Tag: #crime

  • થરાદમાં પોલીસ પરિવારોનો ગર્જનાટ — ખાખી પર મળેલ ધમકી સામે જનઆક્રોશ

    રિપોર્ટર : કિરણ ચૌધરી, વાવ-થરાદ જિલ્લો

    જાહેર રેલીમાં મહિલાઓ, વેપારીઓ, પોલીસ પરિવારોનો ઉમળકો; જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવાયું.

    વાવ-થરાદ :
    ખાખીધારી પોલીસસદસ્યોને મળેલી ગર્ભિત ધમકીનાં મામલે આજે થરાદમાં પોલીસ પરિવારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતર્યા. શહેરમાં તંગદિલીનું માહોલ વચ્ચે પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મહિલા સંગઠન, વેપારી સંગઠન, દુકાનદારો અને પોલીસ કર્મચારીઓના પરિવારો હાજર રહ્યાં.

    આ રેલી દરમિયાન “જીગ્નેશ મેવાણી હાય હાય” ના નારા ગુંજ્યાં હતાં. સાથે જ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મહિલા અને વેપારી સંગઠનોએ આવેદનપત્ર પાઠવી સરકારને પગલાં લેવા વિનંતી કરી હતી.

    પટ્ટા ઉત્તરાવી દેવાના નિવેદનને લઈને ઉદ્ભવેલા વિવાદે સ્થાનિક સ્તરે ઉગ્રતા ફેલાવી છે. લોકોને લાગે છે કે આ પ્રકારના નિવેદનો ખાખીનો અપમાન કરે છે, જેના કારણે પોલીસ પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

    સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા અધિકારીઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે.
    આ સમગ્ર રેલી શાંતિપૂર્ણ રહી હતી પરંતુ લોકોએ પોતાની ભાવનાઓ સશક્ત રીતે વ્યક્ત કરી હતી.

  • સુંવાળા ગામથી ફરાર આરોપીની ધરપકડ પાછળની કહાની — LCBની સૂઝબૂઝ, બાતમીદાર ની ચતુરાઈ અને કાયદાની જીત

    વિશેષ તપાસ રિપોર્ટ — પ્રદીપ ઠાકોર

    અમદાવાદ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ તાજેતરમાં હાથ ધરેલી એક ચુસ્ત અને જોખમી કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે કાયદો કેટલો પણ મોડો કેમ ન પડે, પણ પહોંચે જરૂર છે.

    વિરમગામ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલો સંજય સંપત ભાઈ દંતાણી છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર ફરતો ફરાર આરોપી હતો.

    તેના વિરુદ્ધ વોરંટ હોવા છતાં, દંતાણી સતત ગામ બદલીને પોલીસને ચકમો આપતો રહ્યો.

    પરંતુ ગુનાના દોરા ને અંતે ચીરીને બહાર લાવવાનો સંકલ્પ LCB ની ટીમે લીધો અને ત્યાંથી શરૂ થઈ એક ગુપ્ત કામગીરી, જેમાં લોકલ બાતમીદાર, મેદાન નું મોનીટરીંગ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ત્રણેયનું અનોખું સંકલન થયું.

     ગુપ્ત માહિતીથી શરૂ થયેલી કાર્યવાહી

     

    LCB ના હેડ કોન્સ્ટેબલ અનુપસિંહ સોલંકી અને ઈસ્માઈલભાઈ મીરઝા ને બાતમી મળી કે દેત્રોજ તાલુકાના સુંવાળા ગામ નજીક કટોસણ – ઘનપુરા રોડ પર કોઈ વ્યક્તિ “લાંબા સમયથી ફરાર” એવા વર્ણન સાથે જોવા મળ્યો છે.આ માહિતી અચાનક મળી હતી — કોઈ રજિસ્ટર ઈનપુટ નહીં, પણ બાતમીદાર ના માધ્યમથી મળેલી ચોક્કસ ઇનપુટ.આ માહિતી મળતાં જ ટીમે વિલંબ કર્યા વગર મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું.

    સ્થળ ગ્રામ્ય હતું, પ્રકાશ ઓછો, આસપાસના રસ્તાઓ કાચા પણ ટીમે જોખમ લઈ રાત્રીના સમયે ટ્રેકિંગ શરૂ કર્યું.

     LCB ની મેદાનની તૈયારીઓ

    અનુપસિંહ સોલંકી અને ઇસ્માઇલભાઇ મીરઝા બંનેને ખબર હતી કે દંતાણી હથિયારધારી પણ હોઈ શકે છે અને તેની સાથે સહયોગી પણ હોઈ શકે છે.પરંતુ માહિતી ચોક્કસ હોવાથી તેઓએ સ્થળની સીલિંગ કરવાની યોજના બનાવી.મેદાનની પરિસ્થિતિ અનુકૂળ થતાં જ લાઇટ વિના વાહનનો ઉપયોગ કરીને રેડ પાડી અને દંતાણી ત્યાંથી ભાગી શકે તે પહેલાં તેણે કાબૂમાં લઈ લીધો.ઘટના સ્થળે કોઈ ગોળીબાર કે હિંસા ન થાય તે માટે ટીમે સંપૂર્ણ સાવચેતી રાખી.આ આખી કાર્યવાહી દરમિયાન માત્ર ચારથી પાંચ મિનિટમાં આખું ઓપરેશન પૂરું થયું, જે તંત્રની તાલીમ અને ચાતુર્ય દર્શાવે છે.

    કેસની પાછળની કહાની

    સંજય દંતાણી સામે વિરમગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.તે વિસ્તારના કુખ્યાત દારૂ સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલ હોવાની શંકા છે.તેની ધરપકડ પછી પોલીસે હવે દરેક કડી જોડવાની તપાસ શરૂ કરી છે —ખાસ કરીને કોણ કોણ તેની હેરાફેરીના રેકેટ માં સામેલ છે અને કોની મદદથી તે અત્યાર સુધી ફરાર રહ્યો.

     આંતરિક સૂત્રોની વાત

    LCB ના આંતરિક સૂત્રો જણાવે છે કે દંતાણી છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિક નેટવર્ક મારફતે સુરક્ષિત આશ્રય મેળવી રહ્યો હતો.તે સમયાંતરે ગામ બદલતો રહ્યો — ક્યારેક ખેત મજૂરીના બહાને, તો ક્યારેક માલ વાહક તરીકે —જેથી તે વિસ્તારની લોકલ ઓળખમાં ભળીને પોલીસને ભટકાવી શકે.પરંતુ બાતમીદારો એ તેની મોબાઇલ હિલચાલ અને નાણાકીય વ્યવહારનું ટ્રેકિંગ હાથ ધરતાં પટ્ટા અંતે સુંવાળા ગામ સુધી પહોંચ્યા.

     પોલીસની કાર્યવાહીનો વેગ

    હાલમાં દંતાણી ને વિરમગામ પોલીસને સોંપવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.સાથે સાથે તેની ધરપકડથી પ્રોહીબીશન નેટવર્ક ના અન્ય સભ્યો સુધી પહોંચવાની સંભાવના વધી છે.પોલીસ હવે તેની કોલ ડીટેઇલ, મોબાઇલ ડેટા અને ટ્રાવેલ હિસ્ટ્રી પરથી અન્ય આરોપીઓની શોધખોળમાં લાગી છે.

     LCB અધિકારીનો નિવેદન (અનામ શરતે):

    “આ ઓપરેશન માટે કોઈ વિશેષ ટીમ કે ભારે બળ નહીં, માત્ર બે જ અધિકારીઓ મેદાનમાં હતા.માહિતી સાચી હતી અને સમય યોગ્ય હતો.અમારી મુખ્ય સફળતા એ છે કે અમે એક પણ ગોળી વિના આરોપીને જીવતો પકડ્યો.”

     સ્થાનિક પ્રતિસાદ

    સ્થાનિક લોકોએ જણાવ્યું કે સુંવાળા–કટોસણ વિસ્તાર છેલ્લા સમયમાં પ્રોહીબીશન એક્ટ ના ગુનાઓ માટે હોટસ્પોટ બન્યો છે.આ ધરપકડથી લોકલ પોલીસને એક મોટો મોરલ બૂસ્ટ મળ્યો છે.એક ગ્રામજને કહ્યું —પહેલાં આવું થતું હતું કે દારૂના કેસમાં આરોપી વર્ષો સુધી ફરાર રહેતા, પણ હવે LCBની સક્રિયતા જોઈને લાગે છે કે કાયદો સચેત છે.

     વિશ્લેષણ — તપાસનો અર્થ માત્ર ધરપકડ નહીં

    આ કેસ માત્ર એક ફરાર આરોપીની ધરપકડ સુધી મર્યાદિત નથી.તે કાયદા અમલ તંત્રના તે ભાગને ઉજાગર કરે છે જ્યાં ઇન્ટેલિજન્સ અને મેદાની અનુભૂતિ વચ્ચેનું સંતુલન મહત્વનું બને છે.આ ઘટના બતાવે છે કે માનવ ગુપ્તચર તંત્ર હજી પણ ટેકનોલોજી કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

     સમાચાર ડાયરી નો મત..

    સંજય દંતાણીની ધરપકડ એ ફક્ત એક ગુનેગાર નો અંત નથી,પરંતુ એક પ્રણાલી, એક નેટવર્ક અને એક ગેરકાયદેસર વ્યવસાય પર કાયદાનો પ્રહાર છે.આ કેસના અનુસંધાનમાં આગળની તપાસથી કદાચ નવા નામો સામે આવશે અને જો તે થાય, તો આ ઘટના માત્ર “એક ધરપકડ” નહીં,પરંતુ ગુજરાતના પ્રોહીબીશન નેટવર્ક સામેનો મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ બની રહેશે.

  • લાંઘણજ પોલીસ ના પીઆઇ પરમાર ની અસામાજિક તત્વો સામે લાલ આંખ — બે જગ્યાએ દરોડા, 11 જુગારીઓ ઝડપાયા

    પીઆઈ પરમારના કાર્યભાર બાદ લાંઘણજ વિસ્તારમાં વધી પોલીસની સક્રિયતા — ટુંડાલી ગામની સીમ અને લાંઘણજ જૈન દેરાસર નજીક રેડ — રૂ. 25,000થી વધુ રોકડ સાથે 11 ઈસમો ઝડપાયા

     લાંઘણજ..

    પોલીસની સક્રિય કામગીરીથી જુગારિયા ઓમાં ફફડાટ

    મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ મથક હેઠળ છેલ્લા કેટલાક સમયથી જુગાર તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થતો હતો. પરંતુ પીઆઈ પરમારના આગમન બાદ પરિસ્થિતિમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે પોલીસની સતત કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ડરનો માહોલ છે.

     બે સ્થળે દરોડા — 11 જુગારીઓ ઝડપાયા

      લાંઘણજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ટુંડાલી ગામની સીમમાં જુગાર રમતા છ ઈસમોને રૂ. 25,000થી વધુ રોકડ રકમ અને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યા.થોડી જ વારમાં લાંઘણજ ગામના જૈન દેરાસર નજીકથી પાંચ જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા. બંને સ્થળે રોકડ રકમ, પત્તાની ગડીઓ અને અન્ય જુગારના સાધનો જપ્ત કરવામાં આવ્યા.

     ઝડપાયેલા ઈસમોના નામ:

    જુનેદ સમસુદ્દીન સૈયદ (નાગલપુર)

    ઇસ્માઇલ સાહેબખાન પઠાણ (મંડાલી)

    નેચુમ અનવર ખાન પઠાણ (ખોરજ)

    જાવેદ મોહમ્મદખાન પઠાણ (ટુંડાલી)

    ફિરોઝ સોરબખાન પઠાણ (ટુંડાલી)

    વજેસિંહ હરજી ઠાકોર (ટુંડાલી)

    અન્ય પાંચ ઈસમો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

     કાયદેસર કાર્યવાહી શરૂ

       લાંઘણજ પોલીસે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. રોકડ રકમ અને જુગારના સાધનો પુરાવા તરીકે જપ્ત કર્યા છે. બંને કિસ્સામાં કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

       પોલીસની આ સતત કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે “લાંઘણજ પોલીસની સતત હાજરી અને સક્રિયતા ગામમાં કાયદો-સુવ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.”

     અંતિમ ટિપ્પણી..

    લાંઘણજ પોલીસ મથકના પીઆઈ પરમારના નેતૃત્વ હેઠળ વિસ્તારની શાંતિ માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે. પોલીસની લાલ આંખથી હવે સ્પષ્ટ સંદેશ ગયો છે કે અસામાજિક પ્રવૃત્તિઓ માટે લાંઘણજ માં કોઈ જગ્યા નહીં રહે.

  • કડીમાં બેફામ ડમ્ફર ચાલકનો ઉપદ્રવ — વીજ થાંભલો રિક્ષા પર ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

    કડી (મહેસાણા):

       મહેસાણા જિલ્લાના કડી કસ્બા વિસ્તારમાં એક બેફામ ડમ્ફર ચાલકે મોટો અકસ્માત સર્જ્યો હતો. કડી શહેરના મોટા પીરના મકાન આગળ ઝડપથી દોડતા ડમ્ફર (નં. GJ 08 AW 8188) એ અચાનક વીજળીના તાર તોડી નાખ્યા હતા, જેના પરિણામે નજીકનો વીજ થાંભલો ધરાશાયી થઈ રિક્ષા પર આવી પડ્યો હતો.

      આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાનું કચ્ચરઘાણ નીકળી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અકસ્માત બાદ વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને થોડી વારમાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

    ચાલક નશાની હાલતમાં અને લાયસન્સ વગર હંકારતો હોવાનું ચર્ચાયું

       સ્થળ પરથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ ડમ્ફર ચાલક નશાની હાલતમાં વાહન હંકારતો હોવાનું તેમજ તેની પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હોવાની ચર્ચા થતા લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

       કસ્બા વિસ્તારના લોકો મુજબ, ચાલકે ડમ્ફરનું ટોલી ખુલ્લી રાખી બેફામ ઝડપે વાહન ચલાવ્યું, જેના કારણે વીજ તાર તૂટી પડ્યા અને થાંભલો ધડાકાભેર નીચે આવી ગયો.

    રિક્ષા ચાલકનો જીવ બચ્યો, પોલીસે તપાસ શરૂ કરી

          આ અકસ્માતમાં રિક્ષા ચાલક અતિ નજદીકથી બચી ગયો હતો. જો થાંભલો થોડી ક્ષણ પહેલા પડ્યો હોત, તો જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ડમ્ફર તથા ચાલકને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસે વાહનનો જપ્ત કરી નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવા અંગે પણ તપાસ શરૂ કરી છે.

    સ્થાનિકોમાં આક્રોશ — “બેફામ ડમ્ફર ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ”

        અકસ્માત બાદ કડી વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, શહેરના મુખ્ય માર્ગો પર રોજેરોજ બેફામ ડમ્ફર અને ટ્રક દોડે છે, પરંતુ તંત્ર તરફથી કડક પગલાં લેવામાં આવતા નથી.

     લોકોનું કહેવું છે કે જો આવી જ બેદરકારી ચાલુ રહેશે તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે છે.

  • કડીમાં આરોગ્ય કર્મી દ્વારા લાખો – કરોડો રૂપિયાનો છેતરપિંડી કાંડ 🔸 એકના ત્રણ કરવાની લાલચ આપી અનેક લોકોને રડાવ્યા — આરોગ્ય વિભાગના કર્મચારીની એપ્લિકેશન ઠગાઈથી હાહાકાર

    કડી શહેરમાં ફરી એક નવો કાંડ

        કડી શહેરમાં છેલ્લા થોડા સમયથી છેતરપિંડીના બનાવો વધતા જઈ રહ્યા છે. હજી તાજેતરમાં શિક્ષક દંપતીએ ઊંચા વ્યાજના ભુલકાં આપી કરોડો રૂપિયાનું છેતરપિંડી કાંડ સર્જ્યું હતું. તે કિસ્સો હજી શાંત પડ્યો નથી કે આરોગ્ય વિભાગમાં નોકરી કરતા એક કર્મચારીની નવી ઠગાઈ સામે આવી છે.

     એપ્લિકેશનમાં રોકાણના નામે લાખો ઉડાવ્યા

      નાની કડી વિસ્તારમાં રહેતા અને આરોગ્ય વિભાગની પ્રતિષ્ઠિત નોકરી કરતા ઈસમએ પોતાના મિત્ર વર્તુળો અને સગાસંબંધીઓને “એકના ત્રણ” કરવાની લાલચ આપી હતી.તે જણાવી રહ્યો હતો કે એક વિદેશી એપ્લિકેશનમાં રોકાણ કરવાથી રોજ યુરો (વિદેશી ચલણ)માં નફો મળે છે.

         શરૂઆતના થોડા દિવસો સુધી રોકાણકારોને નફા રૂપે રૂપિયા મળતા રહ્યા, પરંતુ બાદમાં ટ્રાન્ઝેક્શન એકાએક બંધ થઈ જતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો.

     ઠગાઈની પદ્ધતિ (Modus Operandi) – વિશ્વાસ જીતવાનો ખેલ

    આ આરોગ્ય કર્મી સામાન્ય રીતે જાહેર સ્થળોએ જઈને લોકોને મોટી મોટી વાતો કરતો જેમ કે મેં આ એપ્લિકેશનમાં રૂપિયા રોક્યા છે અને મને વિદેશી ચલણમાં નફો મળે છે તેમ કહી લોકોને આ એપ્લિકેશનથી રોજ વિદેશી ચલણમાં રૂપિયા મળે છે” એવો વિશ્વાસ અપાવતો અને માત્ર 

    “1000 દિવસમાં પૈસા ત્રણ ગણા થઈ જાય છે એવું કહી રોકાણ કરાવતો.પોતાની સરકારી નોકરી બતાવી વિશ્વાસ જીતતો શરૂઆતમાં નફો આપી વિશ્વાસ વધારતો અને બાદમાં એપ્લિકેશન બંધ થઈ ગઈ.

     રોકાણકારો માં આક્રોશ – રોકાણકારો હવે ઉઘરાણીની તૈયારીમાં

         પૈસા પરત ન મળતા હાલ રોકાણકારો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.મોટા નફાની લાલચમાં રોકાણ કરેલ રૂપિયા લાંબા સમય સુધી પરત ન આવતા રોકાણકારો હવે તે આરોગ્ય કર્મી પાસે કડક ઉઘરાણી કરી છે તો કેટલાક રોકાણકારો ઠગ બાજ ઇસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.શહેરમાં આ નવો કાંડ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

       પોલીસ તપાસની માંગ

         સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે કે આરોગ્ય વિભાગના આ કર્મચારી સામે તાત્કાલિક કડક તપાસ હાથ ધરી અન્ય લોકોને પણ છેતરાઈ જવાથી બચાવવામાં આવે.આરોગ્ય વિભાગના સરકારી કર્મચારી પર છેતરપિંડી ના આક્ષેપો સામે આવતા હવે તંત્ર પણ સતર્ક બન્યું છે.શક્ય છે કે આગામી દિવસોમાં આ કેસમાં મોટો ભાંડો ફૂટે..

    આગામી અંકમાં રોકાણકાર દ્વારા કરાયેલ રોકાણ અને ઠગનાર આરોગ્ય કર્મી ની કાળી કરતૂત સચોટ પુરાવા સહિત સામે આવશે.

    કોઈ રોકાણકાર આ વિષય ઉપર અમારો સંપર્ક કરવા ઈચ્છે તો અમને જાણ કરી શકે છે..

    9712990832 – First whatssapp msg only

  • કડી,જોટાણા સહિતના વિસ્તારોમાં ઝોલા છાપ તબીબોનો રાફડો ફાટ્યો :– પૂરતી ડિગ્રી વિના સારવાર,દર્દીઓના જીવ સાથે ખેલ

    મહેસાણા…

       મહેસાણા જિલ્લાના કડી, બહુચરાજી, જોટાણા સહિતના તાલુકાઓમાં આરોગ્ય ક્ષેત્રનો ચોંકાવનારો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. અહીં અનેક સ્થળોએ જેમ કે નાના ગામડાઓમાં,શહેરની સોસાયટી ની પાસે આવેલી દુકાનોમાં તથા નાના નાના ગલી મહોલ્લામાં એવા લોકો દર્દીઓને સારવાર આપતા જોવા મળી રહ્યા છે જેમણે M.B.B.S. ની ડિગ્રી નથી હોતી, છતાં તેઓ પોતાને “તબીબ” કહીને એલોપથી દવાઓ લખતા, ઇન્જેક્શન આપતા તથા બોટલ ચડાવતાં જોવા મળે છે.

          ડિગ્રી વિના એલોપથી પ્રેક્ટિસ

    અમારી તપાસમાં ખુલ્યું છે કે આવા તબીબો મોટાભાગે કોઈ પણ ડિગ્રી ધરાવતા નથી અથવા **B.A.M.S. (આયુર્વેદ) અથવા B.H.M.S. (હોમિયોપથી)**ની ડિગ્રી ધરાવે છે. કાયદા પ્રમાણે તેમને પોતાના ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવું જોઈએ, પરંતુ તેઓ એલોપથી દવાઓની પ્રેક્ટિસ કરી રહ્યા છે.આથી તેઓ નાગરિકોના આરોગ્યને જોખમમાં મૂકે છે.

      દર્દીઓ પર ખતરનાક અસર

    યોગ્ય જ્ઞાન વગર દવાઓ આપવાથી દર્દીઓને ગંભીર સાઇડ ઈફેક્ટ્સ થાય છે.

    ખોટી સારવારથી દર્દીની હાલત બગડવાની ઘટનાઓ પણ જોવા મળે છે.

