મોર, સિંહ અને અશોકચક્રની કોતરણી કરવામાં આવી છે. જોકે જાળવણીના અભાવે સ્મારક પરનું ઐતિહાસિક લખાણ હવે અદૃશ્ય થવા લાગ્યું છે.

સ્મારક આસપાસ ગંદકી અને ઝાડીઓનો કબજો
સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મારકની આજુબાજુમાં વર્ષોથી કચરાના ઢગલા ખડકાયા છે. બાવળ અને ઝાડીઓ ઉગી નીકળતાં સમગ્ર વિસ્તાર બેદરકારીનું ચિત્ર રજૂ કરી રહ્યો છે. દુર્ગંધના કારણે લોકો માટે ત્યાં ઉભું રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

શાળા અને કોર્ટ વચ્ચે જ ખરાબ સ્થિતિ
આ વિસ્તારની આસપાસ ગ્રામ પંચાયત કચેરી, સિવિલ કોર્ટ અને પ્રાથમિક શાળા આવેલી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે, છતાં સફાઈ વ્યવસ્થાની હાલત અત્યંત ખરાબ હોવાનું લોકો કહી રહ્યા છે. શાળાઓ શરૂ થવાના કારણે બાળકોના આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.

તંત્ર સામે લોકોમાં ભારે રોષ
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર માત્ર કાગળ પર સફાઈના દાવા કરે છે, પરંતુ હકીકતમાં ઐતિહાસિક ધરોહર ગંદકીમાં સડી રહી છે. નાગરિકોએ સ્મારક વિસ્તારની તાત્કાલિક સફાઈ, ઝાડઝાંખર દૂર કરવી અને નિયમિત જાળવણી શરૂ કરવાની માંગ કરી છે.

સૌંદર્યીકરણ અને સંવર્ધનની માંગ
લોકોએ સ્મારક આસપાસ જાળીનું રંગરોગાન, લાઇટિંગ અને પરિસરને સ્વચ્છ બનાવી ઐતિહાસિક વારસાનું સંવર્ધન કરવાની પણ માંગ ઉઠાવી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *