ગુજરાતમાં વરસાદી માહોલ, દરિયાકાંઠે એલર્ટ જાહેર
રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ (ICR-ER) દ્વારા માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરિપત્ર મુજબ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠે ખરાબ હવામાન અને તોફાની પવનની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે દરિયામાં જનારાઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
20 જૂને અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વાતાવરણ અસ્થિર રહેવાની સંભાવના છે.
દરિયામાં 60 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20થી 21 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક સમયે તેની ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ત્યારબાદ 23થી 24 જૂન દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ગુજરાત અને કોંકણ કાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે વરસાદી ઝાપટાં દરમિયાન તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
24થી 25 જૂન સુધી ખરાબ હવામાન યથાવત્ રહેશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે 24થી 25 જૂન દરમિયાન પણ ગુજરાત તથા ઉત્તર કોંકણના દરિયાકાંઠે તોફાની પવન અને ખરાબ હવામાનની સ્થિતિ યથાવત્ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં ઊંચા મોજા અને જોખમી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના હોવાથી માછીમારોને વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે.
માછીમારોને ઊંડા દરિયામાં ન જવા સૂચના
ગુજરાતમાં અંદાજે 36 હજારથી વધુ માછીમારી બોટ કાર્યરત છે અને રાજ્યની માછીમાર વસ્તી લગભગ 5.86 લાખ જેટલી છે. રાજ્ય દર વર્ષે 7થી 8.7 લાખ મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન કરે છે. આ વિશાળ માછીમારી વ્યવસાયને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને ઊંડા સમુદ્રમાં ન જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ એલર્ટ
ગુજરાત ઉપરાંત અરબી સમુદ્રના અનેક વિસ્તારો અને બંગાળની ખાડીમાં પણ ભારે પવન અને ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે. તંત્રે તમામ બંદરો, ફિશિંગ હાર્બર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત મોનિટરિંગ શરૂ કર્યું છે.
તંત્રની અપીલ
હવામાન વિભાગ અને રાજ્ય તંત્ર દ્વારા માછીમારો, બોટ સંચાલકો અને દરિયાકાંઠાના રહેવાસીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા, હવામાન અપડેટ પર નજર રાખવા અને જોખમી હવામાન દરમિયાન દરિયાકાંઠે બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે.