    બોટલ ચડાવવાની આડમાં અયોગ્ય રીતે રૂપિયા વસૂલવાની ફરિયાદો સામે આવી રહી છે.

          કાયદેસર કાર્યવાહી શક્ય

          કાયદો આવા ઝોલા છાપ તબીબો સામે કડક છે:

    1. Indian Medical Council Act / NMC Act – માત્ર M.B.B.S. અને રજીસ્ટર્ડ ડોક્ટરોને જ એલોપથી પ્રેક્ટિસનો અધિકાર છે.

    2. Drugs and Cosmetics Act – ગેરકાયદેસર દવા આપનાર સામે ફોજદારી કેસ થઈ શકે છે.

    3. Indian Penal Code (IPC) – બેદરકારીથી મોત કે છેતરપિંડીના કેસમાં 304A અને 420 જેવી કલમો લાગુ થઈ શકે છે.

    4. Consumer Protection Act – દર્દી કે તેમના પરિવારજનોએ થયેલા નુકસાન બદલ સીધી ફરિયાદ કરી શકે છે.

                    ફરિયાદ ક્યાં કરવી?

    ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) – https://www.gmcgujarat.org પર ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે.

    National Medical Commission (NMC), ન્યુ દિલ્હી – https://www.nmc.org.in પર રજૂઆત કરી શકાય છે.

    જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO/CMO) – મહેસાણા જિલ્લા આરોગ્ય કાર્યાલયમાં લેખિત અરજી.

    પોલીસ સ્ટેશન – અનધિકૃત પ્રેક્ટિસ ગુનાહિત કૃત્ય હોવાથી FIR નોંધાવી શકાય છે.

    કન્ઝ્યુમર ફોરમ – ખોટી સારવારથી આર્થિક કે શારીરિક નુકસાન થયું હોય તો કેસ કરી શકાય છે.

                નાગરિકોની માંગ

    જિલ્લાના નાગરિકો હવે આવા નકલી તબીબો સામે કડક પગલા લેવાની માંગ ઉઠાવી રહ્યા છે. આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવા માટે આરોગ્ય વિભાગ, પોલીસ અને મેડિકલ કાઉન્સિલને એકસાથે કાર્યવાહી કરવી જરૂરી છે.

    ✦ તારણ

        “ઝોલા છાપ” તબીબોની ગેરકાયદેસર પ્રેક્ટિસ માત્ર કાયદાની વિરુદ્ધ નથી પરંતુ દર્દીઓના જીવ સાથે સીધી રમખાણ છે.

      મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગે હવે જાગૃત થઈને કડક કાર્યવાહી કરવી જરૂરી છે જેથી આવનારા સમયમાં કોઈ નિર્દોષ દર્દીનો જીવ આ પ્રકારની ગેરરીતિના કારણે જોખમમાં ન આવે.

  • યાત્રાધામ બહુચરાજીમાં હત્યા : મજાક મજાકમાં મિત્રએ છરીના ઘા મારી મિત્રનો જીવ લીધો

    યાત્રાધામ બહુચરાજીમાં ચોંકાવનારી ઘટના

     

         મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીમાં બનેલી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. મજાક-મસ્તીમાં શરૂ થયેલો વિવાદ એટલો વિકરાળ બન્યો કે અંતે એક મિત્રે બીજા મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાખી.

    છાપરામાં બેઠા હતા બંને મિત્રો

       માહિતી મુજબ, ગઈ કાલે બપોરના સમયે મહેસાણા-બહુચરાજી હાઇવે પર જલિયાણ ધામની સામે આવેલા એક છાપરામાં ટીનાભાઈ દેવીપૂજક અને નરશીભાઈ દેવીપૂજક નામના બે મિત્રો બેઠા હતા. બંને વચ્ચે શરૂઆતમાં મજાક-મસ્તી ચાલી રહી હતી. પરંતુ વાતો દરમિયાન અચાનક ઝઘડો સર્જાયો.

    ગુસ્સામાં છરી વડે હુમલો – સ્થળ પર જ મોત

       ઝઘડાના તાવમાં આવેલા આરોપી નરશીભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી મિત્ર ટીનાભાઈ પર હુમલો કર્યો. ગુસ્સામાં કરવામાં આવેલા આડેધડ છરીના ઘા એટલા ગંભીર હતા કે ટીનાભાઈ દેવીપૂજકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

    પરિવારજનોએ નોંધાવી ફરિયાદ – પોલીસની સક્રિયતા

     

    મૃતકના સગાઓએ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ આરોપી નરશીભાઈ દેવીપૂજક ફરાર છે.બહુચરાજી પોલીસે ટેકનિકલ હ્યુમન રિસોર્સિસ (THR) માધ્યમે આરોપીનું લોકેશન ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી નજીકના વિસ્તારમાં જ છુપાયેલો હોવાની સંભાવના વ્યક્ત કરી છે અને ટૂંક સમયમાં તેને ઝડપી પાડવાની શક્યતા છે.

    વિસ્તારમાં ભય અને ચર્ચાનું માહોલ

         આ અણધારી હત્યા કાંડથી બહુચરાજી સહિત સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનું માહોલ છે. સામાન્ય મજાકમાંથી જીવલેણ ઝઘડો સર્જાતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે મિત્રતાની મસ્તીમાં પણ કાબૂ ગુમાવવાથી કેવી રીતે જીંદગી બલી ચઢી જાય છે

    અહેવાલ.. પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

  • બહુચરાજીમાં જીઆરડી જવાનની સતર્કતા કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ચોર ઝડપાયો

    બહુચરાજી..

    ચોરી ના પ્રયાસ ને નિષ્ફળ બનાવવા બદલ પીઆઇ પી.એલ.વાઘેલાએ જીઆરડી જવાનનું સન્માન કર્યું

    મહેસાણા જિલ્લામાં બહુચરાજી ટાઉનમાં જીઆરડી યુનિટના જવાન બાબુભાઈ ખેંગારભાઈ રાઠોડની સતર્કતા અને બહાદુરીના કારણે બુધવારે રાત્રિના અંધકારમાં એક ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો.

        પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 29 – 30 સપ્ટેમ્બર ના રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બાબુભાઈ રાઠોડ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ટાઉન વિસ્તારમાં ફરજ બજાવતા હતા. એ સમયે, ઠાકોર સેંધાજી નાથુજી, રહે.ઇન્દ્રપુરા, તાં. દેત્રોજ જી. અમદાવાદ, લોખંડની રોડ સાથે રાખી ટાઉન વિસ્તારમાં ૩ થી ૪ દુકાનના તાળાઓ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જીઆરડી જવાન બાબુભાઈ રાઠોડે ચોરને રંગેહાથે પકડી, તેની ચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે ચોર ઉપર ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ચોરીઓ અંગે તપાસ ચાલી રહી છે.

        બહુચરાજી પોલીસ સ્ટેશન દ્વારા બાબુભાઈએ રાઠોડની નિષ્ઠા અને હિંમતની પ્રશંસા કરવામાં આવી છે. તેમના જાગ્રત રહેવાના કારણે ટાઉન વિસ્તારમાં સમાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ અને ચોરીના પ્રયાસને સમયસર અટકાવવામાં આવ્યો છે.

    પોલીસ દ્વારા આ પ્રકારના ગુનાખોરીના કેસોમાં, નાગરિકો પણ સાવધ રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય ત્યારે તાત્કાલિક પોલીસને માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે.

  • કડીમાં ગેરકાયદેસર ફટાકડાની દુકાન ખોલનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

    કડી માં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ ખોલનાર ની ખેર નથી

           કડી શહેર અને આસપાસ ના વિસ્તારોમાં દિવાળી તહેવાર ટાણે ફટાકડાની હાટડીઓ બિલાડીના ટોપ ની જેમ ખુલી જતી હોય છે. બે પાંચ પૈસા કમાવવાની લ્હાય માં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે.મોટા ભાગની હાટડીઓ સુરક્ષા નિયમોનું પાલન કર્યા વિના જ ચલાવવામાં આવતી હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી છે જેના પગલે આ વખતે સરકારે કડક વલણ અપનાવ્યું છે.વારંવાર થતી આગની ઘટનાઓના કારણે સરકાર તથા સ્થાનિક તંત્ર સાતેક થઈ ગયા છે .ગત વર્ષ બનાસકાંઠા ના ડીસા ખાતે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં 21 જેટલા મજૂરોના મોત થયા હતા અને સરકાર ની કામગીરી ઉપર આક્ષેપ થયા હતા.આ દુર્ઘટના પછી સરકારે ખાસ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) જાહેર કરી હતી જેમાં સુરક્ષા તથા આગ નિયંત્રણ ના નિયમો ફરજિયાત કરવામાં આવ્યા હતા.

    SOPના નિયમોનું કડક પાલન ફરજિયાત

       સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે SOP મુજબના નિયમોનું પાલન કર્યા વિના કોઈપણ વેપારીને હંગામી ફટાકડાના સ્ટોલ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં. ખાસ કરીને આગ બુઝાવવાના સાધનો, પૂરતી અંતરવ્યવસ્થા, સલામતીના ઉપાયો તથા મંજૂરીયુક્ત સંગ્રહ જગ્યા હોવી ફરજિયાત ગણાશે.

    કડીમાં ગેરકાયદેસર સ્ટોલ અને ગોડાઉન

        કડીમાં દર વર્ષે દિવાળી નજીક આવતા જ ફટાકડાની દુકાનો સુરક્ષા નિયમોને અવગણીને ચાલવા લાગે છે. ગત વર્ષે કડી પોલીસે એક ગેરકાયદેસર ગોડાઉનમાંથી મોટા પાયે ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વર્ષે આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે પોલીસ, નગરપાલિકા તથા જિલ્લા પ્રશાસન સક્રિય બની ગયું છે.

    મંજૂરી વિના દુકાન લગાવનાર વિરુદ્ધ કડક કામગીરી

          પ્રશાસન તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે “પૂર્વ મંજૂરી વિના ફટાકડાનો સંગ્રહ કરનાર અથવા ગેરકાયદેસર રીતે સ્ટોલ ચલાવનાર વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. લોકોની સલામતી સાથે સમજૂતી નહીં કરવામાં આવે.”

    સ્થાનિકોમાં ઉગ્ર રોષ

        તંત્રની આ કાર્યવાહીથી કડીમાં ગેરકાયદેસર દુકાન લગાવનાર વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે સ્થાનિક નાગરિકો સરકારના નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે. નાગરિકોનું કહેવું છે કે સુરક્ષાના અભાવે થતા આગના બનાવોમાં માનવીય જાનહાનિ અટકાવવા માટે આ પગલું અત્યંત જરૂરી છે. લોકોમાં આવા પૈસા પાછળ દોડતા વેપારીઓ સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

    ફટાકડાની દુકાનો માટે ફરજિયાત સલામતી નિયમો

    1. આગ બુઝાવવાના સાધનો (Fire Extinguisher) હોવા જોઈએ

    2. દુકાનો વચ્ચે પૂરતું અંતર રાખવું ફરજિયાત

    3.વીજ વાયરિંગ યોગ્ય રીતે ફીટ કરેલું હોવું જોઈએ

    4. ફટાકડાનો જથ્થો મંજૂરીયુક્ત મર્યાદા કરતાં વધારે ન હોવો જોઈએ

    5.સ્ટોલમાં ખુલ્લી અગ્નિ (દીવો, સિગારેટ, સ્ટોવ) સંપૂર્ણ પ્રતિબંધિત

    6.સ્ટાફને પ્રાથમિક અગ્નિશામક તાલીમ આપવી જરૂરી

    7. દુકાનદાર પાસે જરૂરી લાયસન્સ તથા દસ્તાવેજો હોવા ફરજિયાત

  • મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના CEO વિનોદ પટેલની ધરપકડ CID ક્રાઈમ દ્વારા કાર્યવાહી, રૂ.64 કરોડ લોન કૌભાંડની તપાસ શરૂ

    મહેસાણા:

    મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના CEO વિનોદ પટેલને CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બેંકમાંથી બિજલ મહેતા અને તેની પત્ની અમન મહેતાની માલિકીની કંપનીઓ – બાગેશ્રી ઇન્ફ્રા અને ઓમ ઇન્ફ્રાના નામે કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    2016 થી 2023 દરમ્યાન લેવામાં આવી 64 કરોડની લોન

    આરોપ મુજબ વર્ષ 2016 થી 2023 દરમ્યાન બેંકમાંથી કુલ રૂ.64 કરોડની લોન આપવામાં આવી હતી. આ લોન મંજૂરી દરમિયાન RBIની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

    મેળાપીપણામાં આપી લોન

    CEO વિનોદ પટેલે બિજલ મહેતા સાથેના મેળાપીપણાના કારણે લોન મંજૂર કરી, એવો આરોપ છે. જેના કારણે બેંકના નિયમો તથા પ્રક્રિયાનો ભંગ થયો હોવાની જાણકારી બહાર આવી છે.

    વધુ ધરપકડો

    આ કેસમાં ગાંધીધામ શાખાના મેનેજર પી.ટી. પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર કૌભાંડની CID ક્રાઈમ તપાસ કરી રહી છે.