ગુજરાત કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત મુદ્દે મોટો નિર્ણય
ગાંધીનગર ખાતે 15 મેના રોજ મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને વધુ મજબૂત બનાવવા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને વિભાગીય અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ઘટાડવા તેમજ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કાપ મૂકવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મિટિંગ પર ભાર
કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ દરેક વિભાગને ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતાઓનું મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું. જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને કામગીરી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે બિનજરૂરી રીતે કર્મચારીઓને બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.
આવતીકાલથી 300 નવી ST બસો સેવામાં
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે આવતીકાલથી 300 નવી ST બસો સીધી રૂટ પર દોડાવવામાં આવશે. આ બસો માટે કોઈ ઉદ્ઘાટન સમારોહ નહીં યોજાય અને લોકોને તાત્કાલિક લાભ મળે તે માટે બસોને સીધી સેવા માટે મૂકવામાં આવશે.
કારપૂલિંગ માટે અધિકારીઓને સૂચના
સરકાર દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને કારપૂલિંગ અપનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એકથી વધુ વાહનના ઉપયોગને ઘટાડીને ઇંધણ બચત પર ભાર મૂકવામાં આવ્યો છે.
EV વાહનો અને ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન
રાજ્ય સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપશે. કેબિનેટ બેઠક દરમિયાન કેટલાક મંત્રીઓ EV સ્કુટી અને ઇલેક્ટ્રિક કાર દ્વારા સચિવાલય પહોંચ્યા હતા. પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે હવે EV વાહનો ભવિષ્યનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યા છે.
મંત્રીઓના કાફલામાં ઘટાડો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓ માટે પાયલોટિંગ અને સુરક્ષા કાફલાની ગાડીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી ખર્ચ ઘટાડવા ખાસ સૂચનાઓ
મુખ્યમંત્રીએ તમામ વિભાગોને ખર્ચ ઘટાડવા, ઇંધણનો મર્યાદિત ઉપયોગ કરવા અને સરકારી સ્તરે બિનજરૂરી કાર્યક્રમો ટાળવા જણાવ્યું હતું. લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં પણ મર્યાદિત વાહન વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે.
જીતુ વાઘાણીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ બાદ રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીએ પોતાનો અમેરિકા પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ યુનાઇટેડ નેશન્સના કાર્યક્રમમાં ભાગ લેવા જવાના હતા.
કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો
- વિભાગોને WFH મોડલ ચકાસવા સૂચના
- ઓનલાઈન મિટિંગને પ્રાધાન્ય
- 300 નવી ST બસો શરૂ કરવાનો નિર્ણય
- કારપૂલિંગને પ્રોત્સાહન
- EV વાહનોના ઉપયોગ પર ભાર
- મંત્રીઓના કાફલામાં ઘટાડો
- સરકારી ખર્ચમાં કાપ






