અમદાવાદથી રાજકોટ જતી બસમાં ચાંદી ઝડપાઈ
સ્ટેટ GST વિભાગે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી રાજકોટ જતી લક્ઝરી બસમાં દરોડા દરમિયાન આશરે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચાંદી સાથે મુસાફરી કરતા એક વ્યક્તિને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
મોટા ભાગની ચાંદીના બિલ મળ્યા નહીં
પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા જથ્થામાંથી આશરે 80 ટકા ચાંદી માટે કોઈ માન્ય બિલ કે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નહોતા. હાલ સ્ટેટ GSTએ સમગ્ર જથ્થો કબજે લઈને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.
રાજકોટ એરપોર્ટ કેસ સાથે જોડાણની તપાસ
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસ પહેલા રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 150 કિલોથી વધુ ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. સેન્ટ્રલ IBના ઇનપુટ આધારે થયેલા ઓપરેશનમાં કરોડો રૂપિયાની ચાંદી કબજે કરવામાં આવી હતી.
સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ
રાજકોટ એરપોર્ટ પર ઝડપાયેલા જથ્થાની તપાસમાં DRI, CGST, સ્ટેટ GST અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ જોડાઈ છે. હવે અમદાવાદથી ઝડપાયેલી ચાંદી અને એરપોર્ટ કેસ વચ્ચે કોઈ કડી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ થઈ છે.
ટેક્સ ચોરીનો એંગલ સામે આવ્યો
પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો ટેક્સ ચોરી સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વારાણસીથી મોકલાયેલા ચાંદીના જથ્થા માટે યોગ્ય ટેક્સ ભરાયો હતો કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
વારાણસીથી રાજકોટ સુધી ચાંદીનો સપ્લાય
તપાસમાં સામે આવ્યું છે કે વારાણસીની એક પેઢી દ્વારા વાયા મુંબઈ ફ્લાઈટ મારફતે રાજકોટ સુધી ચાંદી મોકલવામાં આવી હતી. આ જથ્થો રાજકોટના વેપારીઓ સુધી પહોંચાડવાનો હતો. હાલ રાજકોટના કેટલાક વેપારીઓ અને કુરિયર સંચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ચાંદી બજારમાં ફફડાટ
આ સમગ્ર ઘટનાના પગલે રાજકોટના સામાકાંઠા વિસ્તારની ચાંદી બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે. GST વિભાગે વેપારીઓના બિલ અને જૂના વ્યવહારોની પણ તપાસ શરૂ કરી છે.






