પ્રેમ માટે પાકિસ્તાન ગઈ ફ્રેન્ચ મહિલા 12 વર્ષ સુધી કેદ! પતિ પર શારીરિક-માનસિક ત્રાસના ગંભીર આરોપ

પ્રેમ પછી શરૂ થયો દુઃખનો દોર
ફ્રાન્સની 54 વર્ષીય સિલ્વી યાસ્મિનાએ વર્ષ 2003માં એક પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બંને ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, પરંતુ વર્ષ 2014માં પરિવાર સાથે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સ્થાયી થયા. મહિલાના દાવા મુજબ, ત્યાં પહોંચ્યા બાદ તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.
12 વર્ષ સુધી ઘરમાં કેદ રાખ્યાનો આરોપ
સિલ્વીનો આરોપ છે કે તેમના પતિએ તેમને અને પાંચ બાળકોને લગભગ 12 વર્ષ સુધી બહારની દુનિયાથી અલગ રાખ્યા. ઘરની બહાર જવા, કોઈને મળવા કે ફોન વાપરવાની પણ મંજૂરી નહોતી. તેમણે શારીરિક અને માનસિક અત્યાચારનો પણ આરોપ લગાવ્યો છે.
બાળકોનું ભવિષ્ય પણ અંધકારમાં ધકેલાયું
મહિલાના જણાવ્યા મુજબ, બે મોટા બાળકોનો અભ્યાસ અધૂરો રહી ગયો, જ્યારે પાકિસ્તાનમાં જન્મેલા ત્રણ નાના બાળકોને ક્યારેય શાળામાં મોકલવામાં આવ્યા નહોતા. સમગ્ર પરિવાર વર્ષો સુધી સમાજથી સંપૂર્ણપણે અલગ રહ્યો.
પુત્રની હિંમતથી ખુલ્યો આખો ભેદ
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સિલ્વીના એક પુત્રએ કોઈ રીતે ઘરેથી ભાગીને પોલીસનો સંપર્ક કર્યો. માહિતી મળતા પોલીસે દરોડો પાડી મહિલાને અને તેમના પાંચેય બાળકોને મુક્ત કરાવ્યા. પરિવાર જર્જરિત હાલતમાં મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પતિની ધરપકડ, તપાસ ચાલુ
પોલીસે મહિલાના પતિ અહમદ ખાનની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બચાવાયેલા પરિવારને હાલ પેશાવરની મહિલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. સિલ્વીએ બાળકો સાથે ફ્રાન્સ પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે, મહિલાના તમામ આરોપોની કાનૂની તપાસ હજુ ચાલુ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *