સગાઈના આગલા દિવસે લોહિયાળ હુમલો: પિતાનું મોત છતાં આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી ન થતાં પરિવારમાં રોષ

સગાઈના ઘરમાં છવાયો માતમ
અમદાવાદના શાહીબાગ કેન્ટોમેન્ટ કોલોની વિસ્તારમાં 27 જૂને યોજાનારી સગાઈના એક દિવસ પહેલાં જ ખુશીઓનો માહોલ લોહિયાળ હુમલામાં ફેરવાઈ ગયો. પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે પડોશમાં રહેતા ચાર શખ્સો કથિત રીતે હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા અને જીવલેણ હુમલો કર્યો.
પિતા બળદેવભાઈનું સારવાર દરમિયાન મોત
ફરિયાદ મુજબ, હુમલામાં સાગર વાઘેલાના ભાઈઓ અને માતા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે પિતા બળદેવભાઈ પર સૌથી ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ચાર આરોપીઓ સામે ફરિયાદ, છતાં કાર્યવાહી નહીં
આ કેસમાં સુનિલ સોલંકી, શિન સોલંકી, સંજુ ઉર્ફે મહેન્દ્ર અને વિજય વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે પરિવારનો આરોપ છે કે ગંભીર ગુનો નોંધાયા બાદ પણ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
પરિવારમાં રોષ, ન્યાયની માંગ ઉગ્ર
પિતાના મોત અને સગાઈની ખુશી શોકમાં ફેરવાયા બાદ પરિવાર ભારે આઘાતમાં છે. પરિવારના સભ્યોએ જ્યાં સુધી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી અને ધરપકડ કરવાની માંગ ઉઠી રહી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ તપાસ ચાલુ હોવાનું દાવો
શાહીબાગ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. જોકે હજુ સુધી આરોપીઓ સામે પોલીસે કોઈ કડક કાર્યવાહી ન કરતાં અનેક સવાલો ઉભા થયા છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *