રિપોર્ટર: મેહુલ પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો દ્વારા છુટતા કેમિકલ્સયુક્ત દૂષિત પાણીનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. નર્મદા નદીમાં પડતા કેમિકલ વેસ્ટ, ખેતીના પાકો પર થતાં નુકસાન અને પશુ-પક્ષીઓના મોતની ઘટનાઓ વચ્ચે એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝઘડિયા GIDC વિસ્તારમાં બ્લેકરોઝ કંપનીની પાછળની ખુલ્લી જગ્યામાંથી વહેતા પાણી પીવાથી એક સાથે આઠ ગાયોના મોત થયા હોવાનો આરોપ છે.
ગતરોજ બનેલી આ ઘટના અંગે પશુપાલક ગંગાદાસ ભાઇ ભરવાડે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, કંપનીની પાછળથી નીકળતું પાણી ભારે દુર્ગંધયુક્ત અને કેમિકલ્સ ભરેલું લાગે છે. આ પાણી પીતા જ થોડા સમયગાળા દરમિયાન ગાયો બેભાન થઈ પડી અને એક પછી એક મોત થતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
સ્થાનિક લોકોએ ઘણી વાર ઉદ્યોગોના બેદરકાર વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે, પરંતુ અસરકારક કાર્યવાહી ન થતા આવી ઘટના વારંવાર દોહરાતી હોવાનું લોકોનું કહેવું છે. આસપાસના ખેડૂતોનો પણ આક્ષેપ છે કે આ જ વિસ્તારમાંથી પસાર થતું દૂષિત નાળાનું પાણી ખેતીમાં જાય છે જે પાકને નુકસાન પહોંચાડે છે.
ઘટના બાદ ઝઘડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સાથે GPCB (Gujarat Pollution Control Board) ની ટીમને જાણ કરી હતી. GPCB અધિકારીઓએ ઘટનાસ્થળેથી પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. પાણીમાં હાનિકારક કેમિકલ્સ કે ઝેરિલા પદાર્થો છે કે નહીં તે અંગેની સ્પષ્ટતા રિપોર્ટ આવ્યા બાદ જ થશે.
ગ્રામજનો તથા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓની માંગ છે કે દોષિત કંપનીઓ સામે કડક કાર્યવાહી થઈ પર્યાવરણ અને જનજીવન સાથેનો ખેલખલાસ બંધ થાય.
આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે—
“શું ઉદ્યોગોનો અનિયંત્રિત વેસ્ટ ડિસ્પોઝલ ભરૂચ જિલ્લાના પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે ધીમી મોત સમાન નથી?”







