Skip to content
ગુજરાતમાં મેઘમહેરનો કહેર! 81 તાલુકામાં વરસાદ, શહેરા-કોઠંબામાં જળબંબાકાર
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5 ઇંચ જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
કોઠંબામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
મહીસાગરના કોઠંબામાં છેલ્લા બે કલાક દરમિયાન જ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલના શહેરામાં પણ 5 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ અને 41 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા ફૂંકાવાની શક્યતા છે.
અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગરમાં પણ મેઘમહેર
અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં શહેરમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરા સહિતના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું.વરસાદના કારણે સોલા, એસ.જી. હાઇવે અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી હતી, જેના પગલે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
13 ઓગસ્ટ બાદ ફરી વરસાદનું જોર વધવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 13 ઓગસ્ટ સુધી અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાં વધુ વરસાદની શક્યતા છે.
14 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સર્જાનારી લો-પ્રેશર સિસ્ટમની અસરથી 17થી 19 ઓગસ્ટ અને 22થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી ઝાપટાંનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 31 ઓગસ્ટથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત બાદ પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
Leave a Reply