ગિફ્ટ સિટી નજીક ₹190 કરોડની જમીન કૌભાંડનો પર્દાફાશ, NRI ખેડૂતની 18 વીઘા જમીન હડપવાનો આરોપ

ગિફ્ટ સિટી નજીક કરોડોની જમીન કૌભાંડ બહાર આવ્યું
ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક આવેલા રતનપુર ગામમાં કરોડોની કિંમત ધરાવતી જમીન સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. SIT અને કલેક્ટર કક્ષાની તપાસમાં સામે આવ્યું છે કે એક NRI વૃદ્ધ ખેડૂતની જાણ બહાર અંદાજે 18 વીઘા જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 190 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
NRI ખેડૂતના નામે ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરાઈ
ફરિયાદ મુજબ ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામના રહેવાસી અને હાલમાં વિદેશમાં વસતા પ્રભુદાસ પટેલે વર્ષ 2007માં રજિસ્ટર્ડ દસ્તાવેજ મારફતે આ જમીન ખરીદી હતી. લાંબા સમયથી જમીનનો કબજો અને રેવન્યુ રેકોર્ડ તેમના નામે જ હતો. જોકે બાદમાં તેમને જાણ થઈ કે તેમના નામે ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને જમીનના વેચાણ સંબંધિત દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે.
ખોટી સહી અને નોટરાઇઝ દસ્તાવેજોથી કારસ્તાન
તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓએ ખેડૂતની બનાવટી સહી કરીને પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી અને તેને નોટરી સમક્ષ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આ જ દસ્તાવેજોના આધારે જમીનનું વેચાણ દર્શાવતાં દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ જમીનના વાસ્તવિક માલિકને કોઈ રકમ ચૂકવવામાં આવી નહોતી.
જમીન પર પોતાના નામનું બોર્ડ લગાવી દીધું
જ્યારે પ્રભુદાસ પટેલે સ્થળ પર જઈ તપાસ કરી ત્યારે જમીન પર અન્ય વ્યક્તિના નામનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, તેમના નામે ખોટું સોગંદનામું તૈયાર કરીને તેને પણ નોટરાઇઝ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
કલેક્ટર કક્ષાની તપાસ બાદ નોંધાયો ગુનો
આ સમગ્ર મામલો કલેક્ટર ગાંધીનગર અને જમીન તકેદારી સમિતિ સમક્ષ પહોંચ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ કલેક્ટરના આદેશથી ડભોડા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ આ મામલે બનાવટી દસ્તાવેજો સંબંધિત ગુનો નોંધાઈ ચૂક્યો હતો અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ વર્ષ 2024માં આ મામલે SIT સમક્ષ અરજી કરવામાં આવી હતી. શરૂઆતમાં માત્ર ખોટા દસ્તાવેજો અંગે કાર્યવાહી થઈ હતી, પરંતુ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો નહોતો. ત્યારબાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના નિર્દેશ બાદ આખરે નવા કલેક્ટરના આદેશથી જમીન હડપવાના ગુનાની નોંધ લેવામાં આવી છે.
મોટા માથાઓની સંડોવણીની ચર્ચા
સૂત્રો મુજબ સમગ્ર પ્રકરણમાં માત્ર એક વ્યક્તિનું નામ આગળ આવ્યું છે, પરંતુ કરોડોની જમીન સાથે જોડાયેલા આ કૌભાંડમાં અન્ય પ્રભાવશાળી લોકોની ભૂમિકા હોવાની પણ ચર્ચા છે. તપાસ વધુ ઊંડાણથી થાય તો બિલ્ડર લોબી અને અન્ય ઉચ્ચ સ્તરના લોકોના નામ પણ સામે આવી શકે તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *