Blog

  • ઈરાન યુદ્ધથી દુનિયામાંથી 115 કરોડ બેરલ તેલ ગાયબ: ઓઈલ રિઝર્વ 36 વર્ષના તળિયે, ટ્રમ્પનો દાવો- 4 અઠવાડિયામાં ભંડાર ખતમ થઈ જાત

    ચાર મહિનાના યુદ્ધે સર્જ્યું વૈશ્વિક તેલ સંકટ

    ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલ્યું હોવા છતાં વૈશ્વિક તેલ બજાર હજુ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં પરત ફર્યું નથી. એનાલિટિક્સ ફર્મ Kplerના રિપોર્ટ મુજબ યુદ્ધના લગભગ ચાર મહિનામાં દુનિયાના બજારમાંથી 115 કરોડ બેરલ તેલનો પુરવઠો ગાયબ થઈ ગયો છે. આ સંકટની અસર આગામી ઘણા મહિનાઓ સુધી જોવા મળી શકે છે.

    સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ ઝડપથી ઘટ્યા

    યુદ્ધ દરમિયાન મધ્ય પૂર્વમાંથી તેલની સપ્લાય લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. પરિણામે વિવિધ દેશોએ પોતાના સ્ટ્રેટેજિક અને કોમર્શિયલ ઓઈલ રિઝર્વનો ઉપયોગ કરવો પડ્યો હતો. રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક મહિનામાં લગભગ 19 કરોડ બેરલ તેલ સ્ટોકમાંથી બહાર લેવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના રિઝર્વ 1990 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

    અમેરિકાનો ઈમરજન્સી રિઝર્વ 43 વર્ષના તળિયે

    અમેરિકી ઈમરજન્સી ઓઈલ રિઝર્વ પણ છેલ્લા 43 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G7 બેઠક દરમિયાન દાવો કર્યો હતો કે જો યુદ્ધ વધુ લાંબું ચાલ્યું હોત તો અમેરિકાનો ઓઈલ સ્ટોક આગામી ચાર અઠવાડિયામાં લગભગ ખતમ થઈ જાત.

    યુદ્ધવિરામ બાદ તેલના ભાવમાં રાહત

    યુદ્ધ દરમિયાન બ્રેન્ટ ક્રૂડનો ભાવ 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. જોકે અમેરિકા-ઈરાન સમજૂતીના સમાચાર બાદ બજારમાં રાહત જોવા મળી છે. હાલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયો છે. તેમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ભાવ ઘટવાથી સંકટ પૂર્ણ થયું છે એવું માનવું યોગ્ય નથી.

    હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યું છતાં સપ્લાય સામાન્ય નહીં બને

    તેલ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોના મતે હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થયા બાદ પણ સપ્લાય ચેઇનને સંપૂર્ણ રીતે સામાન્ય થવામાં લાંબો સમય લાગી શકે છે. સૌપ્રથમ દરિયાઈ માર્ગોમાંથી લેન્ડમાઈન્સ દૂર કરવી પડશે. ત્યારબાદ ટેન્કરોની અવરજવર, ઉત્પાદન વધારવું અને સપ્લાય ચેઇન પુનઃસ્થાપિત કરવી પડશે.

    બજાર હજુ જોખમમાંથી બહાર નથી

    RBC Capital Marketsના હેલિમા ક્રોફ્ટના જણાવ્યા મુજબ બજાર હાલ જરૂર કરતાં વધુ આશાવાદી બની રહ્યું છે. તેમના મતે સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થયું છે એવું માનવું ઉતાવળભર્યું સાબિત થઈ શકે છે કારણ કે તેલ પુરવઠાને પૂર્વવત્ સ્થિતિમાં લાવવો હજુ પણ મોટો પડકાર છે.

    OPEC દેશો ઉત્પાદન વધારી શકે છે

    Infrastructure Capital Advisorsના CEO જે હેટફિલ્ડનું માનવું છે કે નાણાકીય દબાણનો સામનો કરી રહેલા OPEC દેશો આગામી સમયમાં ઉત્પાદન વધારી શકે છે. જો ઉત્પાદન વધશે તો બજારમાં પુરવઠો વધશે અને કિંમતો પર દબાણ આવી શકે છે.

    115 કરોડ બેરલની ખોટ ભરપાઈ કરવી સરળ નહીં

    નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા 115 કરોડ બેરલ તેલની ભરપાઈ કરવી સરળ નથી. જો વૈશ્વિક ઉત્પાદન રોજિંદી માંગ કરતાં 50 લાખ બેરલ વધુ પણ કરવામાં આવે તો પણ આ ખોટ ભરવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે.

    દુનિયામાં રોજ 10.3 કરોડ બેરલ તેલનું ઉત્પાદન થાય છે

    IEA અને EIAના આંકડા મુજબ હાલ દુનિયામાં દરરોજ સરેરાશ 10.3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થાય છે. અમેરિકા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. ત્યારબાદ સાઉદી અરેબિયા, રશિયા, કેનેડા અને ઈરાકનો ક્રમ આવે છે. આ પાંચ દેશો મળીને વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 40 ટકા હિસ્સો પૂરો પાડે છે. તેથી આ દેશોમાં કોઈપણ પ્રકારની અસ્થિરતા સીધી વૈશ્વિક બજાર અને પેટ્રોલ-ડીઝલના ભાવોને અસર કરે છે.

  • 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે જમીન વેચાણનો આરોપ: અરવલ્લીમાં કરોડોની જમીન સોદા મામલે SIT તપાસની માંગ

    53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતના નામે દસ્તાવેજનો દાવો

    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામની કરોડો રૂપિયાની જમીનના સોદાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે જે ખેડૂતનું વર્ષ 1972માં અવસાન થઈ ચૂક્યું છે, તેના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયા છે. આ સમગ્ર મામલે યુવરાજસિંહે દસ્તાવેજી વિગતો જાહેર કરીને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

    1972માં અવસાન, 2025માં પાવર ઓફ એટર્ની?

    યુવરાજસિંહના જણાવ્યા મુજબ વાસણીરેલ ગામના મૂળ ખાતેદાર છગનભાઈ જીવણભાઈ પટેલનું 14 જાન્યુઆરી 1972ના રોજ અવસાન થયું હતું. મૃત્યુની સત્તાવાર નોંધ પણ ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે. તેમ છતાં 8 એપ્રિલ 2025ના રોજ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની અને વેચાણ દસ્તાવેજ નોંધાયો હોવાનું દસ્તાવેજોમાંથી સામે આવતું હોવાનું યુવરાજસિંહનો દાવો છે.

    આધાર કાર્ડ અને જમીન રેકોર્ડ વચ્ચે વિસંગતતા

    યુવરાજસિંહે વધુમાં આક્ષેપ કર્યો છે કે દસ્તાવેજમાં રજૂ કરાયેલા આધાર કાર્ડમાં છગનભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવવામાં આવી છે. જ્યારે મહેસૂલી રેકોર્ડ મુજબ આ જમીન વર્ષ 1950થી તેમના નામે નોંધાયેલી હોવાનું સામે આવે છે. જન્મ વર્ષ અને જમીનની માલિકી વચ્ચેની આ વિસંગતતા અનેક સવાલો ઉભા કરે છે.

    વારસદારોને બાજુએ રાખી વેચાણ થયું હોવાનો આક્ષેપ

    દાવા મુજબ મૂળ ખાતેદારના કાયદેસરના વારસદારો હયાત હોવા છતાં વારસાઈ પેઢીનામું નોંધ્યા વગર સીધો વેચાણ વ્યવહાર કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દસ્તાવેજમાં દર્શાવાયેલા સાક્ષીઓનો ગામ સાથે સીધો સંબંધ ન હોવાનું પણ યુવરાજસિંહે જણાવ્યું છે.

    20.60 લાખના ચેક ટ્રાન્ઝેક્શનની તપાસની માંગ

    જમીનના સોદામાં રૂ.20.60 લાખના ચેક દ્વારા નાણાકીય વ્યવહાર દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. યુવરાજસિંહે માંગ કરી છે કે આ રકમ કયા ખાતામાં જમા થઈ, કોના દ્વારા ઉપાડવામાં આવી અને સમગ્ર વ્યવહાર દરમિયાન કઈ પ્રક્રિયા અપનાવવામાં આવી તેની પણ વિગતવાર તપાસ થવી જોઈએ.

    SIT રચી ફોજદારી ગુનો નોંધવાની માંગ

    યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે જમીન ખરીદનાર, દસ્તાવેજ સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ સંભવિત રીતે જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. તેમણે વિવાદિત દસ્તાવેજ રદ કરીને સમગ્ર પ્રકરણની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવાની પણ માંગ કરી છે.

    સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

    આક્ષેપો સામે હજુ સુધી સંબંધિત સરકારી વિભાગો અથવા સંકળાયેલા વ્યક્તિઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ વધુ જોર પકડી રહી છે.

  • મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં દુર્ઘટના, સભા મંડપની છત ધરાશાયી: 6નાં મોત, 30થી વધુ શ્રદ્ધાળુ ઘાયલ

    શનિવારની ભીડ વચ્ચે સર્જાઈ મોટી દુર્ઘટના

    મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાનમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હનુમાન મંદિરના સભા મંડપની છત અચાનક ધરાશાયી થતાં અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 6 લોકોનાં મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

    કીર્તન અને મહાપ્રસાદ દરમિયાન છત તૂટી પડી

    શનિવારના દિવસે હનુમાનજીના દર્શન, કીર્તન અને મહાપ્રસાદ માટે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા. આ દરમિયાન સભા મંડપની છત અચાનક તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટના એટલી અચાનક બની કે લોકોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો.

    નિર્માણાધીન સભા મંડપ બન્યો દુર્ઘટનાનું કારણ

    અહેવાલો અનુસાર મંદિરની સામે નવા સભા મંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ જ માળખાનો એક ભાગ અચાનક તૂટી પડતાં સિમેન્ટ, લોખંડના સળિયા અને ભારે કાટમાળ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પ્રશાસનની ટીમો તરત જ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી.

    30થી 40 લોકો દબાયા હોવાની આશંકા

    પ્રશાસનના પ્રાથમિક અંદાજ મુજબ કાટમાળ નીચે 30થી 40 લોકો ફસાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

    પોલીસ અને પ્રશાસન એક્શન મોડમાં

    ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF જેવી બચાવ ટીમો અને જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાટમાળ હટાવવા માટે JCB અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    CCTVમાં કેદ થયા હચમચાવી દેનારા દ્રશ્યો

    દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. વીડિયોમાં ભીડ વચ્ચે અચાનક છત ધરાશાયી થતી જોવા મળે છે. ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    મૃતકોની ઓળખ પ્રક્રિયા શરૂ

    પ્રશાસન દ્વારા મૃતકોની ઓળખ અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.

     

  • ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી આપશે Re-NEET પરીક્ષા, ડ્રોન સર્વેલન્સથી લઈને લાઈવ મોનિટરિંગ સુધી કડક વ્યવસ્થા

    પેપર લીક બાદ ફરી યોજાશે NEET પરીક્ષા

    NEET-UG પેપર લીક વિવાદ બાદ હવે 21 જૂને દેશભરમાં Re-NEET પરીક્ષા યોજાવા જઈ રહી છે. ગુજરાતના 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં લાખો ઉમેદવારો ફરી એકવાર પરીક્ષામાં બેસશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    અમદાવાદના 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ

    અમદાવાદ શહેરમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોનું કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 8 ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પેપરના પરિવહન માટે પોલીસ એસ્કોર્ટ આપવામાં આવશે અને NTAની ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે.

    સાયબર અને ક્રાઈમ બ્રાન્ચ પણ રહેશે એલર્ટ

    પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી ન ફેલાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ સતત મોનિટરિંગ કરશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર પણ કાર્યરત રહેશે.

    વિદ્યાર્થીઓ માટે દોડશે સ્પેશિયલ ટ્રેનો

    પશ્ચિમ રેલવે દ્વારા NEET ઉમેદવારોની વધારાની મુસાફરીને ધ્યાનમાં રાખીને ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મણિનગર – બાંદ્રા ટર્મિનસ
    ઓખા – ગાંધીનગર કેપિટલ
    ભાવનગર ટર્મિનસ – ગાંધીગ્રામ
    રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે.

    રેલવે સ્ટેશન પર હેલ્પડેસ્ક શરૂ

    વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને ટ્રેન, સમયપત્રક અને મુસાફરી અંગે માર્ગદર્શન આપવા માટે રેલવે કર્મચારીઓ તૈનાત રહેશે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને અનેક સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવશે.

    રાજકોટમાં 12 કેન્દ્રો પર 5330 ઉમેદવારો

    રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 12 પરીક્ષા કેન્દ્રો પર 5330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્નપત્રો એરફોર્સ મારફતે હવાઈ માર્ગે પહોંચાડવામાં આવશે. CISFના જવાનો અને સ્થાનિક પોલીસની સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રો કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે. દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે.

    સુરતમાં 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ

    સુરત જિલ્લામાં કુલ 22 કેન્દ્રો પર 10,301 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને બપોરે 1:30 વાગ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટલ ડિટેક્ટર, બાયોમેટ્રિક ચકાસણી અને કડક સુરક્ષા તપાસ બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે.

    વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી

    પેપર લીક બાદ યોજાઈ રહેલી Re-NEET પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ મોટી કસોટી સમાન બની છે. ડ્રોન સર્વેલન્સ, લાઈવ મોનિટરિંગ, CISF સુરક્ષા, સાયબર વોચ અને સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વચ્ચે આ વખતે પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા યોજવાનો તંત્રનો મોટો પડકાર રહેશે.

  • સતલાસણા ના ભાણવાસ ડેરીમાં દાદાગીરીનો દૂધિયો વિસ્ફોટ! પશુપાલકોએ રસ્તા પર ઢોળ્યું દૂધ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

    અહેવાલ : મૂળજીભાઈ ગોસાઈ (સતલાસણા)

    મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાયો છે. ડેરીના સંચાલન અને વહીવટ સામે નારાજ થયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી વિરોધ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે.

    મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસથી ભાણવાસ ગામના અનેક પશુપાલકોનું દૂધ સ્થાનિક ડેરી દ્વારા સ્વીકારવામાં આવતું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે દરરોજ અંદાજે 300 થી 400 લીટર દૂધ વેચાણ વગર રહી જતું હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પશુપાલકોનું કહેવું છે કે દૂધ ન સ્વીકારાતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન તેમનો મુખ્ય વ્યવસાય અને આવકનો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં ડેરી દ્વારા દૂધ લેવામાં ઇનકાર કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પરિણામે કેટલાક પશુપાલકોને ખાનગી વાહનો ભાડે કરીને અન્ય સ્થળે દૂધ મોકલવાની ફરજ પડી હતી. જોકે વધતા ખર્ચ અને મુશ્કેલીઓના કારણે આખરે પશુપાલકોએ ડેરી સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો હતો.

    વિરોધ દરમિયાન રોષે ભરાયેલા પશુપાલકોએ ડેરી આગળ દૂધ ઢોળી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડેરી આગળ દૂધની નદીઓ વહેતી જોવા મળતા સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે તેમની વારંવારની રજૂઆતો છતાં ડેરીના જવાબદારો દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

    વિવાદનું મુખ્ય કારણ ડેરીના સંચાલન અને વહીવટી વ્યવસ્થા હોવાનું પણ પશુપાલકો જણાવી રહ્યા છે. પશુપાલકોના આક્ષેપ મુજબ છેલ્લા લગભગ 40 વર્ષથી ડેરીના સભાસદો અને પ્રમુખપદમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. નિયમો મુજબ નિશ્ચિત સમયગાળાએ ચૂંટણી અને વહીવટી ફેરબદલ થવા જોઈએ, પરંતુ ભાણવાસ ડેરીમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતી નથી તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

    પશુપાલકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલી ડેરીની બેઠકમાં કેટલાક સભ્યોએ આ મુદ્દો ઉઠાવી વહીવટી પારદર્શિતા અને નિયમિત ચૂંટણી અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને રજૂઆત કરનારા કેટલાક લોકોને બેઠકમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

    ઘટનાને પગલે ગામમાં ડેરીના વહીવટ સામે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે ડેરી જેવી સહકારી સંસ્થાઓ ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કાર્ય કરતી હોય છે, પરંતુ જો તેમની સમસ્યાઓ સાંભળવામાં નહીં આવે તો સહકારી માળખા પર જ પ્રશ્નો ઉભા થાય છે.

    હાલ પશુપાલકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાના સહકારી વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સાથે જ ડેરીના વહીવટ, સભાસદોની પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

    ભાણવાસ ગામમાં સર્જાયેલા આ વિવાદ બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને પશુપાલકોની સમસ્યાનો શું ઉકેલ આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ગામના પશુપાલકોનું સ્પષ્ટ કહેવું છે કે તેમની સાથે ન્યાય થાય અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક પુનઃ શરૂ કરવામાં આવે તે જરૂરી છે, નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.

  • કોંગ્રેસે દેશને ગરીબી અને લાચારીમાં ધકેલ્યો, આજે ભારત વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા: PM મોદી

    NDA બેઠકમાં PM મોદીનો કોંગ્રેસ પર સીધો હુમલો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલી NDAના ઘટક પક્ષોની વિશેષ બેઠકમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન NDA સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી છે કે દેશ કોંગ્રેસના કુશાસન અને ભ્રષ્ટ વ્યવસ્થાના ચક્રવ્યૂહમાંથી બહાર આવ્યો છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં દેશ ગરીબી, લાચારી અને નિરાશાના માહોલમાં ફસાઈ ગયો હતો, જ્યારે આજે ભારત આત્મવિશ્વાસ સાથે વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.

    ‘ન્યૂ મિડલ ક્લાસ’ના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને જણાવ્યું કે વર્ષ 2014માં જે લોકો ગરીબીમાં જીવતા હતા તેઓ આજે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કારણે ‘ન્યૂ મિડલ ક્લાસ’નો ભાગ બન્યા છે. તેમણે કહ્યું કે સરકાર આ નવા મધ્યમ વર્ગની આશાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત કાર્યરત રહેશે અને તેમના વિકાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.

    ‘હિન્દુ ગ્રોથ રેટ’ નહીં, ‘કોંગ્રેસ ગ્રોથ રેટ’ હતો

    ભૂતકાળની આર્થિક નીતિઓની ટીકા કરતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે દેશના ધીમા વિકાસને ‘હિન્દુ ગ્રોથ રેટ’નું નામ આપીને સમગ્ર સમાજ પર ખોટો ડાઘ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હકીકતમાં તે ‘કોંગ્રેસ ગ્રોથ રેટ’ હતો કારણ કે તે સમયગાળામાં ન તો અસરકારક શાસન હતું, ન તો દેશહિતમાં નિર્ણયો લેવાની રાજકીય ઇચ્છાશક્તિ હતી. મોદીએ કહ્યું કે કોંગ્રેસની નિષ્ફળતાઓનું ભારણ સમગ્ર દેશ પર લાદવામાં આવ્યું હતું.

    ભારત આજે વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા

    દેશની આર્થિક પ્રગતિ અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ દેશનો વિકાસ દર 7.8 ટકા રહ્યો હતો, જેના કારણે ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે.

    ટેકનોલોજી અને આત્મનિર્ભરતા તરફ ભારતની મોટી છલાંગ

    ભવિષ્યના વિકાસ અંગે વડાપ્રધાને કહ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ચિપ મેન્યુફેક્ચરિંગ, બેટરી સ્ટોરેજ, સ્પેસ ટેક્નોલોજી, ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મિશન મોડ પર કાર્ય કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે.

    ટૂંક સમયમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ એરક્રાફ્ટ બનશે

    પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં ભારત પોતાનું સંપૂર્ણ સ્વદેશી એરક્રાફ્ટ બનાવશે. તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ક્ષેત્રે દેશ ઝડપથી આત્મનિર્ભર બની રહ્યો છે અને ‘મેડ ઇન ઇન્ડિયા’ વિમાનોનું સપનું હવે દૂર નથી.

    ત્રીજી વખત સરકાર બનાવવી NDAની સામૂહિક જીત

    સંબોધનના અંતે વડાપ્રધાને NDAના તમામ સહયોગી પક્ષો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સતત ત્રીજી વખત સરકાર બનાવવાની સિદ્ધિને તેઓ પોતાની વ્યક્તિગત ઉપલબ્ધિ તરીકે નથી જોતા, પરંતુ NDA પરિવાર અને કરોડો કાર્યકર્તાઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ માને છે.

  • અમેરિકન સંસદ સમક્ષ બિલ ગેટ્સનું નિવેદન, કહ્યું- એપસ્ટિને મારી ભૂલનો ફાયદો ઉઠાવ્યો

    માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે અમેરિકન સંસદની સમિતિ સમક્ષ ખુલાસો કર્યો છે કે જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના લગ્નેતર સંબંધોને આધારે તેમને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકન સંસદની એક મહત્વપૂર્ણ સમિતિ સમક્ષ આપેલી જુબાની દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગેટ્સે જણાવ્યું કે કુખ্যাত જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિને તેમના જૂના લગ્નેતર સંબંધોને આધારે તેમના પર દબાણ બનાવવાનો અને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકામાં એપસ્ટિન સાથે સંકળાયેલા પ્રભાવશાળી લોકોના નેટવર્કની તપાસ ચાલી રહી છે.

    લગ્નેતર સંબંધોની વાતને હથિયાર બનાવી દબાણ કર્યું

    બિલ ગેટ્સે ‘હાઉસ ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી’ સમક્ષ જણાવ્યું કે એપસ્ટિને તેમની વ્યક્તિગત ભૂલનો ફાયદો ઉઠાવ્યો હતો. ગેટ્સના જણાવ્યા અનુસાર, તેમના લગ્નેતર સંબંધો અને એપસ્ટિન સાથેની મુલાકાતો વચ્ચે કોઈ સીધો સંબંધ નહોતો, છતાં એપસ્ટિને આ મુદ્દાને વધારી-ચઢાવીને તેમની સામે દબાણ ઉભું કર્યું હતું. ગેટ્સે કહ્યું કે આ સમગ્ર ઘટના તેમના પરિવાર માટે અત્યંત દુઃખદ સાબિત થઈ હતી.

    એપસ્ટિન સાથે માત્ર ચેરિટી સંબંધિત મુલાકાતો થઈ હતી

    ગેટ્સે સ્પષ્ટતા કરી કે એપસ્ટિન સાથે તેમની મુલાકાતો માત્ર પરોપકાર, વૈશ્વિક આરોગ્ય અને ફંડ એકત્રિત કરવા જેવા મુદ્દાઓ સુધી મર્યાદિત હતી. તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય એપસ્ટિનના ખાનગી ટાપુ, ફાર્મહાઉસ કે ફ્લોરિડાના નિવાસસ્થાને ગયા નહોતા. ગેટ્સે ભારપૂર્વક કહ્યું કે તેમની અને એપસ્ટિન વચ્ચે કોઈ વ્યક્તિગત મિત્રતા કે અંગત સંબંધો નહોતા.

    2014માં તમામ સંબંધો તોડી નાખ્યા હતા

    બિલ ગેટ્સે જણાવ્યું કે વર્ષ 2011માં તેઓ એપસ્ટિનના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ 2014માં તેમને સમજાયું કે એપસ્ટિન દ્વારા ચેરિટી માટે કરાયેલા વાયદા અને પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તેમણે એપસ્ટિન સાથેના તમામ સંબંધો સમાપ્ત કરી દીધા અને ફરી ક્યારેય સંપર્ક કર્યો નહીં. ગેટ્સે જણાવ્યું કે તે સમયે તેમને સ્પષ્ટ થઈ ગયું હતું કે એપસ્ટિન તેના વચનો પૂરા કરવાનો નથી.

    સાંસદોએ પૂછ્યા આકરા સવાલો

    સુનાવણી દરમિયાન ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષના સાંસદોએ બિલ ગેટ્સને સખત સવાલો પૂછ્યા હતા. સાંસદોએ પૂછ્યું કે જ્યારે એપસ્ટિનના ગુનાઓ અને સજા વિશે જાહેરમાં માહિતી ઉપલબ્ધ હતી, ત્યારે પણ ગેટ્સ તેની સાથે સંપર્કમાં કેમ રહ્યા. ગેટ્સે સ્વીકાર્યું કે તેમને એપસ્ટિનના ભૂતકાળ વિશે જાણ હતી, પરંતુ તેઓ તેના ગુનાઓની ગંભીરતાને સંપૂર્ણપણે સમજી શક્યા નહોતા.

    પીડિતો માટે ન્યાયની માંગ કરી

    સુનાવણીના અંતે બિલ ગેટ્સે જેફરી એપસ્ટિનના ગુનાઓનો ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે એપસ્ટિનના પીડિતોને યોગ્ય ન્યાય મળવો જોઈએ અને તેઓ આશા રાખે છે કે કાયદાકીય પ્રક્રિયા દ્વારા તેમને ન્યાય અપાશે.

  • AI સ્કેમથી ભારતીય બેંકો પર વધ્યો ખતરો, દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન

    ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાયબર છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર માટે નવા પડકારો ઉભા થયા છે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય બેંકો અને નાણાકીય સંસ્થાઓ AI આધારિત કૌભાંડોથી સૌથી વધુ પ્રભાવિત થઈ રહી છે. છેતરપિંડીના નવા-નવા માધ્યમો અને ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે બેંકિંગ સેક્ટર માટે સુરક્ષા જાળવવી વધુ મુશ્કેલ બની રહી છે.

    84 ટકા બેંકોએ નોંધ્યો ફ્રોડમાં વધારો

    તાજેતરના સર્વે અનુસાર ભારતમાં આશરે 84 ટકા બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન નાણાકીય છેતરપિંડીના કારણે થતા નુકસાનમાં વધારો નોંધ્યો છે. નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે AI ટેક્નોલોજીના ઉપયોગથી સાયબર ગુનેગારો વધુ આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેના કારણે પરંપરાગત સુરક્ષા વ્યવસ્થાઓને પડકાર મળી રહ્યો છે.

    છેતરપિંડીના પ્રયાસોમાં થયો રેકોર્ડબ્રેક વધારો

    સર્વેમાં સામેલ ભારતીય નાણાકીય નિષ્ણાતોમાંથી 90 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરપિંડીના પ્રયાસોમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉની સરખામણીએ આ વધારો ઘણો મોટો માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતા ગુનેગારોને નવા રસ્તા મળી રહ્યા છે.

    AIથી વધુ હાઈટેક બન્યા સાયબર ગુનેગારો

    ભારતના 93 ટકા નાણાકીય લીડર્સનું માનવું છે કે AIના કારણે સાયબર ક્રિમિનલ્સ વધુ સ્માર્ટ અને ટેક્નોલોજી આધારિત કૌભાંડો કરી રહ્યા છે. AI ટૂલ્સનો ઉપયોગ કરીને નકલી ઓળખ, ફિશિંગ અને ડીપફેક જેવી ટેક્નિકો વધુ અસરકારક બની રહી છે. જેના કારણે સાચા ગ્રાહક અને શંકાસ્પદ પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત ઓળખવો વધુ મુશ્કેલ બની રહ્યો છે.

    ફ્રોડની ઝડપથી બેંક અધિકારીઓ ચિંતિત

    ભારતીય બેંકિંગ ક્ષેત્રના 95 ટકા અધિકારીઓએ ફ્રોડની વધતી ઝડપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં પૂર્ણ થઈ જતા હોવાથી કૌભાંડની ઓળખ અને તેને રોકવા માટેનો સમય ખૂબ ઓછો રહે છે. સર્વે મુજબ લગભગ અડધી ભારતીય બેંકો દર વર્ષે 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 83 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવી રહી છે.

    UPI અને ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ બન્યા મુખ્ય નિશાન

    રિપોર્ટમાં જણાવાયું છે કે UPI અને અન્ય ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ સાયબર ઠગો માટે સૌથી સરળ નિશાન બની રહ્યા છે. ભારતના 66 ટકા બેંકિંગ લીડર્સે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને વધતા ડિજિટલ ફ્રોડનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધતા ગ્રાહકો માટે સુવિધા વધી છે, પરંતુ તેની સાથે જોખમ પણ વધ્યું છે.

    બેંકિંગ સેક્ટર માટે નવી સુરક્ષા વ્યૂહરચનાની જરૂર

    નિષ્ણાતોનું માનવું છે કે AI આધારિત છેતરપિંડીનો સામનો કરવા માટે બેંકોએ પણ AI આધારિત સુરક્ષા સિસ્ટમો અપનાવવી પડશે. રિયલ ટાઇમ મોનિટરિંગ, એડવાન્સ ફ્રોડ ડિટેક્શન અને ગ્રાહકોમાં સાયબર જાગૃતિ વધારવા જેવા પગલાં આગામી સમયમાં અત્યંત જરૂરી બનશે. નહીં તો ડિજિટલ બેંકિંગના વિસ્તરણ સાથે ફ્રોડના જોખમો વધુ વધી શકે છે.

  • દિલ્હીમાં ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ, લોરેન્સ ગેંગે જવાબદારી લીધાનો દાવો

    દિલ્હીમાં જીમ પર ફાયરિંગથી ખળભળાટ

    દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલા એક જીમ પર વહેલી સવારે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ જીમની બહાર અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

    કેરટેકરને મળી ઘટનાની જાણ

    ઘટનાની જાણ સવારે ત્યારે થઈ જ્યારે જીમનો કેરટેકર સ્થળ પર પહોંચ્યો હતો. જીમના કાચ તૂટેલા અને ગોળીના નિશાન જોવા મળતા તેણે તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ દિલ્હી પોલીસના અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ સ્થળ પરથી ખાલી કારતૂસ સહિતના પુરાવા એકત્ર કરીને તપાસ શરૂ કરી છે.

    ગુરુ રંધાવા સાથે જોડાયેલું છે જીમ

    તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હુમલો થયેલું ફિટનેસ સેન્ટર પંજાબી ગાયક ગુરુ રંધાવા સાથે સંકળાયેલું છે. ગુરુ રંધાવા આ ફિટનેસ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર હોવાનું તેમજ બ્રાન્ડના પ્રચાર સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ કારણસર ઘટનાને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

    લોરેન્સ ગેંગના નામે પોસ્ટ વાયરલ

    ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધાનો દાવો કર્યો છે. પોસ્ટમાં જણાવાયું છે કે ગુરુ રંધાવાને અગાઉ સલમાન ખાનથી દૂર રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સલમાન સાથે વધુ નજીક બની રહ્યા હતા. પોસ્ટમાં ગેંગના કેટલાક સભ્યોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    પોસ્ટની સત્તાવાર પુષ્ટિ નથી

    જોકે, વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટની સત્યતા અને તેના સ્ત્રોત અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે.

    CCTV અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ

    પોલીસે જીમની આસપાસના CCTV ફૂટેજ કબજે કર્યા છે અને હુમલાખોરોની ઓળખ માટે અલગ-અલગ ટીમોને કામે લગાડી છે. ખંડણી, ગેંગવોર, અંગત અદાવત સહિતના તમામ સંભવિત એંગલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોને ઝડપવા માટે વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

    ફિટનેસ ક્ષેત્રમાં સક્રિય છે ગુરુ રંધાવા

    ગુરુ રંધાવા લાંબા સમયથી ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપતા અભિયાનો સાથે જોડાયેલા છે. તેઓ અનેક ફિટનેસ બ્રાન્ડના ચહેરા તરીકે જાણીતા છે. તેમના નામ સાથે જોડાયેલા જીમ પર થયેલા હુમલાને કારણે આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી છે.

  • હવે દરરોજ 2 કલાક જનતાની ફરિયાદ સાંભળશે ગુજરાત પોલીસ, DGP મલિકનો મોટો નિર્ણય

    જનતાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે પોલીસ તંત્રની નવી પહેલ
    ગુજરાતમાં સામાન્ય નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો માટે ઉચ્ચ કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ હવે રાજ્યભરના પોલીસ અધિકારીઓ દરરોજ નક્કી કરેલા સમય દરમિયાન લોકોની ફરિયાદો સાંભળશે અને તેના ઝડપી નિકાલ માટે કાર્યવાહી કરશે. પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.
    ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે બપોરનો સમય નક્કી
    નવી સૂચના મુજબ રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, ડેપ્યુટી પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ દરરોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી પોતાની કચેરીમાં હાજર રહેવાનું રહેશે. આ સમય દરમિયાન તેઓ મુલાકાતે આવતા અરજદારોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત મામલાઓમાં જરૂરી સૂચનાઓ આપશે. જો કોઈ કારણસર મુખ્ય અધિકારી હાજર ન હોય તો કચેરીના અન્ય જવાબદાર અધિકારી દ્વારા અરજી સ્વીકારીને તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
    પોલીસ સ્ટેશન સ્તરે પણ જનસંપર્ક વધશે
    પોલીસ સ્ટેશન કક્ષાએ પણ વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. PI અને અન્ય થાણા અધિકારીઓ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની ફરિયાદો સાંભળશે. પોલીસ વિભાગનું માનવું છે કે આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે જ અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે અને લોકોને વારંવાર ઉચ્ચ કચેરીઓ સુધી જવું નહીં પડે.
    ફરિયાદોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી
    DGP દ્વારા ફરિયાદોના નિકાલ માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આર્થિક ગુનાઓ, પારિવારિક અને વૈવાહિક વિવાદો, તબીબી બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદોનો નિકાલ વધુમાં વધુ છ અઠવાડિયામાં લાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અન્ય સામાન્ય અરજીઓ અને રજૂઆતોનો નિકાલ 15 દિવસની અંદર પૂર્ણ કરવાનો રહેશે.
    દરેક અરજીની રહેશે નોંધ, ગુનો જણાશે તો FIR ફરજિયાત
    નવી વ્યવસ્થા હેઠળ તમામ કચેરીઓમાં અરજદારોની વિગતો નોંધવા માટે વિશેષ રજિસ્ટર જાળવવામાં આવશે. અરજી મળ્યાની તારીખથી લઈને તેની ઉપર થયેલી કાર્યવાહી સુધીની તમામ વિગતો તેમાં નોંધાશે. જો કોઈ અરજીની તપાસ દરમિયાન સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું સામે આવશે તો તાત્કાલિક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
    પોલીસ-જનતા વચ્ચેનો અંતર ઘટાડવાનો પ્રયાસ
    DGP જી.એસ. મલિકે તમામ અધિકારીઓને અરજીઓની તપાસ સંપૂર્ણ તટસ્થતા અને ન્યાયસંગત રીતે કરવા જણાવ્યું છે. પોલીસ વિભાગને આશા છે કે આ નવી વ્યવસ્થાથી જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે, ફરિયાદોના ઝડપી નિકાલમાં મદદ મળશે અને લોકો માટે પોલીસ તંત્ર વધુ સુલભ બનશે.