દિલ્હી NDAની ‘મંગલ મિલન’ બેઠકમાં ‘વંદે માતરમ’ના નારા, PM મોદી સહિત નેતાઓએ લહેરાવ્યો તિરંગો

રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે NDAના સાંસદોની ‘મંગલ મિલન’ બેઠકની શરૂઆત ‘વંદે માતરમ’ના નારા સાથે થઈ હતી. સંસદ પુસ્તકાલયમાં યોજાયેલી બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત NDAના અન્ય નેતાઓ તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા.બેઠક દરમિયાન સંસદના આગામી કામકાજ અને NDAની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. NDA સાંસદોએ સંસદ પરિસરમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને ઝારખંડ સરકાર સામે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

NDA સાંસદો દ્વારા સંસદમાં પોસ્ટરો સાથે પહોંચવાની પણ તૈયારી કરવામાં આવી હતી. જેમાં સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનના મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવા છતાં વિપક્ષ સંસદમાં ચર્ચાથી દૂર રહેતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગત અઠવાડિયે મળેલી ‘મંગલ મિલન’ બેઠક બાદ ભાજપના સાંસદોએ સરકારની સિદ્ધિઓ, રોજગાર, રમતગમત, આર્થિક વિકાસ અને સંસદીય કામગીરી અંગે વાત કરી હતી. ભાજપ સાંસદ દિનેશ શર્માએ ભારતની રોજગાર સ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો હતો અને સરકારની નીતિઓના પરિણામે 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ભાજપ સાંસદ મનોજ તિવારીએ બેઠકમાં વિવિધ વિકાસ યોજનાઓ અને સરકારની સિદ્ધિઓ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે વિપક્ષ પર સંસદીય કાર્યવાહી ખોરવવાનો આરોપ પણ લગાવ્યો હતો. NDA સાંસદોએ જરૂરી બિલો પસાર થાય તે માટે સંસદની કાર્યવાહી દરમિયાન પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો હોવાનું પણ જણાવાયું હતું.

‘મંગલ મિલન’ બેઠકનો હેતુ શું?

‘મંગલ મિલન’ બેઠકને NDA સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠકના નવા સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ NDAના સાથી પક્ષો વચ્ચે સંકલન વધારવાનો, સંસદના કામકાજ માટે ફ્લોર સ્ટ્રેટેજી તૈયાર કરવાનો અને વિવિધ મુદ્દાઓ પર સાથી પક્ષો વચ્ચે વધુ સારી રીતે ચર્ચા તથા સર્વસંમતિ બનાવવાનો છે.

બેઠકમાં NDAના વિવિધ સાથી પક્ષોના સાંસદોની ભાગીદારી વધારવા સાથે સંસદીય કામગીરીમાં તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *