પેપર લીક બાદ ફરી યોજાશે NEET પરીક્ષા
NEET-UG પેપર લીક વિવાદ બાદ હવે 21 જૂને દેશભરમાં Re-NEET પરીક્ષા યોજાવા જઈ રહી છે. ગુજરાતના 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ સહિત દેશભરમાં લાખો ઉમેદવારો ફરી એકવાર પરીક્ષામાં બેસશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અમદાવાદના 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ
અમદાવાદ શહેરમાં કુલ 23 પરીક્ષા કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોનું કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 8 ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. પેપરના પરિવહન માટે પોલીસ એસ્કોર્ટ આપવામાં આવશે અને NTAની ગાઈડલાઈન મુજબ સુરક્ષા વ્યવસ્થા અમલમાં રહેશે.
સાયબર અને ક્રાઈમ બ્રાન્ચ પણ રહેશે એલર્ટ
પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર કોઈ અફવા કે ગેરમાર્ગે દોરતી માહિતી ન ફેલાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ સતત મોનિટરિંગ કરશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર પણ કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓ માટે દોડશે સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવે દ્વારા NEET ઉમેદવારોની વધારાની મુસાફરીને ધ્યાનમાં રાખીને ત્રણ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મણિનગર – બાંદ્રા ટર્મિનસ
ઓખા – ગાંધીનગર કેપિટલ
ભાવનગર ટર્મિનસ – ગાંધીગ્રામ
રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે.
રેલવે સ્ટેશન પર હેલ્પડેસ્ક શરૂ
વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને ટ્રેન, સમયપત્રક અને મુસાફરી અંગે માર્ગદર્શન આપવા માટે રેલવે કર્મચારીઓ તૈનાત રહેશે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને અનેક સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવશે.
રાજકોટમાં 12 કેન્દ્રો પર 5330 ઉમેદવારો
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 12 પરીક્ષા કેન્દ્રો પર 5330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રશ્નપત્રો એરફોર્સ મારફતે હવાઈ માર્ગે પહોંચાડવામાં આવશે. CISFના જવાનો અને સ્થાનિક પોલીસની સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રો કેન્દ્ર સુધી લઈ જવામાં આવશે. દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે.
સુરતમાં 22 કેન્દ્રો પર 10,301 વિદ્યાર્થીઓ
સુરત જિલ્લામાં કુલ 22 કેન્દ્રો પર 10,301 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. ઉમેદવારોને બપોરે 1:30 વાગ્યા બાદ પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટલ ડિટેક્ટર, બાયોમેટ્રિક ચકાસણી અને કડક સુરક્ષા તપાસ બાદ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે.
વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી
પેપર લીક બાદ યોજાઈ રહેલી Re-NEET પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર માટે પણ મોટી કસોટી સમાન બની છે. ડ્રોન સર્વેલન્સ, લાઈવ મોનિટરિંગ, CISF સુરક્ષા, સાયબર વોચ અને સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વચ્ચે આ વખતે પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા યોજવાનો તંત્રનો મોટો પડકાર રહેશે.
Leave a Reply